નિર્ગમન 5 - પવિત્ર બાઇબલ C.L.ફેરો સમક્ષ મોશે અને આરોનની રજૂઆત 1 ત્યારપછી મોશે અને આરોને ફેરો પાસે જઈને કહ્યું, “ઇઝરાયલના ઈશ્વર યાહવે આ પ્રમાણે કહે છે: ‘મારા લોકોને મારા માનાર્થે રણપ્રદેશમાં પર્વ પાળવા જવા દે.” 2 પણ ફેરોએ કહ્યું, “આ યાહવે કોણ છે કે હું તેનું સાંભળીને ઇઝરાયલીઓને જવા દઉં? હું એને ઓળખતો નથી, અને હું ઇઝરાયલીઓને જવા દેવાનો પણ નથી.” 3 મોશે અને આરોને જવાબ આપ્યો, “અમને હિબ્રૂઓના ઈશ્વરનો મેળાપ થયો છે. તેથી અમારી વિનંતી છે કે અમારા ઈશ્વર પ્રભુ સમક્ષ યજ્ઞ કરવા માટે મુસાફરી કરતાં ત્રણ દિવસ લાગે તેટલે દૂર અમને રણપ્રદેશમાં જવા દો. નહિ તો તે કદાચ અમારો રોગચાળાથી કે તલવારથી નાશ કરશે.” 4 પણ ઇજિપ્તના રાજાએ મોશે અને આરોનને કહ્યું, “તમે શા માટે લોકોને તેમનું કામ કરવા દેતા નથી? જાઓ, તમે તમારા કામે લાગી જાઓ. 5 તમે આ દેશમાં તમારા લોકોને તેમના કામમાંથી વિસામો અપાવા માગો છો?” 6 તે જ દિવસે ફેરોએ લોકોના ઇજિપ્તી મુકાદમો અને ઇઝરાયલી ઉપરીઓને આજ્ઞા આપી: 7 “તમારે લોકોને પહેલાંની જેમ ઈંટો પાડવા પરાળ આપવું નહિ; તેઓ જાતે જઈને પોતાને માટે પરાળ એકઠું કરી લાવે. 8 છતાં આજ દિવસ સુધી તેઓ અગાઉ જેટલી ઈંટો પાડતા હતા તેટલી જ ઈંટો પાડવાની તેમને ફરજ પાડો; તેની સંખ્યામાં ઘટાડો કરશો નહિ. કારણ, તેઓ આળસુ છે અને એટલા જ માટે તેઓ પોતાના ઈશ્વર સમક્ષ યજ્ઞ કરવા જવા દેવાની મને વિનંતી કર્યા કરે છે. 9 એ લોકોને શિર કામનો બોજો વધારો; જેથી તેઓ કામમાં વ્યસ્ત રહે અને જૂઠી વાતો પર લક્ષ ન આપે.” 10 તેથી લોકોના ઇજિપ્તી મુકાદમો તથા ઇઝરાયલી ઉપરીઓએ ત્યાંથી જઈને લોકોને કહ્યું, “ફેરો આ પ્રમાણે કહે છે, ‘હું તમને પરાળ આપીશ નહિ. 11 તમે જઈને જ્યાંથી મળે ત્યાંથી તમારે માટે પરાળ લઈ આવો, પણ તમારે માટે ઠરાવેલા કામમાં જરાયે ઘટાડો કરવામાં આવશે નહિ” 12 તેથી લોકો પરાળની શોધ કરી તે એકઠું કરવા માટે આખા ઇજિપ્ત દેશમાં ફરી વળ્યા. 13 મુકાદમો તેમને અવારનવાર તાકીદ કરવા લાગ્યા, “તમને પરાળ અપાતું હતું ત્યારે તમારે જેટલું કામ કરવાનું હતું તેટલું જ કામ તમારે પૂરું કરી આપવાનું છે.” 14 ફેરોના મુકાદમોએ ઇઝરાયલી ઉપરીઓને માર મારતાં કહ્યું, “તમે અત્યાર સુધી જેટલી ઈંટો પાડતા હતા તેટલી ઈંટો આજે અને કાલે કેમ પૂરી કરી નથી?” 15 ત્યારે ઇઝરાયલી ઉપરીઓએ ફેરો સમક્ષ જઈને અરજ કરતાં કહ્યું, “નામદાર, તમે તમારા સેવકો સાથે આવી રીતે કેમ વર્ત્યા છો? 16 આ તમારા સેવકોને પરાળ આપવામાં આવતું નથી અને છતાં અમને ઈંટો પાડવાનું કહેવામાં આવે છે. હવે તો અમને મારપીટ કરવામાં આવે છે, પણ વાંક તો તમારા લોકોનો છે.” 17 પણ ફેરોએ જવાબ આપ્યો, “તમે આળસુ છો, તમે એદી છો. તેથી જ તમે કહો છો કે અમને પ્રભુની સમક્ષ યજ્ઞ કરવા જવા દો. 18 તેથી જાઓ અને કામ કરો. તમને પરાળ આપવામાં નહિ આવે અને છતાં તમારે ઈંટોની નિયત સંખ્યા પૂરી કરી આપવી પડશે.” 19 દરરોજ પાડવાની ઈંટોની સંખ્યામાં કંઈ ઘટાડો કરવાનો નથી એવું કહેવામાં આવ્યું ત્યારે ઇઝરાયલી ઉપરીઓને ખબર પડી કે તેઓ વિકટ પરિસ્થિતિમાં મૂકાઈ ગયા છે. 20 તેઓ ફેરો પાસેથી પાછા આવતા હતા ત્યારે તેમની રાહ જોઈ રહેલા મોશે અને આરોન તેમને મળ્યા. 21 ઉપરીઓએ તેમને કહ્યું, “પ્રભુ તમારાં કામ જોઈને તમને સજા કરો; કારણ, ફેરો તથા તેના અધિકારીઓની દૃષ્ટિમાં તમે અમને ધિક્કારપાત્ર બનાવ્યા છે અને અમને મારી નાખવા માટે તેમના હાથમાં તલવાર મૂકી છે.” મોશે ઈશ્વરને ફરિયાદ કરે છે 22 ત્યારે મોશેએ પ્રભુ પાસે જઈને તેમને કહ્યું, “હે પ્રભુ, તમે શા માટે લોકોની આવી દુર્દશા કરી છે? તમે શા માટે મને મોકલ્યો છે? 23 કારણ, હું તમારે નામે ફેરોને કહેવા ગયો ત્યારથી તેણે લોકોને દુ:ખ દેવા માંડયું છે અને તમે પણ તમારા લોકોને છોડાવવા કંઈ જ કર્યું નથી.” |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide