હઝકિયેલ 16 - પવિત્ર બાઇબલ C.L.બેવફા યરુશાલેમની રૂપકકથા 1 વળી, પ્રભુનો સંદેશ મને મળ્યો: 2 “હે મનુષ્યપુત્ર, તું યરુશાલેમને તેનાં ધિક્કારપાત્ર કૃત્યો જણાવ.” 3 તેને કહે કે, “પ્રભુ પરમેશ્વર યરુશાલેમને આમ કહે છે: તારો જન્મ કનાન પ્રદેશમાં થયેલો છે અને એ જ તારું ઉદ્ભવસ્થાન છે, તારો પિતા અમોરી હતો અને તારી માતા હિત્તી હતી. 4 તું જન્મી તે દિવસે કોઈએ તારી નાળ કાપી નહોતી. પાણીથી નવડાવીને તને સ્વચ્છ કરી નહોતી, કોઈએ તને મીઠું ચોળ્યું નહોતું કે તને વસ્ત્રમાં લપેટી નહોતી. 5 આમાંનું કંઇપણ કરવા પૂરતી સહાનુભૂતિ કોઈએ તારા પ્રત્યે દર્શાવી નહોતી, પણ તું જન્મી ત્યારે તને ખુલ્લા મેદાનમાં ફેંકી દેવામાં આવી હતી. કારણ, ત્યારે તારી દશા નફરતજનક હતી. 6 તારી પાસે થઇને જતાં મેં તને તારા પોતાના જ લોહીમાં લથપથ થઇને આળોટતી જોઇ; તું તો લોહીમાં આળોટતી હતી તોયે મેં તને કહ્યું, ‘જીવી જા.’ 7 ખેતરમાં ઊગી નીકળતા છોડની જેમ મેં તને ઉછેરી. તું પુખ્ત બની અને તારી યૌવનાવસ્થા ખીલી ઊઠી, તારાં સ્તન પણ વિકસ્યાં ને તારા વાળ ઊગ્યા, તેમ છતાં હજી તું તો સાવ નાગી ઉઘાડી હતી. 8 હું ફરી તારી પાસેથી પસાર થયો તો મેં જોયું કે પ્રેમ કરવા જેવી તારી ઉંમર થઇ હતી. મેં તારો ડગલો પ્રસારીને તારી નગ્નતા ઢાંકી દીધી. મેં તારી સાથે સોગંદપૂર્વક કરાર કર્યો અને તું મારી બની. હું પ્રભુ પરમેશ્વર આ બધું કહું છું. 9 મેં પાણી લઇ તને નવડાવી, તારા દેહ પરથી તારું લોહી ધોઇ નાખ્યું, ને તને ઓલિવતેલ ચોળ્યું. 10 મેં તને ભરત ભરેલાં વસ્ત્ર પહેરાવ્યાં અને તને સુંદર ચામડાની મોજડીઓ આપી. મેં તને અળસીરેસાનો શ્વેત દુપટ્ટો બાંધ્યો અને તને રેશમી વસ્ત્ર પહેરાવ્યાં. 11 મેં તને આભૂષણોથી શણગારી; હાથે બંગડીઓ અને ગળે હાર પહેરાવ્યાં. 12 નાકમાં વાળી ને કાનમાં કુંડળ પહેરાવ્યાં અને માથે સુંદર મુગટ મૂક્યો. 13 મેં તને સોનાચાંદીનાં આભૂષણોથી સજાવી. તારાં વસ્ત્રો શ્વેત અળસીરેસાનાં, રેશમ અને બુટાદાર ભરતકામનાં હતાં. મેંદો, મધ અને ઓલિવતેલ તારો ખોરાક હતો. તારું સૌંદર્ય આંજી નાખે તેવું હતું. તું રાજરાણીના પદને યોગ્ય બની ગઈ. 14 તારા સર્વાંગસંપૂર્ણ સૌંદર્યને લીધે તારી કીર્તિ સર્વ પ્રજાઓમાં ફેલાઇ ગઇ. કારણ, મેં જ તને એ વૈભવ બક્ષ્યો હતો. હું પ્રભુ પરમેશ્વર એ કહું છું. 15 પણ તેં તારા સૌંદર્યનો અને કીર્તિનો ગર્વ કર્યો. તું વેશ્યા બની ગઇ અને જતાં આવતાં દરેક સાથે વ્યભિચાર કરવા લાગી. 16 તેં તારાં વસ્ત્રોનો ઉપયોગ કરી તારાં પૂજાનાં ઉચ્ચસ્થાનો સજાવ્યાં અને ત્યાં વેશ્યાની જેમ દરેક સાથે વ્યભિચાર કર્યો. આવું તો કદી બન્યું નથી કે બનવાનું નથી. 17 વળી, તને સજાવવા મેં તને આપેલા સોનાચાંદીના દાગીના લઇ તેમાંથી તે પુરુષ પ્રતિમાઓ બનાવીને તેમની સાથે વ્યભિચાર કર્યો. 18 મેં આપેલાં બુટ્ટાદાર વસ્ત્રો લઇ એ પ્રતિમાઓને તે પહેરાવ્યાં અને મારું ઓલિવ તેલ તથા મારા સુગંધિત ધૂપનું પણ તેમની આગળ અર્પણ કર્યું. 19 મેં તને ખોરાક તરીકે આપેલાં મેંદો, તેલ તથા મધ પણ તે મૂર્તિઓને ખુશકારક સુવાસને અર્થે ચડાવી દીધાં. હું પ્રભુ પરમેશ્વર એ કહું છું. 20 “પછી તેં મારાથી તને જન્મેલાં પુત્રપુત્રીઓને એ મૂર્તિઓ સમક્ષ બલિ તરીકે ચડાવ્યાં. તેં વ્યભિચાર કર્યો એટલું ઓછું હતું, 21 કે તેં મારા પુત્રપુત્રીઓનો વધ કરીને અર્પણ તરીકે એ મૂર્તિઓને અગ્નિમાં હોમી દીધાં? 22 તારાં આ ધિક્કારપાત્ર કૃત્યો અને વ્યભિચાર કરતી વખતે તને કદી તારું બાળપણ યાદ ન આવ્યું કે, જ્યારે તું નાગી ઉઘાડી તારા પોતાના લોહીમાં આળોટતી હતી.” 23-24 પ્રભુ પરમેશ્વર કહે છે: “તને ધિક્કાર છે! તારી કેવી દુર્દશા થશે! એ તારી બધી દુષ્ટતા પછી પણ તેં તારે માટે ચોતરો બંધાવ્યો છે, પ્રત્યેક જાહેર ચોકમાં મૂર્તિપૂજાનાં સ્થાનકો ઊભાં કર્યાં છે. 25 તેં દરેક શેરીને નાકે ઊંચા ઓટલા બનાવ્યા છે. ત્યાં થઈને પસાર થતા પ્રત્યેક રાહદારી આગળ તારો દેહ ધરીને તેં તારું સૌંદર્ય રગદોળાવા દીધું છે. 26 વળી, તેં તારા કામાંગી પડોશી ઇજિપ્તીઓ સાથે પણ વ્યભિચાર કર્યો છે. એમ તેં તારાં વ્યભિચારી કામો ચાલુ રાખીને મને રોષ ચડાવ્યો છે. 27 તેથી મેં તારા પર મારો હાથ ઉગામ્યો છે અને તારી ખોરાકીનો નિયત હિસ્સો ઘટાડી દીધો છે. મેં તને તારા શત્રુ એટલે પલિસ્તી કન્યાઓના હાથમાં સોંપી દીધી હતી. તેઓ પણ તારા લંપટ આચરણથી શરમાઇ ગઇ છે. 28 તેં આશ્શૂરીઓ સાથે પણ વ્યભિચાર કર્યો છે, કારણ, તું તૃપ્ત થાય તેવી નહોતી. તેમની સાથે વ્યભિચાર કર્યા છતાં તને સંતોષ થયો નથી. 29 તેં વેપારીઓના દેશ બેબિલોનના રહેવાસીઓ સાથે પણ વ્યભિચાર કર્યો, છતાં તું ધરાઇ નહિ.” 30 પ્રભુ પરમેશ્વર કહે છે કે, “તું કેવી કામાતુર મનની છે. એક નિર્લજ્જ વેશ્યાની જેમ તેં આ બધું કર્યું છે. 31 તેં પ્રત્યેક જાહેર ચોકમાં મૂર્તિપૂજાનાં સ્થાનકો ઊભાં કર્યાં છે અને દરેક શેરીને નાકે ઊંચા ઓટલા બંધાવ્યા છે. છતાં તું બીજી વેશ્યાઓ જેવી તો નહોતી, કારણ, તને વેતન લેવા પ્રત્યે નફરત હતી. 32 તું વ્યભિચારી પત્ની જેવી છે, જે પોતાના પતિને બદલે પરાયા પુરુષોને અપનાવવાનું પસંદ કરે છે. 33 પુરુષો વેશ્યાને બક્ષિસો આપે છે, પણ તું તો તારા બધા આશકોને બક્ષિસો આપે છે અને તેઓ ચારે તરફથી તારી સાથે વ્યભિચાર કરવા આવે તે માટે તું તેમને લાંચ આપે છે. 34 તારી વેશ્યાવૃત્તિની બાબતમાં તો તું બીજી સ્ત્રીઓ કરતાં જુદી પડે છે. કોઇ તારી સાથે વ્યભિચાર કરવા પાછળ પડતો નથી; તું તેમને તે માટે વેતન આપે છે, નહિ કે તને કોઇ વેતન આપે છે. આમ, તું સાવ વિચિત્ર છે.” યરુશાલેમ વિષે ઈશ્વરનો ન્યાયચુકાદો 35 એ માટે, હે વેશ્યા, પ્રભુ પરમેશ્વરની વાણી સંભાળ; 36 પ્રભુ પરમેશ્વર આમ કહે છે: “તેં તારા આશકો સાથેની તારી વેશ્યાગીરીમાં તારી આબરૂ લૂંટાવી છે અને તારી લાજ ઉઘાડી પાડી છે તેને લીધે અને તારાં ઘૃણાસ્પદ કૃત્યોની સર્વ મૂર્તિઓને લીધે અને એ મૂર્તિઓને અર્પણ કરેલાં તારા સંતાનોના લોહીને લીધે હું આમ કરીશ. 37 તને ગમતા કે નહિ ગમતા એવા તારી સાથે રંગરાગ માણનારા તારા સર્વ આશકોને હું એકઠા કરીશ. તેમને હું ચારે તરફથી લાવીને તારી સામે ભેગા કરીશ અને તેઓ તારી પૂરેપૂરી નગ્નતા જુએ તે માટે હું તેમની આગળ તારી આબરૂ ઉઘાડી પાડીશ. 38 હું તને વ્યભિચારી અને ખૂની સ્ત્રીઓને કરવાપાત્ર સજા ફટકારીશ અને મારા આવેશમાં રોષે ભરાઇને તને મૃત્યુદંડ ફરમાવીશ. 39 હું તને તેમના હાથમાં સોંપી દઇશ અને તેઓ તારી મૂર્તિપૂજાનાં સ્થાનકો અને વ્યભિચારના ચોતરા તોડી પાડશે. તેઓ તારાં વસ્ત્રો ઉતારી લેશે, તારા અલંકારો લઇ લેશે અને તને સાવ નાગી ઉઘાડી છોડી દેશે. 40 તેઓ તારી સામે ટોળાબંધ આવશે, તારા પર પથ્થરમારો કરશે અને પોતાની તલવારોથી તારા ટુકડેટુકડા કરી નાખશે. 41 તેઓ તારાં મકાનો સળગાવી મૂકશે અને સ્ત્રીઓનાં ટોળાનાં દેખતાં તને શિક્ષા કરશે. હું તારી વેશ્યાવૃત્તિ બંધ કરાવીશ અને તારા આશકોને બક્ષિસો અપાવવાનું પણ અટકાવી દઇશ. 42 ત્યારે જ તારી પરનો મારો રોષ સમી જશે અને મારો આવેશ ઊતરી જશે; પછી મને શાંતિ વળશે, અને હું ફરી ક્રોધે ભરાઇશ નહિ. 43 તારા બાળપણમાં મેં તારી સાથે કરેલો વર્તાવ તું વીસરી ગઇ છે અને તારાં કૃત્યોથી મને રોષ ચડાવ્યો છે. તેથી હું પણ તને તારાં કૃત્યોનો બદલો આપીશ. તેં તો તારા સર્વ ધિક્કારપાત્ર કૃત્યો ઉપરાંત આ લંપટતા પણ આચરી છે. હું પ્રભુ પરમેશ્વર આ કહું છું.” જેવી મા તેવી દીકરી 44 વળી, પ્રભુએ કહ્યું, “હે યરુશાલેમ, કહેવતો ટાંકનારા તારા માટે આ કહેવત ટાંકશે: ‘જેવી મા તેવી દીકરી.’ 45 તું તારી માની સાચી દીકરી છે. તે તેના પતિને અને સંતાનોને ધિક્કારતી હતી. તું તારી બહેનોના જેવી જ છે. તેઓ પણ તેમના પતિઓને અને તેમનાં સંતાનો પ્રત્યે ઘૃણા રાખતી હતી. તમારી મા હિત્તી હતી અને તમારો પિતા અમોરી હતો. 46 તારી ઉત્તર તરફ પોતાની પુત્રીઓ સાથે રહેનારી સમરૂન તારી મોટી બહેન છે. સદોમ તારી નાની બહેન છે. 47 તેમને માર્ગે ચાલીને તેમનાં ધિક્કારપાત્ર કૃત્યોનું અનુસરણ કરવાનું તું ચૂકી નથી. બલ્કે, થોડા જ સમયમાં તું તારાં સર્વ આચરણમાં તેમના કરતાં પણ વધુ ભ્રષ્ટ બની. 48 હું પ્રભુ પરમેશ્વર મારા પોતાના સમ ખાઇને કહું છું કે, તારી બહેન સદોમ અને તેની પુત્રીઓએ તારી અને તારી પુત્રીઓ જેટલી અધમતા આચરી નથી. 49 તારી બહેન સદોમનો અપરાધ આ હતો: તે અને તેની પુત્રીઓ અતિશય ખાનપાન અને સુખચેનને લીધે સાવ ઉદ્ધત અને બેફિકર બની ગઇ હતી. તેઓ ગરીબો અને પીડિતોને મદદ કરતી નહોતી. 50 તેઓ મદોન્મત બની ગઇ હતી અને મારી દષ્ટિમાં ધિક્કારપાત્ર કૃત્યો કરતી હતી. તેથી મેં તેમનો વિનાશ કર્યો, એ તું જાણે છે. 51 તેં જેટલાં પાપો કર્યા છે, તેનાથી અર્ધાં પાપ પણ સમરૂને કર્યાં નહોતાં. તેં તો તારી બહેનો કરતાં એટલાં અધિક ઘૃણાસ્પદ કૃત્યો કર્યાં છે કે તારી સરખામણીમાં તેઓ વધુ સારી લાગે. 52 તારે તો તારાં કૃત્યો માટે લજ્જિત થવું જોઈએ. તારી બહેનોનાં પાપની સરખામણીમાં તારાં પાપ એટલાં અધમ છે કે તેઓ નિર્દોષ લાગે. તું તારી બહેનોને પણ બિનગુનેગાર ઠરાવે તેવી છે. તેથી તારે લજવાવું પડશે અને ફજેત થવું પડશે.” 53 વળી પ્રભુ યરુશાલેમને કહે છે: “હું સદોમ અને તેની પુત્રીઓને, સમરૂન અને તેની પુત્રીઓને ફરીથી આબાદ કરીશ અને સાથોસાથ તને પણ ફરી આબાદ કરીશ. 54 તારે તારી જાતથી શરમાવું પડશે. તેં જે કંઈ કર્યું છે તેથી તારે ફજેત થવું પડશે, અને તે જોઈને તારી બહેનોને દિલાસો મળશે. 55 તારી બહેન સદોમ અને તેની પુત્રીઓ, તારી બહેન સમરૂન અને તેની પુત્રીઓ પહેલાંના જેવી સમૃધ થઇ જશે અને તું તથા તારી પુત્રીઓ પણ અગાઉની આબાદી પ્રાપ્ત કરશો. 56 તારી દુષ્ટતા ખુલ્લી પડી ગઇ તે પહેલાં તારી મગરુરીના સમયમાં તારી બહેન સદોમનું નામ પણ તારા મુખમાં મજાકરૂપ હતું. 57 આજે તો અદોમની પુત્રીઓ અને તેની પડોશની પલિસ્તીઓની પુત્રીઓ તારી હાંસી ઉડાવે છે અને તારી આસપાસના સર્વ લોકો તને ધિક્કારે છે. 58 તારે તો તારી લંપટતા અને તારાં સર્વ ઘૃણાસ્પદ કૃત્યોનાં ફળ ભોગવવાં પડશે. હું પ્રભુ પરમેશ્વર એ કહું છું.” સદા ટકે તેવો કરાર 59 પ્રભુ પરમેશ્વર કહે છે: “હું તારી સાથે તારાં કૃત્યોને છાજે એવો વ્યવહાર રાખીશ. કારણ, તેં કરાર તોડયો છે અને તેં તારી પ્રતિજ્ઞાઓનો અનાદર કર્યો છે. 60 તથાપિ તારી યુવાનીના સમયમાં મેં તારી સાથે કરેલો કરાર હું યાદ રાખીશ અને તારી સાથે શાશ્વત ટકે તેવો કરાર કરીશ. 61 ત્યારે તને તારાં આચરણ યાદ આવશે અને જ્યારે તું તારી મોટી અને નાની બહેનને પાછી અપનાવીશ ત્યારે તું શરમાશે. તારી સાથે કરેલા કરારનો ભાગ ન હોવા છતાં હું તારી બહેનોને તારી પુત્રીઓના રૂપમાં તને પાછી મેળવી આપીશ. 62 હું તારી સાથે નવેસરથી કરાર કરીશ અને ત્યારે તું જાણશે કે હું પ્રભુ છું. 63 હું તારા સર્વ દુરાચારની તને ક્ષમા આપીશ ત્યારે તને તે બધાં યાદ આવશે અને શરમને કારણે તારું મોં પણ ઉઘાડી શકશે નહિ. હું પ્રભુ પરમેશ્વર એ કહું છું.” |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide