Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

નિર્ગમન 9 - પવિત્ર બાઇબલ C.L.


પાંચમી આફત: પશુઓમાં રોગચાળો

1 પછી પ્રભુએ મોશેને કહ્યું, “ફેરો પાસે જઈને તેને કહે, “હિબ્રૂઓના ઈશ્વર પ્રભુ આ પ્રમાણે કહે છે: મારા લોકોને મારી સેવાભક્તિ કરવા જવા દે.

2 જો તું તેમને જવા દેવાનો ઇનકાર કરશે અને તેમને હજી પણ રોકી રાખશે,

3 તો તારાં સઘળાં પશુઓ ઉપર, એટલે ઘોડા, ગધેડાં, ઊંટો, ગાયબળદો તથા ઘેટાંબકરાં ઉપર ભયંકર રોગચાળો લાવીને તમને આકરી સજા કરીશ.

4 હું ઇઝરાયલીઓ અને ઇજિપ્તીઓનાં ઢોરઢાંક વચ્ચે ભેદ રાખીશ, અને ઇઝરાયલીઓનું એક પણ ઢોર મરશે નહિ.

5 મેં પ્રભુએ એ સજા માટે આવતી કાલનો સમય નક્કી કર્યો છે.”

6 બીજે દિવસે પ્રભુએ તે પ્રમાણે કર્યું, અને ઇજિપ્તીઓનાં સર્વ ઢોર મરી ગયાં, પણ ઇઝરાયલીઓનું એક પણ ઢોર મર્યું નહિ.

7 ફેરોએ માણસ મોકલીને તપાસ કરાવી તો ઇઝરાયલીઓનાં ઢોરમાંથી એકપણ મર્યું નહોતું. છતાં ફેરોનું હૃદય હઠીલું રહ્યું અને તેણે લોકોને જવા દીધા નહિ.


છઠ્ઠી આફત: ગૂમડાં

8 પ્રભુએ મોશે તથા આરોનને કહ્યું, “તમે ભઠ્ઠીમાંથી મૂઠીઓ ભરીને રાખ લો અને મોશે તેને ફેરોના દેખતાં આકાશ તરફ ઉડાડે.

9 રાખ બારીક રજકણોરૂપે આખા ઇજિપ્તમાં ફેલાઈ જશે અને તેનાથી સમગ્ર ઇજિપ્તના માણસો અને ઢોરઢાંકને ગૂમડાં થશે અને તે ફૂટીને તેનાં ઘારાં બની જશે.”

10 તેથી તેમણે ભઠ્ઠીમાંથી રાખ લીધી અને ફેરો સમક્ષ જઈ ઊભા રહ્યા. પછી મોશેએ તે આકાશ તરફ ઉડાડી અને તેનાથી માણસોને તથા પશુઓને ગૂમડાં થયાં અને તે ફૂટીને તેનાં ઘારાં બન્યાં.

11 જાદુગરો મોશે આગળ ઊભા રહી શકાયા નહિ; કારણ, જાદુગરો તેમ જ સર્વ ઇજિપ્તીઓને ગૂમડાં ફૂટી નીકળ્યાં હતાં.

12 પણ પ્રભુએ ફેરોનું હૃદય હઠીલું કર્યું અને પ્રભુએ મોશેને કહ્યું હતું તે પ્રમાણે ફેરોએ તેમનું માન્યું નહિ.


સાતમી આફત: કરા

13 પછી પ્રભુએ મોશેને કહ્યું, “સવારે વહેલો ઊઠીને ફેરો સમક્ષ હાજર થા અને તેને કહે, ‘હિબ્રૂઓના ઈશ્વર પ્રભુ આમ કહે છે: મારા લોકોને મારી સેવાભક્તિ કરવા જવા દે.

14 નહિ તો આ વખતની મારી આફત હું માત્ર તારા અમલદારો અને તારી પ્રજા ઉપર જ નહિ, પણ તારા પોતા ઉપર પણ મોકલીશ; જેથી તું જાણે કે સમસ્ત પૃથ્વીમાં મારા જેવો કોઈ છે જ નહિ.

15 અત્યાર સુધીમાં તો મારો હાથ લંબાવીને હું તારી ઉપર અને તારી પ્રજા ઉપર એવો રોગચાળો લાવ્યો હોત કે પૃથ્વી પરથી તારો સદંતર નાશ થઈ જાત.

16 પણ હું તને મારું સામર્થ્ય બતાવી આપું અને એ દ્વારા આખી પૃથ્વી પર મારું નામ પ્રગટ થાય એ માટે મેં તને જીવતો રાખ્યો છે.

17 હજી પણ મારા લોકોની સામે પડીને તું તેમને જવા દેતો નથી.

18 તેથી આવતી કાલે આ જ સમયે હું એવા ભારે કરા વરસાવીશ કે ઇજિપ્તનું રાજ્ય સ્થપાયું ત્યારથી અત્યાર સુધી એવા કરા ક્યારેય પડયા ન હોય.

19 માટે હવે કોઈને મોકલીને તારાં ઢોર અને ખેતરમાં જે કંઈ તારું હોય તે સૌને તરત જ ઘેર બોલાવી લે. કારણ, માણસ કે ઢોર ખેતરમાં જે કોઈ રહી ગયું હશે તે પ્રત્યેક પર કરા પડશે અને તે માર્યું જશે.”

20 તેથી ફેરોના જે અમલદારો પ્રભુના સંદેશથી ભયભીત થયા તે સૌએ પોતાના નોકરોને અને ઢોરોને ઘેર બોલાવી લીધાં,

21 પણ જેમણે પ્રભુનો સંદેશ ગણકાર્યો નહિ તે સૌએ પોતાના નોકરોને અને ઢોરોને ખેતરમાં રહેવા દીધાં.

22 પ્રભુએ મોશેને કહ્યું, “તું તારો હાથ આકાશ તરફ ઊંચો કર કે જેથી સમગ્ર ઇજિપ્તમાં માણસો, ઢોર અને ખેતરમાંની સઘળી વનસ્પતિ પર કરા પડે.”

23 પછી મોશેએ પોતાની લાકડી આકાશ તરફ ઊંચી કરી એટલે પ્રભુએ કડાકા તથા કરા મોકલ્યા. જમીન પર વીજળી પડી.

24 પ્રભુ ઈજિપ્ત પર કરાનું ભારે તોફાન લાવ્યા. વીજળીના ચમકારા સાથે કરા પડયા. તે કરા એવા ભારે હતા કે ઇજિપ્તનું રાજ્ય સ્થપાયું ત્યારથી સમગ્ર દેશમાં એવા કરા ક્યારેય પડયા નહોતા.

25 આખા ઇજિપ્તમાં જે માણસો તથા પશુઓ ખેતરમાં હતા તે બધાં કરાથી માર્યા ગયા. કરાથી ખેતરમાંની બધી વનસ્પતિનો નાશ થયો તથા ખેતરમાંનાં બધાં વૃક્ષ ભાંગી ગયાં.

26 ફક્ત ઇઝરાયલીઓ જ્યાં રહેતા હતા તે ગોશેન પ્રાંતમાં જ કરા પડયા નહિ.

27 પછી ફેરોએ માણસ મોકલીને મોશે તથા આરોનને બોલાવ્યા અને તેમને કહ્યું, “આ વખતે મેં પાપ કર્યું છે. પ્રભુ તો ન્યાયી છે, વાંક તો મારો તથા મારા લોકોનો છે.

28 તમે હવે પ્રભુને વિનંતી કરો; કારણ, આ કરા અને કડાકાથી તો અમે ત્રાસી ગયા છીએ. હું તમને જવા દઈશ અને તમારે હવે અહીં વધારે વખત રહેવું નહિ પડે.”

29 મોશેએ તેને કહ્યું, “હું જેવો શહેરમાંથી બહાર જઈશ કે તરત જ પ્રભુ તરફ મારા હાથ ઊંચા કરીને વિનંતી કરીશ એટલે કડાકા બંધ થશે અને કરા પડતા અટકી જશે. એનાથી તમે જાણશો કે પૃથ્વી તો પ્રભુની છે.

30 પણ તમારા વિષે તથા તમારા અમલદારો વિષે તો હું જાણું છું કે તમે હજી અમારા ઈશ્વર પ્રભુથી ડરવાના નથી.”

31 કરાથી અળસી તથા જવ નાશ પામ્યાં, કારણ, જવને ડૂંડાં થયાં હતાં અને અળસીને કળીઓ ફૂટી હતી.

32 પણ ઘઉં અને કઠોળનો પાક થવાને વાર હોવાથી તેમને કંઈ નુક્સાન થયું નહિ.

33 તેથી મોશેએ ફેરો પાસેથી શહેર બહાર જઈને પ્રભુ તરફ પોતાના હાથ ઊંચા કર્યા એટલે કરા તથા કડાકા બંધ થયા, ને ધોધમાર વરસાદ પણ બંધ થયો.

34 ફેરોએ જ્યારે જોયું કે વરસાદ, કરા અને કડાકા બંધ પડયા છે, ત્યારે તેણે તથા તેના અમલદારોએ ફરીથી પાપ કરીને પોતાનાં હૃદય હઠીલાં કર્યાં.

35 એમ પ્રભુએ મોશેને કહ્યું હતું તે પ્રમાણે ફેરોએ પોતાનું હૃદય હઠીલું કર્યું અને ઇઝરાયલીઓને જવા દીધા નહિ.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan