હઝકિયેલ 6 - પવિત્ર બાઇબલ C.L.પ્રભુ મૂર્તિપૂજાને વખોડે છે 1 મને પ્રભુનો સંદેશ મળ્યો, 2 “હે મનુષ્યપુત્ર, ઇઝરાયલના પર્વતો તરફ દષ્ટિ કર અને તેમની વિરુદ્ધ મારો આ સંદેશ સંભળાવ. 3 હે ઈઝરાયલના પર્વતો, પ્રભુ પરમેશ્વરનો આ સંદેશો સાંભળો: પ્રભુ પરમેશ્વર પર્વતોને, ડુંગરાઓને, કોતરોને અને ખીણોને આમ કહે છે: હું તમારા પરનાં મૂર્તિપૂજાનાં ઉચ્ચસ્થાનોનો યુદ્ધથી નાશ કરીશ. 4 તમારી યજ્ઞવેદીઓ અને તમારી ધૂપવેદીઓ તોડી પાડવામાં આવશે. હું તમારા ક્તલ થયેલા માણસોને તમારી મૂર્તિઓ આગળ ફેંકી દઈશ. 5 હું ઇઝરાયલીઓની લાશો તેમની મૂર્તિઓ આગળ નાખીશ, અને હું તમારાં હાડકાં તમારી યજ્ઞવેદીઓ આસપાસ વિખેરી નાખીશ. 6 તમારા વસવાટનાં બધાં નગરો ઉજ્જડ કરી મુકાશે, તમારાં પૂજાનાં ઉચ્ચસ્થાનો ખંડિયેર બનાવવામાં આવશે, તમારી યજ્ઞવેદીઓ ભાંગી નખાશે, તમારી મૂર્તિઓ તોડી નાખવામાં આવશે. તમારી ધૂપવેદીઓના ટુકડેટુકડા કરી નાખવામાં આવશે, તમારા હાથની બધી કૃતિઓની હસ્તી મિટાવી દેવાશે. 7 તમારી મધ્યે કત્લેઆમ ચાલશે ત્યારે જેઓ બચી જશે તેઓ કબૂલ કરશે કે હું પ્રભુ છું. 8 “તોપણ હું તમારામાંથી કેટલાકને જીવતા રહેવા દઈશ, તેઓ સંહારથી બચી જઈને અન્ય દેશોમાં વિખેરાઈ જશે. 9 તમારામાંના બચી ગયેલા લોક એ પ્રજાઓની વચ્ચે દેશવટો ભોગવશે. તેઓ પોતાના મનની બેવફાઈને લીધે મારાથી વંઠી ગયા હતા અને તેમની આંખો તેમની મૂર્તિઓ પર મોહી પડી હતી. તેથી મેં જ તેમનાં મન હતાશ કરી નાખ્યાં છે એવું સમજતાં ત્યાં તેઓ મારું સ્મરણ કરશે. પોતાના દુરાચારો અને ઘૃણાજનક આચરણોને લીધે તેમને પોતાની જ જાત પર તિરસ્કાર પેદા થશે. 10 ત્યારે તેઓ જાણશે કે હું પ્રભુ છું અને મેં કહ્યું હતું કે, ‘હું તમારા ઉપર આ આપત્તિ લાવીશ.’ ત્યારે એ કેવળ પોકળ ધમકી નહોતી.” 11 પ્રભુ પરમેશ્વર કહે છે, “તારો હાથ ઝાટકી નાખ, તારો પગ પછાડ અને નિસાસા નાખ; કારણ, ઇઝરાયલી લોકોએ ધૃણિત દુષ્કર્મો કર્યાં છે. પરિણામે, તેઓ યુદ્ધથી, દુષ્કાળથી અને રોગચાળાથી માર્યા જશે. 12 દૂર રહેનારા રોગચાળાથી, પાસે રહેનારા તલવારથી અને જેઓ બચીને રહી જવા પામશે તેઓ દુષ્કાળથી માર્યા જશે. આ પ્રમાણે હું તેમના ઉપર મારો ક્રોધ શમાવીશ. 13 તેમની મૂર્તિઓની વચ્ચે અને વેદીઓની આસપાસ, એકેએક ડુંગર ઉપર, એકેએક પર્વતના શિખર ઉપર, એકેએક લીલાવૃક્ષ નીચે, એકેએક ઘટાદાર મસ્તગીવૃક્ષ, જ્યાંજ્યાં તેઓ પોતાની મૂર્તિઓ આગળ સુગંધીદાર ધૂપ બાળતા હતા ત્યાં ત્યાં મૃતદેહો વેરવિખેર પડેલા હશે, ત્યારે તેઓ બધાં જાણશે કે હું પ્રભુ છું. 14 હું તેમના પર મારો વિનાશકારી હાથ ઉગામીશ અને દક્ષિણના રણપ્રદેશથી માંડીને ઉત્તરના રિબ્લા નગર સુધીના તેમના વસવાટના સમગ્ર પ્રદેશને હું વેરાન બનાવી દઈશ, ત્યારે તેઓ જાણશે કે હું પ્રભુ છું. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide