હઝકિયેલ 27 - પવિત્ર બાઇબલ C.L.વહાણસમા તૂર નગર માટે શોકગીત 1 પ્રભુનો સંદેશ મને મળ્યો: 2 “હે મનુષ્યપુત્ર, તું તૂર વિષે એક શોકગીત ગા. 3 તૂર તો મોખરાનું બંદર છે અને સમુદ્રકિનારાની પ્રજાઓ સાથે વેપાર કરે છે. તેને કહે કે પ્રભુ પરમેશ્વર આમ કહે છે: “હે તૂર, તેં તારા સંપૂર્ણ સૌંદર્ય વિષે બડાઈ હાંકી છે. 4 તારું નિવાસસ્થાન તો સમુદ્રમાં છે. તારા બાંધનારાઓએ પણ તને સુંદર વહાણ જેવું બનાવ્યું છે. 5 તારે માટે તેમણે સનીર ઉર્ફે હેર્મોન પહાડ પરનાં સરુનાં વૃક્ષોનાં કાપેલાં લાકડાં વાપર્યાં હતાં. લબાનોનનાં ગંધતરુમાંથી તેમણે તારો કૂવાથંભ બનાવ્યો હતો. 6 તેમણે તારાં હલેસાં બાશાનનાં ઓક વૃક્ષનાં લાકડામાંથી બનાવ્યાં હતાં અને તારું તૂતક સાઇપ્રસમાંથી આણેલા સરુમાંથી બનાવ્યું હતું અને તેને હાથીદાંતથી મઢયું હતું. 7 બહુ દૂરથીય ઓળખાઈ જાય તેવાં તારાં સઢ ઇજિપ્તના ભરત ભરેલાં અળસીરેસાનાં કાપડનાં હતાં. જે તારે માટે વજની ગરજ સારતાં હતાં. તારી છત એલીશા બેટોના નીલા તથા જાંબુડિયા કાપડની હતી. 8 સિદોન અને આર્વાદ નગરોના રહેવાસીઓ તારાં હલેસાં મારનારા હતા; જ્યારે નિપુણ સુકાનીઓ તારા પોતાના જ માણસો હતા. 9 તારી મરામત કરનાર સુથારો ગેબાલના કુશળ કારીગરો હતા. સમુદ્રમાં અવરજવર કરતાં બધાં વહાણોના ખલાસીઓ તારે ત્યાં માલ ખરીદવા આવતા હતા. 10 ઇરાન, લુદ અને પુટના માણસો તારા લશ્કરમાં યોદ્ધાઓ હતા. તેઓ તારા સૈનિકગૃહોમાં પોતાની ઢાલો અને ટોપાઓ લટકાવતા હતા. તેમને કારણે તારો વૈભવ હતો. 11 આર્વાદના સૈનિકો તારા કોટની ચોકી કરતા હતા અને ગામાદના માણસો તારા બુરજો સાચવતા હતા. તેઓ તારા કોટ પર પોતાની ઢાલો લટકાવતા હતા. તેમણે જ તને સર્વાંગસુંદર બનાવ્યું હતું. 12 તારા માલની વિપુલતાને લીધે તાર્શિશ સાથે તારો વેપાર હતો અને તારા માલના બદલામાં તું ત્યાંથી રૂપું, લોખંડ, કલાઈ અને સીસું લાવતું. 13 ગ્રીસ, તુબાલ અને મેશેખ સાથે તારો વેપાર ચાલતો અને તેઓ ગુલામો અને તાંબાનાં વાસણો આપીને બદલામાં તારો માલ લેતાં. 14 બેથ-તોગાર્માના લોકો ભારવાહક ઘોડા, લશ્કરી ઘોડા તથા ખચ્ચરો આપીને તારો માલ ખરીદતા. 15 રોદસના લોકો તારી સાથે વેપાર કરતા હતા. સમુદ્રતટના ઘણા દેશોના લોકો તારા માલના બદલામાં તને હાથીદાંત અને અબનૂસ આપતા હતા. 16 અરામના લોકો તારો વિવિધ જાતનો માલ ખરીદતા અને બદલામાં તને નીલમ, જાંબુડિયા રંગનું કાપડ, બુટ્ટાદાર વસ્ત્રો, બારીક શણ, પરવાળાં અને માણેક આપતા હતા. 17 યહૂદા અને ઇઝરાયલના લોકો પણ તારો માલ ખરીદતા અને બદલામાં તને ઘઉં, મધ અને ઓલિવ તેલ તથા ગૂગળ આપતા હતા. 18 તારા માલની વિપુલતા અને વૈવિયને લીધે દમાસ્ક્સના લોકો તારી સાથે વેપાર કરતા અને બદલામાં તને હેલ્લોનનો દ્રાક્ષાસવ અને સહારનું ઊન આપતા. 19 દેદાન પ્રદેશના લોકો અને ગ્રીકો સૂતર આપીને તારો માલ લેતા. તેઓ તારા માલના બદલામાં ઘડતરનું લોઢું, દાલીચીની અને તજ પણ આપતા. 20 દેદાનના લોકો ઘોડાના જીન માટેનાં કપડાના બદલામાં તારો માલ ખરીદતા. 21 અરબસ્તાનના લોકો અને કેદાર દેશના બધા રાજવીઓ તારી સાથે વેપાર કરતા અને હલવાનો તથા ઘેટાંબકરાંના બદલામાં તારો માલ ખરીદતા. 22 શેબા તથા રામાના વેપારીઓ સર્વોત્તમ મસાલા, મૂલ્યવાન રત્નો, સોનું તથા રૂપું આપીને તારો માલ લેતા. 23 હારાન, કાને તથા એદેન શહેરો અને શેબા, આશ્શૂર તથા ખિલ્માદના વેપારીઓ તારી સાથે વેપાર કરતા હતા. 24 તેઓ તને કીમતી કાપડ, જાંબુડિયા રંગનું કાપડ, ભરતકામ, જાજરમાન રંગબેરંગી ગાલીચા અને ગૂંથેલાં મજબૂત દોરડાં વેચતા. 25 તાર્શિશનાં વિશાળ માલવાહક વહાણોના કાફલામાં તારો માલ લઈ જવાતો. તું સમુદ્રમાં ફરતા વહાણ સમાન હતું કે જેમાં ભરચક માલસામાન ભરવામાં આવ્યો હોય. 26 તારા હલેસાંબાજો તને ભરદરિયે લઈ ગયા અને ત્યાં પવને તને કાંઠાથી દૂર મધદરિયે ભાંગી નાંખ્યું. 27 તું ભાંગી ગયું તે દિવસે તારી ધનસંપત્તિ, તારી બધી વેપારસામગ્રી, તારા સર્વ ખલાસીઓ અને સુકાનીઓ, મરામત કરનાર કારીગરો અને વેપારીઓ અને બધા સૈનિકો દરિયામાં ડૂબી ગયા. 28 ડૂબતા ખલાસીઓની ચીસોના પડઘાથી કિનારા ધ્રૂજી ઊઠયા. 29 હલેસાંબાજો, ખલાસીઓ અને સુકાનીઓ પોતપોતાનાં વહાણોમાંથી ઊતરી પડીને કિનારે ઊભા રહ્યા. 30 તેઓ સૌ તારે માટે પોક મૂકીને વિલાપ કરે છે, પોતાના માથાં પર ધૂળ નાખે છે અને રાખમાં આળોટે છે. 31 તેઓ તારા વિનાશને લીધે પોતાનાં માથાં મૂંડાવે છે અને ટાટનાં વસ્ત્રો પહેરીને હૈયાફાટ આક્રંદ કરે છે. 32 તેઓ તારે માટે વિલાપ કરે છે અને શોકગીત ગાય છે. સમુદ્રમાં શાંત થઈ પોઢી ગયેલા તૂરને કોની સાથે સરખાવી શકાય? 33 તારી વેપારસામગ્રી સમુદ્રો વટાવી દેશવિદેશ પહોંચતી ત્યારે તું ઘણી પ્રજાઓને સંતુષ્ટ કરતું. તારા વિપુલ માલથી રાજાઓ ધનાઢય બનતા. 34 હવે સાગરમાં તારા ભૂકેભૂકા બોલી ગયા છે. તું ડૂબી ગયું છે. તારી સાથે તારો સર્વ માલસામાન અને તારાં બધાં માણસો સમુદ્રમાં તળિયે ડૂબી ગયાં છે. 35 તારી પાયમાલી જોઈને દરિયાકાંઠાના પ્રદેશોના લોકો સ્તબ્ધ થઈ ગયા છે. રાજાઓ પણ ભયભીત થઈ ગયા છે ને તેમના ચહેરા પર ગભરાટ છવાયો છે. 36 તું કાયમને માટે નાશ પામ્યું છે. તારો ભયંકર નાશ જોઈને આખી દુનિયાના વેપારીઓ ગભરાઈ ઊઠયા છે.” |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide