Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

હઝકિયેલ 38 - પવિત્ર બાઇબલ C.L.


ઈશ્વરનો વિશ્વવિજય ગોગ ઈશ્વરના સાધન તરીકે

1 પ્રભુનો સંદેશ મને મળ્યો:

2 “હે મનુષ્યપુત્ર, માગોગ દેશની મેશેખ અને તુબાલની પ્રજાઓના મુખ્ય શાસક ગોગ તરફ તારું મુખ રાખ અને તેની વિરુદ્ધ સંદેશ પ્રગટ કર.

3 તેને કહે કે, પ્રભુ પરમેશ્વર કહે છે: “હે ગોગ, હું તારી વિરુદ્ધ છું.

4 હું તને પાછો ફેરવીશ, ને તારા જડબામાં કડીઓ ઘાલીને તારા સમસ્ત સૈન્ય સહિત હું તને બહાર ખેંચી લાવીશ. તારા વિશાળ સૈન્યમાં ઘોડા અને શસ્ત્રસજ્જ ઘોડેસ્વારો હશે, તેમાંના પ્રત્યેક સૈનિકે પોતાના હાથમાં ઢાલ અને તલવાર ધારણ કરેલી હશે.

5 એ સૈન્યમાં ઇરાન, કૂશ તથા પુટનાં ઢાલ અને શિરટોપથી સજ્જ થયેલ સૈનિકો છે.

6 ગોમેર અને તેનું સર્વ સૈન્ય તથા ઉત્તરના સૌથી છેવાડાના ભાગમાં રહેતા બેથ-તોગાર્માના સર્વ લડવૈયા અને બીજા અનેક દેશોના સૈનિકો પણ તારી સાથે છે.

7 તું તૈયાર થા, અને તારા સેનાપતિપદ નીચે એકઠા થયેલા સર્વ સૈન્યોને તૈયાર રાખ.

8 ઘણા વર્ષો પછી હું તને આદેશ આપીશ અને તું એવા દેશ પર આક્રમણ કરીશ કે જ્યાં યુદ્ધના સંહારથી બચી ગયેલા અને જુદી જુદી પ્રજાઓમાંથી એકત્ર કરવામાં આવેલા લોકો વસે છે. ઘણાં સમય સુધી ઉજ્જડ અને વસતીહીન રહેલા અને જ્યાં હવે ભિન્‍નભિન્‍ન દેશોમાંથી આવેલા સર્વ લોકો શાંતિ અને સલામતીમાં રહેતા હશે, તે ઇઝરાયલના પહાડો પર તું આક્રમણ કરીશ.

9 તું, તારું સર્વ સૈન્ય તથા તારી સાથે આવેલી બીજી અનેક પ્રજાઓના લડવૈયાઓ એ દેશ પર આંધીની જેમ ત્રાટકશો અને દેશને વાદળની પેઠે ઢાંકી દેશો.”

10 પ્રભુ પરમેશ્વર ગોગને આ પ્રમાણે કહે છે: “તે સમયે તું તારા મનમાં વિચારીને એક દુષ્ટ યોજના ઘડી કાઢશે.

11 તું કહેશે કે, ‘હું કોટ વિનાના ગ્રામ્ય પ્રદેશ પર ચઢાઇ કરીશ, ત્યાં નથી કોટ, નથી દરવાજા કે નથી ભૂંગળો. પણ લોકો નિરાંત અને નિર્ભયતામાં વસે છે.’

12 અગાઉ વસતીહીન થઇ ગયેલા એ ગામોમાં હવે વસતી થઇ છે, એ લોકોને વિવિધ પ્રજાઓમાંથી કાઢી લાવીને એકત્ર કરવામાં આવ્યા છે. તેઓ હવે પશુપાલન કરે છે અને મિલક્ત ધરાવે છે. તેઓ પૃથ્વીના મધ્યભાગમાં વસે છે. હું તેઓ પર ત્રાટકીને તેમને લૂંટી લઇશ.

13 શેબા અને દેદાનના લોકો અને તાર્શિશના વેપારીઓ અને આગેવાનો તને પૂછશે, ‘શું તૂં લૂંટ કરવા આવ્યો છે? શું સોનુરૂપું લૂંટી લેવા, પશુસંપત્તિ અને ધનસંપત્તિ ઉઠાવી જવા તેં તારું સૈન્ય એકઠું કર્યું છે?”

14 “એ માટે, હે મનુષ્યપુત્ર, તું સંદેશ પ્રગટ કરીને ગોગને આ પ્રમાણે કહે. પ્રભુ પરમેશ્વર આ પ્રમાણે કહે છે: “જ્યારે મારા ઇઝરાયલી લોકો શાંતિ અને સલામતીમાં રહેતા હશે ત્યારે તું તેમના પર આક્રમણ કરીશ.

15 તું ઉત્તરના સૌથી છેડેના ભાગમાં આવેલા તારા સ્થાનથી આવશે. તારી સાથે વિશાળ અશ્વદળ હશે અને તેમાં અનેક પ્રજાઓના લડવૈયાઓ સામેલ હશે.

16 આખા દેશને ઢાંકી દેનાર વાદળની જેમ તું મારા ઇઝરાયલી લોક પર ચઢી આવશે. હે ગોગ, હું તને પાછલા દિવસોમાં મારા દેશ પર આક્રમણ કરવાને લઈ આવીશ, જેથી તારી મારફતે હું સર્વ પ્રજાઓ સમક્ષ મારી પવિત્રતાનું સમર્થન કરું અને તે દ્વારા તેઓ મને ઓળખે.”

17 પ્રભુ પરમેશ્વર આ પ્રમાણે કહે છે, “ભૂતકાળમાં મારા સેવકો, એટલે ઇઝરાયલના સંદેશવાહકો દ્વારા મેં એવું ઘણીવાર જાહેર કર્યું હતું કે હું કોઈને ઇઝરાયલ પર આક્રમણ કરવા મોકલીશ, ત્યારે હું તારા જ વિષે કહેતો હતો.”


ગોગને સજા

18 પ્રભુ પરમેશ્વર કહે છે: “જે દિવસે ગોગ ઇઝરાયલ પર આક્રમણ કરશે તે દિવસે મારો ક્રોધાગ્નિ ભભૂકી ઊઠશે.

19 મારા પ્રકોપમાં અને ક્રોધાવેશમાં હું જાહેર કરું છું કે તે દિવસે ઇઝરાયલમાં ભયંકર ભૂકંપ થશે.

20 જેથી સમુદ્રનાં માછલાં, આકાશનાં પક્ષીઓ, જંગલનાં પ્રાણીઓ, જમીન પર પેટે ચાલનારા જીવો તેમ જ પૃથ્વી પરના બધાં માણસો મારી સમક્ષ કાંપશે, પર્વતો ઊથલી પડશે, ભેખડો ધસી પડશે, અને બધી દીવાલો જમીનદોસ્ત થઈ જશે.

21 હું પ્રભુ પરમેશ્વર પોતે કહું છું કે હું સર્વ પ્રકારના સંહારથી ગોગ પર ત્રાસ વર્તાવીશ; તેના માણસો એકબીજા સામે તલવારો ઉપાડશે.

22 હું તેને રોગચાળાથી અને રક્તપાતથી સજા કરીશ. હું તેના પર, તેના સૈન્ય પર અને તેની સાથેની અનેક પ્રજાઓ ઉપર ધોધમાર વરસાદ, કરા, આગ અને ગંધક વરસાવીશ.

23 આ રીતે હું સર્વ પ્રજાઓ સમક્ષ મારું માહાત્મ્ય અને મારી પવિત્રતા પ્રગટ કરીશ; ત્યારે તેઓ જાણશે કે હું પ્રભુ છું.”

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan