Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

હઝકિયેલ 31 - પવિત્ર બાઇબલ C.L.


ઇજિપ્તની ગંધતરુ સાથે સરખામણી

1 અમારો દેશનિકાલ થયાના અગિયારમા વર્ષના ત્રીજા માસના પ્રથમ દિવસે મને પ્રભુનો આવો સંદેશ મળ્યો:

2 “હે મનુષ્યપુત્ર, તું ઇજિપ્તના રાજા ફેરોને અને તેના વિશાળ જનસમૂહને કહે: ‘તું કેટલો બધો શક્તિશાળી છે! હું તને કોની ઉપમા આપું?

3 તું તો લબાનોનના સુંદર, ઘટ્ટાદાર અને ઊંચા ગંધતરુ જેવો છે. તેની ટોચ વાદળોને સ્પર્શે છે.

4 ઝરણાનું પાણી તેને પોષે છે. ભૂગર્ભનું જળ તેને વિક્સાવે છે. તેના રોપની આસપાસ નાઇલનાં ઝરણાં વહેતાં હતાં. તેમનાં વહેણોથી વનનાં સર્વ વૃક્ષોને પાણી મળતું.

5 એને પુષ્કળ પાણી મળ્યું તેથી તે વનનાં બીજાં વૃક્ષો કરતાં કદમાં ઊંચું વયું, તેની ડાળીઓ લાંબી અને મજબૂત બની.

6 દરેક પ્રકારનાં પંખીઓ તેની ડાળીઓમાં માળા બાંધતાં, એની છાયામાં જંગલી પશુઓ પોતાનાં બચ્ચાંને જન્મ આપતાં અને દુનિયાની પ્રજાઓએ એની છાયામાં આરામ કર્યો.

7 એ વૃક્ષ દેખાવમાં અત્યંત સુંદર હતું. એની ડાળીઓ ખૂબ લાંબી અને ઊંચે સુધી વિસ્તરેલી હતી. એનાં મૂળિયાં છેક ભૂગર્ભજળ સુધી પહોંચ્યાં હતાં.

8 ઈશ્વરની વાડીનાં ગંધતરુ એની બરોબરી કરી શકે નહિ. એની ડાળીઓ સાથે દેવદારને સરખાવી શકાય નહિ અને ચિનારવૃક્ષની તો કશી વિસાત નહિ. ઈશ્વરના બાગમાંનું કોઈ વૃક્ષ એના જેટલું સુંદર નહોતું.

9 મેં તેને વિશાળ ડાળીઓ આપીને એવું ખૂબસૂરત બનાવ્યું હતું કે ઈશ્વરની વાડી એદનનાં સૌ વૃક્ષો એની ઇર્ષ્યા કરતાં.

10 હવે હું, પ્રભુ પરમેશ્વર, આમ કહું છું. એ વૃક્ષે વધીને પોતાની ટોચ વાદળ સુધી પહોંચાડી છે. એ જેમ જેમ ઊંચું થતું ગયું છે તેમ તેમ એ ગર્વિષ્ઠ થયું છે.

11 તેથી મેં તેનો ત્યાગ કર્યો છે અને એક પરદેશી શાસકના હાથમાં તેને સોંપી દીધું છે, જે એની દુષ્ટતાને અનુરૂપ તેની દુર્દશા કરશે.

12 અત્યંત નિર્દય પરદેશીઓ એને કાપી નાખશે, ને તેને પડયું રહેવા દેશે. એનાં તૂટેલાં ડાળાંપાંખળાં દેશના બધા પર્વતો પર, ખીણોમાં અને વહેળાઓ પાસે વેરાશે. એની છાયામાં નિવાસ કરતી પ્રજાઓ એનો ત્યાગ કરશે.

13 આકાશનાં પંખીઓ આવીને એ તૂટેલાં વૃક્ષ પર બેસશે અને પશુઓ તેની શાખાઓ પર ચાલશે.

14 એ માટે હવે પછી ભરપૂર પાણી મળ્યું હોય તેવું કોઇપણ વૃક્ષ પેલા દેવદાર વૃક્ષ જેટલું ઊંચું વધશે નહિ કે પોતાની ટોચ વાદળ સુધી પહોંચાડશે નહિ. બધાં જ વૃક્ષો મર્ત્ય માનવીની જેમ મરવા માટે નિર્માયાં છે અને મૃત્યુલોક શેઓલમાં જનારા મૃતકોની સાથે જવા માટે સર્જાયાં છે.”

15 પ્રભુ પરમેશ્વર પ્રમાણે કહે છે: “જે દિવસે એ વૃક્ષ મૃતકોની દુનિયા શેઓલમાં પહોંચી જશે, તે દિવસે શોકની નિશાની તરીકે પાતાળ એને ઢાંકી દે તેમ હું કરીશ. હું નદીઓના જળપ્રવાહ રોકી રાખીશ ને ઝરણાંઓને બહાર આવવા દઇશ નહિ. વૃક્ષના મૃત્યુને કારણે હું લબાનોન પર્વત પર અંધકાર આણીશ ને વનનાં બધાં વૃક્ષોને કરમાવી નાખીશ.

16 હું જ્યારે એને મૃત્યુલોક શેઓલમાં ફેંકી દઇશ ત્યારે એના પતનથી થયેલા ધડાકાથી પ્રજાઓ ધ્રૂજી ઊઠશે. એદનવાટિકાનાં સર્વ વૃક્ષો અને લબાનોનનાં વિપુલ પાણી પીને સર્વોત્તમ બનેલાં પુષ્ટ વૃક્ષો શેઓલમાં આનંદ પામશે.

17 તેઓ પણ તેની સાથે શેઓલમાં જશે. અગાઉ તલવારથી ક્તલ થયેલાં પણ ત્યાં પડેલાં હશે. તેની છાયામાં વસતી સર્વ પ્રજાઓ પણ નષ્ટ થઇ જશે.

18 એ વૃક્ષ તો ઇજિપ્તનો રાજા અને તેનો જનસમુદાય છે. એદનવાટિકાનાં વૃક્ષો પણ એનાં જેટલાં ઊંચા કે મહાન નહોતાં. હવે, એદનનાં વૃક્ષોની જેમ એ અધોલોકમાં ફેંકાઇ જશે અને લડાઇમાં માર્યા ગયેલા પરપ્રજાના લોક સાથે પડયું રહેશે.” એમ પ્રભુ પરમેશ્વર કહે છે.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan