હઝકિયેલ 23 - પવિત્ર બાઇબલ C.L.યરુશાલેમ અને સમરૂનના ઇતિહાસનું રૂપક 1 પ્રભુનો સંદેશ મને મળ્યો: 2 “હે મનુષ્યપુત્ર, બે બહેનો હતી. તેઓ એક માની દીકરીઓ હતી. 3 તેઓ ઇજિપ્તમાં હતી ત્યારે તેમની યુવાવસ્થામાં જ તેઓ વેશ્યાગીરી કરવા લાગી. ત્યાં જ તેમનાં સ્તનનું મર્દન કરવામાં આવ્યું હતું અને તેઓ પોતાનું કૌમાર્ય ગુમાવી બેઠી હતી. 4 મોટીનું નામ ઓહોલા હતું; જે સમરૂન નગર સૂચવે છે અને નાનીનું નામ ઓહલીબા હતું; જે યરુશાલેમ સૂચવે છે. 5 મેં તે બન્ને સાથે લગ્ન કર્યાં અને મારાથી તેમને સંતાનો થયાં. ઓહોલા મારી હતી છતાં તેણે વેશ્યાવૃત્તિ ચાલુ રાખી અને તે આશ્શૂરમાંના પોતાના પ્રેમીઓ પર મોહિત થઇ ગઇ હતી. 6 તેઓ રાજદ્વારી પોશાકમાં સજ્જ થયેલા રાજ્યપાલો અને સેનાનાયકો હતા. તેઓ સૌ સુંદર જુવાનો અને ઘોડેસ્વારો હતા. તેઓ સૌ ઘોડેસ્વારી કરનારા દેખાવડા જુવાનો અને જાંબુડિયા ગણવેશ પહેરનારા હતા. તેઓ અમીર ઉમરાવો હતા. 7 ઓહોલાએ આશ્શૂરના એ બધા સર્વશ્રેષ્ઠ પુરુષો સાથે વેશ્યાગીરી આદરી અને જેમના પર તે મોહી પડી હતી તે સૌની મૂર્તિઓની પૂજા કરીને તેણે પોતાને ભ્રષ્ટ કરી. 8 તે ઇજિપ્તમાં જુવાન હતી ત્યારથી પુરુષો તેની સાથે શૈયાગમન કરતા. ત્યાં જ તે પોતાનું કૌમાર્ય ગુમાવી બેઠી હતી. ત્યાં તેણે આદરેલી વેશ્યાવૃત્તિનો તેણે ત્યાગ કર્યો નહિ. 9 તેથી મેં તેને તેના આશ્શૂરી આશકોના હાથમાં સોંપી દીધી, કારણ, તેમના પ્રત્યે તે મોહાંધ બની હતી. 10 તેમણે તેને નગ્ન કરી, તેનાં પુત્રપુત્રીઓને પકડયાં અને તેને તલવારથી મારી નાખી. તેમણે કરેલા તેના હાલહવાલને લીધે તે સ્ત્રીઓમાં બદનામ થઈ ગઈ. 11 “તેની નાની બહેન ઓહલીબાએ આ બધું જોયું હોવા છતાં તે વધુ લંપટ નીકળી અને વેશ્યાવૃત્તિમાં તેની બહેનને પણ ટપી ગઈ. 12 તે આશ્શૂરના રાજ્યપાલો અને સેનાનાયકો પર મોહી પડી. તેઓ સૌ સંપૂર્ણ શસ્ત્રસજ્જ સુંદર જુવાનો અને ઘોડેસ્વારો હતા. 13 મેં જોયું કે તે સાવ ભ્રષ્ટ ચારિયની હતી. વાસ્તવમાં બન્ને બહેનોએ એક જ માર્ગ અપનાવ્યો હતો. પણ ઓહલીબા તેની વેશ્યાવૃત્તિમાં એથીય આગળ વધી ગઈ, 14 તેણે ભીંત પર સિંદૂરથી ચીતરેલાં ખાલદીઓનાં ચિત્રો જોયાં 15 તેમની કમરે કમરબંધ હતાં અને તેમણે માથે રંગિત સાફા બાંધેલા હતા. તેઓ ખાલદી દેશના રાજવંશી બેબિલોની પુરુષો જેવા દેખાતા હતા. 16 તેમને જોતાંની સાથે જ તે તેમના પર મોહિત થઈ ગઈ અને તેમની પાસે બેબિલોનમાં સંદેશકો મોકલ્યા. 17 બેબિલોનવાસીઓ તેની સાથે શૈયાસુખ માણવા આવ્યા અને તેમણે તેની સાથે વ્યભિચાર કરીને તેને અશુદ્ધ કરી. પણ પછી તેમના પરથી તેનું મન ઊઠી ગયું. 18 આમ, તેણે ખુલ્લેઆમ વ્યભિચાર કર્યો. તેણે પોતાની નગ્નતા ઉઘાડી કરી તેથી મારું મન જેમ તેની બહેન પરથી તેમ તેના પરથી પણ ઊઠી ગયું. 19 તોપણ ઇજિપ્ત દેશમાં પોતાની યૌવનાવસ્થા દરમ્યાન આદરેલી વૈશ્યાગીરીને સંભારીને તે વિશેષ વ્યભિચાર કરતી રહી. 20 તે ગધેડા જેવા કામાંગી અને ઘોડા જેવા જનનશીલ પુરુષોથી મોહી પડી. 21 એમ, તારી યૌવનાવસ્થામાં ઇજિપ્તના પુરુષોએ તારું કૌમાર્ય હરી લીધું હતું તે વખતની તારી લંપટતાનું તેં પુનરાવર્તન કર્યું. નાની બહેન માટે ઈશ્વરનો ન્યાયચુકાદો 22 “તે માટે, હે ઓહલીબા, હું પ્રભુ પરમેશ્વર તને કહું છું કે, તારા જે આશકો પરથી તારું મન ઊઠી ગયું છે તેમને જ હું તારી વિરુદ્ધ ઊભા કરીશ અને તેઓ તને ચારે તરફથી ઘેરી વળે તેવું હું કરીશ. 23 હું સર્વ બેબિલોનવાસીઓને, સર્વ ખાલદીઓને, પકોદ, શોઆ અને કોઆના વતનીઓને અને તેમની સાથે સર્વ આશ્શૂરીઓને લાવીશ. વળી, સુંદર જુવાનો, રાજ્યપાલો, સેનાનાયકો, અમલદારો અને ઘોડેસવારોને લઈ આવીશ. 24 તેઓ રથો અને રણગાડીઓ અને બખ્તર, ઢાલ અને ટોપથી સજ્જ થયેલા સૈન્ય સાથે તારા પર ઉત્તરમાંથી ધસી આવશે. હું તેમના હાથમાં તારો ન્યાય સોંપી દઈશ. તેઓ તેમનાં ધોરણ પ્રમાણે તને સજા કરશે. 25 હું તારા પર ક્રોધે ભરાયો છું. તેથી તેઓ તારા પ્રત્યે રોષપૂર્ણ વ્યવહાર કરશે. તેઓ તારાં નાકકાન કાપી લેશે, તારા સૈનિકોની કત્લેઆમ થશે. તેઓ તારાં પુત્રપુત્રીઓને તારી પાસેથી લઈ લેશે અને તેમને જીવતાં જ સળગાવી દેશે. 26 તેઓ તારાં વસ્ત્રો ઉતારી લેશે અને તારાં આભૂષણો છીનવી લેશે. 27 હું તારી કામવાસનાનો અને ઇજિપ્તથી આદરેલી તારી લંપટતાનો અંત આણીશ. તું હવે મૂર્તિઓ પર તારી દષ્ટિ નાખશે નહિ અને કદી ઇજિપ્તનું સ્મરણ કરશે નહિ.” 28 પ્રભુ પરમેશ્વર કહે છે: “જે લોકો પ્રત્યે તને ધૃણા છે અને જેમના પરથી તારું મન ઊઠી ગયું છે તેમના હાથમાં હું તને સોંપી દઈશ. 29 તેઓ તારી સાથે ધિક્કારપૂર્વક વર્તશે અને તારી બધી કમાણી તારી પાસેથી આંચકી લેશે અને તને નિર્વ ઉઘાડી છોડી દેશે અને એમ તારી વેશ્યાગીરી એટલે તારી લાજ અને લંપટતા ખુલ્લાં પડી જશે. 30 અન્ય પ્રજાઓની સાથે સાથે તું પણ વ્યભિચારી બની; એટલે કે તેમની મૂર્તિઓથી તારી જાતને ભ્રષ્ટ કરી છે, તેથી એ બધું તારા પર વીતવાનું છે. 31 તું તારી બહેનને માર્ગે ચાલી છે, તેથી હું તને તેના જ જેવી સજાનો પ્યાલો પીવા માટે આપીશ.” 32 પ્રભુ પરમેશ્વર કહે છે: “તું તારી બહેનના પ્યાલામાંથી પીશે. તે પ્યાલો મોટો અને ઊંડો છે. એમાં જે ઘણુંબધું ભરેલું છે તેને લીધે બધાં તારી હાંસી કરશે અને તારી મજાક ઉડાવશે. 33 તારી બહેન સમરૂનનો પ્યાલો તો આતંક અને વિનાશનો પ્યાલો છે. એ તને નશામાં ડૂબાડશે અને તને દુ:ખી બનાવશે. 34 તું એ પ્યાલો છેલ્લા ટીપાં સુધી ગટગટાવી જશે અને તેના ભાગેલા કટકાથી તારી છાતી ચીરી નંખાશે. હું પ્રભુ પરમેશ્વર એ બોલ્યો છું. 35 વળી, હું પ્રભુ પરમેશ્વર કહું છું કે મને વીસરી જઈને તેં મારા તરફ તારી પીઠ ફેરવી દીધી છે, તેથી તારે તારી લંપટતા અને વ્યભિચારનાં ફળ ભોગવવાં પડશે.” બન્ને બહેનો માટે ઈશ્વરનો ન્યાયચુકાદો 36 પ્રભુએ મને કહ્યું,: “હે મનુષ્યપુત્ર, શું તું ઓહોલા અને ઓહલીબાનો ન્યાય ચૂકવવા તૈયાર છે? તો તેમણે કરેલાં ધૃણાસ્પદ કૃત્યો જાહેર કર. 37 કારણ, તેમણે વ્યભિચાર કર્યો છે; તેમના હાથ ખૂનથી ખરડાયેલા છે, તેમણે મૂર્તિઓ સાથે વ્યભિચાર કર્યો છે અને તેમણે મારાથી થયેલાં તેમના પુત્રોનો પોતાની મૂર્તિઓને અગ્નિબલિ તરીકે ભોગ ચડાવ્યો છે. 38 એ ઉપરાંત તેમણે મારા મંદિરને અશુદ્ધ કર્યું છે, મેં સ્થાપેલા સાબ્બાથનો અનાદર કર્યો છે. 39 તેમણે જે દિવસે પોતાનાં સંતાનોને મૂર્તિઓના અગ્નિબલિ તરીકે ભોગ ચડાવ્યો, તે જ દિવસે મારા મંદિરમાં આવી તેને અશુદ્ધ કર્યું. 40 એમણે સંદેશકો મોકલીને દૂર દૂરથી માણસોને તેડાવ્યા અને તેઓ આવ્યા ત્યારે બે બહેનોએ સ્નાન કર્યું અને આંખોમાં ક્જળ આંજીને શૃંગાર સજયો. 41 તેઓ ભપકાદાર દિવાન પર બેઠી અને સામે મેજ બિછાવી અને તે પર તેમણે મેં આપેલ સુગંધી ધૂપ તથા ઓલિવ તેલ મૂક્યાં. 42 મોજીલા લોકોના ટોળાનો અવાજ સંભાળાતો હતો. તેમણે તે બન્ને સ્ત્રીઓને હાથે બંગડીઓ અને તેમને માથે સુંદર મુગટ પહેરાવ્યાં. 43 મને થયું કે આ લોકો તો વેશ્યાગીરીમાં ક્ષીણ થઈ ગયેલી વેશ્યા સાથે પણ વ્યભિચાર કરશે; કારણ, છેવટે તો તે વેશ્યા જ છે. 44 લોકો જેમ વેશ્યાગમન કરતા હોય છે તેમ જ તેમણે પણ એ લંપટ સ્ત્રીઓ ઓહોલા અને ઓહલીબા સાથે સમાગમ કર્યો. તેમણે એ વેશ્યાઓ સાથે વારંવાર સમાગમ કર્યો. 45 સદાચારીઓ તો તેમને વ્યભિચારી અને હત્યારી સ્ત્રીઓ તરીકે શિક્ષા કરશે; કારણ, તેઓ છિનાળ છે અને એમના હાથ રક્તથી ખરડાયેલા છે.” 46 પ્રભુ પરમેશ્વર કહે છે: “એમના પર આતંક ગુજારવા અને તેમને લૂંટી લેવા માટે ટોળાંને લઈ આવો. 47 ટોળું ભલે તેમના પર પથ્થરમારો કરે, તેમના પર તલવારથી હુમલો કરે, તેમનાં બાળકોને મારી નાખે અને તેમનાં ઘરોને સળગાવી મૂકે. 48 એ રીતે હું આખા દેશમાંથી લંપટતાનો અંત લાવીશ, જેથી બધી સ્ત્રીઓને તેમની જેમ વ્યભિચાર ન કરવાની ચેતવણી મળે. 49 હું તમે બન્ને બહેનોને તમારી લંપટતા અને મૂર્તિપૂજાના પાપની સજા કરીશ ત્યારે તમે જાણશો કે હું પ્રભુ પરમેશ્વર છું.” |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide