Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

હઝકિયેલ 40 - પવિત્ર બાઇબલ C.L.


ભાવિ મંદિરનું દર્શન હઝકિયેલ યરુશાલેમ લવાયો

1 અમારો દેશનિકાલ થયાના પચીસમા વર્ષે અને યરૂશાલેમના પતનના ચૌદમા વર્ષના આરંભમાં, માસના દસમે દિવસે પ્રભુના પરાક્રમી પ્રભાવે મારો કબજો લીધો,

2 અને તે મને દૈવી દર્શનમાં ઇઝરાયલ દેશમાં લઈ ગયા અને મને એક ઊંચા પહાડ પર મૂક્યો. તે પહાડ પર દક્ષિણ તરફ જાણે કોઈ નગર હોય તેમ મકાનોનો સમૂહ દેખાતો હતો.

3 તે મને વધુ પાસે લઈ ગયા, અને ત્યાં દરવાજા પાસે એક માણસ ઊભો હતો. તે તામ્રવર્ણનો હતો. તેના હાથમાં અળસીરેસામાંથી વણેલી દોરી અને માપવાનો ગજ હતાં.

4 તેણે મને કહ્યું: “હે મનુષ્યપુત્ર, ધ્યનથી જો અને કાન દઈને સાંભળ. હું તને જે કંઈ બતાવું તે સર્વ પર બરાબર ચિત્ત લગાડ. કારણ, તું જે જુએ તે બધું ઇઝરાયલીઓને કહી બતાવે તે માટે તને અહીં લાવવામાં આવ્યો છે.”


પૂર્વનો દરવાજો

5 મેં જોયું તો એક મંદિર હતું; જેની ચારે તરફ કોટ હતો. પેલા માણસના હાથમાં માપવા માટેનો જે ગજ હતો તે એક હાથ વત્તા એક મૂઠ બરાબર એક હાથ, એવા છ હાથ એટલે કે, ત્રણ મીટર લાંબો હતો. તે જ ગજ વડે તેણે કોટને માપ્યો. કોટ ત્રણ મીટર ઊંચો અને ત્રણ મીટર પહોળો હતો.

6 ત્યાર પછી તે પૂર્વ તરફના દરવાજે ગયો અને તેનાં પગથિયાં ચડયો. તેણે દરવાજાની બારસાખની દીવાલનું માપ લીધું, તો તેની જાડાઈ ત્રણ મીટર હતી.

7 દરવાજાના પ્રવેશમાર્ગની બંને બાજુએ દરવાનોની ત્રણ ત્રણ ઓરડીઓ હતી. દરેક ઓરડી ત્રણ મીટર લાંબી અને ત્રણ મીટર પહોળી હતી. ઓરડીઓ વચ્ચેની દીવાલો અઢી મીટર જાડી હતી. એ ઓરડીઓથી આગળ મંદિર સામે આવેલા મોટા ખંડ તરફના દરવાજાની બારસાખની દીવાલની જાડાઈ ત્રણ મીટર હતી.

8-9 તેણે એ ખંડનું પણ માપ લીધું; તો તે ચાર મીટર થયું. એ ખંડ મંદિરની સૌથી નજીક આવેલા દરવાજાને છેડે આવેલો હતો અને તેના છેડાની દીવાલ એક મીટર જાડાઈની હતી.

10 દરવાજાના પ્રવેશ- માર્ગની બંને તરફ દરવાનોની ત્રણ ત્રણ ઓરડીઓ હતી. તે બધી એક માપની હતી, અને તેમની વચ્ચેની દીવાલો પણ એક્સરખી જાડી હતી.

11 પછી તે માણસે દરવાજાની પહોળાઈ માપી. તે સાડા છ મીટર પહોળો હતો. એ દરવાજાની લંબાઈ પાંચ મીટર હતી.

12 દરવાનોની દરેક ઓરડી આગળ એક નીચી ભીંત હતી; જે પચાસ સેન્ટીમીટર ઊંચી અને પચાસ સેન્ટીમીટર જાડી હતી. એ બધી ઓરડીઓમાંથી પ્રત્યેક ઓરડી ત્રણ મીટર લાંબી ને ત્રણ મીટર પહોળી હતી.

13 એ પછી તેણે એક ઓરડીની પાછળની દીવાલથી સામેની ઓરડીની પાછળની દીવાલ સુધીનું માપ લીધું તો એ સાડાબાર મીટર થયું.

14 પ્રવેશમાર્ગને છેડે આવેલા ખંડમાંથી ચોકમાં જવાતું હતું. તેણે તે છેડે આવેલા ખંડનું માપ લીધું તો તે દસ મીટર પહોળો હતો.

15 બાહ્ય દરવાજાથી તે છેડે આવેલા ખંડની બહારની બાજુ સુધીની લંબાઈ પચીસ મીટર હતી.

16 બધી જ ઓરડીઓની બહારની દીવાલોમાં તથા ઓરડીઓ વચ્ચેની અંદરની ભીંતોમાં નાની નાની જાળીવાળી બારીઓ હતી. એ પ્રવેશમાર્ગમાં અંદર પડતી ભીંતો પર ખજૂરીઓ કોતરેલી હતી.


બહારનો ચોક

17 તે માણસ મને દરવાજામાં થઈને મંદિરની ચારે તરફ આવેલા બહારના ચોકમાં લઈ ગયો. તેની બહારની દીવાલને અડોઅડ ત્રીસ ઓરડીઓ બાંધેલી હતી.

18 પથ્થરની ફરસબંદી આખા ચોકની ચારે તરફ હતી. આ બહારનો ચોક મંદિરની અંદરના ચોક કરતાં થોડો નીચાણમાં હતો.

19 થોડી ઊંચાઈએ એક દરવાજો હતો, જેમાં થઈને મંદિરના અંદરના ચોકમાં જવાતું હતું. પેલા માણસે બે દરવાજા વચ્ચેનું અંતર માપ્યું તો તે પચાસ મીટર થયું.


ઉત્તરનો દરવાજો

20 ત્યાર પછી તેણે બહારના ચોકમાં પ્રવેશવાના ઉત્તર દિશા તરફના બાહ્ય દરવાજાનું માપ લીધું.

21 તેના પ્રવેશમાર્ગની બંને તરફની દરવાનોની ત્રણ ત્રણ ઓરડીઓ, તેમની વચ્ચેની દીવાલો અને મોટો ખંડ એ બધાં પૂર્વના બાહ્ય દરવાજા આગળ હતાં તેવાં જ હતાં. એ દરવાજાના વિસ્તારની કુલ લંબાઈ પચીસ મીટર અને તેની પહોળાઈ સાડાબાર મીટર હતી.

22 મોટો ખંડ, બારીઓ અને તે પર કોતરેલાં ખજૂરીઓનાં વૃક્ષો પણ પૂર્વમુખી બાહ્ય દરવાજા જેવાં જ હતાં. દરવાજા પર ચડવા માટે સાત પગથિયાં હતાં, અને તેને છેડે મોટો ખંડ ચોકની સામે આવેલો હતો.

23 આ ઉત્તરમુખી દરવાજા સામે બહારના ચોકની એક બાજુએ અંદરના ચોકમાં જવા માટે પૂર્વમુખી આંતરિક દરવાજા જેવો દરવાજો હતો. પેલા માણસે એ બે ઉત્તરમુખી દરવાજા વચ્ચેના અંતરનું માપ લીધું તો તે પચાસ મીટર થયું.


દક્ષિણનો દરવાજો

24 ત્યાર પછી તે માણસ મને દક્ષિણ તરફ લઇ ગયો અને ત્યાં અમે બીજો એક દરવાજો જોયો. તેણે તેનું માપ લીધું તો તે બીજા બાહ્ય દરવાજાઓ જેટલું જ થયું.

25 અન્ય બાહ્ય દરવાજાઓની જેમ આ દરવાજાની ઓરડીઓ પણ બારીઓવાળી હતી. દરવાજાના વિસ્તારની કુલ લંબાઈ પચીસ મીટર હતી અને પહોળાઈ સાડાબાર મીટર હતી.

26 દક્ષિણને દરવાજે ચડવા માટે પણ સાત પગથિયાં હતાં, અને તેનો મોટો ખંડ પણ બહારના ચોકની સામે જ હતો. એના પ્રવેશમાર્ગમાં અંદર પડતી ભીંતો ઉપર ખજૂરીનાં વૃક્ષો કોતરેલાં હતાં.

27 અહીં પણ અંદરના ચોકમાં દોરી જતો દરવાજો હતો. પેલા માણસે આ બીજા દરવાજા સુધીનું અંતર માપ્યું તો તે પચાસ મીટર થયું.


અંદરનો ચોક: દક્ષિણનો દરવાજો

28 ત્યાર પછી તે માણસ મને દક્ષિણને દરવાજેથી અંદરના ચોકમાં લાવ્યો. તેણે તે દરવાજાનું માપ લીધું તો તે બીજા દરવાજાઓ જેટલું જ હતું.

29 એની દરવાનો માટેની ઓરડીઓ, મોટો ખંડ અને અંદરની ભીંતો અન્ય દરવાજાઓ જેવાં જ હતાં.

30 આ દરવાજાની ઓરડીઓ પણ બારીઓવાળી હતી. એ દરવાજાના વિસ્તારની કુલ લંબાઇ પચીસ મીટર અને પહોળાઈ સાડા બાર મીટર હતી.

31 તેનો મોટો ખંડ પણ બહારના ચોકની સામે આવેલો હતો. એના પ્રવેશમાર્ગમાં અંદર તરફની દીવાલો પર ખજૂરીઓ કોતરેલી હતી. એ દરવાજા પર ચડવા માટે આઠ પગથિયાં હતાં.


અંદરનો ચોક: પૂર્વનો દરવાજો

32 પછી તે મને અંદરના ચોકમાં પૂર્વ તરફ લાવ્યો. તેણે તે દરવાજાનું માપ લીધું તો તે અન્ય દરવાજા જેટલું જ થયું.

33 તેની દરવાનો માટેની ઓરડીઓ, તેનો મોટો ખંડ અને તેની અંદરની દીવાલો અન્ય દરવાજાનાં જેવાં જ હતાં. આ દરવાજાની ઓરડીઓ પણ બારીઓવાળી હતી. આ દરવાજાના વિસ્તારની કુલ લંબાઈ પચીસ મીટર હતી અને પહોળાઇ સાડાબાર મીટર હતી.

34 તેનો મોટો ખંડ પણ બહારના ચોકની સામે હતો. તેના પ્રવેશમાર્ગમાં અંદર તરફની દીવાલો પર ખજૂરીઓ કોતરેલી હતી. તે દરવાજા પર ચડવા માટે આઠ પગથિયાં હતાં.


અંદરનો ચોક: ઉત્તરનો દરવાજો

35 પછી તે મને ઉત્તરને દરવાજે લઈ ગયો. તેણે તેનું માપ લીધું તો તે અન્ય દરવાજાઓ જેટલું જ થયું.

36 બીજા દરવાજાઓની જેમ તેને પણ દરવાનો માટેની ઓરડીઓ, અંદરની દીવાલો, એક મોટો ખંડ અને ચારે તરફ બારીઓ હતી. એ વિસ્તારની કુલ લંબાઈ પચીસ મીટર અને પહોળાઈ સાડાબાર મીટર હતી.

37 મોટો ખંડ બહારના ચોકની સામેની દિશામાં આવેલો હતો. તેના પ્રવેશમાર્ગમાં અંદર તરફની દીવાલો પર ખજૂરીઓ કોતરેલી હતી. એ દરવાજે ચડવા માટે આઠ પગથિયાં હતાં.


ઉત્તરના દરવાજા પાસેનાં મકાનો

38 બહારના ચોકમાં અંદરના દરવાજાને અડોઅડ એક નાની ઓરડી હતી. તેમાં થઇને દરવાજાના પ્રવેશમાર્ગમાં જવાતું હતું. અહીં દહનબલિ માટેનાં પશુઓના મૃતદેહો ધોવામાં આવતા હતા.

39 મોટા ખંડમાં ઓરડાની બે બાજુએ બે એમ ચાર મેજ હતાં. તેમના ઉપર દહનબલિ, પ્રાયશ્ર્વિતબલિ અથવા દોષ નિવારણબલિ માટેનાં પશુઓનો વધ કરવામાં આવતો હતો.

40 ઓરડાની બહાર પણ ઉત્તરના આંતરિક દરવાજાની બંને બાજુએ બબ્બે એમ ચાર મેજ હતાં.

41 આમ, બધાં મળીને આઠ મેજ હતાં, જેમના ઉપર બલિદાન માટેના પશુઓ વધેરવામાં આવતા. ચાર મેજ ઓરડામાં હતાં અને ચાર બહારના ચોકમાં હતા.

42 દહનબલિ માટેનાં પશુઓને તૈયાર કરવા માટે વપરાતા ચાર મેજ ખોદી કાઢેલા પથ્થરનાં હતાં. તે પચાસ સેન્ટીમીટર ઊંચા અને મથાળે ચારે બાજુ પંચોતેર સેન્ટીમીટર માપના ચોરસ આકારના હતાં. આ મેજો ઉપર દહનબલિ અને અન્ય બલિ માટેનાં પશુઓને વધેરવાનાં બધાં ઓજારો મુક્તાં હતાં.

43 એ મેજની ધારે ધારે ચારેતરફ પંચોતેર મીલીમીટર પહોળી પાળી બનાવેલી હતી. બલિ તરીકે અર્પવાનું બધું માંસ એ મેજો ઉપર મૂકવામાં આવતું.


યજ્ઞકારો માટેની ઓરડીઓ

44 પછી તે મને અંદરના ચોકમાં લઈ ગયો. ત્યાં અંદરના ચોકમાં ગાયકો માટે બે ખંડો હતા. એક ઉત્તરના દરવાજા પાસે હતો, અને તેનું મોં દક્ષિણ તરફ હતું. બીજો ખંડ દક્ષિણના દરવાજા પાસે હતો, અને તેનું મોં ઉત્તર તરફ હતું.

45 તે માણસે મને કહ્યું કે, આ દક્ષિણ દિશા તરફના મુખવાળો ખંડ તો મંદિરના સેવાકાર્ય કરતા યજ્ઞકારો માટે છે,

46 અને ઉત્તર દિશા તરફના મુખવાળો ખંડ વેદીની જવાબદારી સંભાળતા યજ્ઞકારો માટે છે. તેઓ સાદોકવંશી યજ્ઞકારો છે. લેવીના વંશજોમાંથી પ્રભુની સેવા કરવા માટે માત્ર તેઓ જ પ્રભુની હજૂરમાં આવી શકે છે.


અંદરનો ચોક

47 તે માણસે અંદરના ચોકનું માપ લીધું તો તે પચાસ મીટર લાંબું4 અને પચાસ મીટર પહોળું હતું. વેદી મંદિરની સામે હતી.

48 પછી તે મને મંદિરના પ્રવેશદ્વારના પ્રવેશમાર્ગમાં લઈ ગયો. તેણે તે પ્રવેશમાર્ગનું માપ લીધું તો તે અઢી મીટર લાંબો અને સાત મીટર પહોળો હતો. પ્રવેશદ્વારની બંને તરફની દીવાલો દોઢ મીટર જાડી હતી.

49 પ્રવેશદ્વારના ખંડની પહોળાઈ દસ મીટર હતી અને લંબાઈ છ મીટર હતી. તેના પર જવા માટે દસ પગથિયાં હતાં. મંદિરના પ્રવેશદ્વારની બંને તરફ એક એક સ્તંભ હતો.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan