Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

હઝકિયેલ 43 - પવિત્ર બાઇબલ C.L.


પ્રભુ મંદિરમાં પાછા ફરે છે

1 પછી તે મને પૂર્વમુખી દરવાજા પાસે લઇ ગયો.

2 એવામાં ત્યાં પૂર્વ દિશામાંથી ઇઝરાયલના ઈશ્વરનું ગૌરવ આવતું દેખાયું. ઈશ્વરના આગમનનો અવાજ મહાસાગરનાં મોજાંની ગર્જના જેવો હતો અને પૃથ્વી તેમના ગૌરવથી પ્રકાશિત થઈ રહી.

3 યરુશાલેમનો વિનાશ કરવા ઈશ્વર આવ્યા હતા ત્યારે જે દર્શન મને થયું હતું તેવું એ દર્શન હતું. તેવું જ દર્શન મેં કબાર નદીને કાંઠે પણ નિહાળ્યું હતું. મેં ભૂમિ પર શિર ટેકવીને પ્રણામ કર્યા.

4 પ્રભુના ગૌરવે પૂર્વમુખી દરવાજામાં થઈને મંદિરમાં પ્રવેશ કર્યો.

5 ઈશ્વરના આત્માએ મને ઊંચકીને અંદરના ચોકમાં પહોંચાડી દીધો. ત્યાં મેં જોયું તો મંદિર પ્રભુના ગૌરવથી ભરાઇ ગયું હતું.


પ્રભુની વાણી

6 તે માણસ મારી પાસે ઊભો હતો. ત્યાં મંદિરમાંથી મને કોઈની વાણી સંભળાઈ.

7 તેણે કહ્યું: “હે મનુષ્યપુત્ર, આ મારા રાજ્યાસનનું સ્થાન છે, આ મારું પાયાસન છે. હું અહીં ઇઝરાયલી લોકો મધ્યે સદાસર્વદા નિવાસ કરીશ, અને તેમના પર સદાસર્વદા શાસન કરીશ. હવે પછી ઇઝરાયલી લોકો કે તેમના રાજાઓ કદી પણ અન્ય દેવોની પૂજા કરીને મારા પવિત્ર નામને કલંક લગાડશે નહિ. તેઓ તેમના રાજાઓના મૃતદેહો પર અહીં સ્મારક રચી ફરી કદી મારા પવિત્ર નામને અપવિત્ર કરશે નહિ.

8 એ રાજાઓએ મારા ઉંબર સામે તેમના ઉંબર અને મારી બારસાખ સામે તેમના મહેલની બારસાખ ઊભાં કર્યાં હતાં. જેથી મારી અને તેમની વચ્ચે માત્ર એક દીવાલ જ હતી. તેમણે પોતાનાં ધિક્કારપાત્ર કૃત્યો વડે મારા પવિત્ર નામને કલંક લગાડયું હતું અને તેથી મારા રોષમાં મેં તેમનો સંહાર કર્યો હતો.

9 હવે ઇઝરાયલીઓએ બીજા દેવોની પૂજા કરવાનું તજી દેવું જોઈએ; અને તેમના રાજાઓના મૃતદેહો પરનાં સ્મારક મારી આગળથી દૂર કરવાં જોઈએ. જો તેઓ તેમ કરશે તો હું સદા તેઓ મધ્યે વસીશ.”

10 પ્રભુએ કહ્યું: “હે મનુષ્યપુત્ર, તું ઇઝરાયલીઓને મંદિર દેખાડ અને તેમને તેના નકશાનો અભ્યાસ કરવા દે; જેથી તેઓ તેમના દુરાચાર માટે લજ્જિત થાય.

11 જો તેઓ પોતાનાં કૃત્યો માટે લજવાતા હોય તો તેમને મંદિરનો નકશો સમજાવ. મંદિરનું આયોજન, પ્રવેશમાર્ગો અને બહાર જવાના માર્ગો, એનો આકાર, બધી જાતની વ્યવસ્થા તથા તેના નિયમો અને ધારાધોરણો જણાવ. તેમને માટે તું આ બધી વાતો લખી લે; જેથી તેઓ બધી વ્યવસ્થા જોઈ શકે અને બધા નિયમો પાળી શકે.

12 મંદિરનો નિયમ આ છે: પહાડના શિખર પરના મંદિરની ચારે તરફનો બધો ભૂમિવિસ્તાર અતિ પવિત્ર છે.”


વેદી

13 વેદીનું માપ, એક હાથ વત્તા એક મૂઠ બરાબર એક હાથ મુજબ ગણતા આ પ્રમાણે છે: વેદીના પાયાની ચારે તરફ અડધો મીટર ઊંડી અને અડધો મીટર પહોળી નીક હતી. એની બહારની બાજુએ પા મીટર ઊંચી કોર પાસેની કિનારી હતી.

14 વેદીનો સૌથી નીચેનો ભાગ, જમીનના તળિયાથી નીચેના પાયા સુધી એક મીટર ઊંચો હતો. એ પછીનો ભાગ, નાના પાયાથી તે મોટા પાયા સુધી ચારે તરફ પચાસ સેન્ટીમીટર અંદર લીધેલો હતો અને તે બે મીટર ઊંચો હતો. તેના પછીનો ભાગ ચારે તરફ પચાસ સેન્ટીમીટર અંદર લીધેલો હતો.

15 વેદીના મથાળાનો ભાગ, જેના ઉપર બલિ ચડાવાતો તે બે મીટર ઊંચો હતો. વેદીના મથાળાની ઉપરની બાજુએ ચાર શિંગડાં હતાં. તે મથાળાના બીજા ભાગ કરતાં ઊંચાં હતાં.

16 વેદીનું મથાળું દરેક બાજુએ છ મીટર લંબાઈનું એટલે કે સમચોરસ હતું.

17 વચ્ચેનો ભાગ પણ સમચોરસ હતો એટલે કે તે દરેક બાજુએ સાત મીટરનો હતો. એની આજુબાજુની ફરતી કિનારી પચીસ સેન્ટીમીટર ઊંચી હતી. નીક પચાસ સેન્ટીમીટર પહોળી હતી. વેદી પર જવાના પગથિયાં પૂર્વ દિશામાં હતાં.


વેદીની પ્રતિષ્ઠા

18 પ્રભુ પરમેશ્વરે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, હું તને કહું તે સાંભળ. જ્યારે વેદી બાંધવામાં આવે ત્યારે તેના ઉપર દહનબલિ ચડાવવા અને તેની પ્રતિષ્ઠા કરવા માટે બલિદાનના રક્તનો છંટકાવ કરવાનો આ નિયમ છે.

19 સાદોકના વંશના લેવી યજ્ઞકારો જ મારી સેવા કરવા મારી હજૂરમાં આવે. આ મારો, એટલે પ્રભુ પરમેશ્વરનો આદેશ છે. પ્રાયશ્ર્વિત માટેના બલિ તરીકે ચડાવવા માટે તારે તેમને એક જુવાન આખલો આપવો.

20 તારે તેના રક્તમાંથી થોડુંક લઈને વેદીના મથાળાનાં ચારે શિંગો પર અને વેદીના મધ્યભાગના ચારે ખૂણા પર અને ચારે તરફની ફરતી કિનારી પર લગાડવું. આ રીતે તારે વેદીને પવિત્ર કરીને તેને માટે પ્રાયશ્ર્વિત કરવું.

21 ત્યાર પછી પ્રાયશ્ર્વિતબલિ માટેના જુવાન આખલાને લેવો અને તેને પવિત્રસ્થાનથી બહાર, મંદિરના નિર્ધારિત સ્થળે બાળવો.

22 બીજે દિવસે તારે ખોડખાંપણ વગરનો એક બકરો પ્રાયશ્ર્વિત માટેના બલિ તરીકે ચડાવવો અને અગાઉ જેમ આખલાના રક્તથી વેદીને પવિત્ર કરી હતી તેમ બકરાના રક્ત વડે વેદીને પવિત્ર કરવી.

23 વેદીને શુદ્ધ કર્યા પછી તારે ખોડખાંપણ વગરનો એક જુવાન આખલો અને ખોડખાંપણ વગરનો એક ઘેટો ચડાવવા.

24 તારે તેમને મારી આગળ લાવવા. યજ્ઞકારો તેમના ઉપર મીઠું ભભરાવે અને તેમને દહનબલિના રૂપમાં પ્રભુને અર્પિત કરે.

25 સાત દિવસ સુધી પ્રતિદિન પ્રાયશ્ર્વિત માટેના બલિ તરીકે એક બકરો, એક વાછરડો અને એક ઘેટો ચડાવવા. તેઓ સર્વ ખોડખાંપણ વગરના હોવા જોઈએ.

26 સાત દિવસ સુધી યજ્ઞકારો વેદીને પવિત્ર કરવા માટે પ્રાયશ્ર્વિત માટેના બલિ ચડાવે. એ રીતે તેઓ તેની પ્રતિષ્ઠા કરે.

27 જ્યારે એ સાત દિવસો પૂરા થાય ત્યારે એટલે કે, આઠમા દિવસથી યજ્ઞકારો વેદી પર લોકોનાં દહનબલિ અને સંગતબલિ ચડાવવાનું શરૂ કરે, એટલે, હું તમારો અંગીકાર કરીશ.” પ્રભુ પરમેશ્વર એમ કહે છે.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan