Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

હઝકિયેલ 19 - પવિત્ર બાઇબલ C.L.


ઇઝરાયલની રાણીમાતા અને બે રાજવીઓ માટે વિલાપગીત

1 ઈશ્વરે મને ઇઝરાયલના બે રાજવીઓ વિષે વિલાપ ગીત ગાવા કહ્યું:

2 “તમારી મા સિંહણ હતી, તે સિંહોની સાથે રહેતી હતી; તે વિકરાળ સિંહો વચ્ચે પોતાનાં બચ્ચાનું પાલનપોષણ કરતી હતી.

3 તેણે પોતાના એક બચ્ચાને ઉછેર્યું. તે જુવાન સિંહ બન્યો. તે શિકાર પકડતાં શીખ્યો અને માનવોનો ભક્ષ કરવા લાગ્યો.

4 બીજી પ્રજાઓએ એને વિષે સાંભળ્યું અને તેને ખાડામાં સપડાવ્યો, તેઓ તેને સાંકળોથી બાંધી ઇજિપ્ત દેશમાં લઇ ગયા.

5 પોતાની આશા ફળીભૂત થઇ નથી એવું જોતાં તેની માની બધી અપેક્ષાઓ લોપ થઇ ગઈ. તેથી તેણે એક બીજા બચ્ચાંને ઉછેર્યું અને તે જુવાન સિંહ બન્યો.

6 તે પુખ્ત સિંહ થતાં બીજા સિંહો સાથે શિકારની શોધમાં ફરવા લાગ્યો. તે પણ શિકાર કરતાં શીખ્યો, ને માનવભક્ષી બન્યો.

7 તેણે કિલ્લાઓ તોડી પાડયા અને નગરોને વેરાન કરી નાખ્યા. તેની ગર્જનાથી દેશના લોકો ભયથી ધ્રૂજી ઊઠતા.

8 ત્યારે આસપાસના પ્રાંતોમાંથી બધા લોકો તેની સામે ચઢી આવ્યા. તેમણે પોતાની જાળ બિછાવીને તેને ખાડામાં સપડાવ્યો.

9 તેમણે તેને સાંકળોથી બાંધીને પાંજરામાં પૂર્યો અને તેને બેબિલોનના રાજા પાસે લઇ ગયા. ત્યાં તેને કેદમાં પૂરવામાં આવ્યો અને તે પછી ઇઝરાયલના પહાડો પર તેની ગર્જના ફરી ક્યારેય સંભળાઇ નહિ.

10 તમારી મા પણ તમારા વંશમાં ઝરણાને કિનારે રોપાયેલી દ્રાક્ષાવેલા જેવી હતી. ભરપૂર પાણી મળવાને કારણે તેને ફળથી લચી પડેલી પુષ્કળ ડાળીઓ હતી.

11 તેની ડાળીઓ શાસકોના રાજદંડના જેવી મજબૂત હતી. તેની ગીચ ડાળીઓ અને ઊંચાઇ સૌને વિસ્મિત કરતી હતી.

12 પણ તેને રોષપૂર્વક ઉખેડી નાખી જમીનદોસ્ત કરી દેવામાં આવી. પૂર્વના પવને તેનાં ફળ સૂકવી નાખ્યાં. તેની ડાળીઓ ભાંગી નાખવામાં આવી. તે સુકાઇ ગઇ અને અગ્નિમાં બળી ગઇ.

13 હમણાં તેને સૂકા અને નિર્જળ રણપ્રદેશમાં રોપવામાં આવી છે.

14 તેના થડને આગ લાગી અને તેની ડાળીઓને અને ફળોને ભસ્મ કર્યાં છે. શાસકોનો રાજદંડ બને એવી એકેય મજબૂત ડાળી તેમાં રહી નથી.” આ વિલાપ ગીત છે. તે વારંવાર ગવાતું આવ્યું છે.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan