હઝકિયેલ 29 - પવિત્ર બાઇબલ C.L.ઇજિપ્ત વિરુદ્ધ ભવિષ્યવાણી 1 અમારો દેશનિકાલ થયાના દસમા વર્ષના દસમા મહિનાના બારમે દિવસે પ્રભુએ મારી સાથે બોલતાં મને આમ કહ્યું: 2 “હે મનુષ્યપુત્ર, ઇજિપ્તના રાજા ફેરો તરફ તારું મોં રાખીને તેની વિરુદ્ધ સંદેશ પ્રગટ કર. તેને અને ઇજિપ્ત દેશને કેવી શિક્ષા થવાની છે તે અંગે સંદેશ પ્રગટ કર. 3 તેને કહે કે પ્રભુ પરમેશ્વર આ પ્રમાણે કહે છે: હે ઇજિપ્તના રાજા ફેરો, નાઇલ નદીમાં પડી રહેનાર રાક્ષસી મગર, હું તારી વિરુદ્ધ છું. તું કહે છે કે નાઇલ નદી મારી છે; તેં તારે માટે એને બનાવી છે. 4 પણ હું તારા જડબામાં આંકડો ભરાવીશ અને તારી નદીનાં માછલાં તારાં ભીંગડાને વળગાડીશ. પછી તેને ચોંટેલી બધી માછલીઓ સાથે હું તને નાઇલ નદીમાંથી બહાર ખેંચી કાઢીશ. 5 પછી હું તને અને એ બધાં માછલાંઓને રણપ્રદેશમાં ફેંકી દઈશ. તારું શરીર ખુલ્લા મેદાનમાં પડશે. તને ત્યાંથી કોઈ હઠાવશે નહિ કે તને દફનાવશે નહિ. હું તને આકાશનાં પંખીઓ અને પૃથ્વીના પશુઓનો ભક્ષ બનાવીશ. 6 ત્યારે ઇજિપ્તના બધા લોકો જાણશે કે હું પ્રભુ છું.” પ્રભુ કહે છે કે, “ઇઝરાયલીઓએ સહાય માટે તમ ઇજિપ્તીઓ પર આધાર રાખ્યો પણ તમે તો બરુના સાંઠા જેવા પુરવાર થયા. 7 જ્યારે તેમણે તને હાથમાં લીધો ત્યારે તું ભાંગી ગયો. તેં તેમના ખભાને ચીરી નાખ્યા અને જ્યારે તેમણે તારો ટેકો લીધો ત્યારે તેનાથી તેમની કમરો વળી ગઈ. 8 આથી હું, પ્રભુ પરમેશ્વર, તને કહું છું કે હું તારા પર તલવારધારી માણસો દ્વારા હુમલો કરાવીશ. તેઓ તારા જનજનાવરોનો સંહાર કરશે. 9 ઇજિપ્ત ઉજ્જડ અને વેરાન થઈ જશે અને ત્યારે લોકો જાણશે કે હું પ્રભુ છું. તેં તો કહ્યું છે કે નાઇલ નદી મારી છે અને તારે માટે તેં એને બનાવી છે. 10 તેથી હું તારી અને તારી નાઇલ નદીની વિરુદ્ધ છું. હું સમગ્ર ઇજિપ્ત દેશને ઉત્તરના મિગ્દોલ નગરથી માંડી દક્ષિણના સૈન્દ્રને નગર સુધી છેક કૂશની સરહદ સુધી ઉજ્જડ અને વેરાન કરી નાખીશ. 11 કોઈ માણસ કે કોઈ પશુ ત્યાં ફરકશે નહિ. ચાળીસ વર્ષ સુધી તેમાં વસવાટ થશે નહિ. 12 હું ઇજિપ્તને સૌથી વેરાન દેશ બનાવી દઈશ. ચાળીસ વર્ષ સુધી ઇજિપ્તનાં નગરો કોઈપણ દેશનાં અન્ય નગરો કરતાં વધુ ઉજ્જડ બની જશે. હું ઇજિપ્તીઓને નિર્વાસિતો બનાવી દઈશ. તેઓ બધા દેશોમાં નાસી છૂટશે અને બીજી પ્રજાઓ વચ્ચે વસશે.” 13 પ્રભુ પરમેશ્વર આમ કહે છે: “ચાળીશ વર્ષ પૂરાં થયાં પછી હું અન્ય પ્રજાઓમાં વેરવિખેર થઈ ગયેલા ઇજિપ્તીઓને પાછા લાવી એકત્ર કરીશ. 14 અને હું ઇજિપ્તને ગુલામગીરીમાંથી છોડાવીશ ને તેના લોકોને પાછા દક્ષિણ ઇજિપ્તમાં એટલે તેમના મૂળ વતનમાં પાછા લાવીશ ને તેમને પુન:સ્થાપિત કરીશ. ત્યાં તેઓ એક નિર્બળ રાજ્ય બની રહેશે. 15 તે સૌથી નિર્બળ રાજ્ય થશે અને ફરી કદી બીજી પ્રજાઓ સામે માથું ઊંચકશે નહિ. હું તેમને એટલા પામર બનાવી દઈશ કે તેઓ બીજી પ્રજાઓ પર હકૂમત ચલાવી શકશે નહિ. 16 ઇઝરાયલીઓ ફરી કદી સહાય માટે તેમના પર આધાર રાખશે નહિ. ઇજિપ્તના હાલહવાલ જોઈને પોતે તેમના પર આધાર રાખીને કેવી ભૂલ કરી હતી તેનું તેમને હંમેશા સ્મરણ થશે અને ત્યારે ઇઝરાયલ જાણશે કે હું પ્રભુ પરમેશ્વર છું.” નબૂખાદનેસ્સાર રાજા ઇજિપ્તને જીતી લેશે. 17 અમારો દેશનિકાલ થયાના સતાવીસમા વર્ષના પ્રથમ માસના પ્રથમ દિવસે મને પ્રભુનો સંદેશ મળ્યો: 18 “હે મનુષ્યપુત્ર, બેબિલોનના રાજા નબૂખાદનેસ્સારે તૂર પર ભારે આક્રમણ કર્યું છે. તેણે પોતાના સૈનિકો પાસે એટલો ભારે બોજો ઉપાડાવ્યો કે તેમનાં માથાં બોડાં થઈ ગયાં અને તેમના ખભા છોલાઈ ગયા; તો પણ રાજાને કે તેના સૈન્યને તૂર પરનાં આક્રમણમાં પોતે ઉઠાવેલ પરિશ્રમનો કશો બદલો મળ્યો નહિ. 19 તેથી હું, પ્રભુ પરમેશ્વર આમ કહું છું: હું રાજા નબૂખાદનેસ્સારને ઇજિપ્ત દેશ સોંપી દઉં છું. તે એ દેશને લૂંટી લેશે, તેની ધનસંપત્તિ ઉઠાવી જશે અને તે લૂંટ તેના સૈન્ય માટે શ્રમના બદલામાં મળેલું વેતન બની રહેશે. 20 તેણે બજાવેલ સેવાના બદલારૂપે હું નબૂખાનેસ્સારને ઇજિપ્ત દેશ સોંપી દઉં છું; કારણ, એના સૈન્યે મારે માટે કામ કર્યું છે. હું, પ્રભુ પરમેશ્વર એ બોલ્યો છું. 21 એવું બનશે કે તે દિવસે હું ઇઝરાયલીઓને સમર્થ બનાવીશ અને તને હઝકિયેલને સૌ સાંભળી શકે તે રીતે હું તને વાચા આપીશ, અને ત્યારે તેઓ જાણશે કે હું પ્રભુ છું.” |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide