Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

હઝકિયેલ 26 - પવિત્ર બાઇબલ C.L.


તૂર વિરુદ્ધ ભવિષ્યવાણી

1 અમારા દેશનિકાલના અગિયારમા વર્ષે મહિનાના પ્રથમ દિવસે મને પ્રભુનો સંદેશ મળ્યો:

2 “હે મનુષ્યપુત્ર, તૂર નગરના લોકો આનંદમાં આવી જઈને યરુશાલેમ નગર વિષે બોલી ઊઠયા છે કે ‘આહાહા, પ્રજાઓના પ્રવેશદ્વાર સમું યરુશાલેમ ભાંગી પડયું છે! એનો વેપારધંધો પડી ભાગ્યો છે. તે હવે કદી અમારું હરીફ બની શકશે નહિ.’

3 આથી હું પ્રભુ પરમેશ્વર પોતે કહું છું: હે તૂર શહેર, હું તારી વિરુદ્ધ છું, હું ઘણી પ્રજાઓને તારી ઉપર ચડાઈ કરાવીશ અને તેઓ સમુદ્રનાં મોજાંની જેમ ચઢી આવશે.

4 તેઓ તારા કોટનો નાશ કરશે અને તારા બુરજો તોડી પાડશે. હું તારી બધી માટી પણ ઉડાવી દઈશ અને માત્ર ઉઘાડો ખડક રહેવા દઈશ.

5 સમુદ્ર વચ્ચે જ્યાં તું ઊભું છે ત્યાં માછીમારો પોતાની જાળો સૂકવશે. હું પ્રભુ પરમેશ્વર એ બોલ્યો છું. અન્ય પ્રજાઓ તને લૂંટી લેશે.

6 તારા તળપ્રદેશનાં નગરોમાં રહેતાં માણસો તેમની તલવારથી માર્યા જશે અને ત્યારે તૂર જાણશે કે હું પ્રભુ છું.”

7 પ્રભુ પરમેશ્વર કહે છે: “હું બેબિલોનના રાજાધિરાજ નબૂખાદનેસાર પાસે તૂર પર ચડાઈ કરાવીશ અને તે ઘોડાઓ, રથો અને ઘોડેસ્વારો સહિતનું વિશાળ સૈન્ય લઈને ઉત્તરમાંથી ચઢી આવશે.

8 તળપ્રદેશનાં ઉપનગરોમાં રહેતા લોકો લડાઈમાં માર્યા જશે. શત્રુ તારી વિરુદ્ધ ખાઈઓ ખોદશે, માટીના ઢોળાવ બાંધશે, ને તારી સામે મોટી આડશો ઊભી કરશે.

9 તે તારો કોટ તોડવા કોટભંજક યંત્રોથી મારો ચલાવશે અને લોખંડનાં ઓજારોથી તારા બુરજો તોડી પાડશે.

10 તેમના ઘોડાઓ દોડવાથી ઊડેલી ધૂળની ડમરીઓથી તું ઢંકાઈ જશે અને જ્યારે તેઓ તારા પ્રવેશદ્વારોમાં થઈને પસાર થશે ત્યારે ઘોડેસ્વારોના અશ્વોના, ગાડાંના અને રથોના ધમધમાટથી તારો કોટ ધ્રૂજી ઊઠશે.

11 તેના ઘોડાઓની ખરીઓથી બધી શેરીઓ ખૂંદી નંખાશે અને તે તારા લોકોનો તલવારથી સંહાર કરશે અને તારા મજબૂત સ્તંભો જમીનદોસ્ત થઈ જશે.

12 તારા શત્રુઓ તારી ધનસંપત્તિ લૂંટી લેશે, તારી માલમતા છીનવી લેશે. તેઓ તારો કોટ તોડી પાડશે અને તારાં ભવ્ય મકાનોનો નાશ કરશે. તેઓ તારાં પથ્થરો, લાકડાં અને માટી ઉપાડીને દરિયામાં નાખી દેશે.

13 હું તારાં ગાયનોનો આલાપ બંધ કરાવીશ અને તારી વીણાના સૂરો ફરી કદી સંભળાશે નહિ.

14 હું ફક્ત ઉઘાડો ખડક રહેવા દઈશ. તેના ઉપર માછીમારો પોતાની જાળો સૂકવશે. તું ફરીથી બંધાઈશ નહિ. હું પ્રભુ પરમેશ્વર એ બોલ્યો છું.”


તૂર વિષે વિલાપગીત

15 પ્રભુ પરમેશ્વર તૂર નગરને આ પ્રમાણે કહે છે: “તારા પતનના અવાજથી અને તારામાં ચાલતી કત્લેઆમથી ઘાયલ થયેલાંની કરુણ ચીસો સાંભળીને સમુદ્રકાંઠા પર વસતા લોકો થરથરી ઊઠશે.

16 દરિયો ખેડનાર સમુદ્રતટના દેશોના રાજાઓ પોતાના રાજ્યાસન પરથી નીચે ઊતરી જશે, તેઓ પોતાનો રાજદ્વારી પોષાક અને ભરતકામવાળા જામા બદલી નાખશે અને ધ્રૂજતાં ધ્રૂજતાં જમીન પર બેસી પડશે. તેઓ તારા પતનથી ચોંકી ઊઠીને સતત ધ્રૂજ્યા કરશે.

17 તેઓ તારે વિશે આ શોકગીત ગાશે: હે ખ્યાતનામ નગરી, તારો કેવો નાશ થયો છે! તારે ત્યાં સાગરખેડૂઓ વસતા હતા. તારી અને તારા રહેવાસીઓની સમુદ્ર વિસ્તારમાં આણ પ્રવર્તતી હતી. દરિયા કાંઠાના તમામ લોકો પર તમારી ધાક હતી.

18 તારી પડતીના દિવસે સમુદ્રદ્વીપો કાંપી ઊઠશે અને તેઓ તારા વિનાશથી ભયભીત થઈ જશે.”

19 પ્રભુ પરમેશ્વર કહે છે: “હું તને વસ્તીહીન ખંડેર નગર જેવું ઉજ્જડ બનાવી દઈશ, અને તારા પર સમુદ્રનાં પાણી ફેરવી વાળીશ અને તને અગાધ પાણીમાં ઢાંકી દઈશ.

20 હું તને મૃત્યુલોકના ઊંડાણમાં ધકેલી દઈશ. ત્યાં તું પ્રાચીન સમયના લોકો ભેગું થઈ જશે. હું તને પુરાતન ખંડેરોની દુનિયામાં મૃત્યુલોકના ઊંડાણમાં ધકેલાઈ ગયેલા લોકની સાથે વસાવીશ. તું ફરીથી વસતીવાળું બનશે નહિ કે આ દુનિયામાં હયાતી ધરાવશે નહિ.

21 હું તારો કારમો અંત લાવીશ અને તારું નામનિશાન રહેશે નહિ. લોકો તારી શોધ કરશે પણ તું કદી જડશે નહિ.”

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan