હઝકિયેલ 5 - પવિત્ર બાઇબલ C.L.હઝકિયેલ પોતાનાં વાળદાઢી મૂંડે છે 1 પ્રભુએ કહ્યું, “હે મનુષ્યપુત્ર, તું હજામના અસ્ત્રા જેવી તીક્ષ્ણ તરવાર લે અને તેનાથી તારું માથું અને તારી દાઢી મૂંડ. પછી ત્રાજવાં લઈ વાળ તોળીને તેના ત્રણ સરખા ભાગ પાડ. 2 ઘેરાના દિવસો પૂરા થાય ત્યારે શહેરના મધ્ય ભાગમાં વાળનો ત્રીજો ભાગ અગ્નિમાં બાળી નાખ. પછી અન્ય ત્રીજો ભાગ લઈ શહેરની આસપાસ ફરતાં ફરતાં તેના તલવારથી ટુકડેટુકડા કરી નાખ, બાકીના ત્રીજા ભાગને તું હવામાં ઉડાવી દે, એટલે હું તેમની પાછળ ઉઘાડી તલવાર લાગુ કરી દઈશ. 3 એમાંથી થોડાક વાળ લઈને તારા અંગરખાની ચાળમાં બાંધી દે. 4 તેમાંથી થોડા વાળ લઈ અગ્નિમાં બાળી નાખ. તેમાંથી પ્રગટેલો અગ્નિ સમગ્ર ઇઝરાયલ પ્રજામાં ફેલાઈ જશે.” 5 પ્રભુ પરમેશ્વરે એની આવી સ્પષ્ટતા કરી, “યરુશાલેમ વિષે એવું જ થશે. મેં એ નગરને પૃથ્વીની મધ્યમાં ગોઠવ્યું છે, અને એની આસપાસ અન્ય દેશો આવેલા છે. 6 એણે તો દુરાચાર કરીને એ દેશોની બધી પ્રજાઓ કરતાં મારાં ફરમાનો અને હુકમો વિરુદ્ધ વિશેષ બંડ કર્યું છે. તેણે મારાં ફરમાનો ફગાવી દીધાં છે અને તે મારા હુકમો પ્રમાણે ચાલી નથી.” 7 તેથી પ્રભુ પરમેશ્વર તેને કહે છે, “તું તો તારી આસપાસની પ્રજાઓ કરતાં વધુ હુલ્લડખોર નીકળી છે. તું મારા હુકમો પ્રમાણે ચાલી નથી અને મારાં ફરમાનો પાળ્યાં નથી. પણ તેં તારી આસપાસની પ્રજાઓના રિવાજોનું પાલન કર્યુ છે.” 8 તેથી પ્રભુ પરમેશ્વર કહે છે, “હું પોતે પણ તારી વિરુદ્ધ છું અને બધી પ્રજાઓનાં દેખતાં હું તારા પર ન્યાયશાસન લાવીશ. 9 તારાં તિરસ્કારપાત્ર કૃત્યોને હું તને એવી સજા કરીશ કે જેવી મેં પહેલાં કોઈને કરી નથી ને હવે પછી કરવાનો નથી. 10 તેથી તારામાં વસતાં માબાપ પોતાનાં બાળકોને ખાશે અને બાળકો પોતાનાં માબાપોને ખાશે. હું તને સજા કરીશ અને તારા બચી ગયેલાંને ચારે દિશામાં વિખેરી નાખીશ. 11 હું પ્રભુ પરમેશ્વર મારા પોતાના સોગંદ ખાઈને કહું છું કે તારી સર્વ ધૃણાજનક વસ્તુઓ અને તારાં સર્વ ધિક્કારપાત્ર કાર્યોથી તેં મારા પવિત્રસ્થાનને ભ્રષ્ટ કર્યુ છે, તેથી હું પણ તને કાપી નાખીશ. મારી આંખ તારા પ્રત્યે દરગુજર કરશે નહિ અને હું જરાયે દયા દાખવીશ નહિ. 12 તારી ત્રીજા ભાગની વસતી તારામાં જ મહામારી અને ભૂખમરાથી મરી જશે. તારા ત્રીજા ભાગના લોકોનો શત્રુની તલવારથી સંહાર થશે અને ત્રીજા ભાગના લોકોને હું ચારે દિશામાં વિખેરી નાખીશ અને તેમની પાછળ ઉઘાડી તલવારે તેમનો પીછો કરીશ. 13 “એ રીતે મારો કોપ અને રોષ પૂરો થશે અને ત્યારે જ મને નિરાંત વળશે. મારો કોપ શમશે ત્યારે તેમને ખબર પડશે કે હું પ્રભુ મારા આવેશમાં બોલ્યો છું. 14 હું તને ખંડિયેર બનાવી દઈશ, અને તને તારી આસપાસની પ્રજાઓમાં અને તારી પાસે થઈને જનારા સર્વની દષ્ટિમાં નિંદાપાત્ર બનાવી દઈશ. 15 હું જ્યારે કોપમાં અને ક્રોધમાં તને ધાકધમકીથી સજા કરીશ ત્યારે આસપાસની પ્રજાઓ ભયથી કાંપશે; અને તેઓ તને મહેણાં મારશે, તું તેમને માટે ચેતવણીરૂપ બની જશે અને તેઓ તને જોઈને આશ્ર્વર્ય પામશે. 16 હું તને નષ્ટ કરવા માટે એ પ્રજાઓ પર પણ દુકાળનાં ઘાતક તીર ચલાવીશ, એમ હું દુકાળ ફેલાવીશ અને તારો અનાજનો પુરવઠો કાપી નાખીશ. 17 હું તારા ઉપર દુકાળ અને હિંસક પશુઓ મોકલીશ, તેઓ તારાં સંતાનોને ખાઈ જશે. હું તારો સંહાર કરવા તારા પર રોગચાળો, હિંસા અને યુદ્ધ મોકલીશ. હું પ્રભુ એ બોલ્યો છું.” |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide