હઝકિયેલ 25 - પવિત્ર બાઇબલ C.L.આમ્મોન વિરુદ્ધ ભવિષ્યવાણી 1 વળી, મને પ્રભુનો સંદેશ મળ્યો: 2 “હે મનુષ્યપુત્ર, આમ્મોન દેશ તરફ તારું મોં રાખ ને તેના નિવાસીઓ વિરુદ્ધ સંદેશ પ્રગટ કર. 3 તું તેમને કહે કે પ્રભુ પરમેશ્વર આ પ્રમાણે કહે છે: મારું મંદિર અપવિત્ર થતું જોઈને, ઇઝરાયલનો દેશ વેરાન થતો જોઈને અને યહૂદિયાના લોકોને દેશનિકાલ થતાં જોઈને તમે રાજીરાજી થઈ ગયા હતા. 4 તેથી હું તમને પૂર્વના રણપ્રદેશની પ્રજાઓના કબજામાં સોંપી દઈશ. તેઓ તમારા દેશમાં પડાવ નાખશે અને ત્યાં વસશે. તેઓ તમારી ઊપજ ખાઈ જશે અને તમારું દૂધ પી જશે. 5 હું રાબ્બા નગરને ઊંટવાડામાં ફેરવી નાખીશ અને સમગ્ર આમ્મોન દેશને ઘેટાંના વાડામાં બદલી નાખીશ ત્યારે તમે જાણશો કે હું પ્રભુ છું.” 6 પ્રભુ પરમેશ્વર આમ કહે છે: “તમને ઇઝરાયલ દેશ પ્રત્યે ભારોભાર ઇર્ષ્યા હોવાથી તેની દુર્દશા જોઈને તમારા મનમાં આનંદ થયો છે અને તેથી તમે તાળીઓ પાડીને આનંદથી નાચ્યા છો. 7 એને લીધે હું તમારી વિરુદ્ધ મારો હાથ ઉગામીશ અને તમને અન્ય પ્રજાઓના હાથમાં સોંપી દઈશ. તેઓ તમને લૂંટી લેશે. હું તમારો એવો ભારે વિનાશ કરીશ કે તમારું પ્રજા તરીકેનું અસ્તિત્વ નાબૂદ થઈ જશે અને તમારો દેશ નષ્ટ થઈ જશે; ત્યારે તમે જાણશો કે હું પ્રભુ છું.” મોઆબ વિરુદ્ધ સંદેશ 8 પ્રભુ પરમેશ્વર કહે છે: “મોઆબે એમ કહ્યું હતું કે, ‘અરે, યહૂદિયાના લોકો પણ અન્ય પ્રજાઓ જેવા જ છે.’ 9 તેથી હું મોઆબીઓના ગૌરવસમાં સરહદી નગરો એટલે બેથ યશીમોથ, બઆલ મેઓન, તથા કિર્યાથાઇમ પર ચારેય બાજુઓથી આક્રમણ કરાવીશ. હું પૂર્વના રણપ્રદેશની ટોળીઓને આમ્મોનની સાથે સાથે મોઆબને પણ જીતી લેવા દઈશ; 10 જેથી પ્રજા તરીકે મોઆબનું નામનિશાન રહેશે નહિ. 11 હું મોઆબને શિક્ષા કરીશ અને ત્યારે તેઓ જાણશે કે હું પ્રભુ છું.” અદોમ વિરુદ્ધ સંદેશ 12 પ્રભુ પરમેશ્વર કહે છે: “અદોમના લોકોએ યહૂદાના લોકો પર ક્રૂર વેર વાળીને મોટો ગુનો કર્યો છે. 13 એ માટે હું પ્રભુ પરમેશ્વર કહું છું કે હું અદોમને સજા કરીશ અને તે દેશમાંથી બધાં માણસો અને પશુઓનો વિનાશ કરીશ, અને તેમાનથી દેદાન સુધીના આખા દેશના લોકો યુદ્ધમાં માર્યા જશે. 14 મારા ઇઝરાયલી લોકો દ્વારા હું અદોમ પર વેર વાળીશ અને તેમની મારફતે અદોમને મારા ભયંકર કોપનો અનુભવ થશે. મારા વેરના ભોગ થવું એટલે શું તેનો અદોમને અનુભવ થશે. હું પ્રભુ પરમેશ્વર એ બોલ્યો છું.” પલિસ્તિયા વિરુદ્ધ સંદેશ 15 પલિસ્તીઓ અત્યંત વૈરભાવથી વર્ત્યા હતા; જૂની પરંપરાગત અદાલતને લીધે યહૂદિયાનું નિકંદન કાઢી નાંખવા તેમણે કપટી મનથી બદલો લીધો. 16 તેથી હું પ્રભુ પરમેશ્વર પોતે કહું છું કે હું પલિસ્તીઓ પર પ્રહાર કરીશ. હું કેરેથીઓને નાબૂદ કરી નાખીશ અને સમુદ્રકિનારાના બાકીના બધા લોકોનો વિનાશ કરીશ. 17 હું તેમના પર મારો ઉગ્ર કોપ ઉતારીશ અને મારા ઝનૂનમાં તેમના પર ભયંકર વેર વાળીશ. તેઓ પર મારું વેર વાળીશ ત્યારે તેઓ જાણશે કે હું પ્રભુ છું.” |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide