હઝકિયેલ 3 - પવિત્ર બાઇબલ C.L.1 ઈશ્વરે કહ્યું, “હે મનુષ્યપુત્ર, તારી સમક્ષ આ જે ઓળિયું છે તે ખા, પછી જઈને ઇઝરાયલી લોકોને મારો સંદેશ કહે.” 2 તેથી મેં મારું મુખ ઉઘાડયું અને તેમણે મને તે ઓળિયું ખાવા માટે આપ્યું. 3 પછી તેમણે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, હું તને આપું તે વિંટો તું ખાઈ જા; પેટ ભરીને ખા.” ત્યારે મેં તે વિંટો ખાધો અને તે મને મધ જેવો મીઠો લાગ્યો. 4 તેમણે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, ઇઝરાયલીઓ પાસે જા અને તેમને મારો સંદેશ કહી સંભળાવ. 5 હું તને કોઈ અજાણી બોલી કે અઘરી ભાષાના લોકો પાસે મોકલતો નથી, પરંતુ ઇઝરાયલીઓ પાસે મોકલું છું. 6 હું તને સમજાય નહીં એવી અજાણી બોલી અને અઘરી ભાષા બોલનાર ઘણી પ્રજાઓ પાસે મોકલતો નથી. જો મેં તને તેમની પાસે મોકલ્યો હોત તો તેમણે તારું સાંભળ્યું હોત. 7 પણ ઇઝરાયલીઓ તારો સંદેશ સાંભળશે નહિ, કારણ, તેઓ મારું સાંભળવા તૈયાર નથી. તેઓ બધા કઠોર અને હઠીલા છે. 8 પણ હું તને તેમના જેટલો જ કઠોર અને હઠીલો બનાવીશ. 9 હું તને ચકમકના ખડક જેવો સખત અને હીરા જેવો કઠણ બનાવીશ. તેઓ બળવાખોર પ્રજા હોવા છતાં ત્યારે તેમનાથી બીવું નહિ, તેમ જ ગભરાવું પણ નહિ.” 10 વળી, તેમણે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, હું તને જે કહું તે બધું ધ્યાન દઈને સાંભળ અને તેમને તારા મનથી ગ્રહણ કર. 11 પછી દેશનિકાલ થયેલા તારા લોકો, એટલે તારા દેશબાંધવો પાસે જા અને કહે કે, ‘આ પ્રભુ પરમેશ્વરનો સંદેશ છે.’ પછી ભલે તેઓ સાંભળે કે ન સાંભળે.’ 12 પછી આત્માએ મને ઊંચકી લીધો અને મેં મારી પાછળ ધરતીકંપના અવાજ જેવી વાણી સાંભળી, “પ્રભુના પરમધામમાં તેમના ગૌરવની સ્તુતિ થાઓ” 13 વળી, મેં પેલા જીવંત પ્રાણીઓની પાંખો એકબીજાની સાથે અથડાવાનો અને તેમની પાસેનાં પૈડાંઓનો અવાજ સાંભળ્યો. એ તો મોટા ધરતીકંપના ગડગડાટ જેવો અવાજ હતો. 14 પછી આત્માએ મને ઊંચકી લીધો અને પ્રભુના પરાક્રમી પ્રભાવે મારો સજ્જડ કબજો લીધો. તેથી હું કચવાતે મને ધૂંધવાઈને ગયો. 15 હું તેલઅવીવમાં કબાર નદીને કાંઠે વસતા દેશનિકાલ થયેલાઓ પાસે આવ્યો. હું તેમની સાથે સાત દિવસ સુધી સ્તબ્ધ બની બેસી રહ્યો. હઝકિયેલની ચોકીદાર તરીકે નિમણૂક 16 સાત દિવસ પૂરા થયા પછી મને પ્રભુનો સંદેશ મળ્યો. 17 “હે મનુષ્યપુત્ર, મેં તને ઇઝરાયલી પ્રજા પર ચોકીદાર ઠરાવ્યો છે, તેથી હું તને જે ચેતવણીઓ આપું તે તું તેમને જણાવજે. 18 હું કોઈ દુષ્ટને મોતની સજા ફરમાવું અને જો તું તેને તેનો જીવ બચાવવાને તેનો દુરાચાર છોડી દેવા ચેતવે નહિ, તો તે દુષ્ટ તેની દુષ્ટતામાં મરશે; પરંતુ તેના મૃત્યુ માટે હું તને જવાબદાર ઠેરવીશ. 19 પણ જો તું તે દુષ્ટને ચેતવે તેમ છતાં તે પોતાની દુષ્ટતા અને ભૂંડા માર્ગો ન છોડે, તો તે તેનાં દુષ્કર્મોના કારણે મરશે, પણ તારો જીવ તો બચી જશે. 20 વળી, જો કોઈ સદાચારી મનુષ્ય પોતાના સદાચારથી વિમુખ થઈ દુરાચાર કરે અને તેથી હું તેને જોખમમાં મૂકું, અને જો તું તેને ચેતવે નહિ તો તે પોતાના પાપને કારણે માર્યો જશે. હું તેનાં સત્કર્મો સંભારીશ નહિ, અને તેના મૃત્યુ માટે હું તને જવાબદાર ઠેરવીશ. 21 પણ જો તું કોઈ સદાચારીને પાપ ન કરવા અંગે ચેતવે, અને તે પાપ ન કરે તો તારી ચેતવણી લક્ષમાં લેવાને લીધે તે નક્કી જીવતો રહેશે, અને તે ઉપરાંત તારો પોતાનો જીવ પણ બચી જશે.” હઝકિયેલને મૂંગો બનાવી દેવામાં આવે છે 22 પ્રભુના પરાક્રમી પ્રભાવે ત્યાં મારો કબજો લીધો અને પ્રભુએ મને કહ્યું, “તું અહીંથી ઊઠીને ખીણપ્રદેશમાં ચાલ્યો જા અને ત્યાં હું તારી સાથે વાત કરીશ.” 23 તેથી હું ઊઠયો અને ખીણપ્રદેશમાં ગયો અને ત્યાં મને કબાર નદીએ થયું હતું તેવું પ્રભુના ગૌરવનું દર્શન થયું. મેં ભૂમિ પર શિર ટેકવીને પ્રણામ કર્યાં. 24 પણ પ્રભુના આત્માએ મારામાં પ્રવેશ કરી મને મારા પગ પર ખડો કર્યો અને મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, તારે ઘેર જા અને બારણાં બંધ કરીને અંદર ભરાઈ જા. 25 તને દોરડાંથી બાંધીને જકડી લેવામાં આવશે, જેથી તું લોકો વચ્ચે જઈ શકશે નહિ. 26 હું તારી જીભ તારે તાળવે ચોંટાડી દઈને તને મૂંગો બનાવી દઈશ, જેથી તું તેમને ચેતવણી આપી શકીશ નહિ, કારણ, તેઓ તો બંડખોર લોકો છે. 27 પછી જ્યારે હું તારી સાથે વાત કરીશ ત્યારે હું તને ફરી બોલતો કરીશ. તું તેમને કહેજે કે આ તો પ્રભુ પરમેશ્વરની વાણી છે. જેને સાંભળવું હોય તે સાંભળે અને જેને ન સાંભળવું હોય તે ન સાંભળે, કારણ, તેઓ બંડખોર પ્રજા છે. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide