હઝકિયેલ 44 - પવિત્ર બાઇબલ C.L.પૂર્વના દરવાજાનો ઉપયોગ 1 તે માણસ મને મંદિરની બહારના પૂર્વમુખી દરવાજા પાસે પાછો લઈ ગયો. તે બંધ હતો. 2 પ્રભુએ મને કહ્યું: “આ દરવાજો બંધ રહેશે. એને કદી ઉઘાડવામાં ન આવે. કોઈ માણસે તેમાં થઈને મંદિરમાં પ્રવેશ કરવો નહિ. કારણ, મેં, ઇઝરાયલના પ્રભુ, ઈશ્વરે તેમાં થઈને મંદિરમાં પ્રવેશ કર્યો છે. એ માટે તેને બંધ જ રાખવો. 3 માત્ર રાજર્ક્તા પ્રભુની સમક્ષ રોટલી ખાવા ત્યાં બેસી શકે. તેણે દરવાજાના પ્રવેશમાર્ગે દાખલ થવું અને એ જ માર્ગે પાછા જવું.” મંદિરમાં પ્રવેશ કરવાના નિયમો 4 પછી તે મને ઉત્તરને દરવાજેથી મંદિરની આગળ લાવ્યો. મેં જોયું તો પ્રભુનું મંદિર પ્રભુના ગૌરવથી ભરાઇ ગયું હતું. મેં ભૂમિ પર શિર ટેકવીને પ્રણામ કર્યા. 5 ત્યારે પ્રભુએ મને કહ્યું: “હે મનુષ્યપુત્ર, તું જે કંઈ જુએ અને સાંભળે તે પ્રત્યે લક્ષ આપ. હું તને મંદિરના નિયમો અને ધર્મવિધિઓ જણાવું છું. કઈ કઈ વ્યક્તિઓ મંદિરમાં આવજા કરી શકે અને કઈ કઈ વ્યક્તિઓ માટે મંદિરમાં આવજા કરવાની મનાઈ છે તે અંગે તું બરાબર ધ્યાન આપ. 6 “તું ઇઝરાયલના એ બંડખોર લોકોને જણાવ કે પ્રભુ પરમેશ્વર આ પ્રમાણે કહે છે: હે ઇઝરાયલીઓ, હવે તમારાં ઘૃણાસ્પદ કાર્યો બંધ કરો. 7 મને રોટલી, બલિની ચરબી અને રક્ત ચડાવાતાં હોય ત્યારે તમે મારી આજ્ઞા ન પાળતાં, તન અને મનથી બેસુન્નત એવા પરપ્રજાજનોને મારા મંદિરમાં લાવીને તમે તેને અપવિત્ર કર્યું છે. તમે તમારાં ઘૃણાસ્પદ આચરણોથી મારા કરારનો ભંગ કર્યો છે. 8 તમે પોતે મારા મંદિરમાં પવિત્ર સેવાકાર્ય કર્યાં નથી. પણ તમે પરપ્રજાજનોને એ કામોની જવાબદારી સોંપી છે. 9 “હું, પ્રભુ પરમેશ્વર જાહેર કરું છું કે તન અને મનની સુન્નત ન કરાવી હોય તેવો કોઈ પરપ્રજાજન મારા મંદિરમાં પ્રવેશ કરે નહિ. ઇઝરાયલી લોકો સાથે વસતો કોઈ પરપ્રજાજન પણ મારા મંદિરમાં પ્રવેશ કરી શકશે નહિ.” 10 પ્રભુએ મને કહ્યું: “બીજા ઇઝરાયલીઓ સાથે જે લેવીઓએ પણ મારો ત્યાગ કર્યો હતો અને મૂર્તિઓની ઉપાસના કરી હતી, તેની સજા તેમણે ભોગવવી પડશે. 11 તેઓ મારા મંદિરના દ્વારપાલ થાય અને મંદિરમાં સેવાનાં પરચુરણ કામ કરે. લોકો દહનબલિ માટે અને અન્ય બલિ માટે જે પશુઓ લાવે તેને તેઓ કાપે અને લોકોની સેવા બજાવવા ફરજ પર ઊભા રહે. 12 તેમણે ઇઝરાયલના લોકો માટે મૂર્તિઓની પૂજા કરી હતી અને એમ તેમને પાપમાં દોર્યા હતા, તેથી હું પ્રભુ પરમેશ્વર શપથપૂર્વક જણાવું છું કે એ રીતે તેમણે તેમની દુષ્ટતા માટે સજા ભોગવવી પડશે. 13 તેઓ યજ્ઞકારો તરીકે મારી હજૂરમાં આવીને મારી સેવા કરી શકશે નહિ, તેઓ મારી કોઈ પવિત્ર વસ્તુઓ પાસે આવી શકશે નહિ કે પરમપવિત્ર સ્થાનમાં પ્રવેશ કરી શકશે નહિ. તેમણે આચરેલાં ધિક્કારપાત્ર કૃત્યોની આ સજા છે. 14 હું તેમને મંદિરના સામાન્ય સેવક કરે તેવાં સેવાકાર્યોની સોંપણી કરું છું.” યજ્ઞકારો 15 પ્રભુ પરમેશ્વર કહે છે: “જ્યારે ઇઝરાયલીઓ મને છોડીને ભટકી ગયા હતા ત્યારે પણ સાદોકવંશના લેવી યજ્ઞકારોએ મંદિરમાં વિશ્વાસુપણે મારી સેવા બજાવવાનું ચાલુ રાખ્યું હતું. તેથી તેઓ જ મારી સેવા કરવા માટે મારી હજૂરમાં આવી શકશે, અને તેઓ મારી સમક્ષ પશુબલિનાં ચરબી અને રક્ત ચડાવી શકશે. 16 માત્ર તેઓ જ મારા પવિત્રસ્થાનમાં પ્રવેશ કરશે, મારી યજ્ઞવેદી પાસે સેવાકાર્ય કરશે અને મંદિરની સેવાવિધિનું સંચાલન કરી શકશે. 17 અંદરના ચોકના દરવાજામાં પ્રવેશ કર્યા પછી તેમણે અળસીરેસાનાં શ્વેત વસ્ત્રો પહેરવાં. તેઓ અંદરના ચોકમાં અથવા મંદિરમાં સેવા કરતી વખતે ઊનનાં વસ્ત્રો પહેરે નહિ. 18 તેમણે માથે અળસીરેસાનાં શ્વેત વસ્ત્રની પાઘડી બાંધવી, કમરે અળસીરેસાનાં શ્વેત વસ્ત્રની ઈજારો પહેરવી. તેમણે પરસેવો થાય એવું કશું કમરે વીંટાળવું નહિ. 19 તેઓ બહારના ચોકમાં લોકો પાસે જાય તે પહેલાં તેમણે મંદિરમાં સેવા કરતી વખતે પહેરેલાં વસ્ત્રો ઉતારવાં અને તેમને પવિત્ર ઓરડીઓમાં મૂકી દેવાં. તેઓ બીજાં વસ્ત્રો પહેરીને લોકો પાસે જાય, નહિ તો તેમનાં પવિત્ર વસ્ત્રોનો સ્પર્શ થવાથી લોકો પર દૈવી કોપ આવી પડશે. 20 “યજ્ઞકારોએ પોતાનાં માથાં મુંડાવવા નહિ, તેમજ લાંબા વાળ રાખવા નહિ. તેમણે પોતાના વાળ કપાવતા રહેવું. 21 યજ્ઞકારોએ દ્રાક્ષાસવ પીને અંદરના ચોકમાં દાખલ થવું નહિ. 22 યજ્ઞકારોએ વિધવાને કે છૂટાછેડા લીધેલી સ્ત્રીને પરણવું નહિ. તેમણે તો ઇઝરાયલી કુમારિકાઓ સાથે અથવા મૃત યજ્ઞકારોની વિધવાઓ સાથે લગ્ન કરવાં. 23 “યજ્ઞકારો મારા લોકોને પવિત્ર અને અપવિત્ર વચ્ચેનો તફાવત સમજાવે. તેમણે પરવાનગી અને નિષેધના વિધિ પ્રમાણે શુદ્ધ અને અશુદ્ધ વચ્ચેનો ભેદ બતાવવો. 24 જ્યારે કોઈ ધારાકીય તકરાર ઊભી થાય ત્યારે તેમણે મારા કાનૂનો અનુસાર તકરારનો ન્યાય કરવો. તેમણે મારા નિયમો તથા ધારાધોરણો અનુસાર ધાર્મિક પર્વો પાળવાં અને સાબ્બાથ દિનને પવિત્ર માનવો. 25 “તેમણે શબને સ્પર્શ કરીને પોતાની જાતને અશુદ્ધ બનાવવી નહિ. પરંતુ યજ્ઞકારના પિતા, માતા, પુત્ર, પુત્રી, ભાઈ કે અવિવાહિત બહેનનું શબ હોય તો તે તેનો સ્પર્શ કરી શકે. 26 એમાંથી શુદ્ધ થયા પછી તેમણે સાત દિવસ અલગ રહેવું, 27 અને ત્યાર પછી મંદિરની અંદરના ચોકમાં જઇ પ્રાયશ્ર્વિત માટે બલિ ચડાવવો, જેથી તેઓ મંદિરમાં જઇ પુન: સેવાકાર્યો કરી શકે.” પ્રભુ પરમેશ્વર એમ કહે છે. 28 “યજ્ઞકારોને એક જ વારસો મળશે; એ વારસો હું છું. ઇઝરાયલને વારસામાં મળેલા દેશમાં તેમને કોઈ વારસો મળશે નહિ. કારણ, હું તેમનો વારસો છું. 29 તેઓ ધાન્યઅર્પણ, પ્રાયશ્ર્વિતબલિ અને દોષનિવારણબલિ ખાય, અને ઇઝરાયલમાં જે કંઈ મને સમર્પિત કરવામાં આવે તે તેમને મળે. 30 પ્રથમ ફસલનો સૌથી ઉત્તમ ભાગ અને મને અર્પવામાં આવેલી બધી વસ્તુઓ તેમને મળે. જ્યારે તમે નવા અનાજની પ્રથમ રોટલી બનાવો ત્યારે તમારે પહેલી રોટલી યજ્ઞકારોને જ આપવી, જેથી તમારા ઘર પર આશીર્વાદ રહે. 31 યજ્ઞકારોએ કુદરતી રીતે મરી ગયેલાં તેમજ જંગલી જાનવર દ્વારા મારી નંખાયેલા કોઈ પશુ કે પંખીનું માંસ ખાવું નહિ.” |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide