હઝકિયેલ 21 - પવિત્ર બાઇબલ C.L.પ્રભુની તલવાર 1 પ્રભુનો સંદેશ મને મળ્યો, 2 “હે મનુષ્યપુત્ર, યરુશાલેમ તરફ તારું મુખ ફેરવ, લોકોનાં પૂજાસ્થાનો વિરુદ્ધ સંદેશ પ્રગટ કર. 3 ઇઝરાયલ દેશને ચેતવણી આપ કે પ્રભુ આમ કહે છે: હું તારી વિરુદ્ધ છું. હું મારી તલવાર મ્યાનમાંથી કાઢીશ ને તારામાંના સૌનો સંહાર કરીશ. 4 હું મ્યાનમાંથી મારી તલવાર કાઢીશ અને દક્ષિણથી ઉત્તર સુધી સદાચારી કે દુરાચારી સૌ કોઇ મારી તલવારનો ભોગ થઇ પડશે. 5 ત્યારે સર્વ માણસો જાણશે કે મેં પ્રભુએ મારી તલવાર તાણી છે અને હું તે કદી પાછી મ્યાન કરવાનો નથી. 6 “હે મનુષ્યપુત્ર, તારું હૃદય ભાંગી પડયું હોય તેમ દુ:ખથી નિસાસા નાખ. તું લોકોનાં દેખતાં દુ:ખના ઊંહકારા ભર. 7 તેઓ તને પૂછે કે, ‘તું શા માટે નિસાસા નાખે છે?’ ત્યારે કહેજે કે, ‘જે આવી પડવાનું છે તેના સમાચારને લીધે.’ એનાથી સૌનાં હૈયાં ભયથી કાંપી ઊઠશે, તેમના હાથ કમજોર થઇ જશે, તેમના હોશકોશ ઊડી જશે, ધૂંટણો લથડવા લાગશે. જે આવી પડવાનું છે તે આવી ગયું છે.” પ્રભુ પરમેશ્વર પોતે આમ બોલ્યા છે. 8 પ્રભુનો સંદેશ મને મળ્યો, 9 “હે મનુષ્યપુત્ર, સંદેશ પ્રગટ કર. લોકોને કહે કે પ્રભુ આમ કહે છે: તલવાર સરાણે ચડાવેલી અને ચકચકિત છે. 10 તે સંહાર માટે સજાવાયેલી છે; વીજળીની જેમ ચમક્તી કરવા માટે તેને ચકચકિત બનાવવામાં આવી છે. એનાથી કોને હર્ષ થાય? પણ મારા લોકોએ શિક્ષાની સર્વ પ્રકારની સોટીઓ ગણકારી નથી. 11 તેથી તો તલવારને વાપરવા ઓપ ચડાવાઇ રહ્યો છે. તેને ધાર ચડાવવામાં આવી રહી છે અને તેને ઓપ અપાઇ રહ્યો છે; જેથી તેને સંહારકના હાથમાં મૂકી શકાય. 12 હે મનુષ્યપુત્ર, આક્રંદ કર, પોક મૂક. આ તલવાર મારા ઇઝરાયલી લોકો અને તેમના સર્વ આગેવાનો પર આવી પડી છે. તેઓ સૌ એક્સાથે તલવારથી માર્યા જવાના છે. માટે તારી છાતી કૂટ. 13 ક્સોટી તો થશે જ; તમે જેને તુચ્છ ગણો છે એ સોટીથી જ એ થાય તો? હું પ્રભુ પરમેશ્વર આ કહું છું. 14 “હે મનુષ્યપુત્ર, સંદેશ પ્રગટ કર. તારા હાથથી તાળી પાડ અને એ સંહારક તલવાર બે વાર, હા, ત્રણ વાર પ્રહાર કરશે. એ તો આસપાસ કત્લેઆમ કરનારી તલવાર છે. 15 મેં તેમના શહેરના સર્વ પ્રવેશદ્વાર પર વીજળીની જેમ ઝબકારા મારતી અને સંહાર કરવાને તડપતી એવી તલવાર મૂકી છે; જેને જોઇને મારા લોકોનાં હૈયાં થરથર કાંપે છે અને તેઓ લથડિયાં ખાવા માંડે છે. 16 હે ધારદાર તલવાર જમણી તરફ સંહાર કર, પછી ડાબી તરફ જા. જે તરફ ફર તે તરફ ક્તલ ચલાવ. 17 હું પણ હાથ પછાડીશ ને મારો ક્રોધ શમાવીશ. હું પ્રભુ એ બોલ્યો છું.” બેબિલોનના રાજાની તલવાર 18 વળી, પ્રભુનો સંદેશ મને મળ્યો, 19 “બેબિલોનના રાજાને પોતાની તલવાર સાથે આવવાના બે માર્ગ અંક્તિ કર. બન્ને માર્ગો એક જ દેશમાંથી નીકળતા હોવા જોઇએ. જ્યાં રસ્તા ફંટાતા હોય ત્યાં માર્ગદર્શક નિશાની મૂક. 20 એક નિશાની રાજાની તલવારને આમ્મોનીઓના રાબ્બાહનગરમાં જવાનો માર્ગ દર્શાવે અને બીજી નિશાની યહૂદિયાના કિલ્લેબંધીવાળા નગર યરુશાલેમમાં જવાનો માર્ગ દર્શાવે. 21 બેબિલોનનો રાજા રસ્તાઓ જ્યાં ફંટાય છે ત્યાં માર્ગદર્શક નિશાની આગળ ઊભો છે. કયે રસ્તે જવું તે જાણવા માટે તે તીર હલાવે છે, પોતાની મૂર્તિઓને પૂછે છે અને બલિ ચડાવેલ પ્રાણીનું કાળજું તપાસી જુએ છે. 22 જો, તેના જમણા હાથમાં આવેલા તીરમાં ‘યરુશાલેમ’ના નામની ચિઠ્ઠી નીકળી છે. તે તેને ત્યાં જઇને કોટભંજક યંત્રો ગોઠવવા, સંહારનો આદેશ આપવા, રણનાદ પાડવા, અને દરવાજાઓ સામે દ્વારભંજક યંત્રો ગોઠવવા, માટીના ઢોળાવો ઊભા કરવા અને ખાઇઓ ખોદવા સૂચવે છે. 23 પોતે કરેલ સંધિઓના કારણે યરુશાલેમના રહેવાસીઓને આ બધું જૂઠા શકુન જેવું લાગશે, પણ આ આગાહી તેમનાં પાપોનું તેમને સ્મરણ કરાવવા અને તેઓ કેદ પકડાશે તેની ચેતવણી આપવા માટે છે. 24 હું પ્રભુ પરમેશ્વર કહું છું કે સૌની આગળ તમારા અપરાધ ખુલ્લા પડી ગયા છે. તમારા પ્રત્યેક કાર્યમાં તમારાં પાપ પ્રગટ થાય છે. તમે દોષિત માલૂમ પડયા છો, તેથી હું તમને તમારા શત્રુઓના હાથમાં સોંપી દઇશ. 25 દુષ્ટ અને અપવિત્ર શાસક, તારો અંત આવી ગયો છે. તારી આખરી શિક્ષાનો દિવસ આવી પહોંચ્યો છે. 26 પ્રભુ પરમેશ્વર કહે છે: “તારો રાજમુગટ અને તારી પાઘડી ઉતારી નાખ. કશું જ યથાવત્ સ્થિતિમાં રહેવાનું નથી. નીચાને ઊંચો અને ઊંચાને નીચો બનાવવામાં આવશે. 27 ‘ખંડેર,’ ‘ખંડેર’, નિ:સંદેહ હું આ નગરને ખંડેર બનાવી દઇશ. પણ આનો હક્કદાર શાસક આવે નહિ ત્યાં સુધી આ બનવાનું નથી; પછી હું તેને તે આપીશ. આમ્મોનીઓ અને તલવાર 28 “હે મનુષ્યપુત્ર, તું સંદેશ પ્રગટ કર કે ઇઝરાયલનું અપમાન કરતાં આમ્મોનીઓ વિષે પ્રભુ પરમેશ્વર આ પ્રમાણે કહે છે: તલવાર સંહાર માટે તાણેલી છે. સંહાર કરવા માટે તે વીજળીની જેમ ચમકે માટે તેને ઓપ આપવામાં આવ્યો છે. 29 તમારાં સંદર્શન જૂઠાં છે, તમારી આગાહી ખોટી છે; તમે દુષ્ટ અને અધમ છો, તમારો અંત આવી પહોંચ્યો છે. તમારી આખરી શિક્ષાના દિવસ આવી પહોંચ્યા છે, તમારી ગરદન પર તલવાર વીંઝાનાર છે. 30 તલવાર મ્યાન કરો; જે ભૂમિમાં તમે જનમ્યાં, જે સ્થળમાં તમારું સર્જન થયું ત્યાં હું તમારો ન્યાય કરીશ. 31 હું તમારા પર મારો કોપ રેડીશ અને મારો ક્રોધાગ્નિ વરસાવીશ. હિંસાખોર અને ક્રૂર માણસોના હાથમાં હું તમને સોંપી દઇશ. 32 તમે અગ્નિમાં બળતણરૂપ થઈ જશો. તમારા જ દેશમાં તમારું રક્ત રેડાશે. તમને હવે પછી કોઈ યાદ પણ કરશે નહિ. હું પ્રભુ એ બોલ્યો છું.” |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide