હઝકિયેલ 47 - પવિત્ર બાઇબલ C.L.મંદિરમાંથી વહેતા વહેળા 1 પછી તે મને મંદિરના પ્રવેશદ્વાર પર પાછો લાવ્યો. મંદિરના ઉંબરા નીચેથી પાણી પૂર્વ તરફ વહેતાં હતા; કારણ, મંદિરનું મુખ પૂર્વદિશામાં હતું. એ પાણી યજ્ઞવેદીની અને મંદિરની દક્ષિણ દિશાએ થઈને વહેતાં હતાં. 2 પછી તે મને ઉત્તરમુખી દરવાજેથી બહાર લઈ ગયો અને મને ફેરવીને પૂર્વમુખી દરવાજે લઈ ગયો. ત્યાં દરવાજાની દક્ષિણ બાજુએથી પાણીનું નાનું ઝરણું વહેતું હતું. 3 તેણે હાથમાં માપદોરી લીધી અને પૂર્વ તરફ ચાલીને પાંચસો મીટર અંતર માપ્યું. પછી તેણે મને પાણીમાં ચલાવ્યો. તે પાણી ધૂંટણસમાં હતાં. 4 એ પછી તેણે બીજા પાંચસો મીટર માપ્યા અને મને પાણીમાં ચલાવ્યો તે પાણી કમરસમા હતાં. 5 તેણે બીજા પાંચસો મીટર માપ્યા અને ત્યાં પાણી એટલું ઊડું હતું કે હું પાણીમાં ચાલી ન શક્યો. ત્યાં તર્યા વગર સામે કાંઠે જઈ શકાય તેમ નહોતું. 6 તેણે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, તું આ બધું ધ્યાન દઈને નોંધી રાખ.” 7 પછી તે મને નદી કિનારે પાછો લઈ ગયો. અને મેં જોયું તો નદીને બંને કિનારે ઘણાં વૃક્ષો હતાં. 8 તેણે મને કહ્યું, “આ પાણી અહીંથી પૂર્વ તરફ વહીને યરદનની ખીણમાં પડે છે અને છેવટે એ મૃતસમુદ્રમાં જઈને મળે છે. જ્યારે તે મૃતસમુદ્રને મળશે ત્યારે તેનાં ખારાં પાણીને મીઠાં પાણી બનાવી દેશે. 9 જ્યાં જ્યાં એ પાણી વહે છે ત્યાં ત્યાં સર્વ પ્રકારનાં પ્રાણીઓ અને માછલાંનાં ટોળેટોળાં જીવશે. એ નદી મૃતસમુદ્રનાં પાણીને પણ મીઠાં બનાવશે અને જ્યાં જ્યાં તે વહેશે ત્યાં ત્યાં જીવન પ્રસારશે. 10 એનગેદીના જલસ્રોતથી માંડી એન-એગ્લાઇમના જલસ્રોત સુધી સમગ્ર સમુદ્રકાંઠા ઉપર માછીમારો હશે અને ત્યાં તેઓ પોતાની જાળો સૂકવશે. ભૂમધ્ય સમુદ્રનાં માછલાંની જેમ ત્યાં પણ અનેક પ્રકારનાં માછલાં થશે. 11 પણ તેનાં કળણોનાં અને નાનાં તળાવોનાં પાણી મીઠાં થશે નહિ, પણ તેમાંથી મીઠું પકવવામાં આવશે. 12 એ નદીના બંને કિનારે અનેક પ્રકારનાં વૃક્ષો થશે, જે આહાર માટે ફળ આપશે. તેમનાં પાંદડાં કદી કરમાશે નહિ અને તેમને ફળ આવતાં કદી અટકશે નહિ. તેમને દર મહિને નવાં ફળ બેસશે, કારણ, તેમને સિંચનારું જળ મંદિરમાંથી વહે છે. તેમનાં ફળ ખાવાના કામમાં અને તેમનાં પાંદડાં ઔષધિના કામમાં આવશે.” દેશની સીમાઓ 13 પ્રભુ પરમેશ્વરે કહ્યું, “દેશની આ સરહદો છે; તે બારે કુળો વચ્ચે વહેંચવાની છે. માત્ર યોસેફના કુળને બે ભાગ મળે. 14 મેં તમારા પૂર્વજોને પ્રતિજ્ઞાપૂર્વક એ વચન આપ્યું હતું કે હું તેમને આ દેશ તેમના વારસા તરીકે આપીશ. હવે તમે એ ભૂમિ સરખે હિસ્સે વહેંચી લો. 15 “ભૂમિની ઉત્તરી સીમા ભૂમધ્ય સમુદ્રથી હેથલોન નગરના માર્ગે સદાદના નાકા સુધીની છે. 16 ત્યાંથી તે દમાસ્ક્સ અને બેરોથા અને સિબ્રાઇમનાં નગરો થઈને હૌરાનની સરહદે આવેલા હાસેર-હાત્તિકોન સુધી જાય છે. 17 આમ, ઉત્તરની સીમા ભૂમધ્ય સમુદ્રથી એનોન શહેર સુધી છે, અને તેની ઉત્તરે દમાસ્ક્સની સીમા અને હમાથ આવેલાં છે. આ ઉત્તરની સીમા છે. 18 “પૂર્વીય સીમા દમાસ્ક્સ અને હૌરાનના પ્રદેશની વચ્ચે થઈને દક્ષિણ તરફ જાય છે. યર્દન નદી તેની પૂર્વે આવેલ ઇઝરાયલના અને પશ્ર્વિમે આવેલ ગિલ્યાદના પ્રદેશ વચ્ચેની સરહદ બને છે. એ સરહદ છેક તામાર સુધી વિસ્તરે છે. આ પૂર્વ સીમા છે. 19 “દક્ષિણની સીમાનો તામારથી આરંભ થાય છે. તે તામારથી દક્ષિણમાં કાદેશનાં રણદ્વીપ પાસે થઈને ઇજિપ્તની સરહદે ભૂમધ્ય સમુદ્ર સુધી જાય છે. એ દક્ષિણની સીમા છે. 20 “પશ્ર્વિમી સીમા દક્ષિણની સીમાના પશ્ર્વિમી છેડાથી શરૂ થઈને હમાથ ઘાટની સામેના વિસ્તાર સુધી જાય છે. એ પશ્ર્વિમી સીમા છે. 21 “તમારે આ ઇઝરાયલ દેશને તમારાં કુળો વચ્ચે વહેંચી લેવો. 22 એ તમારી કાયમી સંપત્તિ થશે. તમે જમીનની વહેંચણી કરો ત્યારે તમારી મધ્યે વસતા પરદેશીઓ અને તેમને અહીં જે બાળકો થયાં છે તેમને પણ તમારે જમીનની વહેંચણીમાં ભાગ આપવો. તેમને પણ જાતભાઈઓ એટલે ઇઝરાયલીઓ જેવા ગણવા અને તેમને પણ ઇઝરાયલનાં કુળોની સાથે ચિઠ્ઠીઓ નાખી જમીનની વહેંચણી કરવી. 23 પરદેશીઓ ઇઝરાયલના જે કુળ સાથે વસવાટ કરતા હોય તે કુળ સાથે તેમને ભૂમિમાં ભાગ મળવો જોઈએ.” પ્રભુ પરમેશ્વર એમ કહે છે. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide