નિર્ગમન 40 - પવિત્ર બાઇબલ C.L.મુલાકાતમંડપની સ્થાપના અને સમર્પણ વિધિ 1 પ્રભુએ મોશેને કહ્યું, 2 પ્રથમ માસના પ્રથમ દિવસે મુલાકાતમંડપ ઊભો કરજે. 3 તે મંડપમાં સાક્ષ્યલેખ રાખેલી કરારપેટી મૂકજે અને તેને પડદાથી ઢાંકી દેજે. મેજ લાવીને તેના પર તેનાં સર્વ સાધનો ગોઠવજે. 4 વળી, દીપવૃક્ષ લાવીને તેના પર દીવા મૂકજે. 5 સોનાની ધૂપવેદીને તું સાક્ષ્યલેખ રાખેલી કરારપેટી આગળ મૂકજે, અને મંડપના પ્રવેશદ્વાર આગળ પડદો લટકાવજે. 6 મંડપની આગળ બલિદાન માટે યજ્ઞવેદી મૂકજે. 7 મંડપ તથા યજ્ઞવેદીની વચમાં જળકુંડ મૂકજે અને તેને પાણીથી ભરજે. 8 પછી આસપાસનું આંગણું તૈયાર કરીને તેના પ્રવેશદ્વાર પર પડદો લટકાવજે. 9 “પછી તમે મંડપનું તેનાં સર્વ સાધનો સહિત સમર્પણ કરજો. પવિત્ર તેલ વડે તેનો અભિષેક કરીને તેનું સમર્પણ કરજો એટલે તે પવિત્ર થશે. 10 પછી વેદીનો તથા તેનાં સર્વ સાધનોનો અભિષેક કરીને તેમનું સમર્પણ કરજો, એટલે તે સંપૂર્ણ પવિત્ર થશે. 11 તે જ રીતે જળકુંડ અને તેની બેઠકનું પણ સમર્પણ કરજો. 12 “આરોન અને તેના પુત્રોને મંડપના પ્રવેશદ્વાર આગળ લાવીને તેમને વિધિગત રીતે સ્નાન કરવા જણાવ. 13 યજ્ઞકારનાં વસ્ત્રો પહેરાવીને આરોનનો અભિષેક કર અને એ રીતે તેનું સમર્પણ કર; જેથી તે યજ્ઞકાર તરીકે મારી સેવા બજાવે. 14 તેના પુત્રોને લાવીને તેમના ડગલા પહેરાવ. 15 પછી જેવી રીતે તેમના પિતાનો અભિષેક કર્યો તે જ રીતે તેમનો પણ અભિષેક કર; જેથી તેઓ યજ્ઞકાર તરીકે મારી સેવા બજાવે. આ અભિષેક દ્વારા તેઓ અને તેમના વંશજોને પેઢી દરપેઢી કાયમી ધોરણનું યજ્ઞકારપદ પ્રાપ્ત થશે.” 16 મોશેએ સઘળું પ્રભુની આજ્ઞા પ્રમાણે કર્યું. 17 તેથી તેમના ઇજિપ્તમાંથી નીકળ્યાના બીજા વર્ષના પ્રથમ માસના પ્રથમ દિવસે મુલાકાતમંડપની સ્થાપના કરવામાં આવી. 18 મોશેએ મંડપની કૂંભીઓ બેસાડી, તેનાં પાટિયાં ઊભાં કર્યાં, તેની વળીઓ બેસાડી અને તેના સ્તંભો ઊભા કર્યા. 19 પ્રભુની આજ્ઞા પ્રમાણે તેણે મંડપ પર આચ્છાદન લગાડયું અને તેના પર બહારનું આચ્છાદન ઢાંકયું. 20 પછી તેણે સાક્ષ્યલેખની બન્ને શિલાપાટીઓ લઈને કરારપેટીમાં મૂકી. તેના દાંડાઓ તેના કડાંઓમાં પરોવ્યા અને કરારપેટી પર તેનું ઢાંકણ ઢાંકયું. 21 પછી તેણે સાક્ષ્યલેખની કરારપેટી મંડપમાં મૂકી અને તેના પર આડશનો પડદો ઢાંકયો. તેણે એ બધું પ્રભુની આજ્ઞા પ્રમાણે જ કર્યું. 22 તેણે મંડપની અંદર આડશના પડદાની બહાર ઉત્તર દિશામાં મેજ મૂકી. 23 અને તેના પર અર્પિત રોટલી મૂકી. તેણે એ પ્રભુની આજ્ઞા પ્રમાણે જ કર્યું. 24 તેણે મંડપની અંદર દક્ષિણ દિશામાં મેજની સામેની બાજુએ દીપવૃક્ષ મૂકયું. 25 અને પ્રભુની સમક્ષ તેણે દીવા સળગાવ્યાં. તેણે એ પ્રભુની આજ્ઞા પ્રમાણે જ કર્યું. 26 તેણે મંડપની અંદર પડદાની આગળ સોનાની ધૂપવેદી મૂકી 27 અને સુગંધીદાર ધૂપ સળગાવ્યો. તેણે એ પ્રભુની આજ્ઞા પ્રમાણે જ કર્યું. 28 તેણે મંડપના પ્રવેશદ્વાર આગળ પડદો લટકાવ્યો. 29 અને તે પડદાની આગળ બલિદાન ચડાવવાની યજ્ઞવેદી મૂકી. તે વેદી પર તેણે દહનબલિ અને ધાન્ય-અર્પણો ચડાવ્યાં. તેણે એ પ્રભુની આજ્ઞા પ્રમાણે કર્યું. 30 તેણે મંડપ અને વેદીની વચ્ચે જળકુંડ મૂકયો અને તેને પાણીથી ભર્યો. 31-32 મોશે, આરોન અને આરોનના પુત્રો જ્યારે જ્યારે મંડપમાં અથવા વેદી પાસે જતા ત્યારે તે જળકુંડમાં પોતાના હાથપગ ધોતા. તેમણે એ પ્રભુની આજ્ઞા પ્રમાણે જ કર્યું. 33 મોશેએ મંડપની આસપાસ આંગણું બનાવ્યું અને તેમાં વેદી મૂકી તથા આંગણાના પ્રવેશદ્વાર પર પડદો લટકાવ્યો. એમ તેણે બધું કામ પૂર્ણ કર્યું. મુલાકાતમંડપ પર વાદળ ( ગણ. 9:15-23 ) 34 પછી વાદળે આવીને મંડપને ઢાંકી દીધો અને પ્રભુની હાજરીના ગૌરવથી મંડપ ભરાઈ ગયો. 35 એને લીધે મોશે મંડપમાં જઈ શકાયો નહિ. 36 જ્યારે મંડપ પરથી વાદળ ખસી જતું ત્યારે જ ઇઝરાયલીઓ પોતાની છાવણી બીજે સ્થળે લઈ જતા. 37 જ્યાં સુધી મંડપ પર વાદળ રહેતું ત્યાં સુધી તેઓ પોતાની છાવણી તે સ્થળેથી ખસેડતા નહિ. 38 પોતાના સમગ્ર પ્રવાસ દરમ્યાન સર્વ ઇઝરાયલીઓ પ્રભુના વાદળને મુલાકાતમંડપ પર દિવસ દરમ્યાન સ્થિર રહેતું અને રાત્રે તેમાં અગ્નિ સળગતો જોઈ શક્તા. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide