હઝકિયેલ 10 - પવિત્ર બાઇબલ C.L.પ્રભુનું ગૌરવ મંદિરનો ત્યાગ કરે છે 1 ત્યાર પછી મેં કરુબોના મસ્તક ઉપરના ઘૂમટ તરફ જોયું. ત્યાં નીલમણિના રાજ્યાસન જેવું કંઈક દેખાયું. 2 ઈશ્વરે અળસીરેસાનાં શ્વેત વસ્ત્ર પહેરેલા માણસને કહ્યું, “કરુબો નીચેનાં ફરતાં પૈડાંઓની વચમાં જા અને તેમાંથી ખોબો ભરીને સળગતા અંગારા લે અને તેમને નગર પર વેરી દે. મારા દેખતાં તે અંદર ગયો.” 3 એ માણસ અંદર પ્રવેશ્યો ત્યારે કરુબો મંદિરની દક્ષિણ દિશાએ ઊભા હતા, અને અંદરનો ચોક વાદળથી ભરાઇ ગયો. 4 ઈશ્વરનું ગૌરવ કરુબો પરથી ઊપડીને મંદિરનાં ઉંબરા પર ગયું; ત્યારે મંદિર વાદળથી ભરાઇ ગયું અને ચોકમાં પ્રભુના ગૌરવનો ઉજ્જવળ પ્રકાશ વ્યાપી ગયો. 5 કરુબોની પાંખોનો અવાજ બહારના ચોક સુધી સંભળાતો હતો. એ અવાજ સર્વશક્તિમાન ઈશ્વરના બોલવાના અવાજ જેવો લાગતો હતો. 6 જ્યારે પ્રભુએ અળસીરેસાનાં શ્વેત વસ્ત્રો પહેરેલા માણસને કરુબો નીચેનાં ફરતાં પૈડાં વચ્ચેથી અંગારા લેવાનું ફરમાવ્યું ત્યારે તે અંદર ગયો અને એક પૈડા પાસે ઊભો રહ્યો. 7 અને એક કરુબે કરુબો વચ્ચેના અગ્નિ તરફ હાથ લંબાવ્યો અને તેમાંથી થોડા અંગારા લઇને અળસીરેસાનાં શ્વેત વસ્ત્ર પહેરેલા માણસના ખોબામાં મૂક્યા. તે માણસ તે અંગારા લઇને બહાર નીકળ્યો. 8 મેં જોયું તો દરેક કરુબને તેની દરેક પાંખ નીચે માણસના હાથ જેવું કશુંક હતું. 9 મેં જોયું તો પ્રત્યેક કરુબને પડખે એક એમ ચારે કરુબોની પડખે ચાર પૈડાં હતાં અને પોખરાજના રત્નની જેમ ચમક્તાં હતાં. 10 દેખાવમાં તે ચારે પૈડાંનો ઘાટ એક્સરખો હતો અને એક પૈડું બીજામાં ક્ટખૂણે ગોઠવાયું હોય તેવું લાગતું હતું. 11 જ્યારે તેઓ ચાલતાં ત્યારે આમતેમ વળ્યા વિના ચારે દિશામાં જઇ શક્તાં. 12 તેઓ ચારે આડાઅવળાં વળ્યા વિના પોતે ઇચ્છે તે દિશામાં એક સાથે જઇ શક્તાં હતાં. તેમનું આખું શરીર, તેમની પીઠ, હાથ, પાંખો તેમ જ પૈડાં આંખોથી છવાયેલાં હતાં. 13 એ પૈડાંને મેં “ફરતાં પૈડાં” એ નામે બોલાવતાં સાંભળ્યાં. 14 પ્રત્યેક કરુબને ચાર મુખ હતાં. પહેલું મુખ કરુબનું, બીજું માણસનું, ત્રીજું સિંહનું, ને ચોથું ગરુડનું હતું. 15 કરુબો ઊડીને ઊંચે ચઢયા. આ જ પ્રાણીઓને મેં કબાર નદીને કાંઠે જોયાં હતાં. 16 જ્યારે કરુબો ચાલતાં ત્યારે તેમની પડખે આવેલાં પૈડાં પણ સાથે ચાલતાં, અને કરુબો જમીન પરથી ઊડવા પોતાની પાંખો પ્રસારતા ત્યારે પૈડાં તેમની પડખેથી ખસી જતાં નહિ. 17 કરુબો ઊભા રહેતા ત્યારે પૈડાં પણ ઊભાં રહેતાં, અને કરુબો ઊંચે ઊડતા ત્યારે પૈડાં પણ તેમની સાથે ઊંચે ઊડતાં, કારણ, એ પૈડાંમાં પણ કરુબોનો આત્મા હતો. 18 ત્યાર પછી પ્રભુનું તેજોમય ગૌરવ મંદિરના ઉંબરેથી ઊપડીને કરુબો પર થંભ્યું. 19 હું જોઇ રહ્યો હતો તેવામાં કરુબો પોતાની પાંખો પ્રસારીને જમીનથી ઊંચે ચઢયાં અને પૈડાં પણ તેમની સાથે જમીનથી ઊંચે ઊંચક્યા. તેઓ પ્રભુના મંદિરના પૂર્વ તરફના દરવાજાના પ્રવેશદ્વાર પાસે થંભ્યા અને તેમના ઉપર ઇઝરાયલના પ્રભુનું ગૌરવ બિરાજેલું હતું. 20 જે પ્રાણીઓ મેં કબાર નદીને કાંઠે ઇઝરાયલના ઈશ્વરના રાજ્યાસન નીચે નિહાળ્યાં હતાં તે આ જ હતાં અને તે કરુબો જ હતા તેની પણ મને ખબર પડી. 21 પ્રત્યેકને ચાર મુખ હતાં અને ચાર પાંખો હતી અને તેમની દરેક પાંખ નીચે મનુષ્યના હાથ જેવું કશુંક હતું. 22 તેમના મુખોનો ઘાટ તો દેખાવમાં નદી પાસે મેં જે મુખો જોયાં હતાં તેના જેવો જ હતો. પ્રત્યેક પ્રાણી સીધેસીધું આગળ ચાલતું હતું. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide