હઝકિયેલ 13 - પવિત્ર બાઇબલ C.L.જૂઠા સંદેશવાહકો વિરુદ્ધ સંદેશ 1 વળી, પ્રભુનો સંદેશ મને મળ્યો: 2 “હે મનુષ્યપુત્ર, પોતાના મનની કલ્પના પ્રમાણે સંદેશ આપતા ઇઝરાયલના સંદેશવાહકો વિરુદ્ધ તું સંદેશ પ્રગટ કર. તું તેમને કહે કે તમે પ્રભુનો સંદેશ સાંભળો. 3 પ્રભુ પરમેશ્વર આમ કહે છે: કંઈ પણ સંદર્શન ન થયું હોવા છતાં પોતાના મનથી ઉપજાવી કાઢેલો સંદેશ કહેનારા એ સંદેશવાહકોની કેવી દુર્દશા થશે! 4 હે ઇઝરાયલ, તમારા સંદેશવાહકો ખંડિયોરોમાં ભૂંક્તા શિયાળ જેવા છે. 5 પ્રભુને દિવસે ઇઝરાયલીઓ યુદ્ધમાં ટકી શકે તે માટે કોટમાં પડેલાં ગાબડાં પૂરવા તે ત્યાં ગયા નથી. 6 તેમનાં સંદર્શનો આભાસી છે અને તેમની આગાહી જૂઠી છે. ‘પ્રભુ આમ કહે છે’ એવું કહીને તેઓ મારો સંદેશ પ્રગટ કરવાનો દાવો કરે છે, પણ મેં તેમને મોકલ્યા નથી. છતાં પોતાની વાણી સાચી પડે એવી અપેક્ષા તેઓ રાખે છે! 7 તમે જે દર્શનો જુઓ છો તે આભાસી છે અને જે આગાહીઓ કરો છો તે જૂઠી છે; કારણ, હું કંઈ બોલ્યો ન હોઉં ત્યારે પણ ‘પ્રભુ આમ કહે છે’ એવું તમે જણાવો છો.” 8 તેથી પ્રભુ પરમેશ્વર તેમને આમ કહે છે: “તમે જૂઠી વાતો કહો છો અને જૂઠાં દર્શનો જુઓ છો, તેથી હું પ્રભુ પરમેશ્વર તમારી વિરુદ્ધ છું. 9 હું જૂઠાં દર્શનો જોનાર અને જૂઠી આગાહીઓ કરનાર સંદેશવાહકોની વિરુદ્ધમાં પડયો છું. તેમને મારા લોકની સભામાં સ્થાન નહિ હોય, ઇઝરાયલનાં કુળોની નામાવલિમાં તેમનાં નામ નહિ નોંધાય. તેઓ ઇઝરાયલ દેશમાં ફરી પાછા પ્રવેશ કરી શકશે નહિ અને ત્યારે તમે જાણશો કે હું પ્રભુ પરમેશ્વર છું. 10 “સહીસલામતી જેવું કંઈ ન હોવા છતાં બધું સહીસલામત છે એમ કહીને તેઓ મારા લોકોને ભમાવે છે. મારા લોકો તકલાદી ભીંત બાંધે છે ત્યારે આ સંદેશવાહકો તેના ઉપર ચૂનાના લપેડા કરે છે. 11 તું એ લપેડા કરનારાઓને કહે કે, એ ભીંત તો પડી જશે. તેના પર મુશળધાર વરસાદ વરસશે, કરા પડશે અને વાવાઝોડું ફૂંકાશે. 12 ભીંત તૂટી પડશે અને સૌ કોઈ તમને પૂછશે, ‘તમે કરેલા ચૂનાના લપેડા ક્યાં ગયા?” 13 તેથી પ્રભુ પરમેશ્વર આમ કહે છે: “હું ક્રોધે ભરાઇને વાવાઝોડું, ધોધમાર વરસાદ અને કરા મોકલીશ અને તે ભીંતને પાડી નાખીશ. 14 એમ તમે જે ભીંત પર ચૂનાના લપેડા કર્યા છે તેને હું પાડી નાખીશ; તેને હું એવી તો જમીનદોસ્ત કરીશ કે તેનો પાયો ઉઘાડો થઇ જશે. એ ભીંત તૂટી પડશે ત્યારે તમે બધાં તેની નીચે નાશ પામશો, અને ત્યારે તમે જાણશો કે હું પ્રભુ છું. 15 એ રીતે ભીંત અને તેના પર ચૂનાના લપેડા કરનારા ઉપર હું મારો કોપ ઉતારીશ. હું તમને કહીશ, ‘ભીંત નષ્ટ થઇ તેમ જ તેના પર ચૂનાનો લપેડો કરનારાનો પણ નાશ થયો છે. 16 ઇઝરાયલના જે સંદેશવાહકો કંઈ સહીસલામત ન હોવા છતાં બધું સહીસલામત છે તેવી આગાહી ખાતરીપૂર્વક ઉચ્ચારતા હતા તે નષ્ટ થયા.’ આમ યરુશાલેમ વિશે આગાહી કરનાર સંદેશવાહકો એટલે સહીસલામતી ન હોવા છતાં સહીસલામતીનાં સંદર્શનો જોનારાઓ નષ્ટ થશે એવું પ્રભુ પરમેશ્વર કહે છે.” જૂઠી સંદેશવાહિકાઓ વિરુદ્ધ ચેતવણી 17 “હે મનુષ્યપુત્ર, તારા લોકમાં કપોળકલ્પિત આગાહી કરનાર સંદેશવાહિકાઓને ઉદ્દેશીને તેમની વિરુદ્ધ સંદેશ કહે. 18 તેમને કહે કે પ્રભુ પરમેશ્વર આમ કહે છે: હે સ્ત્રીઓ, તમારું આવી બન્યું છે! તમે માણસોનાં કાંડાએ તાવીજો બાંધો છો અને વિવિધ કદના માણસોના માથે બાંધવાના જાદુઈ રુમાલ બનાવો છો, અને એમ તમે તેમનો શિકાર કરો છો! તમે તમારા લાભમાં મારા લોકના જીવના ભોગે તમારા જીવ બચાવો છો? 19 તમારાં જૂઠાણાને માની લેનાર મારા લોકો આગળ જૂઠું બોલીને તમે મૂઠી જવ અને ટુકડો રોટલાને માટે જેઓ મરવાને પાત્ર નથી એવાને તમે મારી નાખો છો અને જેઓ જીવવાને પાત્ર નથી એવાને તમે જીવતા રાખો છો અને એમ કરીને મારા લોકમાં તમે મને અપમાનિત કર્યો છે.” 20 તેથી પ્રભુ પરમેશ્વર આમ કહે છે: “તમે માણસોને પક્ષીઓની જેમ વશ કરવા જે તાવીજો વાપરો છો, તેની હું વિરુદ્ધ છું. હું એ તાવીજોને તમારા હાથ પરથી તોડી નાખીશ અને જેમનો તમે પક્ષીઓની જેમ શિકાર કર્યો છે તેમને હું મુક્ત કરીશ. 21 હું તમારા રુમાલોને ફાડી નાખીશ અને મારા લોકોને તમારા અંકુશમાંથી છોડાવીશ અને તેઓ હવે પછી તમારા ફાંદામાં ફસાશે નહિ અને ત્યારે તમે જાણશો કે હું પ્રભુ છું. 22 જે લોકોને હું દુ:ખી કરવા માંગતો નથી એવા નેક માણસોનાં મન તમે તમારાં જૂઠાણાથી દુભાવ્યાં છે. દુષ્ટો પોતાના દુરાચરણથી પાછા ફરીને બચી ન જાય તે માટે તમે તેમના દુરાચારને પ્રોત્સાહન આપો છો. 23 તેથી હવે તમારાં જૂઠાં સંદર્શનો અને તમારી જૂઠી આગાહીઓનો અંત આવ્યો છે. હું મારા લોકોને તમારા અંકુશમાંથી છોડાવીશ, ત્યારે તમે જાણશો કે હું પ્રભુ છું.” |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide