હઝકિયેલ 37 - પવિત્ર બાઇબલ C.L.સૂકાં હાડકાંની ખીણનું દર્શન 1 પ્રભુના પરાક્રમી પ્રભાવે મારો કબજો લીધો અને તેમનો આત્મા મને બહાર લઇ ગયો અને મને હાડકાંથી છવાયેલી ખીણમાં મૂક્યો. 2 તેમણે મને હાડકાંની વચમાં ચોગરદમ આખી ખીણમાં ફેરવ્યો, મેં જોયું તો ખીણમાં અસંખ્ય હાડકાં હતાં અને તે ઘણાં સૂકાં હતાં. 3 પ્રભુએ મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, શું આ હાડકાં પાછાં જીવતાં થઇ શકે?” મેં કહ્યું: “પ્રભુ પરમેશ્વર, એ તો માત્ર તમે જ જાણો છો.” 4 તેમણે કહ્યું,: “તું આ હાડકાંને સંદેશ સંભળાવ. એ સૂકાં હાડકાંને કહે કે તેઓ પ્રભુનો સંદેશ સાંભળે. 5 તેમને કહે કે પ્રભુ પરમેશ્વર તમને આ પ્રમાણે કહે છે: હું તમારામાં શ્વાસ ફૂંકીશ અને તમને ફરી જીવતાં કરીશ. 6 હું તમારા પર સ્નાયુઓ મૂકીશ, માંસ પૂરીશ અને તમને ચામડીથી ઢાંકી દઇશ અને તમારામાં શ્વાસ ફૂંકીને તમને જીવતાં કરીશ. ત્યારે તમે જાણશો કે હું પ્રભુ છું.” 7 તેથી મને આદેશ મળ્યો હતો તે મુજબ હું સંદેશ પ્રગટ કરવા લાગ્યો. હું બોલતો હતો તેવામાં જ એક ગડગડાટનો અવાજ સંભળાયો અને એક હાડકું તેને લગતાં હાડકા સાથે એમ બધાં હાડકાં એકબીજા સાથે જોડાઇ ગયાં. 8 હું એ જોઈ રહ્યો હતો એવામાં હાડકાં પર સ્નાયુઓ દેખાયા, માંસ ભરાઇ ગયું અને ઉપર ચામડીનું આવરણ આવી ગયું. પણ તેમનામાં શ્વાસ ન હતો. 9 ઈશ્વરે મને કહ્યું: “હે મનુષ્યપુત્ર, તું પવનને ઉદ્દેશીને સંદેશ પ્રગટ કર. પવનને કહે કે, ‘પ્રભુ પરમેશ્વર તને ચારે દિશામાંથી ફૂંકાવાની આજ્ઞા આપે છે. તું આ મૃતદેહોમાં પ્રાણ પૂર કે જેથી તેઓ જીવતાં થાય.” 10 તેથી મને મળેલી આજ્ઞા પ્રમાણે મેં સંદેશ પ્રગટ કર્યો. એટલે મૃતદેહોમાં પ્રાણનો સંચાર થયો, તેઓ જીવતાં થયાં અને પોતાના પગ પર ઊભા રહ્યા. તેઓ એક વિશાળ સૈન્યની જેમ મોટી સંખ્યામાં હતા. 11 ઈશ્વરે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, ઇઝરાયલના સમગ્ર વંશજો આ હાડકાં જેવાં છે. તેઓ કહે છે કે, ‘અમારાં હાડકાં સૂકાઈ ગયાં છે, અમારી આશા નાશ પામી છે. અમારે કોઇ ભવિષ્ય નથી.’ 12 તેથી તું મારા તરફથી તેમને સંદેશ પ્રગટ કરીને તેમને કહે કે, પ્રભુ પરમેશ્વર તમને કહે છે, ‘હે મારા લોકો, હું તમારી કબરો ઉઘાડીશ અને તેમાંથી તમને બહાર કાઢીને ઇઝરાયલ દેશમાં પાછા લાવીશ.’ 13 મારા લોકો જ્યાં દટાયા છે તે કબરો ઉઘાડીને હું તેમને બહાર લાવીશ, ત્યારે તેઓ જાણશે કે હું પ્રભુ છું. 14 હું તમારામાં મારો આત્મા મૂકીશ એટલે તમે જીવતા થશો અને હું તમને તમારા પોતાના દેશમાં વસાવીશ. ત્યારે તમે જાણશો કે હું પ્રભુ છું. મેં એ કરવાનું વચન આપ્યું છે અને હું તે પાળીશ.” પ્રભુ પરમેશ્વર પોતે એ બોલ્યા છે. ઇઝરાયલ અને યહૂદાની એક રાજ્ય તરીકે પુન:સ્થાપના 15 ફરીથી પ્રભુનો સંદેશ મને મળ્યો, 16 “હે મનુષ્યપુત્ર, એક લાકડી લે અને તેના ઉપર લખ, ‘યહૂદા અને તેની સાથેના ઇઝરાયલીઓનું રાજ્ય.’ પછી બીજી લાકડી લે અને તેના ઉપર લખ ‘એફ્રાઈમ અને તેની સાથેના ઇઝરાયલીઓનું રાજ્ય.’ 17 આ બન્નેને એકબીજા સાથે જોડીને એક લાકડી બનાવ એટલે તારા હાથમાં તે એક લાકડી હોય તેવું દેખાય. 18 તારા લોક તને તેનો અર્થ પૂછે, 19 તો તેમને કહેજે કે, ‘પ્રભુ પરમેશ્વર કહે છે: હું એફ્રાઈમના હસ્તકના ઇઝરાયલને દર્શાવતી યોસેફની લાકડી લઇને તેને યહૂદાને દર્શાવતી લાકડી સાથે જોડી દઇને બન્નેની એક લાકડી બનાવીશ, એટલે મારા હાથમાં તે બન્ને એક થઇ જશે.’ 20 “બન્ને લાકડીઓને તારા હાથમાં એવી રીતે રાખ કે જેથી લોકો તેમને જોઈ શકે. 21 પછી તું તેમને કહેજે કે પ્રભુ પરમેશ્વર કહે છે: ‘જે અન્ય પ્રજાઓમાં ઇઝરાયલીઓ ગયા છે. તેઓમાંથી હું તેમને મુક્ત કરીશ, તેમને સર્વ સ્થળેથી એકઠા કરીશ ને તેમને તેમના પોતાના દેશમાં પાછા લાવીશ. 22 હું તેમને પોતાના દેશમાં ઇઝરાયલના પર્વતો પર એક પ્રજા કરીશ. તેમના ઉપર એક જ રાજા રાજ્ય કરશે. તેઓ ફરી કદી બે અલગ પ્રજાઓ થશે નહિ કે ફરી કદી બે અલગ રાજ્યોમાં વિભાજિત થશે નહિ. 23 તેઓ ફરી કદી પોતાની ઘૃણાસ્પદ મૂર્તિઓથી પોતાને અશુદ્ધ કરશે નહિ કે પાપથી પોતાને ભ્રષ્ટ કરશે નહિ. તેઓ જે જે રીતે અને જ્યાં જ્યાં પાપ કરીને મને બેવફા બન્યા છે, તેમાંથી હું તેમને છોડાવીશ અને શુધ કરીશ. તેઓ મારી પ્રજા થશે અને હું તેમનો ઈશ્વર થઇશ. 24 મારા સેવક દાવિદ જેવો એક રાજા તેમના પર રાજ કરશે. તે સર્વનો એક પાલક થશે. તેઓ એક રાજા નીચે એકત્ર થશે અને નિષ્ઠાપૂર્વક મારા નિયમોનું અને ફરમાનોનું પાલન કરશે. 25 મારા સેવક યાકોબને આપેલા દેશમાં તેઓ વસશે. ત્યાં તેમના પૂર્વજો પણ રહેતા હતા. ત્યાં તેઓ અરે, તેમનાં સંતાનોનાં સંતાનો પણ તેમાં કાયમને માટે વસશે. મારા સેવક દાવિદ જેવો રાજા તેમના પર શાશ્વત શાસન કરશે. 26 હું તેમની સાથે તેમને કાયમની સલામતીની બાંયધરી આપતો શાંતિનો કરાર કરીશ. હું તેમનું સંસ્થાપન કરીશ, તેમના વંશવેલાની વૃધિ કરીશ અને તેમની મધ્યે સદાને માટે મારા મંદિરને સ્થાપીશ. 27 હું ત્યાં તેમની સાથે વસવાટ કરીશ. હું તેમનો ઈશ્વર થઇશ અને તેઓ મારી પ્રજા થશે. 28 જ્યારે હું મારું મંદિર સદાને માટે તેમની મધ્યે સ્થાપીશ ત્યારે સર્વ પ્રજાઓ જાણશે કે મેં, પ્રભુએ, ઇઝરાયેલને મારી પ્રજા થવા માટે પવિત્ર કરેલ છે.” |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide