Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

હઝકિયેલ 4 - પવિત્ર બાઇબલ C.L.


હઝકિયેલનો યરુશાલેમના ઘેરા વિષેનો અભિનય

1 ઈશ્વરે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, તું એક ઇંટ લઈને તારી આગળ મૂક અને તેના પર યરુશાલેમનું ચિત્ર દોર.

2 પછી તેને ઘેરો ઘાલ, તેની ચોગરદમ ખાઈઓ બનાવ, માટીના ઢાળિયા ઊભા કર, છાવણીઓ નાખીને ચારે તરફ કોટભંજક યંત્રો ગોઠવ.

3 પછી તું લોખંડનો તવો લઈને તારી અને શહેરની વચ્ચે તેને લોખંડની દીવાલ તરીકે મૂક. તારું મોં શહેર તરફ રાખ; હવે જાણે કે શહેર ઘેરા નીચે છે અને તું ઘેરો ઘાલનાર છે. ઇઝરાયલીઓ માટે આ એક સંકેત છે.

4 પછી તું તારે ડાબે પડખે સૂઈ જા, અને એ પડખે ઇઝરાયલના દુરાચારનો બોજો વહન કર. તું જેટલા દિવસ ડાબે પડખે સૂઈ રહે તેટલા દિવસ તારે તેમના દુરાચારનો બોજો ઉપાડવો.

5 તારે ત્રણસો નેવું દિવસ ઇઝરાયલીઓની દુષ્ટતાનો બોજો સહન કરવાનો છે. તેમના અધર્મની શિક્ષાનું એક વર્ષ બરાબર એક દિવસ એ પ્રમાણે તારે બોજો ઉપાડવાનો છે.

6 એ દિવસો પૂરા થયા પછી તું પાછો જમણે પડખે સૂઈ જજે અને મેં ઠરાવ્યું છે તેમ એક વર્ષને માટે એક દિવસ લેખે ચાળીસ દિવસ સુધી તારે યહૂદાના કુળના દુરાચારનો બોજો ઉપાડવો.

7 પછી તારે તારા હાથની બાંય ચડાવીને યરુશાલેમના ઘેરા તરફ તારું મોં રાખવું, અને તેની વિરુદ્ધ મારો સંદેશ પ્રગટ કરવો.

8 હું તને દોરડા વડે બાંધી દઉં છું; જેથી ઘેરો પૂરો થાય ત્યાં સુધી તું પડખું બદલી શકીશ નહિ.

9 પછી તું ઘઉં, જવ, વટાણા, મસૂરની દાળ અને બાજરી લે અને તેને એક વાસણમાં નાખીને તેના રોટલા બનાવ. ડાબા પડખા પર સૂઈ રહેવાના ત્રણસો નેવું દિવસ સુધી તારે તે રોટલા ખાવાના છે.

10 તારે એ ખોરાક તોલીને ખાવાનો છે. દર વખતે થોડું થોડું ખાતાં તારે એક દિવસમાં 250 ગ્રામ ખોરાક ખાવાનો છે.

11 તારે પાણી પણ માપીને પીવાનું છે, એટલે દર વખતે થોડું થોડું પીતાં તારે આખા દિવસમાં બે પ્યાલા પાણી પીવાનું છે.

12 તારે સૌનાં દેખતાં સુક્યેલી મનુષ્યવિષ્ટા પર જવના રોટલાની જેમ શેકીને રોટલા ખાવાના છે.”

13 પછી પ્રભુએ કહ્યું, “જ્યારે હું ઇઝરાયલીઓને વિદેશી પ્રજાઓમાં હાંકી કાઢીશ ત્યારે તેમણે આ જ રીતે નિયમશાસ્ત્ર પ્રમાણે અશુદ્ધ ઠરાવેલ એવો અશુદ્ધ ખોરાક ખાવો પડશે.”

14 પણ મેં કહ્યું, “હે પ્રભુ પરમેશ્વર, મેં મારી જાતને કદી વટલાવી નથી, બચપણથી આજ સુધી મેં કુદરતી રીતે મરેલું કે કોઈ જંગલી પશુએ મારી નાંખેલા પ્રાણીનું માંસ ખાધું નથી, નિષિદ્ધ ઠરાવાયેલ કોઈ ખોરાક મેં કદી મોંમાં નાખ્યો નથી.”

15 ત્યારે તેમણે મને કહ્યું, “હું તને મનુષ્યવિષ્ટાને બદલે ગાયના છાણ પર રોટલા શેકવાની રજા આપું છું.”

16 પછી તેમણે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, હું યરુશાલેમમાંથી અન્‍નનો પુરવઠો કાપી નાખીશ. ત્યાંના લોકો ભયના માર્યા તોળી તોળીને ખાશે અને બીતાં બીતાં પાણી પીશે.

17 તેમનાં ખોરાક અને પાણી ખૂટી પડશે. તેઓ સૌ ભયભીત થઈને એકબીજા સામે તાકી રહેશે અને પોતાનાં પાપમાં ઝૂરી ઝૂરીને નાશ પામશે.”

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan