Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

હઝકિયેલ 14 - પવિત્ર બાઇબલ C.L.


ઈશ્વર મૂર્તિપૂજાને વખોડે છે

1 ઇઝરાયલના કેટલાક આગેવાનો મારી પાસે આવ્યા અને મારી આગળ બેઠા.

2 ત્યારે પ્રભુનો સંદેશ મને મળ્યો:

3 “હે મનુષ્યપુત્ર, આ માણસોનાં મન તેમની મૂર્તિઓમાં પરોવાયેલાં છે. તેમને પાપમાં પાડનાર એ ઠોકરરૂપ પથરાઓનું તેઓ ધ્યાન ધરે છે. તો પછી શા માટે મારે તેમની પૂછપરછનો કોઈ પ્રત્યુત્તર આપવો?

4 તેથી તું તેમની સાથે વાત કરીને કહે કે પ્રભુ પરમેશ્વર આમ કહે છે: જો કોઇ ઇઝરાયલી પોતાનું મન મૂર્તિઓમાં પરોવે અને પાપમાં પાડનાર એ ઠોકરરૂપ પથરાઓનું ધ્યાન ધરે અને પછી કોઈ સંદેશવાહક પાસે જાય તો હું પોતે તેને તેની સંખ્યાબંધ મૂર્તિઓના પ્રમાણમાં ઉત્તર આપીશ.

5 જે ઇઝરાયલીઓ પોતાની મૂર્તિઓને લીધે મારાથી વિમુખ થયા છે તેમનાં હૃદયોને પુન: જીતી લેવા હું ઉત્તર આપીશ.

6 આથી તું ઇઝરાયલી લોકને કહે કે પ્રભુ પરમેશ્વર આમ કહે છે: તમારા પાપથી પાછા ફરો, તમારી ઘૃણિત મૂર્તિઓનો ત્યાગ કરો અને તમારાં ધિક્કારપાત્ર કૃત્યોથી વિમુખ થાઓ.

7 જ્યારે કોઈ ઇઝરાયલી અથવા ઇઝરાયલમાં રહેનાર કોઈ પરદેશી મારાથી વિમુખ થઈને પોતાનું મન મૂર્તિઓમાં પરોવે અને પોતાને પાપમાં પાડનાર એ ઠોકરરૂપ પથરાઓનું ધ્યાન ધરે અને પછી કોઈ સંદેશવાહક પાસે પૂછપરછ કરવા જાય તો હું પ્રભુ જાતે તેને ઉત્તર આપીશ.

8 હું તેની વિરુદ્ધ થઇ જઇશ અને બીજાઓને દાખલો બેસાડવા તેને કહેવતરૂપ બનાવી દઇશ અને હું તેને મારા લોકમાંથી કાઢી મૂકીશ, અને ત્યારે તમે જાણશો કે હું પ્રભુ છું.

9 જો કોઈ સંદેશવાહક ભોળવાઇને ખોટો ઉત્તર આપે તો માનવું કે મેં પ્રભુએ જ એ સંદેશવાહકને ભ્રમમાં પડવા દીધો છે અને હું મારા ઇઝરાયલી લોકોમાંથી તેનો નાશ કરીશ.

10 સંદેશવાહક પાસેથી સલાહ શોધનાર અને તે સંદેશવાહક બન્‍નેને તેમના ગુના માટે એક્સરખી સજા વેઠવી પડશે.

11 એ પછી ઇઝરાયલીઓ ફરી કદી મારાથી ભટકી જશે નહિ અને ફરી કદી પોતાનાં પાપો વડે પોતાને ભ્રષ્ટ કરશે નહિ. તેઓ મારી પ્રજા થશે અને હું તેમનો ઈશ્વર થઇશ એમ પ્રભુ પરમેશ્વર કહે છે.”


વ્યક્તિગત જવાબદારી નૂહ, દાનિયેલ અને યોબ

12 પ્રભુનો સંદેશ મને મળ્યો:

13 “હે મનુષ્યપુત્ર, જો કોઈ દેશ મારા પ્રત્યેની નિષ્ઠાનો ત્યાગ કરીને મારી વિરુદ્ધ પાપ કરે તો હું મારો હાથ ઉગામીને તેનો પુરવઠો કાપી નાખીશ, ત્યાં દુકાળ મોકલીશ અને ત્યાંના જન-જનાવરોનો નાશ કરીશ.

14 એ સમયે એ દેશમાં નૂહ, દાનિયેલ અને યોબ એ ત્રણ માણસો હોય તો પણ પોતાના સદાચરણથી ફક્ત પોતાની જ જિંદગી બચાવી શકશે. હું પ્રભુ પરમેશ્વર એ કહું છું.

15 અથવા હું એ દેશમાં હિંસક પશુઓને મોકલું કે તેઓ દેશને વસતીહીન અને વેરાન બનાવી દે અને હિંસક પશુઓને લીધે કોઈ માણસ તે દેશમાં થઇને મુસાફરી કરી શકે નહિ;

16 તો હું પ્રભુ પરમેશ્વર મારા પોતાના સમ ખાઈને કહું છું કે તે ત્રણ માણસો તે દેશમાં હોય તો તેઓ પોતાનાં પુત્રો કે પુત્રીઓને બચાવી શકશે નહિ. તેઓ ફક્ત પોતાની જિંદગી જ બચાવી શકશે; પણ તે દેશ તો ઉજ્જડ બની જશે.

17 અથવા હું તલવાર મોકલીને એ આખાયે દેશમાં યુદ્ધથી જનજનાવરનો સંહાર કરું,

18 અને નૂહ, દાનિયેલ અને યોબ તેમાં હોય તો પણ હું પ્રભુ પરમેશ્વર મારા પોતાના શપથ લઈને કહું છું કે તેઓ પોતાનાં પુત્રો કે પુત્રીઓને બચાવી શકશે નહિ. પોતાની નેકીથી તેઓ માત્ર પોતાની જ જિંદગી બચાવશે.

19 અથવા હું તે દેશમાં રોગચાળો મોકલું અને મારો રોષ તે પર ઠાલવીને તેનાં જનજનાવરનો સંહાર કરું,

20 તો હું પ્રભુ પરમેશ્વર મારા પોતાના શપથ લઈને કહું છું કે જો કે નૂહ, દાનિયેલ અને યોબ તેમાં હોય તો તેઓ પોતાનાં પુત્રો કે પુત્રીઓને બચાવી શકશે નહિ. પોતાની નેકીથી તેઓ માત્ર પોતાની જિંદગી બચાવશે.”

21 વળી, પ્રભુ પરમેશ્વર આમ કહે છે: “યરુશાલેમમાંથી જનજનાવરોનો નાશ કરવા માટે હું મારી ચારેય ભયંકર સજા એટલે યુદ્ધ, દુકાળ, હિંસક પશુઓ અને રોગચાળો યરુશાલેમ પર મોકલીશ.

22 તેમ છતાં તેઓમાંથી કોઈક બચી જાય અને પોતાનાં પુત્ર-પુત્રીઓને પણ બચાવી શકે અને એ બચી ગયેલાઓ તમારી પાસે આવે અને તમે તેમનાં વર્તન અને આચરણો જોશો ત્યારે યરુશાલેમને મેં કરેલી સજા કેવી વાજબી છે તે વિષે તમને ખાતરી થશે.

23 કારણ, તેમનાં વર્તન અને આચરણ પરથી તમને સમજાશે કે મેં તેમને વિના કારણ સજા કરી નથી. હું પ્રભુ પરમેશ્વર પોતે એ કહું છું.”

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan