Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

નિર્ગમન 8 - પવિત્ર બાઇબલ C.L.


બીજી આફત: દેડકાં

1 પછી પ્રભુએ મોશેને કહ્યું, “ફેરોની પાસે જઈને તેને કહે કે, ‘પ્રભુ આમ કહે છે: મારા લોકોને મારી સેવાભક્તિ કરવા જવા દે.

2 જો તું તેમને નહિ જવા દે તો હું તારા સમગ્ર દેશ પર દેડકાંની આફત લાવીશ.

3 નાઇલ નદી દેડકાંથી ખદબદશે. દેડકાં તારા મહેલમાં, તારા શયનખંડમાં, તારા પલંગ ઉપર તેમ જ તારા અમલદારોના ઘરમાં, તારી પ્રજા ઉપર, તમારી સગડીઓમાં અને તમારી થાળીઓમાં ચડી આવશે.

4 એ દેડકાં તારા ઉપર, તારી પ્રજા ઉપર અને તારા અમલદારો ઉપર ચડી આવશે.”

5 પછી પ્રભુએ મોશેને કહ્યું, “આરોનને કહે, ‘તારા હાથમાં લાકડી લઈને તેને નદીઓ, નહેરો અને જળાશયો ઉપર લંબાવીને ઇજિપ્ત દેશ પર દેડકાં લાવ.”

6 ત્યારે આરોને પોતાનો હાથ ઇજિપ્તના પાણી ઉપર લંબાવ્યો અને દેડકાંઓએ ચડી આવીને ઇજિપ્ત દેશને ઢાંકી દીધો.

7 પરંતુ જાદુગરો પણ તેમના મંત્રતંત્રથી તે પ્રમાણે ઇજિપ્ત પર દેડકાં લાવ્યા.

8 ત્યારે ફેરોએ મોશે તથા આરોનને બોલાવીને કહ્યું, “તમે પ્રભુને વિનંતી કરો કે તે મારી પાસેથી તેમ જ મારી પ્રજા પાસેથી દેડકાં દૂર કરે, અને હું લોકોને પ્રભુ આગળ યજ્ઞ કરવા જવા દઈશ.”

9 મોશેએ ફેરોને કહ્યું, “ભલે, તમારી એવી ઇચ્છા હોય તો તમારે માટે, તમારા અમલદારો માટે અને તમારી પ્રજા માટે હું ક્યારે પ્રભુને વિનંતી કરું કે તમારી પાસેથી અને તમારાં ઘરોમાંથી દેડકાં નાશ પામે અને માત્ર નાઇલમાં જ દેડકાં રહે?”

10 ફેરોએ કહ્યું, “આવતી કાલે.” મોશેએ કહ્યું, “તમારા કહેવા પ્રમાણે હું કાલે વિનંતી કરીશ; જેથી તમે જાણો કે અમારા ઈશ્વર પ્રભુ જેવો કોઈ છે જ નહિ.

11 દેડકાં તમારી પાસેથી અને તમારા મહેલમાંથી તેમ જ તમારા અમલદારો અને તમારી પ્રજા પાસેથી જતાં રહેશે અને ફક્ત નાઇલ નદીમાં જ રહેશે.”

12 પછી મોશે અને આરોન ફેરો પાસેથી બહાર ગયા અને જે દેડકાં પ્રભુ ફેરો સામે લાવ્યા હતા તે વિષે મોશેએ તેમને વિનંતી કરી.

13 પ્રભુએ મોશેના કહ્યા પ્રમાણે કર્યું. ઘરોમાંનાં, વાડાઓમાંનાં અને ખેતરોમાંનાં દેડકાં મરી ગયાં.

14 લોકોએ તેમના ઢગલા કર્યા અને આખો ઇજિપ્ત દેશ ગંધાઈ ઊઠયો.

15 પણ જ્યારે ફેરોએ જોયું કે દેડકાંથી તેનો છુટકારો થયો છે ત્યારે પ્રભુએ કહ્યું હતું તેમ તેણે પોતાનું હૃદય હઠીલું કર્યું અને મોશે અને આરોનનું કહેવું માન્યું નહિ.


ત્રીજી આફત: જૂ

16 પછી પ્રભુએ મોશેને કહ્યું, “આરોનને કહે, ‘તારી લાકડી ઉગામીને ધરતીની ધૂળ પર પ્રહાર કર કે આખા ઇજિપ્તમાં જૂઓ થઈ જાય.” તેણે તે પ્રમાણે કર્યું.

17 આરોને હાથમાં લાકડી લઈને ધરતીની ધૂળ પર પ્રહાર કર્યો એટલે આખા ઇજિપ્તની બધી જ ધૂળ જૂ બની ગઈ અને માણસો અને ઢોરઢાંકને જૂઓ પડી.

18 જાદુગરોએ પણ પોતાના મંત્રતંત્ર વડે જૂઓ પેદા કરવા પ્રયાસ કર્યો, પણ તેમ કરી શકાયા નહિ.

19 આમ, માણસો અને ઢોરઢાંકને જૂઓનો ત્રાસ થયો. ત્યારે જાદુગરોએ ફેરોને કહ્યું, “આ તો ઈશ્વરનું કામ છે.” તો પણ પ્રભુએ કહ્યું હતું તેમ ફેરોનું હૃદય હઠીલું થયું અને તેણે તેમનું માન્યું નહિ.


ચોથી આફત: માખીઓ

20 પછી પ્રભુએ મોશેને કહ્યું, “તું સવારે વહેલો ઊઠીને ફેરો નદીએ જાય ત્યારે ત્યાં તેની રાહ જોજે. તેને કહેજે, ‘પ્રભુ આમ કહે છે: મારા લોકને મારી સેવાભક્તિ કરવા જવા દે.

21 જો તું તેમને નહિ જવા દે તો હું તારા ઉપર, તારા અમલદારો ઉપર, તારી પ્રજા ઉપર અને તમારાં ઘરોમાં માખીઓનાં ટોળેટોળાં મોકલીશ. ઇજિપ્તીઓનાં ઘરોમાં અને તેઓ જ્યાં હરતાફરતા હોય ત્યાં બધી ભૂમિ પર માખીઓનાં ટોળાં ભરાઈ જશે.

22 પણ તે દિવસે મારા લોકો રહે છે તે ગોશેન પ્રાંતને હું એવી રીતે અલગ રાખીશ કે જેથી માખીઓનાં ટોળાં ત્યાં જશે નહિ. તમને ખબર પડશે કે દેશમાં આ કાર્યો કરનાર હું પ્રભુ છું.

23 આ રીતે મારા લોકો અને તારા લોકો વચ્ચે હું ભેદ રાખીશ. આવતી કાલે આ ચમત્કાર થશે.”

24 પ્રભુએ એ પ્રમાણે કર્યું. ફેરોના મહેલમાં અને તેના અમલદારોના ઘરોમાં માખીઓનાં ટોળેટોળાં આવ્યાં અને આખા ઇજિપ્તમાં માખીઓનાં ટોળાંથી ત્રાસ ત્રાસ થઈ ગયો.

25 પછી ફેરોએ મોશે તથા આરોનને બોલાવીને કહ્યું, “જાઓ, આ દેશમાં જ તમારા ઈશ્વરને માટે યજ્ઞ કરો.”

26 પરંતુ મોશેએ જવાબ આપ્યો, “એમ કરવું યોગ્ય નથી; કારણ, અમે અમારા ઈશ્વર પ્રભુને જે બલિદાનો ચડાવીએ છીએ તેનાથી ઇજિપ્તીઓને નફરત થશે. ઇજિપ્તીઓને નફરત આવે એવાં બલિદાનો અમે ચડાવીએ તો તેઓ અમને પથ્થરે નહિ મારે?

27 અમારે તો મુસાફરી કરતાં ત્રણ દિવસ લાગે તેટલે દૂર રણપ્રદેશમાં જવું પડશે અને અમારા ઈશ્વર પ્રભુ અમને આજ્ઞા આપે તે પ્રમાણે અમે તેમની આગળ યજ્ઞ કરીશું.”

28 ફેરોએ કહ્યું, “હું તમને તમારા પ્રભુ આગળ યજ્ઞ કરવા માટે જવા દઈશ, પણ તમારે બહુ દૂર જવું નહિ. તો હવે મારે માટે વિનંતી કરો.”

29 મોશેએ જવાબ આપ્યો, “તમારી પાસેથી બહાર ગયા પછી હું તરત જ પ્રભુને વિનંતી કરીશ કે આવતી કાલે તમારી પાસેથી, તમારા અમલદારો પાસેથી અને તમારી પ્રજા પાસેથી માખીઓ દૂર થાય. પણ અમને ફરીથી છેતરીને લોકોને પ્રભુ આગળ યજ્ઞ કરવા જવા દેવાની મનાઈ ફરમાવશો નહિ.”

30 પછી ફેરો પાસેથી બહાર જઈને મોશેએ પ્રભુને વિનંતી કરી

31 અને પ્રભુએ મોશેની વિનંતી પ્રમાણે કર્યું. તેમણે ફેરો પાસેથી, તેના અમલદારો પાસેથી અને તેની પ્રજા પાસેથી માખીઓ દૂર કરી અને એક પણ માખી રહી નહિ.

32 છતાં આ વખતે પણ ફેરોએ પોતાનું હૃદય હઠીલું કરીને લોકોને જવા દીધા નહિ.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan