હઝકિયેલ 41 - પવિત્ર બાઇબલ C.L.1 પછી તે મને મંદિરની વચ્ચેના પવિત્રસ્થાનમાં લાવ્યો અને તેણે તેના પ્રવેશદ્વારની બારસાખોનું માપ લીધું, બંને બાજુએ તેની ઊંડાઈ ત્રણ ત્રણ મીટર હતી. 2 દરવાજાની બારસાખોની દીવાલની પહોળાઈ પાંચ મીટર હતી. પ્રવેશદ્વારની બંને બાજુની દીવાલો અઢી મીટર જાડી હતી. તેણે પવિત્રસ્થાનનું માપ લીધું તો તેની લંબાઈ વીસ મીટર અને પહોળાઈ દસ મીટર થઈ. 3 પછી તે મંદિરના અંતર્ગૃહમાં ગયો. તેણે તેના પ્રવેશદ્વારનું માપ લીધું તો તેની લંબાઈ એક મીટર અને પહોળાઈ ત્રણ મીટર હતી. તેની બંને તરફની દીવાલો સાડા ત્રણ મીટર જાડાઈની હતી. 4 તેણે તે અંતર્ગૃહનું માપ લીધું તો તેની લંબાઈ દસ મીટર અને તેની પહોળાઈ પણ દસ મીટર હતી. તેણે મને કહ્યું, “આ તો પરમપવિત્ર સ્થાન છે.” મંદિરની દીવાલ પાસેની ઓરડીઓ 5 પછી તેણે મંદિરની દીવાલનું માપ લીધું તો તેની જાડાઈ ત્રણ મીટર હતી. મંદિરની આસપાસ દીવાલને અડીને આવેલી ઓરડીઓની પહોળાઈ બે મીટર હતી. 6 એ ઓરડીઓ ત્રણ માળની હતી. દરેક માળે ત્રીસ ઓરડીઓ હતી. મંદિરની દીવાલની જાડાઈ ઉપર જતાં દરેક માળે ઓછી થતી હતી. તેથી દીવાલની અંદર દરેક માળે આ ઓરડીઓના મોભને આધાર આપવા માટે ખાંચા હતા, તેથી એ ઓરડીઓના મોભને ખાંચોનો ટેકો હતો, અને મંદિરની આખી દીવાલમાં કાણાં પાડીને તેમને ટેકો આપવો પડતો નહિ. 7 એને લીધે પ્રત્યેક ઉપલા માળની ઓરડીઓનો વિસ્તાર વધતો જતો હતો. મંદિરની આસપાસની દીવાલ એ રીતે ઓછી જાડાઈની થતી જતી હોવાથી જેમ કોઈ ઉપલા માળે જાય તેમ ઓરડીઓ વિસ્તૃત થતી જતી હતી. છેક ભોંયતળિયેથી વચલા માળે અને પછી ઉપલા માળે જવા બે પહોળી સીડીઓ હતી. 8 મેં જોયું કે મંદિરની ચારે તરફ અઢી મીટર પહોળાઈનો ઊંચો ઓટલો હતો. તે આ ઓરડીઓ માટે પાયા તરીકેનું કામ કરતો. તેની ઊંચાઈ ત્રણ મીટર હતી. 9 આ ઓરડીઓની બહારની દીવાલની જાડાઈ અઢી મીટર હતી. 10 મંદિરની આસપાસનો ઓટલો અને યજ્ઞકારો જે ઓરડીઓ વાપરતા તેમની વચ્ચે દસ મીટર પહોળી ખુલ્લી જગ્યા હતી. 11 એ ખુલ્લી જગ્યામાં ઓરડીઓનાં બારણાં પડતાં હતાં. ઉત્તર તરફની ઓરડીઓનું બારણું ઉત્તર તરફ અને દક્ષિણ તરફની ઓરડીઓનું બારણું દક્ષિણ તરફ હતું. મંદિરની ચોતરફ આવેલા ઓટલાની પહોળાઈ અઢી મીટર હતી. પશ્ર્વિમ તરફનું મકાન 12 મંદિરની પશ્ર્વિમ બાજુએ એક મકાન હતું, જે ખુલ્લી જગ્યાને છેડે હતું. તેની લંબાઇ પિસ્તાળીસ મીટર અને પહોળાઈ પાંત્રીસ મીટર હતી. તેની ચારે તરફની દીવાલો અઢી મીટર જાડી હતી. મંદિરનું કુલ માપ 13 તે માણસે મંદિરની બહારની બાજુની માપણી કરી. તેની લંબાઈ પચાસ મીટર હતી. મંદિરની પાછલી તરફ તેનું મકાન, તેની દીવાલો અને બંને તરફની ખુલ્લી જગ્યાની લંબાઈ પણ પચાસ મીટર હતી. 14 મંદિરની પૂર્વ તરફ મંદિરના અગ્રભાગની ખુલ્લી જગ્યા સહિતની પહોળાઈ પચાસ મીટર હતી. 15 પછી તેણે મંદિરની બંને બાજુઓ તેની ખુલ્લી જગ્યા અને ઓસરીઓ સહિતની લંબાઈ માપી તો તે પ્રત્યેક બાજુએ પચાસ મીટર થઈ. મંદિરનું વચલું પવિત્રસ્થાન 16 પરમપવિત્ર સ્થાન, ચોકના ખંડો, બંધ કરવાના દરવાજાની બારસાખો અને બારીઓ, તથા બારસાખોની સામે ત્રણે બાજુની ઓસરીઓ એ બધાં ભોંયતળિયાથી બારીઓ સુધી લાકડાથી મઢેલાં હતાં; બારીઓ તો બારીક જાળીવાળી હતી. 17-18 મંદિરની બહારથી છેક અંદર સુધી ચારેબાજુની અંદરની તથા બહારની દીવાલો પર બારણાની ઉપર સુધી એ બારણા ઉપર માપ પ્રમાણે પાંખાળાં પ્રાણી કરુબો અને ખજૂરીઓ કોતરેલાં હતાં. બબ્બે કરુબોની વચમાં ખજૂરી કોતરેલી હતી. પ્રત્યેક કરુબને બે મુખ હતાં. 19 એક બાજુની ખજૂરી તરફ માણસનું મુખ હતું અને બાજુની ખજૂરી તરફ સિંહનું મુખ હતું. મંદિરની સમગ્ર દીવાલ પર એ પ્રમાણેની કોતરણી હતી. 20 ભોંયતળિયાથી તે બારણાના મથાળા સુધી એ પ્રમાણે કરુબો અને ખજૂરીઓ કોતરેલાં હતાં. લાકડાની વેદી 21 પવિત્રસ્થાનની બારસાખો ચોરસ હતી અને તેની સામે લાકડાની વેદી જેવું કશુંક દેખાતું હતું. 22 તે દોઢ મીટર ઊંચું અને એક મીટર લાંબું અને એક મીટર પહોળું હતું. એના ખૂણા, એનું તળિયું તથા તેની બાજુઓ એ બધું લાકડાનું હતું. તેણે મને કહ્યું, “આ તો પ્રભુની હજૂરમાં રખાયેલી મેજ છે.” બારણાં 23 મંદિરના પવિત્રસ્થાનને, મધ્ય- ભાગને અને પરમ પવિત્રસ્થાનને બેવડાં બારણાં હતાં. 24 દરેક બારણાને બે કમાડ હતાં અને તે વચ્ચેથી ઊઘડે તેવાં હતાં. 25 દીવાલની જેમ મંદિરનાં બારણાં પર પણ કરુબોની અને ખજૂરીઓની કોતરણી હતી. પ્રવેશમાર્ગની પાસેના ખંડના છત્ર પર ક્ષ્ટનું તોરણ હતું. 26 બંધ બારીઓ પર અને પ્રવેશમાર્ગની પાસેના ખંડની બંને બાજુની બહારની દીવાલો પર, મંદિરની ઓરડીઓ અને છત્રો પર ખજૂરીનાં વૃક્ષો કોતરેલાં હતાં. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide