Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

હઝકિયેલ 36 - પવિત્ર બાઇબલ C.L.


ઇઝરાયલ પર આશિષ

1 પ્રભુએ કહ્યું, “હે મનુષ્યપુત્ર, તું ઇઝરાયલના પર્વતોને ઉદ્દેશીને તેમના વિશે સંદેશ પ્રગટ કર; તું તેમને કહે કે: હે ઇઝરાયલના પર્વતો, પ્રભુનો સંદેશ સાંભળો.

2 પ્રભુ પરમેશ્વર આમ કહે છે: ઇઝરાયલના શત્રુએ તમારે વિશે કહ્યું છે કે, ‘અરે, આ પ્રાચીન પર્વતો હવે અમારી માલિકીના છે!’ ”

3 એ માટે તું સંદેશ પ્રગટ કરીને ઇઝરાયલના પર્વતોને કહે કે પ્રભુ પરમેશ્વર આ પ્રમાણે કહે છે: “બીજી પ્રજાઓએ તમારા પર અધિકાર જમાવી તમને પાયમાલ કર્યા છે અને ચારે બાજુથી તમને રોળી નાખ્યા છે અને આસપાસની પ્રજાઓએ તમારી મજાક ઉડાવી છે અને કૂથલી કરી છે.

4 તેથી, હે ઇઝરાયલના પર્વતો, પ્રભુ પરમેશ્વરનો સંદેશ સાંભળો. હે પહાડો અને ડુંગરો, નાળાં અને ખીણો, ખંડેર બનેલાં સ્થળો અને બીજી પ્રજાઓએ લૂંટી લીધેલાં અને તેમની હાંસીનો ભોગ બનેલાં નગરો, તમે મારું કહેવું સાંભળો.

5 હું, પ્રભુ પરમેશ્વર, મારા ક્રોધાવેશમાં આસપાસની પ્રજાઓ અને વિશેષ કરીને અદોમ વિરુદ્ધ બોલ્યો છું. તેમણે હર્ષોલ્લાસમાં આવીને ઘૃણાપૂર્વક મારા દેશનો કબજો લીધો છે અને તેનાં ગોચરો પર અધિકાર જમાવ્યો છે.

6 તેથી ઇઝરાયલ દેશ વિશે સંદેશ પ્રગટ કરીને તું તેના પહાડો અને ડુંગરોને, નાળાંને અને ખીણોને કહે કે, પ્રભુ પરમેશ્વર આ પ્રમાણે કહે છે: અન્ય પ્રજાઓએ તમારું અપમાન કર્યું છે અને તમને મહેણાં માર્યા છે. તેથી હું મારા ક્રોધાવેશમાં બોલ્યો છું.

7 “હું, પ્રભુ પરમેશ્વર, સમ ખાઇને કહું છું કે તમારી આસપાસની પ્રજાઓ જ મહેણાંટોણાંનો ભોગ થઇ પડશે.

8 પણ હે ઇઝરાયલના પર્વતો, તમારા પરનાં વૃક્ષોની ડાળીઓ ફૂટશે અને ટૂંક સમયમાં સ્વદેશ પાછા ફરનાર મારા લોકો માટે એ વૃક્ષો ફળવંત બનશે.

9 હું તમારે પક્ષે છું. હું તમારા તરફ ફરીશ. તમારી ભૂમિ ફરીથી ખેડાશે અને ત્યાં વાવણી થશે.

10 હું તમારા પર વસતી વધારીશ એટલે કે સમગ્ર ઇઝરાયલી વંશની વૃદ્ધિ થશે. નગરો ફરીથી વસતીવાળાં થશે અને ખંડેરોનું પુન:નિર્માણ થશે.

11 હું તમારા ઉપર મનુષ્યો અને પશુઓની વૃદ્ધિ કરીશ. તેમનો વંશવેલો ખૂબ વધશે. હું તેમને પ્રાચીન સમયની જેમ ત્યાં વસાવીશ. અને પહેલાંના કરતાં પણ વધારે સુખસમૃદ્ધિ આપીશ. ત્યારે તેઓ જાણશે કે હું પ્રભુ છું.

12 મારા ઇઝરાયલી લોકોને ફરી તમારા પર હરતાફરતા કરીશ. તેઓ તમારા માલિક થશે અને તમે તેમની વારસાઇ સંપત્તિ બનશો. હવે પછી કદી તમે તેમને નિ:સંતાન કરશો નહિ.”

13 પ્રભુ પરમેશ્વર કહે છે કે, “લોકો ઇઝરાયલ દેશ વિશે એવું કહે છે કે તે માનવભક્ષી ભૂમિ છે અને પોતામાં વસનાર પ્રજાને નિર્વંશ બનાવનાર છે.

14 પણ હવે પછી તું કદી માનવભક્ષી બનશે નહિ અને ફરી કદી તારી પ્રજાને નિર્વંશ કરશે નહિ.” પ્રભુ પરમેશ્વર એમ કહે છે.

15 “તારે હવે કદી પરદેશીઓની નિંદા સાંભળવી નહિ પડે, તારે ફરી કદી અન્ય પ્રજાઓનાં મહેણાંટોણાં સાંભળવા નહિ પડે. તું હવે તારામાં વસતી પ્રજાના સંતાન છીનવી લેશે નહિ.” પ્રભુ પરમેશ્વર એમ કહે છે.


ઇઝરાયલનું નવજીવન

16 પ્રભુનો સંદેશ મને મળ્યો:

17 “હે મનુષ્યપુત્ર, જ્યારે ઇઝરાયલીઓ પોતાના દેશમાં રહેતા હતા ત્યારે તેમણે પોતાનાં આચરણ તથા કૃત્યોથી તેને ભ્રષ્ટ કર્યો હતો. મારી આગળ તેમનાં આચરણ રજ:સ્વલા સ્ત્રીની અશુદ્ધતા જેવાં અશુદ્ધ હતાં.”

18 તેમણે એ દેશમાં હત્યાઓ કરી હતી અને મૂર્તિપૂજા દ્વારા તેને અશુધ બનાવ્યો હતો. માટે મેં મારો કોપ તેમના પર વરસાવ્યો.

19 મેં તેમનાં આચરણ અને કૃત્યો અનુસાર તેમનો ન્યાય કર્યો અને તેમને અન્ય પ્રજાઓમાં વિખેરી નાખ્યા અને તેમને પરદેશમાં વેરવિખેર કરી નાખ્યા.

20 જે પ્રજાઓમાં તેઓ ગયા તેમની મધ્યે તેમણે મારા પવિત્ર નામને કલંક લગાડયું, લોકો તેમને વિશે એવું કહેવા લાગ્યા, ‘આ તો પ્રભુના લોકો છે, છતાં એમને પ્રભુએ આપેલો દેશ છોડવો પડયો છે.’

21 પણ મને તો મારા પવિત્ર નામની પરવા છે, કારણ, જ્યાં જ્યાં ઇઝરાયલીઓ ગયા ત્યાં ત્યાં તેમણે તેને કલંક લગાડયું છે.”

22 “એ માટે તું ઇઝરાયલીઓ કહે કે, પ્રભુ પરમેશ્વર આમ કહે છે: ‘જે કામ હું કરું છું તે ઇઝરાયલીઓ માટે કરતો નથી, પણ મારા પવિત્ર નામને લીધે કરું છું કે જેને તમે જે જે પ્રજાઓ મધ્યે ગયા ત્યાં કલંક લગાડયું છે.

23 અન્ય પ્રજાઓમાં તમે જેને કલંક લગાડયું છે એવું મારું મહાન નામ ખરેખર પવિત્ર છે એવું હું બતાવી આપીશ અને ત્યારે તેઓ જાણશે કે હું પ્રભુ પરમેશ્વર છું. હું તમારા માયમ દ્વારા પ્રજાઓ સમક્ષ મારી પવિત્રતા સિધ કરી બતાવીશ.

24 હું તમને અન્ય પ્રજાઓમાંથી મુક્ત કરીને સર્વ દેશોમાંથી એકત્ર કરીશ અને તમને તમારા દેશમાં પાછા લાવીશ.

25 હું તમારા પર શુદ્ધ જળનો છંટકાવ કરીશ અને તમે શુદ્ધ થશો. હું તમને તમારી બધી મલિનતાથી અને તમારી સર્વ મૂર્તિઓથી શુદ્ધ કરીશ.

26 હું તમને નવું હૃદય આપીશ અને તમારી અંદર નવો આત્મા મૂકીશ. હું તમારામાંથી પાષાણસમ હઠીલું હૃદય દૂર કરીશ અને તમને માંસનું આધીન હૃદય આપીશ.

27 હું તમારામાં મારો પોતાનો આત્મા મૂકીશ અને તમે મારા નિયમોનું પાલન કરો અને મારી સર્વ આજ્ઞાઓ પાળો તેવું કરીશ.

28 જે દેશ તમારા પૂર્વજોને મેં આપ્યો હતો તેમાં તમે વસશો, તમે મારી પ્રજા થશો અને હું તમારો ઈશ્વર થઇશ.

29 હું તમને તમારી બધી મલિનતાઓમાંથી મુક્ત કરીશ. હું અનાજને આજ્ઞા કરીને તેને વધારીશ. તેથી તમારે ત્યાં કદી દુકાળ પડશે નહિ.

30 હું તમારાં વૃક્ષોનાં ફળ અને તમારાં ખેતરોની ઊપજમાં એવો વધારો કરીશ, જેથી સર્વ પ્રજાઓમાં તમે દુકાળને કારણે નિંદાપાત્ર બનશો નહિ.

31 ત્યારે તમને તમારાં અધમ આચરણ અને દુષ્કર્મો યાદ આવશે અને તમે તમારાં પાપો અને અપરાધોને કારણે પોતાને ધિક્કારશો.

32 ઇઝરાયલના વંશજો, યાદ રાખો, કે આ હું તમારે લીધે કરતો નથી. તમે તો તમારા આચરણથી લજ્જિત અને ફજેત થાઓ! હું પ્રભુ પરમેશ્વર એ બોલ્યો છું.”

33 પ્રભુ પરમેશ્વર કહે છે કે, “હું તમારાં પાપોમાંથી તમને શુદ્ધ કરીશ, હું તમને તમારાં નગરોમાં ફરીથી વસાવીશ અને તમારાં ખંડિયેરોનું નવનિર્માણ કરીશ.

34 જે ખેતરો તેમાં થઈને આવજા કરનાર સૌની દષ્ટિમાં પડતર અને વેરાન દેખાતાં હતાં ત્યાં ફરીથી ખેડાણ થશે.

35 તેઓ કહેશે કે, જે ભૂમિ આજ સુધી વેરાન હતી તે એદનબાગ સમી બની ગઇ છે અને તોડી નાખેલા નિર્જન અને ખંડિયેર બનેલાં નગરોની આસપાસ કોટ બંધાયા છે અને તેઓ ફરી વસતીવાળાં બન્યાં છે.

36 તમારી આસપાસની બાકી રહેલી પ્રજાઓ જાણશે કે મેં, પ્રભુએ, ખંડેર બનેલાં નગરોને ફરી બાંધ્યાં છે અને વેરાન બનેલી ભૂમિમાં ફરી વાવેતર કર્યું છે. મેં, પ્રભુએ, તે કરવાનું વચન આપ્યું છે અને હવે હું એ પાળીશ.”

37 પ્રભુ પરમેશ્વર કહે છે, “હું ઇઝરાયલીઓની સહાય માટેની મને કરેલી વિનંતી માન્ય રાખીશ અને હું ઘેટાંના ટોળાની જેમ તેમના વંશની વૃદ્ધિ કરીશ.

38 આજે ઉજ્જડ બનેલાં નગરો, પર્વને દિવસે યરુશાલેમમાં ઉભરાતાં યજ્ઞબલિ માટેનાં ઘેટાંનાં ટોળાની જેમ મનુષ્યોનાં ટોળાંથી ઉભરાશે. ત્યારે તેઓ જાણશે કે હું પ્રભુ છું.”

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan