Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

હઝકિયેલ 1 - પવિત્ર બાઇબલ C.L.

1 ત્રીસમા વર્ષના ચોથા માસની પાંચમી તારીખે હું બેબિલોનની કબાર નદીને કાંઠે દેશનિકાલ થઇને આવેલા ઇઝરાયલીઓ સાથે રહેતો હતો. ત્યારે આકાશ ઊઘડી ગયું અને મને ઈશ્વરનું દર્શન દેખાયું.

2 એ તો યહોયાકીન રાજાના બંદીવાસના પાંચમા વર્ષમાં મહિનાની પાંચમી તારીખ હતી.

3 બેબિલોન દેશમાં કબાર નદીને કાંઠે બૂઝીના પુત્ર યજ્ઞકાર હઝકિયેલને પ્રભુનો સંદેશ મળ્યો અને પ્રભુના પરાક્રમી પ્રભાવે તેનો કબજો લીધો.

4 મેં જોયું તો ઉત્તરમાંથી આંધી અને વાવાઝોડું આવ્યાં અને એક મોટું વાદળું દેખાયું. જેમાં અગ્નિ ઝબૂક્તો હતો અને તેની આસપાસ ઝગમગાટ હતો. અગ્નિની મધ્યમાં ઝળહળતી ધાતુ જેવું દેખાતું હતું.

5 અને મેં જોયું તો અગ્નિની મધ્યમાં માનવ આકારનાં ચાર પ્રાણી દેખાયાં.

6 પ્રત્યેકને ચાર મુખ હતાં અને ચાર પાંખો હતી.

7 તેમના પગ સીધા હતા અને તેમના પગનાં તળિયાં વાછરડાની ખરી જેવાં હતાં અને તે ઓપેલા તાંબાની જેમ ચળક્તાં હતાં.

8 તેમની પાંખો નીચે ચાર મુખ અને ચાર પાંખોના અનુસંધાને ચારે બાજુએ માણસના હાથ જેવા ચાર હાથ હતા.

9 દરેક પ્રાણીની બબ્બે પાંખો પોતાની બાજુ પરના પ્રાણીની પાંખને અડતી હતી. ચાલતી વખતે તેઓ આડાંઅવળાં વળતાં નહિ. દરેક પ્રાણી સીધું આગળ વધતું હતું.

10 પ્રત્યેક પ્રાણીને ચાર જુદાં જુદાં મુખ હતાં. ચારેયને આગળના ભાગમાં માણસનું મુખ, જમણી બાજુએ સિંહનું મુખ, ડાબી બાજુએ આખલાનું મુખ અને પાછળની બાજુએ ગરુડનું મુખ હતું.

11 દરેક પ્રાણીની બે પાંખો ઉપરની બાજુએ ફેલાયેલી હતી અને તે પોતાની નજીકના પ્રાણીની પાંખને સ્પર્શતી હતી જ્યારે બાકીની બે પાંખો શરીરને ઢાંક્તી હતી.

12 દરેક પ્રાણીને ચારે દિશામાં મુખ હતાં. એટલે વળ્યા વિના આત્મા જ્યાં જવા ઇચ્છે તે તરફ તેઓ સીધેસીધાં જઈ શક્તાં હતાં.

13 એ જીવંત પ્રાણીઓની વચ્ચે ધગધગતા અંગારા કે ભભૂક્તી મશાલ જેવું કશુંક દેખાતું હતું. અગ્નિ ઝબૂક્તો હતો અને તેમાંથી વીજળીના ચમકારા થતા હતા.

14 એ પ્રાણીઓ વીજળીના ચમકારાની જેમ આગળ દોડતાં ને પાછાં આવતાં હતાં.

15 હું એ પ્રાણીઓને જોતો હતો તેવામાં ચારે પ્રાણીઓ પાસે તેમનાં ચાર મુખમાંનાં દરેક મુખ દીઠ એકેક પૈડું ભૂમિને સ્પર્શતું જોયું.

16 એ પૈડાંનો દેખાવ અને રચના આવાં હતાં: તેઓ પોખરાજ રત્નની જેમ ચમક્તાં હતાં: એ ચારે પૈડાં એક જ ઘાટનાં હતાં, અને એક પૈડાની વચ્ચે બીજું પૈડું ક્ટખૂણે ગોઠવ્યું હોય એવું લાગતું હતું.

17 આથી તેઓ પાછા ફર્યા વિના કોઈપણ દિશામાં જઈ શક્તાં હતાં.

18 પૈડાંની વાટો ઊંચી અને ભયજનક હતી અને વાટોને સર્વત્ર આંખો હતી.

19 પ્રાણીઓ ચાલતાં ત્યારે પૈડાં પણ તેમની સાથે ચાલતાં, પ્રાણીઓ ભૂમિ પરથી ઊંચે ચઢતાં ત્યારે પૈડાં પણ તેમની સાથે ઊંચે ચઢતાં.

20 જ્યાં આત્મા જવાનો હોય ત્યાં તે જતાં, અને પ્રાણીઓની સાથે પૈડાં પણ જતાં. કારણ, એ પ્રાણીઓનો આત્મા પૈડામાં પણ હતો.

21 જ્યારે પ્રાણીઓ ચાલતાં ત્યારે પૈડાં પણ ચાલતાં, જ્યારે પ્રાણીઓ થોભતાં ત્યારે પૈડાં પણ થોભતાં, જ્યારે પ્રાણીઓ ભૂમિ પરથી ઊંચે ચડતાં ત્યારે પૈડાં પણ તેમની સાથે ચડતાં; કારણ, એ પૈડાંમાં પણ પ્રાણીઓનો આત્મા હતો.

22 પ્રાણીઓનાં માથાં ઉપર ઊંચે જાણે સ્ફટિકનાં તેજ જેવો ચમક્તો ઘૂમટ પ્રસારેલો હતો.

23 પ્રાણીઓ એ ધૂમટ નીચે ઊભાં હતાં. પ્રત્યેક પ્રાણીએ પોતાની બે પાંખો પોતાની પાસેના પ્રાણીની પાંખને સ્પર્શે તેમ સીધી પ્રસારેલી હતી અને બાકીની બે પાંખો શરીરને ઢાંક્તી હતી.

24 તેઓ ઊડતાં હતાં ત્યારે તેમની પાંખોનો અવાજ મને સંભળાયો હતો. તે અવાજ સાગરની ગર્જના જેવો, વિશાળ સૈન્યના કોલાહલ જેવો અને સર્વસમર્થના સાદ જેવો હતો. તેઓ ઊડતાં ઊડતાં થોભતાં ત્યારે પોતાની પાંખો નીચે નમાવી દેતાં.

25 તેઓ અટકીને ઊભાં રહેતાં અને પાંખો સંકેલી લેતાં ત્યારે પણ તેમના માથા ઉપરના ઘૂમટમાંથી એક અવાજ આવ્યા કરતો.

26 એ ધૂમટની ઉપર નીલમમાંથી બનાવેલા રાજ્યાસન જેવું કંઈક હતું અને તેના ઉપર મનુષ્ય જેવા દેખાવની આકૃતિ બેઠી હતી.

27 મેં જોયું તો તેને કમર જેવું દેખાતું હતું. કમરની ઉપરનો ભાગ અગ્નિમાં ધગધગતા તાંબા જેવો દેખાતો હતો અને કમરની નીચેનો આખો ભાગ અગ્નિના જેવો ઝળહળતો હતો. તેની ચારે તરફ ઉજ્જવળ ઝળહળાટ પ્રસરેલો હતો.

28 એ ઝળહળાટમાં ચોમાસામાં દેખાતા મેઘધનુષ્યના સર્વ રંગો દેખાતા હતા. એ તો પ્રભુના ગૌરવના જેવો દેખાવ હતો. એ જોતાં જ હું નમી પડયો અને મને કોઈના બોલવાનો અવાજ સંભળાયો.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan