હઝકિયેલ 39 - પવિત્ર બાઇબલ C.L.ગોગનો પરાજય 1 હે મનુષ્યપુત્ર, તું ગોગની વિરુદ્ધ સંદેશ પ્રગટ કરીને તેને કહે કે પ્રભુ પરમેશ્વર કહે છે: “હે મેશેખ અને તુબાલના મુખ્ય શાસક ગોગ, હું તારી વિરુદ્ધ છું. 2 હું તને પાછો વાળીને દોરી લાવીશ, અને તને ઉત્તરના સૌથી દૂરના ભાગોમાંથી ઇઝરાયલના પર્વતો પર આક્રમણ કરવા લઈ આવીશ. 3 હું પ્રહાર કરીને તારા ડાબા હાથમાંથી તારું ધનુષ્ય તોડી નાખીશ, અને તારા જમણા હાથમાંથી તારાં તીર નીચે પાડી દઈશ. 4 તું અને તારું સમગ્ર સૈન્ય તથા તારી સાથેની સર્વ પ્રજાઓ ઇઝરાયલના પર્વતો પર સંહાર પામશો. હું તમારા મૃતદેહો શિકારી પક્ષીઓને અને જંગલના પ્રાણીઓને ભક્ષ તરીકે આપી દઈશ. 5 તમારા મૃતદેહ ખુલ્લા મેદાનમાં રઝળશે. આ હું, પ્રભુ પરમેશ્વર કહું છું. 6 હું માગોગ ઉપર અને સમુદ્રકાંઠે નિશ્ર્વિંત થઈને રહેતા લોકો પર અગ્નિ વરસાવીશ, ત્યારે તેઓ જાણશે કે હું પ્રભુ છું. 7 હું મારા ઇઝરાયલી લોકોને મારું પવિત્ર નામ જણાવીશ, અને હું ફરી કદી મારા પવિત્ર નામને કલંક લાગવા દઈશ નહિ. ત્યારે બધી પ્રજાઓ જાણશે કે હું પ્રભુ, ઇઝરાયલનો પવિત્ર ઈશ્વર છું.” 8 પ્રભુ પરમેશ્વર કહે છે: “આ બધું બનશે જ. જે દિવસ વિષે મેં કહ્યું છે તે જરૂર આવશે. 9 ઇઝરાયલનાં શહેરોમાં વસનારાઓ બહાર નીકળશે. તેઓ નાની મોટી ઢાલો, ધનુષ્ય, તીર, ભાલા અને બરછીને બાળશે. તે સાત વરસ સુધી ચાલશે. 10 તેઓ બળતણનાં લાકડાં વીણવા સીમમાં જશે નહિ, કે લાકડાં માટે વનનાં વૃક્ષો કાપશે નહિ. તેઓ તો શત્રુઓએ ફેંકી દીધેલાં યુદ્ધશસ્ત્રો જ બાળશે. તેમને લૂંટનારાઓને તેઓ લૂંટશે અને તેમની ધનસંપત્તિ પડાવી જનારની ધનસંપત્તિ તેઓ પડાવી લેશે.” આ તો પ્રભુ પરમેશ્વર પોતે કહે છે. ગોગનું દફન 11 પ્રભુએ કહ્યું: “એ બધું બનશે તે દિવસે હું ગોગને ઇઝરાયલ દેશમાં મૃતસમુદ્રને પૂર્વે આવેલ હામોન-ગોગની ખીણ કબ્રસ્તાન તરીકે આપીશ. ત્યાં ગોગ અને તેનું આખું લશ્કર દફનાવાશે, લોકો એ ખીણને ‘હામોન-ગોગ’ની એટલે, ગોગના સૈન્યની ખીણ તરીકે ઓળખશે. 12 એ બધા મૃતદેહો દાટી દેતાં ને ભૂમિને સ્વચ્છ કરતાં ઇઝરાયલીઓને સાત મહિના લાગશે. 13 દેશના સર્વ નિવાસીઓ તેમને દફનાવવામાં સહાય કરશે, અને તેથી મારા વિજયના દિવસે તેમનું સન્માન કરાશે. હું પ્રભુ પરમેશ્વર પોતે એ કહું છું. 14 સાત મહિના પૂરા થયા પછી પણ ભૂમિ પર રહી ગયેલા મૃતદેહો શોધી કાઢીને તેમને દફનાવવા માટે માણસોને પસંદ કરવામાં આવશે. તેઓ દેશમાં ફરતા રહી સતત એ કામ કરશે અને દેશને શુધ કરશે. 15 તેઓ દેશમાં એક સ્થળેથી બીજે સ્થળે જશે અને જ્યાં જ્યાં કોઈ માનવીનું હાડકું જોશે ત્યાં ત્યાં તેની પાસે એક ચિહ્ન મૂકશે, જેથી કબર ખોદનારા આવીને તેને હામોન-ગોગની ખીણમાં દફનાવે. 16 ત્યાં સૈન્યના સમુદાય પરથી એક નગરનું નામ પણ “હામોના” (એટલે જનસમુદાય)પાડવામાં આવશે અને આમ તેઓ દેશને સ્વચ્છ કરશે.” 17 પ્રભુ પરમેશ્વરે મને કહ્યું: “હે મનુષ્યપુત્ર, તું દરેક પ્રકારના પક્ષીને અને દરેક જંગલી પ્રાણીને કહે: આવો, ચારે દિશાથી ટોળે વળીને આવો. તમારે માટે હું પ્રભુ, ઇઝરાયલના પર્વતો પર એક મહાન બલિદાન તૈયાર કરું છું. તેની મિજબાનીમાં આવો, માંસ ખાઓ અને રક્ત પીઓ. 18 સૈનિકોનું માંસ ખાઓ અને પૃથ્વીના શાસકોનું રક્ત પીઓ. એ બધા તો બાશાન દેશના પુષ્ટ મેઢાં, ઘેટાં, બકરાં અને આખલા જેવા છે. 19 હું તમારે માટે એક મોટું બલિદાન તૈયાર કરી રહ્યો છું. તેમાં તમે પૂરેપૂરા ધરાઈ જાઓ ત્યાં સુધી ચરબીદાર માંસ ખાશો અને મસ્ત થાઓ ત્યાં સુધી રક્ત પીશો. 20 મારા ભોજનની મેજ પરથી તમે ઘોડા અને ઘોડેસ્વારો, શૂરવીરો અને યોદ્ધાઓને ખાઈને તૃપ્ત થશો.” પ્રભુ પરમેશ્વર પોતે એમ કહે છે. ઇઝરાયલની પુન:સ્થાપના 21 પ્રભુએ કહ્યું: “હું સર્વ દેશો સમક્ષ મારું ગૌરવ પ્રગટ કરીશ, અને સર્વ દેશો મેં કરેલી ન્યાયપૂર્ણ સજા અને મેં વાપરેલું બાહુબળ જોશે. 22 તે દિવસથી ઇઝરાયલીઓ જાણશે કે હું તેમનો ઈશ્વર પ્રભુ છું. 23 વળી, બધી પ્રજાઓ જાણશે કે ઇઝરાયલીઓએ મારી વિરુદ્ધ પાપ કર્યાં હતાં માટે તેઓ દેશનિકાલ થયા હતા. તેઓ મને બેવફા નીવડયા તેથી હું તેમનાથી વિમુખ થયો હતો અને મેં તેમને તેમના શત્રુઓના હાથમાં સોંપી દીધા હતા અને તેઓ તલવારથી માર્યા ગયા હતા. 24 મેં તેમની અશુદ્ધતા અને અપરાધોને અનુરૂપ વર્તાવ રાખ્યો હતો અને તેમનાથી વિમુખ થયો હતો.” 25 પણ પ્રભુ પરમેશ્વર કહે છે કે, “હવે હું યાકોબના વંશજો એટલે કે ઇઝરાયલના લોકો પ્રત્યે દયા દર્શાવીશ અને તેમની દુર્દશા પલટી નાખીને તેમને પુન: આબાદ બનાવીશ. હું મારા પવિત્ર નામનું સન્માન જાળવીશ. 26 જ્યારે તેઓ ફરીથી પોતાના દેશમાં નિરાંત અને નિર્ભયતામાં વસતા હશે અને તેમને ડરાવનાર કોઈ નહિ હોય, ત્યારે મને બેવફા નીવડીને તેઓ કેવા અપમાનિત થયા હતા તે વાતને વીસરી જશે. 27 હું મારા લોકોને તેમના શત્રુઓના દેશોમાંથી પાછા લાવીશ ત્યારે હું તેમના દ્વારા બધી પ્રજાઓ સમક્ષ મારી પવિત્રતાનું સમર્થન કરીશ. 28 ત્યારે મારા લોકો જાણશે કે હું તેમનો ઈશ્વર પ્રભુ છું. કારણ, મેં જ તેમને બીજી પ્રજાઓમાં દેશનિકાલ કર્યા હતા અને હું જ તેમને એકત્ર કરી પોતાના દેશમાં પાછા લાવનાર છું. હું તેઓમાંના એક પણ માણસને અન્ય દેશોમાં રહેવા દેનાર નથી. 29 હું ઇઝરાયલના લોકો પર મારો આત્મા રેડીશ અને તેમનાથી કદી વિમુખ થઈશ નહિ. હું પ્રભુ પરમેશ્વર એ કહું છું.” |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide