હઝકિયેલ 28 - પવિત્ર બાઇબલ C.L.તૂરના રાજા વિરુદ્ધ સંદેશ 1 પ્રભુનો સંદેશ મને મળ્યો: 2 “હે મનુષ્યપુત્ર, તૂરના શાસકને કહે કે પ્રભુ પરમેશ્વર આ પ્રમાણે કહે છે: તું તારા મનના અભિમાનમાં ‘દેવ’ હોવાનો દાવો કરે છે. તું કહે છે કે કે ‘હું મધદરિયે ઈશ્વરની જેમ સિંહાસન પર બેઠો છું.’ તું પોતાને ઈશ્વર જેવો જ્ઞાની માની બેઠો છે. છતાં તું મનુષ્ય જ છે, દેવ નથી. 3 તું પોતાને દાનિયેલ કરતાં વધુ જ્ઞાની માને છે, અને જાણે કશું રહસ્ય તારાથી છુપાવી શકાય નહિ! 4 તારા જ્ઞાનથી અને તારા કૌશલ્યથી તેં સોનાચાંદીનો સંગ્રહ કર્યો છે અને ધનાઢય બન્યો છે. 5 તેં બુદ્ધિમાન વેપારીની બુદ્ધિથી ઘણો નફો કર્યો છે. તારી સંપત્તિને લીધે તારું મન ગર્વિષ્ઠ બન્યું છે. 6 એ માટે હું પ્રભુ પરમેશ્વર તને કહું છું કે તું પોતાને દેવ જેવો જ્ઞાની માને છે. 7 તેથી હું તારા પર આક્રમણ કરવા અત્યંત નિર્દય એવી વિદેશી પ્રજાઓને લઈ આવીશ. તેઓ તારા કૌશલ્યથી મેળવેલી સમૃદ્ધિ પર તેઓ તલવાર ચલાવશે અને તારા વૈભવને વીંધી નાખશે. 8 તેઓ તને મારી નાખીને તને દરિયાના તળિયે ફેકી દેશે. 9 તારા હત્યારાઓ તને મારી નાખવા આવશે ત્યારે તેમની સામે તું દેવ હોવાનો દાવો કર્યા કરીશ? તું તારા હત્યારાના હાથમાં પડીશ ત્યારે તું કેવળ માણસ જ હોઇશ, દેવ નહિ. 10 તું પરપ્રજાને હાથે માર્યો જઈશ અને અધર્મી તને કમોતે મારશે. હું પ્રભુ પરમેશ્વર એ બોલ્યો છું.” તૂરના રાજવીનું પતન 11 મને ફરીથી પ્રભુનો સંદેશ મળ્યો: 12 “હે મનુષ્યપુત્ર, તું તૂરના રાજવીના થનારા હાલહવાલ માટે મોટે સાદે શોકગીત ગા અને તેને કહે કે પ્રભુ પરમેશ્વર આ પ્રમાણે કહે છે: એક વખત તું સંપૂર્ણતાની નમૂનેદાર પ્રતિકૃતિ હતો. તું કેવો જ્ઞાની અને સર્વાંગસુંદર હતો! 13 તું ઈશ્વરની વાડી એદનમાં રહેતો હતો અને સર્વ પ્રકારનાં મૂલ્યવાન રત્નો એટલે માણેક પોખરાજ, હીરા, પીરોજ, ગોમેદ, યાસપિસ, નીલમ, લીલમ અને અગ્નિમણિ ધારણ કરતો હતો. તારા અલંકારો સુવર્ણના હતા. તારા સર્જનના દિવસે એ તારે માટે તૈયાર કરવામાં આવ્યા હતા. 14 મેં તારી સાથે એક સંરક્ષક કરુબ દૂત પણ રાખ્યો હતો. તું મારા પવિત્ર પર્વત પર નિવાસ કરતો હતો અને ઝળહળતાં રત્નો વચ્ચે ફરતો હતો. 15 તારા સર્જન સમયે અને તે પછી તારામાં દુષ્ટતા માલૂમ પડી ત્યાં સુધી તો તારું આચરણ નિર્દોષ હતું 16 તારો વેપાર વધી ગયો હોવાથી તું હિંસક બન્યો અને પાપ કરવા લાગ્યો. તેથી મેં તને પતિત ગણીને મારા પવિત્ર પર્વત પરથી હાંકી કાઢયો, તારું રક્ષણ કરનાર દૂતે પણ તને ઝળહળતાં રત્નોમાંથી હાંકી કાઢયો. 17 તારા સૌંદર્યને લીધે તું ગર્વિષ્ઠ બન્યો અને તારી કીર્તિને લીધે તારી બુદ્ધિ ભ્રષ્ટ બની હતી. પરિણામે, મેં તને જમીનદોસ્ત કર્યો અને બીજા રાજાઓ માટે તને ચેતવણીરૂપ બનાવ્યો છે. 18 તેં તારા વેપારધંધામાં એટલો ભ્રષ્ટાચાર કર્યો છે કે તારા પવિત્રસ્થાનોને પણ અપવિત્ર બનાવ્યાં છે. આથી મેં તૂર શહેરને આગ લગાડી અને તારા સર્વ પ્રેક્ષકોનાં દેખતાં તું બળીને ભસ્મીભૂત બની ગયો. 19 તું કાયમને માટે નષ્ટ થયો છે. તારી પરિચિત પ્રજાઓ ચોંકી ઊઠી છે. તેમનો પણ તારા જેવો જ અંજામ આવશે તેવો તેમને ડર છે. સિદોન વિરુદ્ધ સંદેશ 20 પ્રભુનો સંદેશ મને મળ્યો: 21 “હે મનુષ્યપુત્ર, સિદોન તરફ મોં ફેરવીને તેની વિરુદ્ધ સંદેશ પ્રગટ કર. 22 ત્યાંના લોકોને કહે કે પ્રભુ પરમેશ્વર તમારે વિશે આ પ્રમાણે કહે છે: સિદોન, હું તારી વિરુદ્ધ છું. હું તારી મધ્યે મારો મહિમા પ્રગટ કરીશ. તારા લોકોને સજા કરીને હું મારી પવિત્રતા પ્રગટ કરીશ ત્યારે તેઓ જાણશે કે હું પ્રભુ છું. 23 હું તારે ત્યાં રોગચાળો મોકલીશ અને તારી શેરીઓમાં કત્લેઆમ ચલાવીશ. ચારે બાજુથી તારા પર આક્રમણ થશે અને તારાં માણસો માર્યા જશે ત્યારે તું જાણશે કે હું પ્રભુ છું.” ઇઝરાયલ પર આશિષ ઊતરશે 24 પ્રભુએ કહ્યું, “ઇઝરાયલનો તિરસ્કાર કરનાર આસપાસના લોકો હવે કદી તીક્ષ્ણ કાંટા કે ઝાંખરાની જેમ તેને ભોંકાશે નહિ. ત્યારે તેઓ જાણશે કે હું પ્રભુ પરમેશ્વર છું.” 25 પ્રભુ પરમેશ્વર આમ કહે છે: “મેં ઇઝરાયલીઓને જે પ્રજાઓમાં વિખેરી નાખ્યા છે ત્યાંથી હું તેમને એકઠા કરીશ. ત્યારે તેમને લીધે સર્વ પ્રજાઓમાં આ વાત પ્રગટ થશે કે હું પવિત્ર છું. ઇઝરાયલના લોકો તેમના પોતાના દેશમાં એટલે મારા સેવક યાકોબને આપેલા દેશમાં વસશે. 26 ત્યાં તેઓ મકાનો બાંધશે, દ્રાક્ષાવાડીઓ રોપશે અને સલામતીમાં રહેશે. તેમની ધૃણા કરનાર તેમના પડોશી દેશોને હું સજા કરીશ ત્યારે તેઓ જાણશે કે હું તેમનો ઈશ્વર પ્રભુ છું.” |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide