Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

હઝકિયેલ 7 - પવિત્ર બાઇબલ C.L.


ઇઝરાયેલ સર્વનાશની સમીપ

1 પ્રભુએ મને સંદેશ દેતાં કહ્યું

2 “હે મનુષ્યપુત્ર, પ્રભુ પરમેશ્વર ઇઝરાયલ દેશને કહે છે કે, અંત નજીક છે, આખા દેશનો અંત આવી પહોંચ્યો છે.

3 તારો અંત નજીક આવ્યો છે. હું મારો કોપ તારા પર રેડી દઈશ અને તારાં આચરણ અનુસાર તારો ન્યાય કરીશ, અને તારાં ધિક્કારપાત્ર કાર્યોનો હું બદલો વાળીશ.

4 હું તારી દયા ખાઈશ નહિ કે તને છોડી દઈશ નહિ. હું તારાં આચરણ અનુસાર અને તારી મધ્યે ચાલતાં ધૃણાસ્પદ કામો માટે તને શિક્ષા કરીશ, ત્યારે તું જાણશે કે હું પ્રભુ છું.”

5 પ્રભુ પરમેશ્વર કહે છે, “તારા ઉપર આફત પર આફત આવી રહી છે.

6 અંત, અરે, તારો અંત જ આવી પહોંચ્યો છે. અત્યારે તે તારી સામે ખડો છે ને આવી લાગ્યો છે.

7 ઓ દેશના નિવાસીઓ, તમારું આવી બન્યું છે. સમય આવી પહોંચ્યો છે, પર્વતો પરનાં પૂજાસ્થાનોમાં હર્ષનાદનો નહિ, પણ ધાંધલધમાલનો એ દિવસ નજદીક છે.

8 હવે થોડી જ વારમાં હું મારો કોપ તમારા પર રેડી દઈશ અને મારો રોષ તમારા પર ઠાલવીશ. તમારા દુરાચાર અનુસાર તમારો ન્યાય કરીશ અને તમારી મધ્યે ચાલતાં ધૃણાસ્પદ કામો માટે તમને શિક્ષા કરીશ.

9 હું તમારી દયા ખાઈશ નહિ કે તમને જોઈને છોડી દઈશ નહિ. હું તમારાં આચરણ અનુસાર અને તમારી મધ્યે ચાલતાં ધૃણાસ્પદ કામો માટે તમને શિક્ષા કરીશ ત્યારે તમે જાણશો કે તમને સજા કરનાર તો હું પ્રભુ છું.

10 જુઓ, એ દિવસ આવી પહોંચ્યો છે. તમારો સર્વનાશનો દિવસ આવી પહોંચ્યો છે. હિંસા ખીલી ઊઠી છે અને અંહકાર ફાલ્યોફૂલ્યો છે.

11 હિંસા વકરીને દુષ્ટતાની લાઠી બની ગઈ છે. તેઓમાંનો કોઈ બચવાનો નથી. નથી તેમની ધનદોલત બચવાની, કે નથી તેમનો વૈભવ કે માનમરતબો રહેવાનાં.

12 સમય આવ્યો છે. દિવસ આવી પહોંચ્યો છે. ખરીદનાર હરખાઈ જવાના નથી કે વેચનાર દુ:ખી થવાના નથી, કારણ, મારો કોપ સર્વ પર એક્સરખો ઊતરશે.

13 વેચનાર વેચી નાખેલી વસ્તુ પાછી મેળવવા જીવવાનો નથી, કારણ પ્રભુનો કોપ સૌ પર એક્સરખો ઊતરનાર છે. દુષ્ટો બચી શકવાના નથી.


ઇઝરાયલનાં પાપની શિક્ષા

14 રણશિંગડું ફૂંક્ય છે, સૌને સાબદા કરવામાં આવે છે, પણ કોઈ યુદ્ધમાં જતું નથી, કારણ, મારો કોપ સમસ્ત સમુદાય પર એક્સરખો ઊતરવાનો છે.

15 નગર બહાર લડાઈ છે, અંદર રોગચાળો અને દુકાળ છે; જે કોઈ નગરની બહાર ખેતરમાં છે તે તલવારથી માર્યો જશે, જે કોઈ નગરમાં છે તે રોગચાળો અને દુકાળનો ભક્ષ થઈ પડશે.

16 જેઓ બચી જશે તેઓ ગભરાટમાં નાસી છૂટેલાં ખીણનાં પારેવાંની જેમ પર્વતો પર ભાગી છૂટશે. તેઓ સૌ પોતાનાં પાપને લીધે વિલાપમાં ઝૂરશે.

17 સૌના હાથ નિર્બળ અને ધૂંટણો પાણી જેવા ઢીલા થઈ જશે.

18 તેઓ શોકનાં વસ્ત્રો પહેરશે ને તેમનામાં આતંક છવાઈ જશે. સૌના ચહેરા પર શરમ અને માથે મુંડન હશે.

19 તેઓ પોતાનું રૂપું રસ્તાઓમાં ફેકી દેશે અને સોનું કથીર બની જશે. પ્રભુના કોપના દિવસે તેમનું સોનુરૂપું તેમને ઉગારી શકશે નહિ. તેનાથી નથી તેમની ભૂખ મટવાની કે નથી તેમનું પેટ ધરાવાનું; બલ્કે, તેમના દુરાચાર માટે એ સોનુરૂપું જ તેમને માટે ઠોકરરૂપ થયું છે.

20 એકવાર તેમને પોતાનાં સુંદર આભૂષણોનો ગર્વ હતો અને તેમાંથી જ તેમણે પોતાને માટે ધૃણાસ્પદ અને નફરતજન્ય મૂર્તિઓ બનાવી. તેથી હું તેમને માટે એ આભૂષણો વિષ્ટા જેવાં કરી દઈશ.

21 હું એ આભૂષણો વિદેશીઓના હાથમાં અને દુનિયાના દુર્જનોના હાથમાં લૂંટ તરીકે આપી દઈશ અને તેઓ તેને ભ્રષ્ટ કરશે.

22 વળી, હું તેમનાથી પણ વિમુખ થઈ જઈશ અને શત્રુઓને મારું પવિત્ર મંદિર ભ્રષ્ટ કરવા દઈશ. લૂંટારાઓ તેમાં પ્રવેશ કરીને તેને ભ્રષ્ટ કરશે.

23 “સાંકળો તૈયાર કરાવ, કારણ, આખા દેશમાં ખૂનરેજી અને નગરોમાં હિંસા વ્યાપ્યાં છે. બધે જ અંધાધૂંધી છે.

24 હું અધમમાં અધમ પ્રજાઓને લાવીશ, અને તેઓ તેમનાં ઘરો પચાવી પાડશે. હું બળવાનોનો ગર્વ ઉતારી પાડીશ અને હું તેમનાં પવિત્રસ્થાનોને ભ્રષ્ટ કરાવીશ.

25 આતંક આવી પડે ત્યારે તેઓ શાંતિની શોધ કરશે, પરંતુ તે તેમને મળશે નહિ.

26 વિપત્તિ પર વિપત્તિ આવી પડશે અને અફવા પર અફવા ચાલશે. તેઓ સંદેશવાહક પાસેથી સંદર્શન શોધશે; પરંતુ યજ્ઞકારો પાસેથી નિયમશાસ્ત્રના જ્ઞાનનો અને વડીલો પાસેથી સલાહશક્તિનો લોપ થશે.

27 રાજા શોક પાળશે અને રાજકુમાર નિરાશાથી ઘેરાઈ જશે અને લોકોના હાથ ભયથી કંપી ઊઠશે. હું તેમનાં આચરણ પ્રમાણે તેમની સાથે વ્યવહાર કરીશ, અને તેમના જ ચુકાદા પ્રમાણે હું તેમનો ન્યાય કરીશ. ત્યારે તેઓ જાણશે કે હું પ્રભુ છું.”

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan