નિર્ગમન 7 - પવિત્ર બાઇબલ C.L.1 ત્યારે પ્રભુએ મોશેને કહ્યું, “જો હું તને ફેરો માટે ઈશ્વર જેવો બનાવું છું અને તારો ભાઈ આરોન તારા પ્રવક્તા તરીકે તેની સાથે બોલશે. 2 હું તને જે આજ્ઞા આપું તે બધું તારે તારા ભાઈ આરોનને કહેવું. આરોન ફેરોને કહેશે, ‘તમે ઇઝરાયલીઓને તમારા દેશમાંથી જવા દો.’ 3 પણ હું ફેરોનું હૃદય હઠીલું બનાવીશ અને ઇજિપ્તમાં ઘણાં ચિહ્નો અને ચમત્કારો કરીશ. 4 છતાં ફેરો તમારું સાંભળશે નહિ; પછી હું મારો હાથ ઇજિપ્ત પર લંબાવીને તેને આકરી સજા કરીશ અને મારાં સૈન્યોને, એટલે ઇઝરાયલનાં કુળોને હું ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવીશ. 5 જ્યારે હું મારો હાથ લંબાવીને ઇઝરાયલીઓને ઇજિપ્તીઓ મધ્યેથી બહાર કાઢી લાવીશ ત્યારે ઇજિપ્તીઓ જાણશે કે હું પ્રભુ છું.” 6 મોશે અને આરોને બરાબર પ્રભુની આજ્ઞા પ્રમાણે જ કર્યું. 7 તેમણે ફેરો સાથે વાત કરી તે સમયે મોશે 80 વર્ષનો અને આરોન 83 વર્ષનો હતો. આરોનની લાકડી 8-9 પ્રભુએ મોશે તથા આરોનને કહ્યું, “ફેરો તમને કહે કે તમે ચમત્કાર કરીને ખાતરી કરાવો ત્યારે તું આરોનને આમ કહેજે: ‘તારી લાકડી લઈને ફેરોની સમક્ષ નાખ કે તે સર્પ બની જાય.” 10 પછી મોશે તથા આરોન ફેરો પાસે ગયા, અને પ્રભુએ તેમને આપેલી આજ્ઞા પ્રમાણે કર્યું; આરોને પોતાની લાકડી ફેરો તથા તેના અમલદારો સમક્ષ જમીન પર ફેંકી, એટલે તે સર્પ બની ગઈ. 11 ત્યારે ફેરોએ પણ જ્ઞાનીઓને તથા જાદુગરોને બોલાવ્યા. ઇજિપ્તના જાદુગરોએ પણ તેમના મંત્રતંત્ર વડે તે જ પ્રમાણે કર્યું. 12 એટલે કે તેમનામાંના દરેકે પોતાની લાકડી જમીન પર ફેંકી, ને તે સર્પો બની ગઈ; પણ આરોનની લાકડી તેમની લાકડીઓને ગળી ગઈ. 13 પ્રભુએ કહ્યું હતું તેમ ફેરોનું હૃદય હઠીલું થયું અને તેણે મોશે તથા આરોનનું કહેવું માન્યું નહિ. ઇજિપ્ત પર આફતો પ્રથમ આફત: પાણીનું રક્ત બનાવી દેવું 14 પછી પ્રભુએ મોશેને કહ્યું, “ફેરોનું હૃદય હઠીલું થયું છે અને તે લોકોને જવા દેવાની ના પાડે છે. 15 તેથી સવારે ફેરો નાઇલ નદીએ જાય ત્યારે તું તેની પાસે જજે; તેને મળવા માટે તું નદીકિનારે ઊભો રહેજે. જે લાકડી સર્પ બની ગઈ હતી તે તારા હાથમાં લઈ જજે. 16 તું ફેરોને કહેજે, ‘હિબ્રૂઓના ઈશ્વર પ્રભુએ મને તમારી પાસે મોકલ્યો છે. તેમણે આમ કહ્યું છે: મારા લોકોને મારી સેવાભક્તિ કરવા રણપ્રદેશમાં જવા દે.’ પણ અત્યાર સુધી તમે સાંભળ્યું નથી. 17 તો હવે પ્રભુ તમને જણાવે છે કે તે હવે જે કાર્ય કરવાના છે તે પરથી તે પ્રભુ છે એની તમને ખબર પડશે. હું મારા હાથમાંની આ લાકડી નાઇલનાં પાણી પર મારીશ એટલે પાણી રક્ત બની જશે. 18 તેને લીધે નાઇલ નદીમાંનાં માછલાં મરી જશે, ને નદી ગંધાઈ ઊઠશે; અને ઇજિપ્તના રહેવાસીઓ નાઇલનું પાણી પી શકશે નહિ.” 19 પ્રભુએ મોશેને કહ્યું, “આરોનને કહે, ‘તું તારા હાથમાં લાકડી લઈને તેને ઇજિપ્તનાં પાણી પર, તેમની નદીઓ ઉપર, નહેરો ઉપર, તેમનાં તળાવો ઉપર અને તેમનાં સર્વ જળાશયો ઉપર લંબાવ, એટલે એમનાં બધાં પાણી, અરે, સમગ્ર ઇજિપ્ત દેશમાંનાં લાકડાંનાં તેમ જ પથ્થરનાં તમામ પાત્રોમાંનું પાણી રક્ત બની જશે.” 20 મોશે અને આરોને પ્રભુએ આપેલી આજ્ઞા પ્રમાણે કર્યું, ફેરો તથા તેના અમલદારોના દેખતાં આરોને લાકડી ઊંચી કરીને નાઇલ નદીના પાણી પર મારી, એટલે નાઇલનું બધું જ પાણી રક્ત બની ગયું. 21 ત્યારે નાઇલ નદીમાંનાં બધાં માછલાં મરી ગયાં અને નદીનું પાણી દુર્ગંધ મારવા લાગ્યું. ઇજિપ્તના રહેવાસીઓ નાઇલ નદીનું પાણી પી શકાયા નહિ. આખા ઇજિપ્ત દેશમાં રક્ત જ રક્ત થઈ રહ્યું. 22 પરંતુ ઇજિપ્તના જાદુગરોએ પણ તેમના મંત્રતંત્રથી એ પ્રમાણે કર્યું; જેથી પ્રભુએ કહ્યું હતું તેમ ફેરોનું હૃદય હઠીલું થયું અને તેણે મોશે તથા આરોનનું કહેવું માન્યું નહિ. 23 પછી ફેરો ત્યાંથી પાછો પોતાને ઘેર ગયો. છતાં આ વાત વિષે તેણે વિચાર સરખોય કર્યો નહિ, 24 હવે સર્વ ઇજિપ્તીઓએ પીવાના પાણી માટે નાઈલની આજુબાજુ વીરડા ખોદ્યા: કારણ, તેઓ નાઇલનું પાણી પી શકાયા નહિ. 25 પ્રભુએ નાઇલ નદીને માર્યાને સાત દિવસ વીતી ગયા. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide