Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

હઝકિયેલ 33 - પવિત્ર બાઇબલ C.L.


ઈશ્વર હઝકિયેલને ચોકીદાર તરીકે નીમે છે

1 પ્રભુનો સંદેશ મને મળ્યો:

2 “હે મનુષ્યપુત્ર, તારા દેશવાસીઓને આ વાત જણાવ: હું કોઇ દેશ પર યુદ્ધ લાવું અને તે દેશના લોકો પોતાનામાંથી એક વ્યક્તિને પસંદ કરીને તેને ચોકીદાર તરીકે નીમે,

3 તો દેશ પર શત્રુનું આક્રમણ જોઇને તે ચોકીદાર રણશિંગડું વગાડીને લોકોને ચેતવે.

4 જો કોઇ વ્યક્તિ રણશિંગડું સાંભળ્યાં છતાં ચેતે નહિ અને શત્રુ આવીને તેને મારી નાખે તો તેના ખૂનની જવાબદારી તેને પોતાને જ શિર રહે.

5 કારણ, તેણે ચેતવણી લક્ષમાં લીધી નહિ. તેથી તેના ખૂનની જવાબદારી તેને પોતાને જ શિર રહે. રણશિંગડાનો અવાજ સાંભળીને તે ચેત્યો હોત તો તે પોતાનો પ્રાણ બચાવી શક્યો હોત.

6 પણ જો ચોકીદાર સંહારક શત્રુને દેશ પર ચડી આવતો જુએ અને છતાં લોકોને ચેતવવા રણશિંગડું ન વગાડે અને શત્રુ આવીને કોઈને મારી નાખે તો મરનારો તો પોતાના દોષને કારણે મર્યો છે, પણ હું તેના ખૂન માટે ચોકીદારને જવાબદાર ઠરાવીશ.

7 “હે મનુષ્યપુત્ર, મેં પણ તને ઇઝરાયલી પ્રજા માટે ચોકીદાર નીમ્યો છે. માટે જ્યારે હું ઇઝરાયલી પ્રજા માટે મારે મુખે ચેતવણી ઉચ્ચારું ત્યારે તે સાંભળીને તારે તેમને મારા તરફથી ચેતવવાના છે.

8 જ્યારે હું કોઇ દુષ્ટને કહું કે, ‘તું તારી દુષ્ટતાને લીધે માર્યો જશે,’ અને તું તે માણસને પોતાનું દુરાચરણ છોડી દેવાની ચેતવણી ન આપે તો તે દુષ્ટ તો પોતાના પાપે મરશે જ, પણ એના મૃત્યુ માટે હું તને જવાબદાર ઠેરવીશ.

9 પણ જો તેં તે દુષ્ટને તેનાં દુરાચરણ છોડી દેવાની ચેતવણી આપી હોય અને છતાં તે પોતાના દુરાચારથી ન ફરે તો તે તેનાં પાપે મરશે, પણ તું તારી પોતાની જિંદગી બચાવીશ.”


વ્યક્તિગત જવાબદારી

10 પ્રભુએ મને કહ્યું: “હે મનુષ્યપુત્ર, તું ઇઝરાયલીઓને કહે કે તમે લોકો એમ કહો છો કે, ‘અમારાં પાપો અને અપરાધોનો બોજો અમારે શિર છે, તેથી અમે ક્ષીણ થતા જઈએ છીએ, પછી અમે કેવી રીતે જીવતા રહીએ?’

11 તેમને કહે કે, પ્રભુ પરમેશ્વર પોતાના સમ ખાઈને કહે છે કે દુષ્ટ માણસના મોતથી મને કંઈ આનંદ થતો નથી. હું તો ઇચ્છું કે તે પોતાનું દુરાચરણ છોડી દે અને જીવે. હે ઇઝરાયલીઓ, ફરો; તમારા દુષ્ટ માર્ગોથી પાછા ફરો. તમે શા માટે મરવા માંગો છો?

12 “હે મનુષ્યપુત્ર, ઇઝરાયલીઓને કહે કે, કોઈ નેક માણસ પાપ કરે ત્યારે તેની નેકી તેનો જાન બચાવી શકશે નહિ. જો કોઇ દુષ્ટ પોતાની દુષ્ટતા છોડી દે તો તેની દુષ્ટતાને લીધે તે માર્યો જશે નહિ. જો કોઈ નેક માણસ પાપ કરે તો તેનો જાન બચવા પામશે નહિ.

13 હું કોઈ નેક માણસને કહું કે તું જીવશે પણ જો તે પોતાની નેકી પર ભરોસો રાખીને પાપ કરે તો હું તેનું એકેય નેક કામ સંભારીશ નહિ. તે પોતાના પાપને લીધે માર્યો જશે.

14 હું કોઇ દુષ્ટને કહું કે, ‘તું નક્કી માર્યો જશે,’ પણ જો તે પોતાના પાપથી પાછો ફરીને ન્યાયનીતિથી વર્તે;

15 જેમ કે, એ દુષ્ટ માણસ પોતાને ત્યાં ગીરો મૂકેલી વસ્તુ પાછી આપે, પોતે ચોરેલી વસ્તુ પાછી આપે અને કંઈ પાપ ન કરતાં જીવનદાયક નિયમો પાળે તો તે માર્યો જશે નહિ, પણ નક્કી જીવશે.

16 એણે પહેલાં કરેલાં પાપ નહિ સંભારતાં હું તેમને માફ કરીશ અને તે ન્યાયનીતિથી વર્ત્યો હોવાથી તે નક્કી જીવશે.

17 “તારા લોકો કહે છે કે, ‘પ્રભુનો વ્યવહાર વાજબી નથી.’ પરંતુ હકીક્તમાં તો તેમનું પોતાનું આચરણ યથાર્થ નથી.

18 જ્યારે કોઈ નેક માણસ નેકી છોડી દઈને દુરાચાર આચરે તો એને લીધે તે નક્કી માર્યો જશે.

19 જ્યારે કોઇ દુષ્ટ માણસ પાપ કરવાનું છોડી દઇને ન્યાયનીતિથી વર્તે તો તે જીવતો રહેશે.

20 છતાં, હે ઇઝરાયલીઓ, તમે કહો છો કે, ‘પ્રભુનો વ્યવહાર વાજબી નથી.’ હું તો તમારામાંના દરેકનો તેનાં આચરણ પ્રમાણે ન્યાય કરીશ.”


યરુશાલેમના પતનના સમાચાર

21 અમારો દેશનિકાલ થયાના બારમા વર્ષના દસમા માસના પાંચમા દિવસે યરુશાલેમથી નાસી આવેલા એક માણસે મને કહ્યું કે, “યરુશાલેમનું પતન થયું છે.”

22 તે આવ્યો તેની આગલી સાંજે પ્રભુના પરાક્રમી પ્રભાવે મારો કબજો લીધો હતો. તે માણસ બીજે દિવસે સવારમાં આવ્યો, ત્યારે પ્રભુએ મને બોલવાની શક્તિ પાછી આપી હતી. આમ, મારી વાચા ખૂલી ગઇ અને ત્યાર પછી હું મૂંગો રહ્યો નહિ.


લોકોનાં પાપ

23 પ્રભુનો સંદેશ મને મળ્યો,

24 “હે મનુષ્યપુત્ર, જે લોકો ઇઝરાયલ દેશના ઉજ્જડ થઇ ગયેલાં નગરોમાં રહે છે તેઓ કહે છે કે, ‘અબ્રાહામ એકલો હતો છતાં તેને આખો દેશ આપવામાં આવ્યો હતો, જ્યારે અમે તો ઘણા છીએ; તેથી આ દેશ અમારો જ છે.’

25 એમને કહે કે પ્રભુ પરમેશ્વર કહે છે કે તમે રક્તવાળું માંસ ખાઓ છો, મૂર્તિઓનું ધ્યાન ધરીને પૂજા કરો છો અને તમે ખૂન કરો છો, છતાં તમે કેવી રીતે માની લો છો કે દેશ તમારો છે?

26 તમે તમારી તલવાર પર આધાર રાખો છો, તમારાં કૃત્યો ઘૃણાપાત્ર છે અને તમે સૌ વ્યભિચાર કરો છો, પછી તમે કેવી રીતે માની લો છો કે દેશ તમારો છે?

27 “તેમને કહે કે પ્રભુ પરમેશ્વર પોતાના સમ ખાઇને કહે છે કે જેઓ ઇઝરાયલનાં ઉજ્જડ નગરોમાં વસે છે તેઓ તલવારથી મરશે, અને જેઓ ગ્રામ્ય વિસ્તારમાં રહે છે, તેઓ જંગલી પ્રાણીઓનો ભક્ષ થઇ પડશે, જેઓ પર્વતો અને ગુફાઓમાં છુપાયા હશે તેઓ રોગચાળાથી માર્યા જશે.

28 હું આખા દેશને ઉજ્જડ અને વેરાન બનાવી દઇશ. જેનો તેમને ઘમંડ હતો તે દેશની સમૃદ્ધિનો અંત આવશે અને ઇઝરાયલના પહાડો એવા તો વેરાન થઇ જશે કે ત્યાંથી કોઇ પસાર થઇ શકશે નહિ.

29 હું લોકોને તેમનાં ઘૃણાજનક કાર્યોને કારણે સજા કરીશ અને દેશને ઉજ્જડ ને વેરાન બનાવી દઇશ, ત્યારે તેઓ જાણશે કે હું પ્રભુ છું.”


સંદેશવાહકના સંદેશનું પરિણામ

30 પ્રભુએ કહ્યું, “હે મનુષ્યપુત્ર, તારા લોકો શહેરના કોટની પાસે અને ઘરનાં બારણે તારે વિશે વાતો કરે છે. તેઓ એકબીજાને કહે છે: ‘આવો, પ્રભુ તરફથી આવતો સંદેશો સાંભળીએ.’

31 તેથી મારા લોકો તારી પાસે આવીને તારું સાંભળવા તારી પાસે ટોળે મળીને બેસે છે, તેઓ તારી વાત સાંભળે છે, પણ તેનો અમલ કરતા નથી. તેઓ તેમના મુખની વાતોથી તો બહુ પ્રેમ દર્શાવે છે, પરંતુ તેમનું હૃદય સ્વાર્થ પાછળ ભટકે છે.

32 તું તેમને માટે મધુર કંઠે પ્રેમગીતો ગાનાર ગવૈયા જેવો કે કુશળ વાદક જેવો છે, કારણ, તેઓ તારા સંદેશા સાંભળે છે, પણ તેમાંના એકેયનો અમલ કરતા નથી.

33 પણ જ્યારે તારા સંદેશા સાચા પડશે અને એ પ્રમાણે થશે જ ત્યારે તેઓ જાણશે કે તેમની મધ્યે એક સંદેશવાહક છે.”

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan