હઝકિયેલ 12 - પવિત્ર બાઇબલ C.L.હઝકિયેલે કરેલો દેશવટાનો અભિનય 1 વળી, પ્રભુનો સંદેશ મને મળ્યો: 2 “હે મનુષ્યપુત્ર, તું એવા બંડખોર લોકો મધ્યે વસે છે, કે જેઓ જોવાને આંખો હોવા છતાં જોતા નથી, ને સાંભળવાને કાન હોવા છતાં સાંભળતા નથી. એ તો વિદ્રોહી પ્રજા છે. 3 તેથી હે મનુષ્યપુત્ર, દેશનિકાલ થનાર માણસની જેમ તારો સરસામાન તૈયાર કર અને તેમના દેખતાં ધોળે દિવસે બીજે સ્થળે જવા ચાલી નીકળ. આમ તો તેઓ બંડખોર તો છે, છતાં કદાચ તેઓ સમજે. 4 તું દિવસે તેમનાં દેખતાં દેશવટે જવા માટેનો તારો સામાન બહાર કાઢ. સાંજે તેમનાં દેખતાં જેમ દેશનિકાલ થયેલાઓ ચાલી નીકળે છે તેમ ઘરમાંથી ચાલી નીકળ. 5 તેમના દેખતાં જ તું દીવાલમાં બાકોરું પાડ અને તેમાં થઇને તારો સામાન બહાર લઇ જા. 6 તેમનાં દેખતાં જ તારે તે સામાન ખભે ઊંચકીને રાતના અંધારામાં બહાર લઇ જવો. તારું મુખ ઢાંકી દેજે; જેથી તું દેશ જોઇ શકે નહિ, કારણ, મેં તને ઇઝરાયલીઓ માટે સંકેત તરીકે ઠરાવ્યો છે.” 7 તેથી મને મળેલી આજ્ઞા પ્રમાણે મેં કર્યું. જાણે દેશવટે જવાનો હોઉં એમ મેં મારો સરસામાન દિવસે તૈયાર કર્યો, અંધારું થયું ત્યારે મારે હાથે દીવાલમાં બાકોરું પાડયું, ને તેમની નજર સામે સામાન ખભે ચડાવીને ચાલી નીકળ્યો. 8 સવારમાં પ્રભુનો સંદેશ મને મળ્યો. 9 “હે મનુષ્યપુત્ર, શું એ બંડખોર ઇઝરાયલીઓએ તને એમ ન પૂછયું કે, ‘તું શું કરે છે?’ 10 તું તેમને કહે કે પ્રભુ પરમેશ્વર આમ કહે છે, ‘આ સંદેશ યરુશાલેમના રાજવી માટે અને ત્યાં વસવાટ કરતા બધા ઇઝરાયલીઓ માટે છે.’ 11 તું તેમને કહે કે મેં હઝકિયેલે, જે અભિનય કર્યો તે તમારે માટે ભવિષ્યમાં શું બનવાનું છે તેનો સંકેત છે. તમારે દેશનિકાલ થઇ જવું પડશે. 12 તમારો રાજવી અંધારામાં પોતાના ખભે પોતાનો સરસામાન ઉપાડીને ચાલી નીકળશે અને તેને માટે લોકોએ કોટમાં પાડેલા બાકોરામાંથી તે બહાર નાસી છૂટશે. પોતે દેશ જોઈ ન શકે તે માટે તે પોતાનું મોં ઢાંકશે. 13 પણ હું તેના પર મારી જાળ ફેલાવીશ અને તેને મારા પાશમાં સપડાવીશ. હું તેને ખાલદી લોકોના દેશના બેબિલોન નગરમાં લાવીશ; જ્યાં તે નગર જોયા વિના જ મૃત્યુ પામશે. 14 હું તેના રાજદરબારીઓ, તેના સહાયકો અને તેના સર્વ સૈન્યને ચારે દિશામાં વિખેરી નાખીશ અને ખુલ્લી તલવારે તેમનો પીછો કરીશ. 15 હું તેમને અન્ય પ્રજાઓમાં અને દેશદેશમાં વેરવિખેર કરી નાખીશ ત્યારે તેઓ જાણશે કે હું પ્રભુ છું. 16 પરંતુ હું તેઓમાંથી થોડાકને તલવાર, દુકાળ ને રોગચાળામાંથી બચાવી લઇશ; જેથી જે પ્રજાઓમાં જઇને વસવાટ કરે ત્યાં તેઓ પોતાનાં ધિક્કારપાત્ર કૃત્યો કબૂલ કરે અને ત્યારે તેઓ જાણશે કે હું પ્રભુ છું. ધ્રૂજતા સંદેશવાહકનું ચિહ્ન 17 વળી, પ્રભુનો સંદેશ મને મળ્યો. 18 “હે મનુષ્યપુત્ર, તારે ધ્રૂજતાં ધ્રૂજતાં ખોરાક ખાવો અને પાણી પીતાં પીતાં ભયથી કાંપવું. 19 આ દેશના બધા લોકોને કહે કે, ઇઝરાયલ દેશમાં વસતા યરુશાલેમના સર્વ લોકો વિષે પ્રભુ પરમેશ્વર આમ કહે છે: તેઓ બીતાં બીતાં ખોરાક ખાશે અને કંપતાં કંપતાં પાણી પીશે. દેશના રહેવાસીઓના અત્યાચારને લીધે તેમનો નાશ કરાશે અને દેશને ઉજ્જડ કરવામાં આવશે. 20 વસ્તીવાળાં નગરો ઉજ્જડ બનાવી દેવાશે અને આખો દેશ વેરાન બની જશે. ત્યારે તેઓ જાણશે કે હું પ્રભુ છું.” સંદર્શન સચોટ છે 21 વળી, પ્રભુનો સંદેશ મને મળ્યો: 22 “હે મનુષ્યપુત્ર, ઇઝરાયલી લોકોમાં આ કહેવત ચાલે છે: ‘સમય તો વીતી જાય છે અને એકેય સંદર્શન સાચું પડતું નથી!” 23 તેમને કહે કે પ્રભુ પરમેશ્વર આમ કહે છે: હું એ કહેવતનો અંત આણી દઇશ, અને તેઓ ઇઝરાયલમાં એ ફરી કદી દોહરાવશે નહિ. તેને બદલે તું તેમને કહે, “સમય આવી પહોંચ્યો છે અને પ્રત્યેક સંદર્શન પરિપૂર્ણ થશે! 24 હવેથી ઇઝરાયલી લોકોમાં વ્યર્થ સંદર્શનો નહિ થાય કે તેમને ગેરમાર્ગે દોરે તેવા જોશ જોવાશે નહિ. 25 પરંતુ હું પ્રભુ પરમેશ્વર જે કહેવાનું હશે તે કહીશ, અને હું જે સંદેશ આપીશ તે વિના વિલંબે ફળીભૂત થશે. ઓ બંડખોર લોકો, પ્રભુ પરમેશ્વર કહે છે કે હું જે કહીશ તે તમારા પોતાના જીવનકાળ દરમિયાન પૂરું કરી બતાવીશ.” 26 વળી, પ્રભુનો સંદેશ મને મળ્યો, 27 “હે મનુષ્યપુત્ર, ઇઝરાયલીઓ કહે છે કે, ‘જે સંદર્શન તેં જોયું છે અને તેનો જે સંદેશ તું પ્રગટ કરે છે તે તો ઘણા દૂરના ભાવિને માટે છે.’ 28 તેથી તેમને કહે કે પ્રભુ પરમેશ્વર, આમ કહે છે: મારો એકપણ સંદેશ પૂર્ણ થવામાં વિલંબ થશે નહિ. હું કહું તે પ્રમાણે નિ:સંદેહ થશે જ. હું પ્રભુ પરમેશ્વર પોતે એ કહું છું.” |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide