હઝકિયેલ 42 - પવિત્ર બાઇબલ C.L.મંદિર પાસેનાં મકાનો 1 પછી તે મને ઉત્તર તરફના બહારના ચોકમાં લઈ ગયો. તે મને મંદિરની ફરતેની ખુલ્લી જગ્યા અને ઉત્તરના બાંધકામની વચ્ચેની ઓરડીઓમાં લઈ આવ્યો. 2 ઓરડીઓના આ મકાનની ઉત્તર તરફની લંબાઈ પચાસ મીટર અને તેની પહોળાઈ પણ પચાસ મીટર હતી. 3 અંદરના ચોકમાં મંદિરને ફરતે આવેલી ખુલ્લી જગ્યાની દસ મીટરવાળી બાજુને અડીને બહારના ચોકની ફરસબંદીની સામે આવેલા ત્રણ માળમાં ઓરડીઓને એક ઉપર બીજો એમ ઝરુખા હતા. 4 એ ઓરડીઓની સામે એક રસ્તો હતો જેની લંબાઈ પચાસ મીટર અને પહોળાઈ પાંચ મીટર હતી. ઓરડીઓનાં બારણાં ઉત્તર તરફ હતાં. 5 ઉપલી ઓરડીઓ નીચેની ઓરડીઓ કરતાં સાંકડી હતી; કારણ, વચલી અને નીચલી ઓરડીઓની ઓસરીઓને લીધે તેમની ઉપરની ઓરડીનો ભાગ કપાઈ જતો હતો. 6 ચોકમાંનાં અન્ય મકાનોની જેમ ત્રીજા માળની ઓરડીઓને થાંભલા નહોતા; તેથી છેક ઉપરની ઓરડીઓ વચલી અને નીચેની ઓરડીઓ કરતાં નાની હતી. 7 ઓરડીઓની સામે તેમને સમાંતર બહારના ચોક તરફ એક દીવાલ હતી; જેની લંબાઈ પચીસ મીટર હતી. 8 કારણ, બહારના ચોક તરફની ઓરડીઓની લંબાઈ પચીસ મીટર હતી; જ્યારે મંદિરની સામેની તેવી ઓરડીઓની લંબાઈ પચાસ મીટર હતી. 9 બહારના ચોકમાંથી આ ઓરડીઓના વિસ્તારમાં પ્રવેશવાને ઓરડીઓની બંને દીવાલોની વચમાં નીચે થઈને જવાનું પ્રવેશદ્વાર હતું. 10-11 વળી, મંદિરના ચોકની પૂર્વ તરફની દીવાલમાં પણ બીજો પ્રવેશમાર્ગ હતો. તે દક્ષિણની બહારની દીવાલ અને મંદિરના મકાનની વચ્ચે આવેલી ઓરડીઓના વિસ્તારની મોખરે હતો. એ ઓરડીઓ પણ લંબાઈ અને પહોળાઈ, તથા તેમના ઘાટ અને આયોજનમાં ઉત્તર તરફની ઓરડીઓ જેવી જ હતી. એમનાં બારણાં દક્ષિણ તરફનાં હતાં. તેમની વચ્ચેના રસ્તાનું પ્રવેશદ્વાર પૂર્વ તરફ હતું; અને ઓરડીઓના વિસ્તારમાં ત્યાંથી આવતું હતું. 12 મકાનની દક્ષિણ બાજુએ પૂર્વને છેડે જ્યાં દીવાલ શરૂ થતી હતી ત્યાં એક પ્રવેશદ્વાર હતું. 13 પછી તે માણસે મને કહ્યું: “આ બંને ઈમારતો પવિત્ર છે. તેમાં પ્રભુની સેવામાં જોડાયેલા યજ્ઞકારો સૌથી પવિત્ર અર્પણો ખાય છે. યજ્ઞકારો અને પવિત્ર ખંડોમાં સૌથી પવિત્ર વસ્તુઓ એટલે ધાન્યઅર્પણ, પ્રાયશ્ર્વિતબલિ અને દોષનિવારણ બલિ મૂકશે. 14 મંદિરમાં દાખલ થયા પછી યજ્ઞકારો સીધા બહારના ચોકમાં જશે નહિ, અને જો તેમણે જવું હોય તો સેવાકાર્ય કરતી વખતે પહેરેલાં વસ્ત્રો ઉતારીને તે ખંડોમાં મૂકી દેવાં, કારણ, તે વસ્ત્રો પવિત્ર છે. તેમણે સામાન્ય જનસમૂહ માટે નિયુક્ત થયેલા સ્થાનમાં બીજાં વસ્ત્રો પહેરીને જ જવું.” મંદિરના વિસ્તારનું માપ 15 મંદિરના અંદરના ક્ષેત્રવિસ્તારને માપી રહ્યા પછી તે મને પૂર્વના દરવાજાથી બહાર લઈ ગયો અને પછી તેણે મંદિરની ચારે તરફના બહારના ક્ષેત્રની માપણી શરૂ કરી. 16 તેણે માપવાના ગજ વડે પૂર્વની બાજુ માપી તો તેનું માપ બસો પચાસ મીટર થયું. 17 તેણે ઉત્તરની બાજુ માપી તો તે પણ બસોપચાસ મીટર થઈ. 18 તેણે દક્ષિણની બાજુ માપી તો તે પણ બસો પચાસ મીટર થઈ. 19 તેણે પશ્ર્વિમની બાજુ માપી તો તે પણ બસો પચાસ મીટર થઈ. 20 આમ તેણે દીવાલથી રક્ષાયેલા ચોરસ ભાગનું માપ લીધું તો દરેક બાજુએ બસો પચાસ મીટર થયું. એ દીવાલ મંદિરના પવિત્ર ભાગને સામાન્ય ભાગથી જુદી પાડતી હતી. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide