હઝકિયેલ 22 - પવિત્ર બાઇબલ C.L.યરુશાલેમનો અપરાધ 1 વળી, પ્રભુનો સંદેશ મને મળ્યો, 2 “હે મનુષ્યપુત્ર, શું તું ન્યાય આપવા બેઠો છે? શું તું ન્યાય કરવાનો? જ્યાં ખૂનની પરંપરા ચાલી છે એવા નગરનો ન્યાય તોળવા તું તૈયાર છે? તો તું એને એનાં બધાં ધિક્કારપાત્ર કૃત્યો કહી બતાવ. 3 નગરને કહે કે પ્રભુ પરમેશ્વર આમ કહે છે: તેં તારા પોતાના ઘણા લોકોની હત્યા કરી છે અને તેં મૂર્તિઓ બનાવીને તેમની પૂજા દ્વારા તારી જાતને ભ્રષ્ટ કરી છે. હવે તારો વિનાશ આવી પહોંચ્યો છે. 4 તેં કરેલાં ખૂનો માટે તું દોષિત છે અને તારી જ બનાવેલી મૂર્તિઓથી તું અશુદ્ધ થયેલ છે; એટલે, તારા વિનાશનો સમય આવી પહોંચ્યો છે. તેથી મેં તેને બધી પ્રજાઓની દષ્ટિમાં નિંદાપાત્ર અને સર્વ દેશની દષ્ટિમાં હાંસીપાત્ર બનાવ્યું છે. 5 તું તો અંધાધૂંધીને માટે બદનામ થયેલું નગર છે. તારાથી દૂરના અને નિકટના દેશો તારી હાંસી ઉડાવે છે. 6 જુઓ, ઇઝરાયલના બધા રાજપુરુષો પોતાની સત્તાને જોરે ખૂનરેજી ચલાવે છે. 7 નગરમાં કોઇ પોતાનાં માતાપિતાનું સન્માન જાળવતું નથી. તેઓ પરદેશીઓનું બળજબરીથી પડાવી લે છે અને વિધવાઓ તથા અનાથો પર અત્યાચાર ગુજારે છે. 8 તમે મારાં પવિત્રસ્થાનોને તુચ્છ ગણો છો અને તમે મારા સાબ્બાથો અપવિત્ર કર્યા છે. 9 તમારામાં કેટલાક બીજાઓની હત્યા કરવા માટે તેમના ઉપર ખોટા આક્ષેપ મૂકે છે, કેટલાક મૂર્તિઓને ચડાવેલ બલિ ખાય છે, કેટલાક હંમેશા લંપટતા આચરે છે, 10 કેટલાક પોતાના પિતાની પત્ની સાથે વ્યભિચાર કરે છે અને કેટલાક રજ:સ્વલા સ્ત્રીઓ પર બળાત્કાર કરે છે. 11 કેટલાક પરસ્ત્રી સાથે વ્યભિચાર કરે છે, તો બીજા કેટલાક પોતાની પુત્રવધૂઓને ભ્રષ્ટ કરે છે, તો કોઇ પોતાની ઓરમાન બહેનોનો શીલભંગ કરે છે. 12 કેટલાક માણસો લાંચ લઇને હત્યા કરે છે, કેટલાક નફો મેળવવા વ્યાજખોરી કરે છે, તો કેટલાકે પડોશીનું બળજબરીથી શોષણ કરીને લાભ મેળવ્યો છે. તેઓ સૌ મને વીસરી ગયા છે. હું પ્રભુ પરમેશ્વર એ બોલ્યો છું. 13 તમે મેળવેલા અપ્રામાણિક લાભને લીધે અને તમે ચલાવેલી ખૂનરેજીને લીધે હું ક્રોધિત થઇને મારા હાથ ઉગામીને પ્રહાર કરીશ. 14 હું તારી ખબર લઇ નાખીશ ત્યારે તારી હિંમત અને તારું બાહુબળ ટકી રહેશે ખરાં? હું પ્રભુ એ બોલ્યો છું અને હું તે પાર પાડીશ. 15 હું તમને અન્ય પ્રજાઓમાં અને વિવિધ દેશોમાં વિખેરી નાખીશ અને તમારા ભૂંડાં કામોનો અંત આણીશ. 16 તમારે લીધે જ તમે અન્ય પ્રજાઓમાં અપમાનિત થશો ત્યારે તમે જાણશો કે હું પ્રભુ છું.” ઈશ્વરની શુદ્ધ કરનારી ભઠ્ઠી 17 પ્રભુનો સંદેશ મને મળ્યો: 18 “હે મનુષ્યપુત્ર, ઇઝરાયલી લોકો મારે માટે કચરા જેવા સાવ નકામા છે. તેઓ તો ચાંદી ગળાઇ ગયા પછી ભઠ્ઠીમાં રહી ગયેલાં તાંબુ, કલાઇ, લોખંડ અને સીસા જેવા છે; તેઓ તો રૂપાના ભેગ જેવા છે. 19 આથી હું પ્રભુ પરમેશ્વર તેમને કહું છું કે તેઓ કચરા જેવા નકામા હોવાથી હું તેમને યરુશાલેમમાં એકત્ર કરીશ. 20 જેમ લોકો રૂપાને, તાંબાને, લોઢાને, સીસાને અને કલાઇને ભઠ્ઠીમાં ભેગા કરીને તેમને આગથી ગાળે છે તેમ હું તમને મારા રોષમાં અને ક્રોધમાં આ શહેરમાં એકત્ર કરીને પિગાળીશ. 21 હું તમને યરુશાલેમમાં એકઠા કરીશ, તમારી નીચે આગ પેટાવીશ અને મારા રોષની ભઠ્ઠીમાં તમને ઓગાળી નાખીશ. 22 જેમ ચાંદી ભઠ્ઠીમાં પીગળી જાય છે તેમ તમને યરુશાલેમમાં પિગાળવામાં આવશે, ત્યારે તમે જાણશો કે મેં પ્રભુએ તમારા પર ક્રોધાગ્નિ વરસાવ્યો છે.” ઇઝરાયલના આગેવાનોનાં પાપ 23 પ્રભુનો સંદેશ ફરી મને મળ્યો: 24 “હે મનુષ્યપુત્ર, ઇઝરાયલીઓને કહે કે તમારો દેશ અપવિત્ર અને કોપને દિવસે જેના પર વરસાદ વરસ્યો ન હોય તેવો દેશ છે. 25 તમારા રાજપુરુષો કાવતરાંખોર છે. તેઓ તો શિકારને ફાડી ખાતી વખતે ગર્જના કરતા સિંહો જેવા છે. તેઓ માણસોને ફાડી ખાય છે. તેમની સંપત્તિ અને મૂલ્યવાન જરઝવેરાત લૂંટી લે છે અને ખૂનરેજી ચલાવી નગરમાં અનેક સ્ત્રીઓને વિધવા બનાવે છે. 26 તમારા યજ્ઞકારો મારા નિયમોનો ભંગ કરે છે અને મને સમર્પિત થયેલી વસ્તુઓની પવિત્રતા જાળવતા નથી. તેમણે સમર્પિત અને સાધારણ વચ્ચે ભેદ રાખ્યો નથી અને લોકોને શુદ્ધ અને અશુધ વચ્ચેનો ભેદ શીખવતા નથી. તેઓ સાબ્બાથના દિવસોની ઉપેક્ષા કરે છે. પરિણામે, હું ઇઝરાયલી લોકોમાં સન્માન પામતો નથી. 27 તેના રાજ્યાધિકારીઓ પોતાના શિકારને ફાડી ખાનાર વરુઓ જેવા છે. અપ્રામાણિક લાભ મેળવવા તેઓ હત્યા કરે છે અને લોકોના જીવનો ભોગ લે છે. 28 કોઇ માણસ ચૂનાથી દીવાલ બબ્બેવાર ધોળે તેમ સંદેશવાહકો લોકોનાં પાપ ઢાંકે છે. તેઓ વ્યર્થ સંદર્શનો જૂએ છે અને જૂઠી આગાહી કર્યા કરે છે. હું તેમની સાથે બોલ્યો જ નથી, તો પણ તેઓ ‘પ્રભુ આમ કહે છે’ એવું લોકોને જણાવે છે. 29 દેશના અનેક લોકો પણ ધાકધમકીથી પૈસા પડાવે છે. તેઓ ગરીબો અને ગરજવાનો પર અત્યાચાર કરે છે અને પરદેશીઓ પર બળજબરી કરી ગેરલાભ ઉઠાવવામાં પાછા પડતા નથી. 30 મેં તેમના એક એવા માણસની શોધ કરી છે જે કોટને બાંધે અને દેશને બચાવવા કોટમાં પડેલાં ગાબડામાં ઊભો રહે અને મારા કોપમાં દેશનો વિનાશ કરતા મને રોકે. પણ મને એવો એકેય માણસ મળ્યો નહિ. 31 આથી હું તેમના પર મારો ક્રોધાગ્નિ વરસાવનાર છું અને તેમનાં આચરણના ફળરૂપે મારા ક્રોધરૂપી અગ્નિથી તેમને ભસ્મ કરનાર છું. હું પ્રભુ પરમેશ્વર બોલ્યો છું.” |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide