Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

હઝકિયેલ 17 - પવિત્ર બાઇબલ C.L.


બે ગરુડ અને એક દ્રાક્ષાવેલાનું દ્દષ્ટાંત

1 વળી, પ્રભુનો સંદેશ મને મળ્યો:

2 “હે મનુષ્યપુત્ર, તું ઇઝરાયલીઓ સમક્ષ એક ઉખાણું રજૂ કર અને તેમની સાથે રૂપક વાપરીને વાત કર.

3 તું તેમને કહે કે પ્રભુ પરમેશ્વર આમ કહે છે: વિશાળ પાંખો, લાંબા પગ અને રંગબેરંગી ભરાવદાર પીંછાવાળો એક મોટો ગરુડ લબાનોનમાં આવ્યો. તેણે ગંધતરુની ટોચની ડાળખી તોડી લીધી.

4 તે તેને સોદાગરોના દેશમાં લઇ ગયો અને સોદાગરોના નગરમાં તે ડાળખી રોપી.

5 પછી તેણે ઇઝરાયલની ભૂમિમાંથી દ્રાક્ષાવેલાનો રોપો લઇ જઇને ફળદ્રુપ જમીનમાં જળાશય પાસે રોપ્યો. ત્યાં તેની વૃધિ માટે પુષ્કળ પાણી હતું.

6 દ્રાક્ષાવેલાને કૂંપળો ફૂટી અને તે વધીને નીચા કદનો ફાલેલો દ્રાક્ષાવેલો બન્યો. તેની ડાળીઓ ઊંચી વધીને ગરુડ તરફ ફેલાઇ અને તેના મૂળ ઊંડાં ગયાં. તે વેલો ડાળીઓ અને પાંદડાંથી છવાઇ ગયો.

7 વિશાળ પાંખોવાળો અને ભરાવદાર પીંછાવાળો એક બીજો મોટો ગરુડ હતો. પેલા દ્રાક્ષાવેલાએ પોતાને જ્યાં રોપવામાં આવ્યો હતો તે ક્યારામાંથી પોતાનાં મૂળ અને પોતાની ડાળીઓ એ ગરુડ તરફ ફેલાવ્યાં, કે જેથી તે તેને વધારે પાણી સીંચે.

8 હવે એ દ્રાક્ષાવેલાને તો ફળદ્રુપ ભૂમિમાં મોટા જળાશય પાસે જ રોપવામાં આવ્યો હતો કે જેથી તેને ડાળીઓ ફૂટે અને તેને ફળ આવે અને તે ઉત્તમ દ્રાક્ષાવેલો બને.”

9 તો હવે તું તેમને કહે કે પ્રભુ પરમેશ્વર આમ પૂછે છે: “શું તે દ્રાક્ષાવેલો ફાલશે-ફૂલશે? શું પ્રથમ ગરુડ એને સમૂળગો ઉખેડી નહિ નાખે? તે તેને ઉખેડી નાખશે અને તેની દ્રાક્ષો વીણી લેશે; જેથી તે દ્રાક્ષાવેલો તેના બધાં પાંદડા સહિત ચીમળાઇ જશે.

10 એને રોપ્યો તો ખરો, પણ શું એ ફાલશેફૂલશે? પૂર્વના પવનો તેના પર ફૂંકાશે ત્યારે શું તે તેના સપાટાથી સુકાઇ નહિ જાય? જે ક્યારામાં તે ઊગ્યો છે ત્યાં જ સુકાઇ નહિ જાય?”


દષ્ટાંતની સમજૂતી

11 પછી પ્રભુનો સંદેશ મને મળ્યો:

12 તું આ બંડખોર ઇઝરાયલીઓને પૂછ: “તમે આનો અર્થ સમજો છો? તેમને કહે કે બેબિલોનનો રાજા યરુશાલેમ આવ્યો અને એ યરુશાલેમના રાજાને અને તેના અધિકારીઓને બંદી બનાવીને પોતાની સાથે બેબિલોનમાં લઇ ગયો.

13 તેણે રાજાના કુટુંબના એક પુરુષ સાથે સંધિનો કરાર કર્યો અને તેની પાસે તે માટે સમ લેવડાવ્યા.

14 તે પોતાની સાથે દેશના આગેવાનોને બાન તરીકે ઉઠાવી ગયો કે જેથી તે રાજ્ય નિર્બળ બને અને ફરીથી માથું ન ઊંચકે, પણ સંધિ કરારનું પાલન કરીને તે ટકી રહે.

15 પણ યહૂદિયાના રાજાએ તેની વિરુદ્ધ બંડ કર્યું અને ઘોડા તથા મોટું સૈન્ય મેળવવા ઇજિપ્તમાં રાજદૂત મોકલ્યા. શું તે સફળ થશે? આવાં કામો કરીને તે બચવા પામશે? સંધિકરારનો ભંગ કરીને તે છટકી જશે?

16 હું પ્રભુ પરમેશ્વર પોતાના સમ લઈને કહું છું કે તે રાજા બેબિલોનમાં મરણ પામશે, કારણ, તેણે લીધેલા સમ તુચ્છ ગણ્યા અને તેને રાજા બનાવનાર રાજા સાથેના સંધિકરારનો તેણે ભંગ કર્યો.

17 જ્યારે બેબિલોનના લોકો ઘણા માણસોનો સંહાર કરવા માટીના ટીંબા બાંધીને અને ખાઇઓ ખોદીને ઘેરો ઘાલશે ત્યારે ફેરો પાસે મોટું અને બળવાન લશ્કર હોવા છતાં સહાય કરી શકશે નહિ.

18 પોતે લીધેલા સમ તુચ્છ ગણીને કરારનું ઉલ્લંઘન કર્યું છે અને વચન આપ્યાં છતાં એ કર્યું છે, તેથી તે બચવા પામશે નહિ.”

19 પ્રભુ પરમેશ્વર પોતાના સમ લઈને કહે છે: એણે મારે નામે લીધેલ સમ તુચ્છ ગણીને મારે નામે કરેલા સંધિકરારનો ભંગ કર્યો છે તેથી હું નક્કી તેનો બદલો વાળીશ.

20 હું તેના પર મારી જાળ બિછાવીશ અને તેને મારા ફાંદામાં ફસાવી દઇશ. હું તેને બેબિલોનમાં લઇ જઇને સજા કરીશ. કારણ, તેણે મારી સાથે વિશ્વાસભંગ કર્યો છે.

21 એના સૈન્યના શ્રેષ્ઠ યોદ્ધાઓ લડાઇમાં માર્યા જશે અને બચી ગયેલાઓ ચારે દિશામાં વિખેરાઇ જશે, ત્યારે તમે જાણશો કે હું પ્રભુ એ બોલ્યો છું.”


ઈશ્વરનો આશાદાયક સંદેશ

22 પ્રભુ પરમેશ્વર આમ કહે છે: “હું આ ઊંચા ગંધતરુની ટોચની ડાળી પરથી એક કુમળી કૂંપળ તોડી લઇશ અને તેને એક ઊંચા અને ઉન્‍નત પર્વત પર રોપીશ.

23 હું તેને ઇઝરાયલના સૌથી ઊંચા પર્વત પર રોપીશ. એને ડાળીઓ ફૂટશે અને ફળ આવશે અને તે ગંધતરુનું વિશાળ વૃક્ષ બનશે. સર્વ જાતનાં પક્ષીઓ તેની ડાળીઓની છાયામાં નિવાસ કરશે.

24 ત્યારે દેશનાં સર્વ વૃક્ષો જાણશે કે હું પ્રભુ છું. હું જ ઊંચાં વૃક્ષોને નીચાં ને નીચાં વૃક્ષોને ઊંચાં બનાવું છું. હું લીલાં વૃક્ષોને સૂકવી નાખું છું ને સૂકાં વૃક્ષોને ખીલવું છું. હું પ્રભુ આ બોલ્યો છું અને હું તે પાર પાડું છું.”

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan