હઝકિયેલ 35 - પવિત્ર બાઇબલ C.L.અદોમ વિરુદ્ધ સંદેશ 1 પ્રભુનો સંદેશ મને મળ્યો: 2 “હે મનુષ્યપુત્ર, તારું મુખ સેઇર પર્વત તરફ રાખીને અદોમના લોક વિરુદ્ધ સંદેશ પ્રગટ કરીને કહે કે, 3 પ્રભુ પરમેશ્વર કહે છે કે, ઓ સેઇરના પર્વતીય પ્રદેશ, હું તારી વિરુદ્ધ છું. હું તારી વિરુદ્ધ મારો હાથ ઉગામીશ અને તને ઉજ્જડ ને વેરાન બનાવી દઇશ. 4 હું તારાં નગરોને ખેદાનમેદાન કરી નાખીશ અને તું ઉજ્જડ થઇ જશે ત્યારે તું જાણશે કે હું પ્રભુ છું. 5 જ્યારે ઇઝરાયલી લોકોને તેમનાં પાપને લીધે આકરામાં આકરી શિક્ષા થઈ, એટલે કે તેમના પર આફત આવી પડી ત્યારે તારી જૂની દુશ્મનાવટને લીધે તેં તેમનો સંહાર થવા દીધો. 6 તેથી હું, પ્રભુ પરમેશ્વર, મારા પોતાના સમ ખાઇને કહું છું કે હું તને કત્લેઆમ માટે તૈયાર કરીશ. સંહારમાંથી તું છટકી શકશે નહિ, તેં ખૂનનો અપરાધ કર્યો છે એટલે ખૂન તારો પીછો કરશે. 7 હું અદોમના પર્વતીય પ્રદેશને વેરાન બનાવી દઇશ અને તેમાં થઇને આવજા કરનારનો સંહાર કરીશ. 8 હું તેના પર્વતોને મૃતદેહોથી ભરી દઈશ અને યુદ્ધમાં માર્યા ગયેલાંના મૃતદેહોથી તેના ડુંગરો, ખીણો અને નાળાં છવાઇ જશે. 9 હું તને સદાને માટે વેરાન કરી નાખીશ અને તારા નગરોમાં ફરી કદી વસવાટ થશે નહિ. ત્યારે હું જાણશે કે હું પ્રભુ છું. 10 જો કે હું પ્રભુ યહૂદા અને ઇઝરાયલનો ઈશ્વર છું, તોપણ તેઓ તેમના પ્રદેશ સહિત તારાં છે અને તું તેમના પર કબજો જમાવશે એવું તું બોલ્યો હતો. 11 તેઓ પ્રત્યેની ઈર્ષ્યા અને ઘૃણાને લીધે તેં જે રોષ દાખવ્યો છે તે પ્રમાણે હું તારા પ્રત્યે પણ વર્તીશ. હું તને સજા કરીશ ત્યારે તેઓ જાણશે કે હું તેમની સાથે છું. 12 ત્યારે એ પણ ખબર પડશે કે, ‘ઇઝરાયલના પર્વતો તો ઉજ્જડ છે અને તે અમારો ભક્ષ થઇ પડશે.’ એવી જે નિંદાજનક વાતો તું બોલ્યો છે તે મેં સાંભળી છે. 13 તેં મારી વિરુદ્ધ ફાવે તેવી બડાઇઓ હાંકી છે અને તે મેં સાંભળી છે. 14 પ્રભુ પરમેશ્વર કહે છે કે, હું પણ એવો ઉજ્જડ અને વેરાન બનાવી દઈશ કે આખી દુનિયા તારા પતનથી હરખાશે. 15 મારી અંગત મિલક્ત સમાન ઇઝરાયલને ખેદાનમેદાન થયેલો જોઇને જેમ તું આનંદ કરતો હતો તેમ સેઇરનો પર્વતીય પ્રદેશ, સમસ્ત અદોમ પ્રદેશ પણ વેરાન થઇ જશે ત્યારે સૌ જાણશે કે હું પ્રભુ છું.” |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide