હઝકિયેલ 18 - પવિત્ર બાઇબલ C.L.પ્રત્યેક વ્યક્તિ પોતાનાં કામો માટે જવાબદાર 1 વળી, પ્રભુનો સંદેશ મને મળ્યો: 2 “ઇઝરાયલ દેશમાં તમે શા માટે કહેવતનો વારંવાર ઉપયોગ કરો છો કે, ‘પિતાઓએ ખાટી દ્રાક્ષ ખાધી અને સંતાનોનાં દાંત ખટાઇ ગયા?’ 3 હું પ્રભુ પરમેશ્વર પોતાના સમ ખાઇને કહું છે કે હવે પછી ઇઝરાયલમાં તમે ફરી કદી આ કહેવત વાપરશો નહિ. 4 સર્વ જીવો મારા છે. પિતા અને પુત્ર બન્નેના પ્રાણ પર મારો અધિકાર છે. જે માણસ પાપ કરશે તે જ મરશે. 5 જો કોઈ માણસ નેક હોય ને તે ન્યાયનીતિ પ્રમાણે વર્તતો હોય 6 અને પર્વતો પર મૂર્તિઓનાં પૂજાસ્થાનોમાં ચડાવેલ બલિ ખાતો ન હોય, પડોશીની સ્ત્રી સાથે વ્યભિચાર કરતો ન હોય અને રજ:સ્વલા સ્ત્રી સાથે સમાગમ કરતો ન હોય, 7 કોઈના પર અત્યાચાર કરતો ન હોય, કોઈને ઠગતો ન હોય કે કોઈને લૂંટતો ન હોય, દેવાદારે ગીરો મૂકેલ વસ્તુ તેને પાછી આપતો હોય, જેણે કોઈને લૂંટયો ન હોય, ભૂખ્યાંને ભોજન ને વસ્ત્રહીનને વસ્ત્ર આપતો હોય, 8 વ્યાજ કે વટાવ ખાતો ન હોય, દુરાચાર કરતો ન હોય, અને વાદીપ્રતિવાદી વચ્ચે સચોટ ન્યાય ચૂકવતો હોય, 9 મારી આજ્ઞાઓને અનુસરતો હોય ને મારા નિયમોનું નિષ્ઠાપૂર્વક પાલન કરતો હોય તો એવો માણસ નેક છે અને એ જરૂર જીવતો રહેશે. 10 “જો એ માણસનો પુત્ર અત્યાચારી અને ખૂની નીકળે, 11 અને એના પિતાએ કદી ન કર્યાં હોય એવાં કામો કરે એટલે પર્વતો પર મૂર્તિઓનાં પૂજાસ્થાનોમાં ચડાવેલ બલિ ખાતો હોય, પોતાના પાડોશીની સ્ત્રી સાથે વ્યભિચાર કરતો હોય, 12 ગરીબો અને ગરજવાનો પર અત્યાચાર ગુજારતો હોય, લૂંટફાટ કરતો હોય, દેવાદારની ગીરો મૂકેલ વસ્તુ પાછી આપતો ન હોય, પરદેશીઓની મૂર્તિઓનું ધ્યાન કરતો હોય અને ઘૃણિત કાર્યો કરતો હોય, 13 વ્યાજે નાણા ધીરતો હોય ને વટાવ ખાતો હોય તો શું તે જીવશે? તે નહિ જ જીવે. તેણે આ બધાં ઘૃણાસ્પદ કાર્યો કર્યાં છે અને તેથી એ નક્કી માર્યો જશે. તેનું રક્ત તેને માથે. 14 હવે ધારો કે એ વ્યક્તિને પુત્ર હોય, જે પોતાના પિતાનાં બધાં પાપો જોયાં છતાં પિતાનાં આચરણને અનુસરતો ન હોય; 15 એટલે કે, ઇઝરાયલીઓની મૂર્તિઓની પૂજા કરતો ન હોય, અને પર્વતો પર મૂર્તિઓનાં પૂજાસ્થાનોમાં ચડાવેલ બલિ ખાતો ન હોય, બીજા માણસની પત્ની સાથે વ્યભિચાર કરતો ન હોય, 16 કોઇના પર અત્યાચાર ગુજારતો ન હોય, કે લૂંટફાટ કરતો ન હોય, દેણદારે ગીરો મૂકેલ વસ્તુ પાછી આપતો હોય, ભૂખ્યાને ભોજન અને વસ્ત્રહીનને વસ્ત્રો આપતો હોય, 17 ગરીબને સતાવતો ન હોય, વ્યાજે નાણાં ધીરતો ન હોય કે વટાવ ખાતો ન હોય, પણ મારી આજ્ઞાઓ અનુસાર વર્તતો હોય અને મારા નિયમો પાળતો હોય, તો એના પિતાના પાપોને લીધે તે માર્યો જશે નહિ; પણ તે નક્કી જીવતો રહેશે. 18 પણ તેના પિતાએ તો અત્યાચાર ગુજાર્યો હતો, જાતભાઇને જોરજુલમથી લૂંટયો હતો અને હંમેશા બીજા પ્રત્યે દુષ્ટતા આચરી હતી; તેથી તેને તો પોતાના પાપને લીધે માર્યા જવું પડશે. 19 “તમે પૂછશો કે, ‘પોતાના પિતાનાં પાપને લીધે પુત્રને કેમ સજા થવી ન જોઈએ?’ તેનો ઉત્તર આ છે: પુત્ર ન્યાય, નીતિ અને સચ્ચાઇથી વર્ત્યો છે. તેણે મારા સર્વ નિયમો નિષ્ઠાથી પાળ્યા છે, તેથી તે નક્કી જીવશે. 20 જે માણસ પાપ કરે તે જ માર્યો જશે. પિતાના પાપનું ફળ પુત્રે ભોગવવું પડશે નહિ અને પુત્રના પાપનું ફળ પિતાએ ભોગવવું પડશે નહિ. સદાચારીનો સદાચાર તેના લાભમાં લેખાશે અને દુષ્ટ તેની દુષ્ટતા માટે જવાબદાર ઠરશે. 21 પણ કોઈ દુષ્ટ માણસ પોતાનાં પાપનો ત્યાગ કરે અને મારા સર્વ નિયમો પાળે અને ન્યાયનીતિ અને સચ્ચાઇથી વર્તે તો તે મરશે નહિ; તે જીવતો રહેશે. 22 તેણે કરેલાં પાપોમાંથી કોઇ પાપ તેને અપરાધી ઠરાવવા યાદ કરવામાં આવશે નહિ; પણ પોતાની નેકીને કારણે એ જીવશે.” 23 પ્રભુ પરમેશ્વર પૂછે છે: “શું કોઇ દુષ્ટના મોતથી મને આનંદ થાય? મને તો તે પોતાના પાપથી વિમુખ થાય અને જીવતો રહે તો જ આનંદ થાય. 24 પણ જો સદાચારી સદાચરણ છોડી દઇ દુષ્ટ માણસોનાં જેવાં અધમ ને ધિક્કારપાત્ર કૃત્યો કરવાનું શરૂ કરે તો શું તે જીવતો રહેશે? ના, કદી નહિ. તેણે કરેલાં સર્ત્ક્યોમાંનું એકેય યાદ કરવામાં આવશે નહિ, તે તો તેના નિષ્ઠાત્યાગને લીધે તથા તેનાં પાપને લીધે માર્યો જશે. 25 “આમ છતાં તમે કહો છો કે પ્રભુનો વ્યવહાર વ્યાજબી નથી. હે ઇઝરાયલીઓ, સાંભળો: શું મારો વ્યવહાર વાજબી નથી? વ્યવહાર તો તમારો ગેરવાજબી છે. 26 જો સદાચારી પોતાની નેકીમાંથી હટી જાય અને પાપ કરે છે તો તે માર્યો જાય છે. પોતે આચરેલ દુષ્ટતાને કારણે તે માર્યો જાય છે. 27 વળી, જો દુષ્ટ પોતાની દુષ્ટતાનો ત્યાગ કરે અને ન્યાયનીતિ તથા સચ્ચાઇથી વર્તે તો તે પોતાની જિંદગી બચાવશે. 28 પોતાના અપરાધોનું ભાન થતાં તે પાપ કરવાનું મૂકી દે તો તે નક્કી જીવતો રહેશે અને માર્યો જશે નહિ. 29 છતાં તમે ઇઝરાયલીઓ કહો છો કે, ‘પ્રભુનો વ્યવહાર વાજબી નથી.’ હે ઇઝરાયલીઓ, શું મારો વ્યાજબી નથી? કે પછી તમારો વ્યવહાર વાજબી નથી? 30 એ માટે હે ઇઝરાયલીઓ, હું પ્રભુ પરમેશ્વર તમને કહું છું કે હું તમારા પ્રત્યેકનો તેનાં આચરણ અનુસાર ન્યાય કરીશ. તમે દુષ્ટતા આચરો છો તેનાથી પાછા ફરો, નહિ તો તમારાં પાપ તમારા વિનાશનું કારણ થઇ પડશે. 31 તમે તમારી આચરેલી બધી ભૂંડાઇનો ત્યાગ કરો અને નવું મન ને નવો આત્મા પ્રાપ્ત કરો. હે ઇઝરાયલીઓ, તમે શા માટે મરવા માંગો છો? 32 પ્રભુ પરમેશ્વર કહે છે કે કોઇના મોતથી મને આનંદ થતો નથી; તેથી તમારાં પાપથી પાછા ફરો અને જીવતા રહો.” |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide