હઝકિયેલ 32 - પવિત્ર બાઇબલ C.L.ઇજિપ્તના રાજાની મગર સાથે સરખામણી 1 અમારા દેશનિકાલ થયાના બારમા વર્ષના બારમા માસના પ્રથમ દિવસે મને પ્રભુનો સંદેશ મળ્યો: 2 “હે મનુષ્યપુત્ર, ઇજિપ્તના રાજા ફેરો વિષે વિલાપગીત દ્વારા તું તેને મારો આ સંદેશ પહોંચાડ: ‘તું પ્રજાઓમાં પોતાને સિંહ માનતો હતો, પણ તું તો નદીનાં પાણી ચાતરનાર મગરમચ્છ જેવો છે. તું તારા પગથી નદીનાં પાણીને ડહોળીને તેને મેલાં બનાવે છે.’ 3 પ્રભુ પરમેશ્વર આમ કહે છે: જ્યારે ઘણી પ્રજાઓ એકઠી થશે ત્યારે મારી જાળ તારા પર નાખીશ અને તેઓ તને કિનારા પર ખેંચી લાવશે. 4 હું તને ખુલ્લી જમીન પર ફેંકી દઇશ. હું માંસાહારી પક્ષીઓને તારા પર બેસાડીશ અને આખી પૃથ્વીનાં પશુઓ તારા માંસથી તૃપ્ત થશે. 5 હું તારા માંસના ટુકડા પર્વતો પર વેરીશ અને તારા સડી ગયેલા શબ વડે ખીણોને ઢાંકી દઇશ. 6 તારા રક્તની છોળોથી હું પર્વતોની ટોચ સુધી ભૂમિને તરબોળ કરી દઇશ અને તારા રક્તથી નદીનાળાં છલકાઇ જશે. 7 હું તારો વિનાશ કરીશ ત્યારે આકાશને ઢાંકી દઇશ અને તારાઓને નિસ્તેજ બનાવી દઇશ. સૂર્ય વાદળો પાછળ સંતાઇ જશે અને ચંદ્ર પોતાનો પ્રકાશ આપશે નહિ. 8 હું આકાશના બધા પ્રકાશિત તારાઓ અને નક્ષત્રોને ઝાંખા પાડી દઇશ અને તારા આખા દેશ પર અંધકાર ફેલાવી દઇશ. હું પ્રભુ પરમેશ્વર એમ કહું છું. 9 “જે દેશોનાં નામ પણ તે કદી સાંભળ્યાં નથી એવા દેશોમાં હું તારા વિનાશના સમાચાર ફેલાવીશ ત્યારે ઘણી પ્રજાઓનાં હૃદય ભયથી કાંપી ઊઠશે. 10 તારા પ્રત્યેનો મારો વર્તાવ જોઇને ઘણા દેશો આઘાત પામશે. તેમના દેખતાં હું મારી તલવાર વીંઝીશ ત્યારે તેમના રાજાઓ ભયથી થથરી ઊઠશે. જે દિવસે તારું પતન થશે તે જ દિવસે તેઓ બધા પોતાનો પ્રાણ જવાના ડરથી કાંપી ઊઠશે.” 11 પ્રભુ પરમેશ્વર ઇજિપ્તના રાજાને કહે છે કે, “બેબિલોનના રાજાની તલવાર તારા પર આવી પડશે. 12 હું પ્રજાઓમાં સૌથી ઘાતકી એવા શૂરવીર સૈનિકોની તલવારથી તારા સમસ્ત જનસમુદાયનો સંહાર કરાવીશ. તે ઇજિપ્તના ગૌરવને ધૂળમાં મેળવી દેશે અને તારા સર્વ જનસમુદાયનો નાશ થશે. 13 હું તારી મોટી નદી પાસેનાં સર્વ પશુઓનો સંહાર કરીશ. એ પછી પાણીને ડહોળીને મેલાં કરવા કોઇ જનજનાવર રહેશે નહિ. 14 હું તારા બધાં જળાશયોને કરીને સ્વચ્છ કરી દઇશ અને તારી નદીઓનાં પાણીને તેલની જેમ શાંત રીતે વહેવા દઇશ. હું પ્રભુ પરમેશ્વર એ કહું છું. 15 જ્યારે હું ઇજિપ્તને ઉજ્જડ તથા વેરાન કરી મૂકીશ અને તેની સર્વ સમૃદ્ધિ ચાલી જશે અને તેની આખી વસ્તીનો સંહાર કરીશ ત્યારે તેઓ જાણશે કે હું પ્રભુ છું. 16 આ વિલાપ ગીત છે. દેશવિદેશની પ્રજાઓની સ્ત્રીઓ ઇજિપ્ત અને તેના લોકો માટે વિલાપ કરતાં એ ગાશે. હું, પ્રભુ પરમેશ્વર, એ બોલ્યો છું.” મૃત્યુલોક શેઓલ 17 અમારા દેશનિકાલના બારમા વર્ષના પ્રથમ માસના પંદરમે દિવસે મને પ્રભુનો સંદેશ મળ્યો. 18 “હે મનુષ્યપુત્ર, ઇજિપ્તના જનસમુદાયને માટે વિલાપ કર. અન્ય પ્રતાપી પ્રજાઓની સાથે તેમને પણ તું પાતાળમાં ઊતરી જનારાઓની સાથે મૃત્યુલોક શેઓલમાં મોકલી દે. 19 તેમને કહે: શું તમે પોતાને સૌંદર્યમાં સર્વશ્રેષ્ઠ માનો છો? તમે પણ અધોલોકમાં ઊતરી જશો અને પરપ્રજાના લોક સાથે પડી રહેશો. 20 “ઇજિપ્તના લોકો યુદ્ધમાં માર્યા ગયેલા મધ્યે પડશે. તેમનો સૌનો સંહાર કરવા તલવાર તૈયાર છે. 21 સૌથી મહાન પરાક્રમી પુરુષો અને ઇજિપ્તને પક્ષે લડનારાઓ ઇજિપ્તીઓને મૃત્યુલોક શેઓલમાં આવકાર આપતાં કહે છે: પરપ્રજાના જે લોક યુદ્ધમાં માર્યા ગયા છે, તે અહીં આવ્યા છે અને અહીં પડયા છે. 22 “આશ્શૂર પણ ત્યાં પડયું છે, તેની ચારે તરફ તેના સૈનિકોની કબરો છે. એ સર્વ યુદ્ધમાં માર્યા ગયા હતા. 23 તેમની કબરો પાતાળને છેક તળિયે ગોઠવેલી છે. એના બધા સૈનિકો લડાઇમાં માર્યા ગયા અને આશ્શૂરની કબરની આસપાસ તેમની કબરો છે. એક સમયે તો તેઓ પૃથ્વી પર ત્રાસ વર્તાવતા હતા. 24 “એલામ પણ ત્યાં છે. તેની ચારે તરફ તેના સૈનિકોની કબરો છે. એ બધા લડાઇમાં માર્યા ગયા છે. એક સમયે પૃથ્વીના લોકો પર તેઓ ત્રાસ વર્તાવતા હતા, તે સર્વ લડાઇમાં માર્યા જઈ ઈશ્વર સાથેના કોઈ સંબંધ વિનાની સ્થિતિમાં પાતાળમાં ઊતરી જનારાઓની સાથે મૃત્યુલોક શેઓલમાં પહોંચી ગયા છે અને અત્યારે તેઓ અપમાનિત થઈને ત્યાં પોઢી ગયા છે. 25 લડાઇમાં માર્યા ગયેલાઓની વચ્ચે એલામ પોઢી ગયું છે, અને તેની આસપાસ તેના સૈનિકોની કબરો છે, એ બધા બેસુન્નતીઓ લડાઇમાં માર્યા ગયા હતા. પૃથ્વીના લોકો પર તેઓ ત્રાસ વર્તાવતા હતા, પણ અત્યારે તેઓ અપમાનિત થઇને મૃત્યુલોક શેઓલમાં પડયા છે અને યુદ્ધમાં માર્યા ગયેલાઓની સ્થિતિ ભોગવે છે. 26 ત્યાં મેશેખ અને તૂબાલ છે. તેમની ચારે તરફ તેમના સૈનિકોની કબરો છે. એ બધા પરપ્રજાના લોક હતા અને લડાઇમાં માર્યા ગયા હતા. એક સમયે તેઓ પૃથ્વીના લોકો પર ત્રાસ વર્તાવતા હતા. 27 પ્રાચીન સમયના શૂરવીરો સંપૂર્ણ શસ્ત્રસજ્જ થઇને અધોલોકમાં જતા, તેમની તલવારો તેમના માથા નીચે મૂકવામાં આવતી અને તેમની ઢાલો તેમના શરીર પર મુક્તી. જો કે તેઓ જીવતા હતા ત્યારે બીજાને માટે ત્રાસરૂપ હતા. મેશેખ અને તુબાલના યોદ્ધાઓને આમ માનપૂર્વક દફનાવાયા નથી. 28 તેવી રીતે ઇજિપ્તીઓ પણ માર ખાઇને યુદ્ધમાં માર્યા ગયેલા પરપ્રજાના લોક ભેગા પડયા રહેશે. 29 ત્યાં અદોમ પણ તેના રાજાઓ અને સરદારો સાથે છે. એ બધા ય પરાક્રમી લડવૈયાઓ હતા, છતાં આજે તેઓ લડાઇમાં માર્યા ગયેલા પરપ્રજાના લોક સાથે અને પાતાળમાં ઊતરી જનારાઓની સાથે મૃત્યુલોક શેઓલમાં પડયા છે. 30 ઉત્તરના સર્વ સરદારો અને સિદોનીઓ પણ ત્યાં છે. એક સમયે તેઓ પોતાની શક્તિથી ત્રાસ ફેલાવતા હતા. પણ અત્યારે પરપ્રજાના એ બધા લોક અપમાનિત થઇને લડાઇમાં માર્યા ગયેલાઓ સાથે અને પાતાળમાં ઊતરી જનારાઓની સાથે મૃત્યુલોક શેઓલમાં પોઢયા છે. 31 ઇજિપ્તનો રાજા ફેરો અને તેનું સૈન્ય લડાઇમાં માર્યા ગયેલા એ બધાને જોઇને દિલાસો પામશે.” પ્રભુ પરમેશ્વર એમ કહે છે. 32 “ફેરોએ પણ પૃથ્વીના લોક પર ત્રાસ વર્તાવ્યો હતો, તે અત્યારે પોતાના સૈન્ય સહિત યુદ્ધમાં માર્યા ગયેલા પરપ્રજાજનો સાથે મૃત્યુલોક શેઓલમાં પોઢી ગયો છે.” પ્રભુ પરમેશ્વર એમ કહે છે. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide