હઝકિયેલ 24 - પવિત્ર બાઇબલ C.L.કટાઈ ગયેલ દેગ 1 અમારા દેશનિકાલના નવમા વર્ષના દસમા માસના દસમા દિવસે પ્રભુનો સંદેશ મને મળ્યો. 2 “હે મનુષ્યપુત્ર, આજના દિવસનાં તારીખવાર લખી લે; કારણ, આજે બેબિલોનના રાજાએ યરુશાલેમને ઘેરો ઘાલવાનો આરંભ કર્યો છે. 3 આ બંડખોર લોકોને આ દષ્ટાંત કહી સંભળાવ. તેમને કહે કે પ્રભુ પરમેશ્વર કહે છે: દેગને ચૂલા પર ચડાવો અને તેમાં પાણી રેડો. 4 એમાં માંસના સારાસારા ટુકડા નાખો એટલે જાંઘ અને બાવડાનું માંસ નાખો, તેમાં સારાંસારાં હાડકાં પણ મૂકો. 5 તેમાં હૃષ્ટપુષ્ટ ઘેટાંનું માંસ પણ નાખો, દેગ નીચે લાકડાં મૂકો, પછી સારી પેઠે ઉકાળો, હાડકાં પણ માંસ સાથે બફાઈ જાય ત્યાં સુધી ઉકાળો.” 6 પ્રભુ પરમેશ્વર આમ કહે છે: “આ ખૂની નગરની અંતઘડી આવી પહોંચી છે. એ તો જે કદી સાફ કરવામાં નહિ આવેલી તથા કટાઈ ગયેલ દેગ જેવું છે. તેમાંથી માંસના એક પછી એક એમ બધા ટુકડા બહાર કાઢવામાં આવે છે. 7 એ નગરમાં ખૂનરેજી થઈ હતી, અને રક્ત ધૂળમાં ઢંકાઈ જાય તેવી જમીન ઉપર તે રેડાયું ન હતું, પણ એ તો ખુલ્લા ખડક ઉપર રેડાયું હતું. 8 એ રક્ત ઢંકાઈ જાય નહિ માટે મેં તેને ત્યાં જ રહેવા દીધું; જેથી એને જોઈને મારો પ્રકોપ જાગી ઊઠે અને બદલો લઈ શકાય.” 9 પ્રભુ પરમેશ્વર આમ કહે છે: “એ ખૂનીઓના નગરના દિવસો ભરાઈ ગયા છે. હું પોતે લાકડાંનો મોટો ઢગલો કરીશ. 10 લાકડાંનો ઢગલો વધારો અને આગ વધારે પેટાવો. હાડકાં પણ ઓગળી જાય ત્યાં સુધી માંસને ઉકાળો. 11 હવે એ ખાલી કરીને તેને અંગારા પર મૂકો, અને તેનું તાંબુ લાલચોળ થાય ત્યાં સુધી તપાવો; જેથી તેનો મેલ પીગળે ને એનો ક્ટ બળી જાય. 12 બધી મહેનત વ્યર્થ જશે; કારણ, એનો ક્ટ એટલો બધો છે કે અગ્નિજવાળાઓથી પણ તે જશે નહિ. 13 યરુશાલેમ, તારાં લંપટ કૃત્યોથી તું ભ્રષ્ટ બની છે. મેં તને શુદ્ધ કરવાની કોશિષ કરી પણ તું શુદ્ધ થઈ નહિ; એટલે તારા ઉપર હું મારો પૂરેપૂરો પ્રકોપ નહિ ઉતારું ત્યાં સુધી તું તારી મલિનતાથી ફરી શુદ્ધ બનવાની નથી. 14 હું પ્રભુ એ બોલ્યો છું. મારે કાર્ય કરવાનો સમય આવ્યો છે. હું તે પડતું મૂકીશ નહિ, દયા રાખીશ નહિ કે એનો મને ખેદ પણ થશે નહિ. તારાં આચરણો ને તારાં કૃત્યો પ્રમાણે તને સજા થશે જ. હું પ્રભુ પરમેશ્વર એ બોલ્યો છું.” સંદેશવાહકની પત્નીનું મૃત્યુ 15 વળી, પ્રભુનો સંદેશ મને મળ્યો, 16 “હે મનુષ્યપુત્ર, હું તારી પ્રિયતમાને એક સપાટે છીનવી લેનાર છું. તોપણ તારે શોક કે વિલાપ કરવાનો નથી કે આંસુ સારવાનાં નથી. 17 ખુંબ ધીમેથી ડુસકાં ભર; શોક નહિ કરતાં તું તારે માથે પાઘડી પહેર અને પગમાં જોડા પહેર; તારે તારું મુખ ઢાંકવાનું નથી અથવા શોક-ભોજનમાંથી ખાવાનું નથી.” 18 સવારે તો હું લોકો સાથે એ વાત કરતો હતો, ને તે જ સાંજે મારી પત્ની મૃત્યુ પામી. પ્રભુએ મને કહ્યું હતું તે પ્રમાણે મેં બીજે દિવસે સવારે કર્યું. 19 લોકોએ મને પૂછયું, “તું શા માટે એ પ્રમાણે વર્તે છે?” 20 તેથી મેં તેમને કહ્યું, “મને પ્રભુનો સંદેશ મળ્યો છે અને તેમણે મને કહ્યું છે કે, 21 તું ઇઝરાયલીઓને આ સંદેશ આપ: ‘પ્રભુ પરમેશ્વર કહે છે કે તમને મંદિરની મજબૂતી માટે ગર્વ છે, તે તમારી આંખોને પ્રિય છે, અને તમે તેની મુલાકાતની ઝંખના રાખો છો. પણ એ મંદિરને હું અશુદ્ધ કરીશ. તમારાં જે પુત્રપુત્રીઓને તમે યરુશાલેમમાં છોડી આવ્યા છો તે યુદ્ધમાં માર્યાં જશે. 22 ત્યારે હઝકિયેલે જેમ કર્યું છે તેમ તમે પણ કરશો. તમે તમારાં મોં ઢાંકશો નહિ કે શોક ભોજનમાંથી ખાશો નહિ. 23 તમારે માથે પાઘડી અને પગમાં જોડા પહેરેલાં હશે. વળી, તમે શોક કે વિલાપ કરશો નહિ. તમારા પાપે તમે ઝૂરીઝૂરીને મરશો ને એકબીજાની આગળ વિલાપ કરશો. 24 ત્યારે હઝકિયેલ તમારે માટે સંકેતરૂપ બનશે. જે સર્વ તેણે કર્યું છે, તે તમે કરશો. જ્યારે એ બધું બનશે ત્યારે તમે જાણશો કે એ કરનાર હું પ્રભુ પરમેશ્વર છું.” 25 પ્રભુએ મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, જે મજબૂત મંદિર માટે તેઓ ગર્વ લે છે, જે તેમની આંખોને પ્રિય છે અને જેની મુલાકાત માટે તેઓ ઝંખે છે તે હું તેમની પાસેથી લઈ જઈશ. હું તેમનાં પુત્રપુત્રીઓને પણ છીનવી લઈશ. 26 જે દિવસે હું આમ કરીશ તે જ દિવસે વિનાશમાંથી નાસી છૂટેલ કોઈ વ્યક્તિ મને ખબર પહોંચાડશે. 27 તે દિવસે તું ફરીથી બોલતો થઈ જશે, અને તું તેની સાથે વાત કરીશ. તે પછી તું મૂંગો રહેશે નહિ. એમ તું તેમને માટે ચિહ્નરૂપ થશે, અને ત્યારે તેઓ જાણશે કે હું પ્રભુ છું.” |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide