નિર્ગમન 6 - પવિત્ર બાઇબલ C.L.1 પછી પ્રભુએ મોશેને કહ્યું, “હવે હું ફેરોની કેવી દશા કરું છું તે તું જોજે; કારણ, મારા બાહુબળના પ્રભાવથી તે તમને જવા દેશે; અરે, મારા બાહુબળને લીધે તો તે તમને તેના દેશમાંથી હાંકી કાઢશે.” 2-3 વળી, ઈશ્વરે મોશેને કહ્યું, “હું યાહવે છું. એલ-શાદાય (સર્વસમર્થ ઈશ્વર) એ નામે મેં અબ્રાહામ, ઇસ્હાક અને યાકોબને દર્શન દીધું હતું, પણ મારા પવિત્ર નામ યાહવેથી મેં તેમને મારી ઓળખ આપી નહોતી. 4 મેં તેમની સાથે કરાર કર્યો ત્યારે તેઓ જે દેશમાં પ્રવાસીઓ તરીકે વસ્યા હતા તે દેશ આપવાનું મેં તેમને વચન આપ્યું હતું. 5 હવે મેં ઇજિપ્તીઓની ગુલામીમાં પીડાતા ઇઝરાયલી લોકોના નિસાસા સાંભળ્યા છે અને મારો કરાર સંભાર્યો છે. 6 તેથી ઇઝરાયલીઓને કહે કે, હું પ્રભુ છું. હું તમને ઇજિપ્તીઓની વેઠમાંથી અને તેમની ગુલામીમાંથી મુક્ત કરીશ. હું મારો હાથ ઉગામીને તેમના પર ભારે સજા લાવીને તમારો ઉદ્ધર કરીશ. 7 હું તમને મારા લોકો તરીકે અપનાવીશ, અને હું તમારો ઈશ્વર થઈશ. ત્યારે તમે જાણશો કે ઇજિપ્તીઓની વેઠથી તમને મુક્ત કરનાર હું તમારો ઈશ્વર પ્રભુ છું. 8 અબ્રાહામ, ઇસ્હાક અને યાકોબને જે દેશ આપવાના મેં સમ ખાધા હતા તે દેશમાં હું તમને લઈ જઈને તે તમારા વતન તરીકે આપીશ. હું પ્રભુ છું.” 9 મોશેએ એ બધું ઇઝરાયલીઓને કહ્યું, પણ નિર્દય ગુલામીને લીધે તેમનાં મન ભાંગી પડયાં હતાં. તેથી તેમણે તેનું સાંભળ્યું નહિ. 10 પછી પ્રભુએ મોશેને કહ્યું, 11 “તું જઈને ઇજિપ્તના રાજા ફેરોને કહે કે તે ઇઝરાયલી લોકોને તેના દેશમાંથી જવા દે.” 12 પણ મોશેએ પ્રભુને કહ્યું, “જ્યારે ઇઝરાયલી લોકોએ જ મારું ન સાંભળ્યું તો પછી ફેરો મારું કેવી રીતે સાંભળશે? હું તો બોલવે ધીમો છું.” 13 પ્રભુએ મોશે તથા આરોનને આજ્ઞા કરી કે ઇઝરાયલીઓ અને ઇજિપ્તના રાજા ફેરોને જઈને કહો કે ઇઝરાયલીઓને ઇજિપ્તમાંથી મુક્ત કરવા મેં તમને આદેશ આપ્યો છે.” મોશે તથા આરોનના કુટુંબની વિગતો 14 કુળપુરુષો પ્રમાણે કુટુંબના મુખ્ય માણસો આ પ્રમાણે હતા: ઇઝરાયલના જયેષ્ઠપુત્ર રૂબેનના પુત્રો: હનોખ, પાલ્લુ, હેસ્રોન અને કાર્મી, તેઓ તેમના નામથી ઓળખાતા ગોત્રના પૂર્વજો હતા. 15 શિમયોનના પુત્રો: યમૂએલ, યામીન, ઓહાદ, યાખીન, સોહાર અને કનાની પત્નીનો પુત્ર શાઉલ. તેઓ તેમના નામથી ઓળખાતા ગોત્રના પૂર્વજો હતા. 16 લેવીના પુત્રોનાં નામ આ પ્રમાણે છે: ગેર્શોન, કહાથ અને મરારી, લેવીનું આયુષ્ય 138 વર્ષનું હતું. 17 ગેર્શોનના પુત્રો: લિબ્ની અને શિમઈ 18 કહાથના પુત્રો: આમ્રામ, યિસ્હાર, હેબ્રોન અને ઉઝિઝયેલ. કહાથનું આયુષ્ય 133 વર્ષનું હતું. 19 મરારીના પુત્રો: માહલી અને મુશી. આ લેવીકુળનાં ગોત્રો અને તેમના વંશજો હતા. 20 આમ્રામે પોતાની ફોઈ યોખેબેદ સાથે લગ્ન કર્યાં અને યોખેબેદને આરોન અને મોશે જન્મ્યા. આમ્રામ 137 વર્ષ જીવ્યો. 21 યિસ્હારના પુત્રો: કોરા, નેફેગ અને ઝિખ્રી 22 ઉઝિઝયેલના પુત્રો: મિશાયેલ, એલ્સાફાન અને સિથ્રી. 23 આરોને આમ્મીનાદાબની પુત્રી એટલે નાહશોનની બહેન એલીશેબા સાથે લગ્ન કર્યાં. એલીશેબાએ નાદાબ, અબીહૂ, એલાઝાર અને ઇથામારને જન્મ આપ્યો. 24 કોરાના પુત્રો: આસ્સીર, એલ્કાના અને અબ્યાથાર. તેઓ કોરા ગોત્રના વર્ગના પૂર્વજો હતા. 25 આરોનના પુત્ર એલાઝારે પૂટીએલની પુત્રીઓમાંથી એકની સાથે લગ્ન કર્યાં, અને તેની પત્નીએ ફિનહાસને જન્મ આપ્યો. આ લેવીકુળના ગોત્રના અને કુટુંબોના મુખ્ય માણસો હતા. 26 આ જ આરોન અને મોશેને પ્રભુએ ઇઝરાયલીઓને તેમનાં કુળો પ્રમાણે ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવવા જણાવ્યું હતું. 27 ઇઝરાયલીઓને ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવવા ફેરોની સાથે વાત કરનાર આ જ મોશે તથા આરોન હતા. મોશે અને આરોનને ઈશ્વરનો આદેશ 28-29 પ્રભુએ મોશે સાથે ઇજિપ્તમાં વાત કરી તે દિવસે તેમણે તેને કહ્યું, “હું પ્રભુ છું. હું તને જે જે કહું તે બધું તારે ઇજિપ્તના રાજા ફેરોને કહેવું.” 30 પરંતુ મોશેએ પ્રભુને કહ્યું, “જુઓ, હું તો બોલવે ધીમો છું. ફેરો મારું કેવી રીતે સાંભળશે?” |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide