હઝકિયેલ 11 - પવિત્ર બાઇબલ C.L.યરુશાલેમના આગેવાનો પર ન્યાયશાસન 1 પછી ઈશ્વરનો આત્મા મને ઊંચકીને પ્રભુના મંદિરના પૂર્વમુખી દરવાજે લઇ આવ્યો. એ દરવાજા પાસે પચીસ માણસો હતા. તેઓમાં મેં લોકોના બે આગેવાનો એટલે આઝઝુરના પુત્ર યાઝાન્યાને તથા બનાયાના પુત્ર પલાટયાને જોયા. 2 પ્રભુએ મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, દુષ્ટ કાવાદાવા કરનાર અને નગરમાં દુષ્ટ સલાહ આપનાર આ જ માણસો છે. 3 તેઓ કહે છે, ‘હાલ તો કંઈ મકાનો બાંધવાનો સમય નથી. આ નગર તો કઢાઇ છે, અને આપણે માંસ છીએ. પણ એ આપણને સુરક્ષિત રાખે છે.’ 4 તેથી હે મનુષ્યપુત્ર, તું તેમની વિરુદ્ધ સંદેશ પ્રગટ કર.” 5 પછી પ્રભુનો આત્મા મારા પર ઊતરી આવ્યો અને તેમણે મને આ પ્રમાણે કહેવાનું કહ્યું, “પ્રભુ આ પ્રમાણે કહે છે: હે ઇઝરાયલીઓ, તમે એવું બોલો તો છો પણ તમારા મનમાં શા વિચારો ચાલે છે એ હું જાણું છું. 6 તમે આ નગરમાં ઘણા લોકોની હત્યા કરી છે અને તેમનાં મડદાંથી શેરીઓ ભરાઇ ગઇ છે. 7 “તેથી હું પ્રભુ પરમેશ્વર કહું છું કે આ નગર ખરેખર કઢાઇ છે અને તમે જે લોકોની હત્યા કરી છે તેઓ માંસ છે; પણ તમને તો હું નગરની બહાર હાંકી કાઢીશ. 8 તમે યુદ્ધથી ગભરાઓ છો પણ તમારી વિરુદ્ધ હું તલવાર જ લાવીશ. 9 “હું તમને શહેરમાંથી હાંકી કાઢીશ અને તમને પરદેશીઓના હાથમાં સોંપી દઇશ. વળી, હું તમને આકરી સજા કરીશ. 10 તમે તમારા ઇઝરાયલ દેશની હદમાં જ તલવારનો ભોગ થઇ પડશો. હું તમને એ રીતે સજા કરીશ ત્યારે તમને સૌને ખબર પડશે કે હું પ્રભુ છું. 11 આ નગર તમારે માટે કઢાઇરૂપ થનાર નથી અને તમે તેમાંના માંસરૂપ થનાર નથી, પણ હું ઇઝરાયલ દેશની હદમાં તમને સજા કરીશ. 12 ત્યારે તમે જાણશો કે હું પ્રભુ છું: કારણ, તમે મારા કરારનો ભંગ કર્યો છે, અને મારા નિયમોનો અમલ કર્યો નથી, પણ તમે તો તમારી આસપાસની પ્રજાઓના રીતરિવાજોને અપનાવ્યા છે.” 13 હું સંદેશ પ્રગટ કરી રહ્યો હતો તે જ વખતે બનાયાનો પુત્ર પલાટયા મરણ પામ્યો. મેં ભૂમિ પર શિર ટેકવીને નમન કરતાં મોટે સાદે બૂમ પાડીને કહ્યું, “અરેરે, પ્રભુ પરમેશ્વર શું તમે ઇઝરાયલના બચી ગયેલાઓનો પૂરેપૂરો વિનાશ કરશો?” દેશનિકાલ કરાયેલાઓને નવા કરારની આશા 14 પ્રભુનો સંદેશ મને મળ્યો, 15 “હે મનુષ્યપુત્ર, યરુશાલેમમાં અત્યારે રહેનારા લોકો તારા સર્વ જાતભાઇઓ વિષે અને દેશનિકાલ થયેલા તારા સર્વ સાથી ઇઝરાયલીઓ વિશે એમ કહે છે કે, ‘તમે તો પ્રભુથી બહુ દૂર કાઢી મૂક્યા છો. આ દેશ તો હવે અમને જ અમારી મિલક્ત તરીકે આપી દેવામાં આવ્યો છે.’ 16 તેથી તું એમને કહે કે, પ્રભુ પરમેશ્વર આમ કહે છે: જો કે મેં તેમને દૂરદૂરની પ્રજાઓમાં મોકલી દીધા છે અને તેમને અન્ય દેશોમાં વિખેરી નાખ્યા છે, છતાં, જે દેશોમાં તેઓ ગયા છે ત્યાં હું હાલ પૂરતું તેમને માટે મંદિર બન્યો છું.” 17 તેથી તું તારા સાથી નિર્વાસિતોને કહે કે પ્રભુ પરમેશ્વર આમ કહે છે: હું તમને અન્ય પ્રજાઓમાંથી એકઠા કરીશ ને તમને વિખેરી નાખવામાં આવ્યા છે તે દેશોમાંથી એકત્ર કરીને તમને ઇઝરાયલ દેશ પાછો આપીશ. 18 જ્યારે તેઓ પાછા આવે ત્યારે તેઓ ઇઝરાયલ દેશમાંથી સર્વ ધિક્કારપાત્ર મૂર્તિઓ અને તેમને લગતા સર્વ તિરસ્કારપાત્ર કુરિવાજો દૂર કરશે. 19 હું તેમને એકનિષ્ઠ હૃદય અને નવો આત્મા આપીશ. હું તેમના દેહમાંથી પાષાણ જેવું જક્કી હૃદય દૂર કરીશ અને તેમને માંસનું એટલે આધીન હૃદય આપીશ. 20 જેથી તેઓ મારાં ફરમાનોનું પાલન કરશે અને નિષ્ઠાપૂર્વક મારા નિયમોને આધીન થઇ તેમનો અમલ કરશે. આમ, તેઓ મારી પ્રજા થશે ને હું તેમનો ઈશ્વર થઇશ. 21 પણ જેમનાં હૃદયો ઘૃણાસ્પદ મૂર્તિઓ અને ઘૃણાસ્પદ કુરિવાજો તરફ લાગેલાં છે, તેમણે તેમનાં સર્વ કૃત્યોનાં ફળ ભોગવવાં પડશે. હું પ્રભુ પરમેશ્વર એ બોલ્યો છું.” પ્રભુનું ગૌરવ યરુશાલેમમાંથી ચાલ્યું જાય છે 22 પછી કરુબોએ પોતાની પાંખો પ્રસારી. પૈડાં પણ તેમની સાથે ઊંચે ગયાં અને ઇઝરાયલના ઈશ્વરનું ગૌરવ તેમની ઉપર બિરાજેલું હતું. 23 પ્રભુનું ગૌરવ યરુશાલેમ નગરમાંથી ઊપડીને પૂર્વ બાજુએ આવેલાં પર્વત પર થંભ્યું. 24 પછી સંદર્શનમાં ઈશ્વરનો આત્મા મને ઊંચકીને બેબિલોનમાં દેશનિકાલ થયેલા પાસે લઇ ગયો. પછી ત્યાં એ સંદર્શન મારી પાસેથી લોપ થઇ ગયું. 25 પછી પ્રભુએ મને જે બાબતો બતાવી હતી તે બધી મેં દેશનિકાલ થયેલાઓને કહી સંભળાવી. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide