Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

હઝકિયેલ 48 - પવિત્ર બાઇબલ C.L.


કુળો વચ્ચે દેશની ભૂમિના ભાગલા

1 હવે વહેંચણીમાં કુળોની વિગત આ પ્રમાણે છે: દેશની ઉત્તર સીમા આ રીતે પૂર્વ તરફ આગળ વધે છે: ભૂમધ્ય સમુદ્રથી હેથલોનના નગર સુધી, ત્યાંથી હમાથના ઘાટ સુધી, ત્યાંથી એનોન નગર સુધી, અને ત્યાંથી દમાસ્ક્સ અને હમાથની સરહદોની વચ્ચે સુધી જાય છે. ઉત્તરને છેડે આવેલો આ ભાગ દાનને મળશે.

2-7 દાન પછી દરેક કુળને પૂર્વથી પશ્ર્વિમ સુધી વિસ્તરેલો એક એક ભાગ એકબીજાની પડોશમાં એક પછી એક અનુક્રમે આ રીતે મળવો જોઈએ: પ્રથમ આશેર, પછી નાફતાલી, મનાશ્શા, એફ્રાઇમ, રૂબેન અને યહૂદા.

8 યહૂદાની ભૂમિવિસ્તારને અડીને આવેલો પૂર્વથી પશ્ર્વિમ સુધીનો ભાગ પવિત્ર છે. તે સાડા બાર કિલોમીટર પહોળો અને પૂર્વથી પશ્ર્વિમ સુધી કોઈપણ એક કુળના ભૂમિક્ષેત્ર જેટલી લંબાઈનો હશે. મંદિર તેની મધ્યમાં હશે.

9 જે ખાસ ભૂમિક્ષેત્ર તમે પ્રભુને સમર્પિત કરો તેની લંબાઈ સાડાબાર કિલોમીટર અને પહોળાઈ પાંચ કિલોમીટર હોય.

10 આ પવિત્ર ભૂમિવિસ્તારમાંથી યજ્ઞકારોને એક ભાગ મળશે. એ ભૂમિક્ષેત્રની પૂર્વપશ્ર્વિમ લંબાઈ સાડાબાર કિલોમીટર અને ઉત્તરદક્ષિણ પહોળાઈ પાંચ કિલોમીટર હોય. પ્રભુનું પવિત્રસ્થાન તેના મધ્યભાગમાં હશે.

11 આ પવિત્ર ભૂમિવિસ્તાર સાદોકના વંશના પવિત્ર યજ્ઞકારો માટે હશે. ઇઝરાયલીઓ ભટકી ગયા હતા ત્યારે તેમની સાથે લેવીઓ પણ આડે માર્ગે ગયા હતા. પણ સાદોકવંશના યજ્ઞકારોએ વિશ્વાસુપણે મારી સેવા બજાવી હતી.

12 તેથી લેવીઓને જે ભૂમિભાગ મળે તેની લગોલગ જ એમને એક વિશેષ ભૂમિભાગ મળવો જોઈએ, અને તે સૌથી પવિત્ર ભાગ ગણાશે.

13 લેવીઓને પણ યજ્ઞકારોના ભાગથી દક્ષિણે એક વિશેષ ભાગ મળે. એ પૂર્વપશ્ર્વિમ સાડાબાર કિલોમીટર અને ઉત્તરદક્ષિણ પાંચ કિલોમીટર હશે.

14 પ્રભુને અર્પિત ભાગ સૌથી ઉત્તમ હશે અને તેનો કોઈપણ અંશ વેચી શકાશે નહિ, બદલામાં આપી શકાશે નહિ કે એમાંથી કોઈ ભાગ અલગ કરી શકાશે નહિ. એ પવિત્ર છે અને પ્રભુની માલિકીનો છે.

15 વિશિષ્ટ ભૂમિવિસ્તારનો બાકી રહેલો સાડાબાર કિલોમીટર લાંબો અને અઢી કિલોમીટર પહોળો ભાગ નગર, વસ્તી અને પાદરને માટે સુરક્ષિત રહે. નગર તેની મધ્યમાં હોય.

16 નગરનું ક્ષેત્રફળ આ પ્રમાણે હોય. તે ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ર્વિમમાં સવા બે કિલોમીટર હોય,

17 શહેરની આસપાસ ચારે તરફ 125 મીટર પહોળા ખુલ્લાં પાદર હોય.

18 પવિત્ર ભૂમિભાગની દક્ષિણે શહેર બંધાઈ ગયા પછી પૂર્વમાં પાંચ કિલોમીટર લંબાઈની અને અઢી કિલોમીટર પહોળાઈની વધેલી જમીન તથા પશ્ર્વિમમાં પણ તે જ માપની વધેલી જમીન શહેરમાં રહેતા શ્રમજીવીઓ ખેડીને તેમાંથી પેદાશ મેળવે.

19 એ નગરમાં વસતા ઇઝરાયલના સર્વ કુળના શ્રમજીવીઓ એ જમીનમાં ખેતી કરી શકશે.

20 નગરના તાબામાં આવેલી જમીનની જેમ એ આખો અર્પિત ભૂમિવિસ્તાર ચોરસ હોય અને તેની ચોતરફની પ્રત્યેક બાજુ સાડાબાર કિલોમીટરની હોય.

21 બાકીનો ભાગ રાજર્ક્તાને ફાળે જાય; એટલે કે સમર્પિત ભૂમિક્ષેત્ર અને નગરના તાબાના ભૂમિવિસ્તારની સાડાબાર કિલોમીટરની જમીનથી શરૂ કરીને પૂર્વ તરફ પૂર્વની હદ સુધી અને પશ્ર્વિમે પણ સાડાબાર કિલોમીટરની જમીનથી શરૂ કરીને પશ્ર્વિમ સરહદ સુધીનો એનો ભાગ રહેશે. એ બે બાજુના ભાગ કુળોને અપાયેલા ભાગની સમાન્તર રહેશે અને પવિત્રસ્થાન સહિત સમર્પિત ભૂમિક્ષેત્ર એમની વચમાં રહેશે.

22 લેવીઓને ભાગે આવતી જમીન અને નગરની વિશેષ ભૂમિ રાજર્ક્તાના ભૂમિભાગની મધ્યમાં હશે. રાજર્ક્તાનો જમીન વિસ્તાર યહૂદા અને બિન્યામીનનાં કુળની સીમાઓ વચ્ચે હશે.

23-27 આ વિશેષ ભાગની દક્ષિણે આવેલ જમીનમાંથી બાકી રહેલ દરેક કુળને પૂર્વીય સરહદથી પશ્ર્વિમી સરહદ સુધી વિસ્તરેલો એક એક ભાગ નીચેના ક્રમ પ્રમાણે એકબીજાની લગોલગ મળશે: બિન્યામીન, શિમયોન, ઇસ્સાખાર, ઝબુલૂન અને ગાદ.

28 ગાદને મળેલ ભૂમિક્ષેત્રની લગોલગ દક્ષિણ બાજુની સરહદ તામારથી નૈઋત્યમાં કાદેશના રણદ્વીપ સુધી અને પછી વાયવ્યમાં ઇજિપ્તની સરહદે ભૂમધ્ય સમુદ્ર સુધી છે.

29 પ્રભુ પરમેશ્વરે કહ્યું, “આ પ્રમાણે તમારે ઇઝરાયલનાં કુળોને ચિઠ્ઠીઓ નાખીને જમીનની વહેંચણી કરી આપવાની છે, અને તેમના જુદા જુદા હિસ્સા ઉપર પ્રમાણે છે.”


યરુશાલેમના દરવાજા

30-34 યરુશાલેમ શહેરને બાર દરવાજા છે. ચાર બાજુની ચાર દીવાલો 2250 મીટરની છે અને પ્રત્યેકમાં ત્રણ દરવાજા છે અને ઇઝરાયલનાં કુળોનાં નામ પ્રમાણે દરવાજાનાં નામ પાડવામાં આવ્યાં છે. ઉત્તરની દીવાલમાંના દરવાજાનાં નામ રૂબેનનો દરવાજો, યહૂદાનો દરવાજો, અને લેવીનો દરવાજો છે; પૂર્વીય દીવાલમાંના દરવાજાનાં નામ યોસેફનો દરવાજો, બિન્યામીનનો દરવાજો અને દાનનો દરવાજો છે; દક્ષિણની દીવાલમાંના દરવાજાનાં નામ: શિમયોનનો દરવાજો, ઇસ્સાખારનો દરવાજો અને ઝબુલૂનનો દરવાજો છે; અને પશ્ર્વિમની દીવાલમાંના દરવાજાનાં નામ ગાદનો દરવાજો, આશેરનો દરવાજો અને નાફતાલીનો દરવાજો છે,

35 શહેરની આસપાસની દીવાલની લંબાઈ નવ હજાર મીટર છે. હવેથી શહેરનું નામ “યાહવે - શામ્માહ” એટલે ‘પ્રભુ અહીં છે’ રાખવામાં આવશે.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan