હઝકિયેલ 20 - પવિત્ર બાઇબલ C.L.ઇઝરાયલની નિષ્ઠાત્યાગનો ઇતિહાસ 1 દેશનિકાલના સાતમા વર્ષના પાંચમા માસને દસમે દિવસે ઇઝરાયલના કેટલાક આગેવાનો પ્રભુની ઇચ્છા જાણવા માટે આવીને મારી સામે બેઠા. 2 ત્યારે પ્રભુએ મને કહ્યું: 3 “હે મનુષ્યપુત્ર, તું ઇઝરાયલના આગેવાનો સાથે વાત કરીને તેમને કહે કે પ્રભુ પરમેશ્વર આ પ્રમાણે કહે છે: “શું તમે મારી ઇચ્છા જાણવા આવ્યા છો? હું પ્રભુ પરમેશ્વર મારા પોતાના સમ ખાઇને કહું છું કે હું તમને કશું પૂછવા દેવાનો નથી. હું પ્રભુ પરમેશ્વર એ કહું છું. 4 શું તું તેમનો ન્યાય તોળવા તૈયાર છે? હે મનુષ્યપુત્ર, શું તું તેમનો ચુકાદો આપવા તૈયાર છે? તો તેમને તેમના પૂર્વજોએ કરેલાં ધિક્કારપાત્ર કૃત્યો યાદ કરાવ. 5 તેમને કહે કે પ્રભુ પરમેશ્વર આમ કહે છે: જ્યારે મેં ઇઝરાયલને પસંદ કર્યો અને ઇજિપ્ત દેશમાં યાકોબના વંશજો સમક્ષ મારો પરિચય આપ્યો, ત્યારે મેં તેમને સોગંદપૂર્વક જણાવ્યું હતું કે હું તમારો ઈશ્વર છું. 6 તે દિવસે મેં તેમને સોગંદપૂર્વક જણાવ્યું હતું કે હું તમને ઇજિપ્તમાંથી મુક્ત કરીશ અને તમારે માટે મેં પસંદ કરેલા દેશમાં હું તમને લઇ જઇશ. તે દૂધ અને મધની રેલમછેલવાળો દુનિયાનો સૌથી રમણીય દેશ છે. 7 મેં તેમને કહ્યું હતું કે, તમે જેમનું ધ્યાન ધર્યું છે એ ધિક્કારપાત્ર મૂર્તિઓને ફેંકી દો ને ઇજિપ્તની મૂર્તિઓથી પોતાને અશુદ્ધ ન કરો, કારણ, હું પ્રભુ, તમારો ઈશ્વર છું. 8 પણ તેઓ મારી સામે થયા અને તેમણે મારી વાણી સાંભળવાનો ઇનકાર કર્યો. પોતે જેનું ધ્યાન ધરતા હતા એવી ધિક્કારપાત્ર મૂર્તિઓ ન તો તેમણે ફેંકી દીધી કે ન તો ઇજિપ્તની મૂર્તિઓનો ત્યાગ કર્યો. ત્યારે મેં વિચાર્યું કે હું ઇજિપ્તમાં જ તેમના પર મારો રોષ શમાવીશ. 9 પણ તેઓ જે લોકોની વચ્ચે વસતા હતા અને જેમના દેખતાં મેં તેમને ઇજિપ્તદેશમાંથી મુક્ત કરીને પોતાને પ્રગટ કર્યો એ ઇજિપ્તી લોકોની દષ્ટિમાં મારા નામને લાંછન ન લાગે તે રીતે હું વર્ત્યો. 10 તેથી હું તેમને ઇજિપ્તમાંથી મુક્ત કરીને રણપ્રદેશમાં લઇ આવ્યો. 11 મેં તેમને મારા નિયમો આપ્યા અને મારા આદેશ શીખવ્યા કે જેથી તેમનું પાલન કરનાર મનુષ્ય જીવન પ્રાપ્ત કરે. 12 મેં તેમને અમારી વચ્ચેના કરારના ચિહ્ન તરીકે સાબ્બાથદિન પાળવાનું જણાવ્યું, જેથી તેમને યાદ રહે કે મેં પ્રભુએ તેમને મારે માટે અલગ કર્યા છે. 13 પણ રણપ્રદેશમાંયે તેમણે મારી સામે બંડ કર્યું અને જેમનું પાલન કરવાથી મનુષ્યને જીવન પ્રાપ્ત થાય છે એવા મારા નિયમો પ્રમાણે તેઓ વર્ત્યા નહિ અને મારા આદેશોનો અમલ કર્યો નહિ. તેમણે સાબ્બાથોને પણ સંપૂર્ણ રીતે ભ્રષ્ટ કર્યા. આથી તેમના ઉપર મારો રોષ ઠાલવીને રણમાં જ તેમનો સંહાર કરવાનો મેં વિચાર કર્યો. 14 પણ જે પ્રજાઓના દેખતાં મેં તેમને ઇજિપ્તમાંથી મુક્ત કર્યા હતા તેમની દષ્ટિમાં મારા નામને લાંછન ન લાગે એ રીતે હું વર્ત્યો. 15 આથી મેં રણપ્રદેશમાં સમ ખાધા કે દૂધ અને મધની રેલમછેલવાળો દુનિયાનો જે સૌથી રમણીય દેશ મેં તેમને આપ્યો હતો, ત્યાં હું તેમને લઇ જઇશ નહિ. 16 કારણ, તેમણે મારા આદેશોનો અનાદર કર્યો છે, મારા નિયમો પ્રમાણે તેઓ વર્ત્યા નથી અને સાબ્બાથદિન અપવિત્ર કર્યા છે. તેમનું મન તો મૂર્તિઓમાં જ લાગેલું હતું. 17 તેમ છતાં મેં તેમના પ્રત્યે દયા દર્શાવીને તેમનો નાશ ન કર્યો. એટલે રણપ્રદેશમાં જ તેમનો પૂરેપૂરો સંહાર ન કર્યો. 18 એને બદલે, તેમનાં સંતાનોને રણપ્રદેશમાં ચેતવણી આપતાં મેં કહ્યું, ‘તમારા પૂર્વજોના નિયમો પ્રમાણે વર્તશો નહિ. તેમના આદેશોનો અમલ કરશો નહિ, તેમની મૂર્તિઓથી તમારી જાતને વટાળશો નહિ. 19 હું પ્રભુ, તમારો ઈશ્વર છું. તમે મારા નિયમો પ્રમાણે વર્તો ને મારા આદેશોનો અમલ કરો. 20 મારા સાબ્બાથો પવિત્ર માનો, જેથી તે આપણી વચ્ચેના કરારની નિશાની બને અને તેથી તમને ખ્યાલ રહે કે હું પ્રભુ, તમારો ઈશ્વર છું.’ 21 પણ તે પેઢીએ પણ મારી સામે બંડ કર્યું. તેઓ મારા નિયમો પ્રમાણે વર્ત્યા નહિ અને મારા આદેશોનો અનાદર કર્યો, કે જેમનું પાલન કરવાથી તો મનુષ્ય જીવન પ્રાપ્ત કરે છે. તેમણે સાબ્બાથદિનને અપવિત્ર કર્યા. ત્યારે મેં ફરી તેમના ઉપર રણપ્રદેશમાં મારો કોપ ઠાલવીને મારો રોષ શમાવવા વિચાર કર્યો. 22 પણ મેં તેમ કરવાથી મારા હાથ પાછો રાખ્યો. જે પ્રજાઓનાં દેખતાં મેં તેમને મુક્ત કર્યા હતા, તેમની દષ્ટિમાં મારા નામને લાંછન ન લાગે એ રીતે હું વર્ત્યો. 23 આથી મેં રણપ્રદેશમાં બીજા શપથ લીધા કે હું તેમને અન્ય પ્રજાઓમાં વિખેરી નાખીશ અને વિશ્વના દેશોમાં તેમને વેરવિખેર કરી દઇશ. 24 કારણ, તેમણે મારા આદેશોનો અમલ કર્યો નથી, મારા નિયમોનો અનાદર કર્યો છે, સાબ્બાથના દિવસોને ભ્રષ્ટ કર્યા છે અને તેમની મીટ તેમના પૂર્વજોની મૂર્તિઓની પૂજામાં મંડાયેલી છે. 25 વળી, મેં તેમને આપેલા નિયમો કંઇ સારા નહોતા એવું નથી, અથવા એવા આદેશો નહોતા આપ્યા કે જે વડે તેઓ જીવે નહિ. 26 મેં તેમને તેમનાં જ અર્પણોથી તેમને ભ્રષ્ટ થવા દીધા અને તેમના પ્રથમ જન્મેલા પુત્રોના બલિ ચડાવવા દીધા; જેથી તેઓ ત્રાસ પામે અને જાણે કે હું પ્રભુ છું. 27 “તેથી હે મનુષ્યપુત્ર, તું ઇઝરાયલીઓને આમ કહે કે પ્રભુ પરમેશ્વર આમ કહે છે: તમારા પૂર્વજોએ મારી સાથે વિશ્વાસઘાત કરીને મને બીજી રીતે પણ અપમાનિત કર્યો છે. 28 જે દેશ તેમને આપવાના મેં શપથ લીધા હતા તેમાં હું તેમને લઇ આવ્યો ત્યારે દરેક ઊંચા પહાડી શિખરને કે લીલા વૃક્ષને જોઈને ત્યાં તેમણે પોતાના બલિ ચડાવ્યા. તેમણે પોતાના સુવાસિત અગ્નિબલિથી અને પેયાર્પણથી મને રોષ ચડાવ્યો. 29 મેં તેમને પૂછયું: તમે પૂજાનાં જે ઉચ્ચસ્થાનોએ જાઓ છો તે શું છે? અને ત્યારથી આજદિન સુધી તે ‘બામાહ’ એટલે ‘ઉચ્ચસ્થાન’ કહેવાય છે. 30 હવે તું ઇઝરાયલીઓને કહે કે પ્રભુ પરમેશ્વર આમ કહે છે: શા માટે તમે તમારાં પૂર્વજોએ કરેલાં પાપ ફરીથી કરો છો અને તેમની જેમ મૂર્તિઓની પાછળ વંઠી જાઓ છો? 31 તમે તે મૂર્તિઓ આગળ તમારા પૂર્વજો જેવાં જ અર્પણો ચડાવો છો અને તમે તમારાં બાળકોના અગ્નિબલિ ચડાવી પોતાને ભ્રષ્ટ કરો છો. વળી, એવાં કામો કર્યા પછી તમે મારી ઇચ્છા જાણવા મારી પાસે આવો છો! હું પ્રભુ પરમેશ્વર મારા પોતાના સમ ખાઇને કહું છું કે હું તમને મારા મનની ઇચ્છા જણાવીશ નહિ. 32 તમે તમારા મનથી અન્ય પ્રજાઓ, કુળો અને દેશોની જેમ લાકડાંની અને પથ્થરની પૂજા કરવાનું નક્કી કર્યું છે, પણ તમારો એ ઇરાદો ફળીભૂત થશે નહિ. શિક્ષા અને ક્ષમાયાચના 33 “હું પ્રભુ પરમેશ્વર મારા પોતાના સમ ખાઇને તમને ચેતવું છું કે મારો કોપ રેડી દઈને હું મારા બાહુબળ વડે અને મારી પૂરી તાક્તથી તમારા પર શાસન કરીશ. 34 મારો કોપ રેડી દઈને મારા બાહુબળથી અને મારી પૂરી તાક્તથી હું તમને લોકોમાંથી મુક્ત કરીશ અને જે દેશોમાં તમે વિખેરાઇ ગયા છો ત્યાંથી તમને એકત્ર કરીશ. 35 હું તમને પરદેશીઓના રણપ્રદેશમાં લાવીશ અને ત્યાં તમારી સાથે મોઢામોઢ વિવાદ કરીશ. 36 મેં મિસરના રણપ્રદેશમાં તમારા પૂર્વજોની સાથે વિવાદ કર્યો હતો તેમ હું તમારી સાથે મોઢામોઢ વિવાદ કરીશ. હું પ્રભુ પરમેશ્વર એ બોલ્યો છું. 37 હું તમને પૂરા નિયંત્રણમાં લાવીશ અને તમને મારા કરારનું પાલન કરતા કરી દઈશ. 38 હું તમારામાંથી બંડખોરોને અને અપરાધીઓને દૂર કરીશ; અત્યારે તેઓ જ્યાં રહે છે તે દેશોમાંથી તો હું તેમને બહાર કાઢી લાવીશ, પણ તેમને ઇઝરાયલના દેશમાં પ્રવેશવા દઇશ નહિ, અને ત્યારે તમે જાણશો કે હું પ્રભુ છું.” 39 પ્રભુ પરમેશ્વર કહે છે, “હે ઇઝરાયલીઓ, જાઓ તમે સૌ તમારી મૂર્તિઓની પૂજામાં મંડયા રહો. પણ પાછળથી તમે મારું નહિ સાંભળો તો હું જોઇ લઇશ. તમારી મૂર્તિઓને તમારાં અર્પણો ચડાવવા દઇને હું તમને મારા પવિત્ર નામને કલંક લગાડવા નહિ દઉં. 40 હું પ્રભુ પરમેશ્વર પોતે કહું છું: ઇઝરાયલ દેશમાં ઇઝરાયલી કોમના સર્વ લોકો, ઇઝરાયલના ઊંચા પર્વત, એટલે, મારા પવિત્ર પર્વત પર મારી આરાધના કરશે. ત્યાં હું તમારા પર પ્રસન્ન થઇશ અને તમારી પાસે સર્વ પ્રકારનાં બલિદાનો, તમારાં સર્વોત્તમ અર્પણો અને તમારી પવિત્ર ભેટો માગીશ. 41 હું તમને પ્રજાઓમાંથી મુક્ત કરીશ અને જે દેશોમાં તમે વિખેરાઇ ગયા છો ત્યાંથી તમને એકત્ર કરીશ અને ત્યારે હું તમને સુવાસિત અગ્નિબલિની પેઠે સ્વીકારીશ અને પરદેશીઓનાં દેખતાં હું તમારામાં પવિત્ર મનાઇશ. 42 વળી, હું તમને ઇઝરાયલ દેશમાં એટલે કે જે દેશ તમારા પૂર્વજોને આપવાના મેં સમ ખાધા હતા તેમાં પાછા લાવીશ. ત્યારે તમે જાણશો કે હું પ્રભુ છું. 43 ત્યારે કેવાં ધિક્કારપાત્ર કૃત્યો કરીને તમે પોતાને ભ્રષ્ટ કર્યા હતા તે તમને યાદ આવશે. તમે કરેલાં દુષ્કર્મોને કારણે તમને તમારી જાત પ્રત્યે ઘૃણા પેદા થશે. 44 હે ઇઝરાયલ, જ્યારે હું તમારી સાથે તમારાં દુષ્ટ અને અધમ આચરણ અનુસાર નહિ વર્તતાં મારા નામને શોભે એવો વર્તાવ કરીશ ત્યારે તમે જાણશો કે હું પ્રભુ છું. હું પ્રભુ પરમેશ્વર એ કહું છું.” 45 વળી, પ્રભુએ મારી સાથે બોલતાં મને કહ્યું: 46 “હે મનુષ્યપુત્ર, તારું મુખ દક્ષિણ તરફ ફેરવ અને દક્ષિણ પ્રદેશને ઉદ્દેશીને અને દક્ષિણના ‘નેગેબ વન’ વિરુદ્ધ સંદેશ પ્રગટ કર. 47 દક્ષિણના વનને કહે કે પ્રભુ પરમેશ્વરની આ વાણી સાંભળ: “જો હું તારામાં આગ લગાડીશ, અને તે તારાં લીલાં કે સૂકાં દરેક વૃક્ષને ભરખી જશે. કોઇ એને ઓલવી શકે નહિ. તે દક્ષિણથી ઉત્તર સુધી પ્રસરી જશે અને દરેકનું મુખ અગ્નિજ્વાળાથી દાઝી જશે. 48 બધા માણસો જોશે કે મેં, પ્રભુએ તે આગ લગાડી છે અને તે કોઈથીય બુઝાવી શકાય તેવી નથી.” 49 ત્યારે મેં કહ્યું, “અરે, પ્રભુ પરમેશ્વર, મારી પાસે એવું કરાવશો નહિ. સૌ કોઇ મારે વિશે આ જ ફરિયાદ કરે છે કે, એ તો હંમેશા ગૂઢ વાણી જ ઉચ્ચારે છે.” |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide