Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

હઝકિયેલ 30 - પવિત્ર બાઇબલ C.L.


પ્રભુ ઇજિપ્તને સજા કરશે

1 વળી પ્રભુનો સંદેશ મને મળ્યો:

2 “હે મનુષ્યપુત્ર, તું સંદેશ પ્રગટ કર, અને હું, પ્રભુ પરમેશ્વર જે કહું છું તે જણાવ. તારે આ શબ્દો પોકારવાના છે. અહો કેવો ભયંકર દિવસ આવ્યો છે!

3 તે દિવસ એટલે પ્રભુનો દિવસ આવ્યો છે. તે વાદળાંથી ઘેરાયેલો દિવસ છે, પ્રજાઓને માટે સંકટનો દિવસ છે.

4 એ દિવસે ઇજિપ્ત પર યુદ્ધ આવી પડશે. કૂશ પર મહા દુ:ખ આવી પડશે. ઇજિપ્તમાં અનેક માર્યા જશે, દેશનું ધન લૂંટાઈ જશે અને તેના પાયા ખંડેર બની જશે.

5 એ યુદ્ધમાં કૂશના, પૂટના, લૂદના સર્વ અરબી પ્રદેશો તથા કૂબના સૈનિકો માર્યા જશે. તેમજ ઇજિપ્ત સાથે સંધિથી જોડાયેલા અન્ય લોકોનો પણ સંહાર થશે.”

6 પ્રભુ કહે છે: “ઉત્તરના મિગ્દોલ નગરથી દક્ષિણના સૈયેને નગર સુધીના ઇજિપ્તના ટેકેદારો યુદ્ધમાં તલવારથી માર્યા જશે અને પોતાની લશ્કરી તાક્તનો ઈજિપ્તનો ઘમંડ ઓસરી જશે. હું, પ્રભુ પરમેશ્વર એ બોલ્યો છું.

7 એ દેશો દુનિયામાં સૌથી વધુ વેરાન બની જશે અને તેમનાં શહેરો સંપૂર્ણ ખંડેર બની જશે.

8 જ્યારે હું ઇજિપ્તને આગ લગાડીશ અને તેના બધા ટેકેદારો નાશ પામશે ત્યારે તેઓ જાણશે કે હું પ્રભુ છું.

9 એ દિવસ આવશે અને ઇજિપ્ત નાશ પામ્યું હશે ત્યારે હું દરિયાઈ માર્ગે વહાણોમાં સંદેશકોને કૂશ મોકલીશ અને ત્યાં નિશ્ર્વિંત્ રીતે જીવતા કૂશીઓને સાવધ કરી દઈશ અને તેઓ ભયભીત થઈ જશે. એ દિવસ હવે આવી જ રહ્યો છે.”

10 પ્રભુ પરમેશ્વર કહે છે: બેબિલોનના રાજા નબૂખાદનેસ્સાર દ્વારા હું ઇજિપ્તના ધનવૈભવનો અંત આણીશ.

11 તે અને તેનું નિર્દયી સૈન્ય આવશે અને દેશને ખેદાનમેદાન કરી નાખશે. તેઓ ઇજિપ્ત સામે તલવાર ચલાવશે અને આખો દેશ મૃતદેહોથી છવાઈ જશે.

12 હું નાઇલ નદીને સૂકવી નાખીશ અને ઇજિપ્તને દુષ્ટોના કબજામાં સોંપી દઈશ. પરદેશીઓ આખા દેશને ખેદાનમેદાન કરી નાખશે, હું, પ્રભુ, એ બોલ્યો છું.”

13 પ્રભુ પરમેશ્વર કહે છે: “હું નોફમાંની મૂર્તિઓનો અને તેની પ્રતિમાઓનો નાશ કરીશ. ઇજિપ્તમાં કોઈ શાસક નહિ હોય અને હું આખા દેશને ભયભીત બનાવીશ.

14 હું પાથ્રોસને ઉજ્જડ કરીશ, અને ઉત્તરના સોઆન નગરને આગ લગાડીશ. નો નગરનો ન્યાય કરીને તેને શિક્ષા કરીશ.

15 હું ઇજિપ્તના મહાન કિલ્લારૂપ નગર સીન પર મારો રોષ ઠાલવીશ. હું નો નગરની ધનસંપત્તિનો વિનાશ કરીશ.

16 હું ઇજિપ્તને આગ લગાડીશ અને સીન પર ભારે આપત્તિ આવી પડશે. નો નગરના કોટ ભાંગીને ભૂકો થઈ જશે અને નોફ શહેરમાં પૂરનાં પાણી ફરી વળશે.

17 ઓન અને પીલેસેથ નગરોના જુવાનો યુદ્ધમાં માર્યા જશે અને બીજા લોકો દેશનિકાલ થશે.

18 હું જ્યારે ઇજિપ્તની સતાનું ખંડન કરીશ અને જે બળ પર તેઓ અભિમાન કરતા હતા તેનો અંત આણીશ ત્યારે તાહપન્હેસમાં અંધકાર છવાઈ જશે. વાદળ સમગ્ર ઇજિપ્તને ઢાંકી દેશે અને તેમા નગરના લોકો દેશનિકાલ થશે.

19 ઇજિપ્તને હું આ રીતે શિક્ષા કરીશ ત્યારે તેઓ જાણશે કે હું પ્રભુ છું.”


ઇજિપ્તના રાજાની સત્તાનું ખંડન

20 અમારો દેશનિકાલ થયાના અગિયારમાં વર્ષના પ્રથમ માસના સાતમા દિવસે મને પ્રભુનો સંદેશ મળ્યો:

21 “હે મનુષ્યપુત્ર, મેં ઇજિપ્તના રાજા ફેરાનો હાથ ભાગી નાખ્યો છે. કોઈએ તેને પાટો બાંધ્યો નથી કે કોઈએ તેને ઝોળીમાં ભેરવ્યો નથી કે જેથી તે સાજોસમો થઈને ફરીથી સ્વસ્થ બની તલવાર પકડી શકે.

22 એ માટે હું, પ્રભુ પરમેશ્વર કહું છું કે હું ઇજિપ્તના રાજા ફેરોની વિરુદ્ધ છું, હું એનો સાજો અને ભાંગી ગયેલો એમ બન્‍ને હાથ ભાંગી નાખીશ અને એના હાથમાંથી તલવાર નીચે પડી જશે.

23 હું ઇજિપ્તીઓને બીજી પ્રજાઓમાં અને દુનિયાના અન્ય દેશોમાં વેરવિખેર કરી દઈશ.

24 હું બેબિલોનના રાજાના હાથ મજબૂત કરીશ અને મારી તલવાર તેના હાથમાં આપીશ. પણ હું ઇજિપ્તના રાજાના હાથ તોડી નાખીશ અને તે મરણતોલ ઘાયલ થઈને પોતાના શત્રુઓ સમક્ષ કણસશે.

25 હું જરૂર બેબિલોનના રાજાના હાથ બળવાન બનાવીશ, પણ ફેરોના હાથ નિર્બળ બનાવી દઈશ. હું બેબિલોનના રાજાના હાથમાં મારી તલવાર મૂકીશ અને તે તેને ઇજિપ્ત સામે ઉગામશે ત્યારે દરેક માણસ જાણશે કે હું પ્રભુ છું.

26 હું ઇજિપ્તીઓને આખી દુનિયામાં વિખેરી નાખીશ, ત્યારે તેઓ જાણશે કે હું પ્રભુ છું.”

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan