હઝકિયેલ 34 - પવિત્ર બાઇબલ C.L.ઇઝરાયલના ઘેટાંપાળકો 1 પ્રભુનો સંદેશ મને મળ્યો: 2 “હે મનુષ્યપુત્ર, તું ઇઝરાયલના રાજપાલકો વિરુદ્ધ સંદેશ પ્રગટ કર. તેમને કહે કે પ્રભુ પરમેશ્વર કહે છે, ‘હે ઇઝરાયલના ઘેટાંપાળકો, તમને ધિક્કારે છે.’ તમે તો તમારું પોતાનું જ પોષણ કરો છો, પણ ઘેટાંની સંભાળ રાખતા નથી. 3 તમે દૂધદહીં ખાઓ છો, ઊનનાં વસ્ત્રો પહેરો છો, અને સૌથી પુષ્ટ ઘેટાંનું માંસ ખાઓ છો, પણ તમે કદી ઘેટાંનું પોષણ કરતા નથી. 4 તમે દૂબળાંને બેઠાં કર્યા નથી, બીમારની સારવાર કરીને તેમને સાજાં કર્યા નથી, ઘાયલ થયેલાંને પાટા બાંયા નથી, ભટકી ગયેલાંને પાછાં લાવ્યા નથી કે ખોવાઇ ગયેલાંને શોયાં નથી. ઊલટું, તમે તો તેમના પર બળજબરી અને સખતાઈથી શાસન કરો છો. 5 “પાળક ન હોવાને કારણે ઘેટાં વિખેરાઇ ગયાં છે અને જંગલી પ્રાણીઓનો ભક્ષ થઇ પડયાં છે. 6 મારાં ઘેટાં ઊંચા ડુંગરો પર ને પહાડો પર ભટકી ગયાં છે. તેઓ પૃથ્વીના પટ પર બધા દેશોમાં વિખેરાઇ ગયાં છે, કોઇએ તેમની શોધ કરી નથી કે કોઇએ તેમને ખોળવાનો પ્રયત્ન કર્યો નથી. 7 “એ માટે, હે ઘેટાંપાળકો, તમે પ્રભુનો સંદેશ સાંભળો. 8 પ્રભુ પરમેશ્વર પોતાના સમ ખાઇને કહે છે કે મારાં ઘેટાં શિકાર થઇ પડયાં છે, તેઓ જંગલી પ્રાણીઓનો ભક્ષ બન્યાં છે, કારણ, તેમનો કોઇ પાળક નથી. વળી, મારાં પાળકોએ મારાં ઘેટાંની શોધ કરી નથી. તેમણે મારાં ઘેટાંનું પોષણ કરવાને બદલે માત્ર પોતાનું જ પેટ ભર્યું છે. 9 તેથી હે પાળકો, તમે મારું કહેવું સાંભળો. 10 હું, પ્રભુ પરમેશ્વર, સમ ખાઇને કહું છું કે હું તમારી વિરુદ્ધ છું. હું મારાં ઘેટાં તમારી પાસેથી પાછાં લઇ લઇશ. હું ફરી કદી તમને મારાં ઘેટાંનાં પાળકો બનાવીશ નહિ. હું ફરી કદી તમને તમારું પોતાનું જ પોષણ કરવા દઈશ નહિ. હું મારાં ઘેટાંને તમારાથી બચાવીશ અને તેમને તમારો ભક્ષ થવા દઇશ નહિ. ભલો ઘેટાંપાળક 11 “હું પ્રભુ પરમેશ્વર, તમને કહું છું કે હું જાતે જ મારાં ઘેટાંને શોધી કાઢીશ. 12 જેમ કોઇ ઘેટાપાળક આમતેમ વિખેરાઇ ગયેલાં પોતાનાં ઘેટાંને શોધવા જાય છે અને તેમને પાછાં લાવે છે, તેમ હું પણ મારાં ઘેટાંને શોધીશ અને તેમને બધેથી એકત્ર કરીને પાછા લાવીશ. જ્યાં જ્યાં તેઓ વિખેરાઇ ગયાં હશે ત્યાંથી હું તેમને પાછાં લઇ આવીશ. 13 હું તેમને પરદેશોમાંથી અને અન્ય જાતિઓમાંથી કાઢી લાવીને એકત્ર કરીશ અને તેમને પોતાના દેશમાં પાછાં લાવીશ. હું તેમને ઇઝરાયલના પર્વતો પર અને ઝરણાંઓ પાસે દોરી જઇશ અને તેમને આનંદદાયક ગોચરોમાં ચરાવીશ. 14 હું તેમને ઇઝરાયલના પહાડો પર ઉત્તમ ચારો ચરાવીશ. પહાડોનાં ઢોળાવો પરનો ચારો તેમનો થશે. ત્યાં તેઓ ગૌચરમાં ચરશે અને ઇઝરાયલના પહાડોના ઉત્તમ ચારાથી તેમનું પોષણ થશે. 15 “હું પોતે જ મારા ઘેટાંનો પાળક બનીશ અને તેમને વિશ્રામ કરાવીશ. હું, પ્રભુ પરમેશ્વર, એ કહું છું. 16 હું ખોવાઇ ગયેલાંઓને શોધીશ, ભટકી ગયેલાંને પાછાં લાવીશ, ઘાયલ થયેલાંઓને પાટાપિંડી કરીશ, બીમારને સાજાં કરીશ, પણ પુષ્ટ તથા બળવાનનો હું નાશ કરીશ. કારણ, હું યોગ્ય રીતે મારાં ઘેટાંનું પોષણ કરીશ. 17 “હવે હું પ્રભુ પરમેશ્વર, મારા ટોળાને ઉદ્દેશીને કહું છું કે હું ઘેટાં ઘેટાં વચ્ચે અને ઘેટાં અને બકરાં વચ્ચે ન્યાય કરીશ. 18 તમારામાંના કેટલાંક સારો સારો ચારો ચરી જાઓ છો. અને એટલું પૂરતું ન હોય તેમ બાકીનો ભાગ પગ નીચે ખૂંદી નાખો છો! વળી, સ્વચ્છ પાણી પીધા પછી તમે બાકીનું પાણી પગ વડે ડહોળી નાખો છો! 19 મારા બાકીનાં ઘેટાંએ તમારા પગ તળે ખૂંદી નંખાયેલું ખાવું પડે છે અને તમારા પગ વડે ડહોળાયેલું પાણી પીવું પડે છે. 20 “તેથી હું પ્રભુ પરમેશ્વર તમને કહું છું કે હવે હું પોતે હૃષ્ટપુષ્ટ અને દૂબળાં ઘેટાં વચ્ચે ન્યાય કરીશ. 21 તમે બીમાર ઘેટાંને પડખાથી અને ખભેથી હડસેલા મારો છો અને તમારા શિંગડાંથી ધક્કા મારી તેમને ટોળાથી દૂર વિખેરી નાખો છો. 22 પણ હું મારાં ઘેટાંનો બચાવ કરીશ અને હવે તેમને કોઇનો શિકાર થવા દઇશ નહિ. હું ઘેટાંઘેટાં વચ્ચે ન્યાય કરીશ. 23 હું એમનો પાળક થવા માટે મારા સેવક દાવિદ જેવો એક રાજા નીમીશ અને તે તેમનું પોષણ કરશે. 24 હું પ્રભુ તેમનો ઈશ્વર થઇશ અને મારા સેવક દાવિદ જેવો રાજા તેમનો શાસક થશે. આ હું, પ્રભુ, બોલ્યો છું. 25 હું તેમની સાથે સહીસલામતી બક્ષતો કરાર કરીશ. હું દેશમાંથી બધાં વિકરાળ જંગલી પશુઓને હાંકી કાઢીશ એટલે મારાં ઘેટાં ખુલ્લા ગોચરોમાં નિશ્ર્વિંતતાથી નિવાસ કરશે અને જંગલોમાં સૂશે. 26 હું તેમને આશિષ આપીશ અને મારા પર્વતની આસપાસનાં સ્થળોને આશીર્વાદિત કરીશ. હું ઋતુ અનુસાર વરસાદ વરસાવીશ. તે તેમને માટે આશિષની વૃષ્ટિ બની રહેશે. 27 વૃક્ષોને ફળ આવશે, ખેતરોમાં પાક થશે અને દરેક જણ પોતાના દેશમાં સહીસલામતીમાં જીવશે. હું મારા લોકની ઝૂંસરી તોડી નાંખીશ અને ગુલામ બનાવનારાઓના હાથમાંથી તેમને છોડાવીશ, ત્યારે તેઓ જાણશે કે હું પ્રભુ છું. 28 પરદેશીઓ હવે ફરી કદી તેમને લૂંટી લેશે નહિ અને તેઓ જંગલી પ્રાણીઓનો ભક્ષ થઇ પડશે નહિ. તેઓ સહીસલામતીમાં જીવશે. 29 હું તેમને ફળદ્રુપતા માટે પંક્યેલા એવાં ખેતરો આપીશ અને તેઓ દેશમાં દુકાળનો ભોગ થઇ પડશે નહિ. અન્ય પ્રજાઓ ફરી કદી તેમની મજાક ઉડાવશે નહિ. 30 તેઓ સૌ જાણશે કે હું પ્રભુ, ઇઝરાયલનો ઈશ્વર, તેમની રક્ષા કરું છું અને તેઓ મારી પ્રજા છે. હું, પ્રભુ પરમેશ્વર, એ બોલ્યો છું. 31 “તમે મારા ઘેટાં છો, હું તમારો ઘેટાંપાળક છું. તમે મારી પ્રજા છો અને હું તમારો ઈશ્વર છું.” પ્રભુ પરમેશ્વર એમ કહે છે. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide