હઝકિયેલ 45 - પવિત્ર બાઇબલ C.L.દેશની જમીનમાં પ્રભુનો હિસ્સો 1 “જ્યારે તમે ચિઠ્ઠી નાખીને ઇઝરાયલ દેશની ભૂમિનું વિભિન્ન કુળો વચ્ચે વિતરણ કરો ત્યારે ભૂમિનો એક ભાગ પ્રભુને માટે અલગ કરવો. પ્રભુને અર્પિત ભૂમિની લંબાઈ સાડા બાર કિલોમીટર અને પહોળાઈ પાંચ કિલોમીટર રાખવી. આ સમગ્ર ભૂમિ વિસ્તાર પ્રભુને માટે પવિત્ર ગણાય. 2 એમાં પ્રત્યેક બાજુ બસો પચાસ મીટરની હોય એવી સમચોરસ જગ્યા મંદિર માટે રાખવી. તેની ચારે તરફ પચીસ મીટર પહોળી ખુલ્લી જગા રાખવી. 3 દેશના પવિત્ર ભૂમિક્ષેત્રમાંથી સાડા બાર કિલોમીટર પહોળાઈ ધરાવતો ટુકડો અલગ રાખવો. તેમાં મંદિર અને પરમ પવિત્ર સ્થાન થશે. 4 એ દેશનો પવિત્ર ભાગ ગણાશે. આ ભાગ તો પ્રભુના પવિત્રસ્થાનમાં જઈને તેમની સેવાભક્તિ કરનાર યજ્ઞકારો માટે અલગ કરાશે. આ જગા યજ્ઞકારોનાં નિવાસસ્થાનો અને પવિત્રસ્થાન માટે અલગ રાખવામાં આવે. 5 બાકીનો ભાગ મંદિરમાં વિવિધ પ્રકારનાં સેવાકાર્ય કરનાર લેવીઓ માટે અલગ રાખવો. એની માલિકી લેવીઓની રહેશે, અને તેમાં તેઓ પોતાનાં નગરો વસાવશે. 6 “પવિત્ર ભૂમિક્ષેત્રની અડોઅડ એક બીજો ભાગ પવિત્ર નગરના તાબામાં અલગ રાખવો. આ ભૂમિવિસ્તાર પર બધા ઇઝરાયલીઓની માલિકી રહેશે. જમીનનો તે ભાગ સાડાબાર કિલોમીટર પહોળો રહેશે. શાસકો માટેની જમીન 7 “રાજર્ક્તા માટે પણ ભૂમિમાંથી અલગ ભાગ રાખવો. અર્પિત થયેલી પવિત્રભૂમિ અને નગરના તાબાની લગોલગ તેમની બંને તરફ પશ્ર્વિમમાં પશ્ર્વિમ સરહદ સુધી અને પૂર્વમાં પૂર્વ સરહદની વચ્ચે એમની જમીન રાખવી. ઇઝરાયલનાં કુળોની ફાળવેલ જમીનની સમાન્તર અને તેની લંબાઇના પ્રમાણમાં તેમને જમીન આપવી. 8 ઇઝરાયલ દેશની આટલી જ ભૂમિ પર રાજર્ક્તાનો અધિકાર રહેશે, જેથી એ લોકો પર જુલમ ગુજારે નહિ અને દેશનો બાકીનો ભૂમિ વિસ્તાર ઇઝરાયલનાં કુળો પાસે રહેવા દે.” 9 પ્રભુ પરમેશ્વર કહે છે: “હે ઇઝરાયલના રાજર્ક્તાઓ, આટલેથી બસ કરો; તમારી હિંસા અને અત્યાચાર અટકાવી દો. અદલ અને પ્રામાણિક વ્યવહાર કરો. તમે મારા લોકોને તેમની ભૂમિમાંથી કદી હાંકી કાઢતા નહિ.” પ્રભુ પરમેશ્વર પોતે તમને એ પ્રમાણે કહે છે. સાચાં તોલમાપ 10 “સૌએ સાચાં ત્રાજવાં અને વજનિયાં વાપરવાં. 11 ઘનમાપ એફાહ તથા પ્રવાહી- માપ બાથ પ્રમાણિત માપનાં હોવા જોઈએ; એટલે કે બાથમાં હોમેરનો દસમો ભાગ સમાતો હોવો જોઈએ, અને એફાહમાં પણ હોમેરનો દસમો ભાગ સમાવો જોઈએ. તમારાં માપ હોમેરને ધોરણે હોય. (હોમેરનું જ માપ પ્રમાણિત ગણાય) 12 તમારો વજન કરવાનો શેકેલ વીસ ગેરાનો હોવો જોઈએ, તમારો મીના સાઠ શેકેલનો હોવો જોઈએ. 13 તમે મંદિરમાં ભેટ ચડાવો ત્યારે તેનાં માપ આ પ્રમાણે હોય: ધાન્યના માપ પ્રમાણે એક હોમેર એફાહના છઠ્ઠા ભાગ પ્રમાણે નીચે મુજબ અર્પણ લાવવું: ઘઉં: ફસલનો સાઠમો ભાગ. જવ: ફસલનો સાઠમો ભાગ. 14 ઓલિવનું તેલ: તમારાં વૃક્ષોની ફસલનો સોમો ભાગ. કારણ, પ્રવાહી માપ પ્રમાણે તમારે એક દશાંશ બાથ અર્પણ લાવવાનું છે. 1 કોર બરાબર 10 બાથ અને 10 બાથ બરાબર 1 હોમેર થતા હોવાથી દર હોમેરે સોમો ભાગ અર્પણમાં લાવવાનો રહે છે. 15 ઘેટાં: ઇઝરાયલનાં રસાળ ચરાણોનાં દર બસો ઘેટાંએ એક ઘેટું તમારે તમારા પાપનાં પ્રાયશ્ર્વિત માટે ધાન્યઅર્પણ, દહનબલિ અને સંગતબલિ માટેનાં પશુ લાવવાં.” પ્રભુ પરમેશ્વર એમ કહે છે. 16 દેશના સર્વ લોકોએ રાજર્ક્તાને આ પ્રમાણે ભેટ આપવી. 17 રાજર્ક્તાએ નિયત પર્વો એટલે સાબ્બાથે, ચાંદ્ર માસના પ્રથમ દિવસે અને અન્ય સર્વ તહેવારોએ દહનબલિ, ધાન્યઅર્પણ અને દ્રાક્ષાસવ- અર્પણ પૂરાં પાડવાં. તેણે ઇઝરાયલીઓનાં પાપના પ્રાયશ્ર્વિત માટે પ્રાયશ્ર્વિતબલિ, ધાન્ય અર્પણ અને સંગતબલિ પૂરાં પાડવાં.” ધાર્મિક પર્વો ( નિર્ગ. 12:1-20 ; લેવી. 23:33-43 ) 18 પ્રભુ પરમેશ્વરે કહ્યું: “પ્રથમ માસના પ્રથમ દિવસે તમારે ખોડખાંપણ વગરના જુવાન આખલાનો બલિ ચડાવવો અને મંદિરને શુદ્ધ કરવું. 19 યજ્ઞકારે પ્રાયશ્ર્વિત માટેના બલિનું થોડુંક રક્ત લેવું અને તેને મંદિરની બારસાખો પર, યજ્ઞવેદીના પાયાના ચારે ખૂણાઓ પર અને અંદરના ચોકના દરવાજાની બારસાખો પર લગાડવું. 20 મહિનાના સાતમે દિવસે પણ એ જ પ્રમાણે કરવું. જેણે ભૂલથી કે અજ્ઞાનતાથી પાપ કર્યું હોય તેને માટે પ્રાયશ્ર્વિતબલિ ચડાવવો. આ રીતે તમારે મંદિરને પવિત્ર રાખવું. 21 પ્રથમ માસના ચૌદમા દિવસે તમારે પાસ્ખાપર્વની ઉજવણીનો આરંભ કરવો. સાત દિવસો સુધી દરેકે ખમીર વગરની રોટલી જ ખાવી. 22 પર્વના પ્રથમ દિવસે ઇઝરાયલ દેશના રાજર્ક્તાએ પોતાનાં અને લોકોનાં પાપના પ્રાયશ્ર્વિત માટે એક આખલો પ્રાયશ્ર્વિતબલિ તરીકે ચડાવવો. 23 પર્વના સાતેય દિવસો દરમ્યાન તેણે દહનબલિ તરીકે પ્રભુને સાત આખલાઓ અને ખોડખાંપણ વગરના સાત ઘેટા ચડાવવા. તેણે પ્રાયશ્ર્વિતબલિ તરીકે પ્રતિદિન એક બકરો ચડાવવો. 24 બલિ તરીકે ચડાવાયેલા પ્રત્યેક આખલા અને ઘેટા દીઠ એક એફાહ લેખે લગભગ સાડાસત્તર કિલો ધાન્ય-અર્પણ અને દર એફાહે એક હીન લેખે ત્રણ લિટર ઓલિવતેલ પણ ચડાવવા. 25 સાતમા માસના પંદરમા દિવસથી આરંભાતા માંડવાપર્વ માટે પણ રાજર્ક્તાએ સાતેય દિવસ આવાં જ પ્રાયશ્ર્વિતબલિ, દહનબલિ અને ધાન્યઅર્પણ તથા ઓલિવ તેલના પેયાર્પણ ચડાવવાં. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide