નિર્ગમન 4 - પવિત્ર બાઇબલ C.L.ઈશ્વરે મોશેને આપેલો દૈવી અધિકાર 1 ત્યારે મોશેએ જવાબ આપ્યો, “પણ તેઓ મારું કહેવું માને જ નહિ અને મારી વાણી સાંભળે જ નહિ અને એમ કહે કે, ‘પ્રભુએ તને દર્શન દીધું જ નથી’ તો મારે શું કરવું?” 2 પ્રભુએ તેને કહ્યું, “તારા હાથમાં શું છે?” 3 મોશેએ કહ્યું, “લાકડી” પ્રભુએ તેને કહ્યું, “તેને જમીન પર ફેંદી દે.” મોશેએ લાકડી જમીન પર ફેંકી તો તે સાપ બની ગઈ અને મોશે તેનાથી દૂર ભાગ્યો. 4 પણ પ્રભુએ તેને કહ્યું, “તારો હાથ લંબાવીને તેની પૂંછડી પકડ.” તેથી તેણે પોતાનો હાથ લંબાવીને તેને પકડયો, તો તે તેના હાથમાં પાછી લાકડી બની ગઈ. 5 પ્રભુએ કહ્યું, “એવું કરજે, જેથી તેમને વિશ્વાસ બેસે કે તેમના પૂર્વજોના ઈશ્વર પ્રભુએ, એટલે અબ્રાહામ, ઇસ્હાક, અને યાકોબના ઈશ્વરે તને દર્શન દીધું છે.” 6 પ્રભુએ ફરીથી મોશેને કહ્યું, “તારો હાથ તારા બદનમાં મૂક.” તેણે પોતાનો હાથ બદનમાં મૂક્યો; પણ જ્યારે હાથ બહાર કાઢયો ત્યારે તેનો હાથ કોઢવાળો બની હિમ જેવો સફેદ થઈ ગયો હતો. 7 પછી ઈશ્વરે તેને કહ્યું, “તારો હાથ ફરી તારાં બદનમાં મૂક.” તેથી તેણે પોતાનો હાથ ફરીથી બદનમાં મૂક્યો, પછી હાથ બહાર કાઢયો તો તે બાકીના શરીર જેવો તંદુરસ્ત થઈ ગયો હતો. 8 પ્રભુએ તેને કહ્યું, “તેઓ તારા પર વિશ્વાસ ન મૂકે અથવા પ્રથમ ચિહ્નથી તેમને ખાતરી ન થાય તો કદાચ આ બીજા ચિહ્નથી તેમને ભરોસો પડશે. 9 પણ આ બન્ને ચિહ્નોથી ય તેમને વિશ્વાસ ન બેસે અને તારું કહેવું ન માને તો તું નાઈલ નદીમાંથી થોડું પાણી લઈ કોરી જમીન પર રેડજે. તેં નદીમાંથી લઈને કોરી ભૂમિ પર રેડેલું પાણી રક્ત બની જશે.” 10 પણ મોશેએ પ્રભુને કહ્યું, “હે પ્રભુ, ભૂતકાળમાં તેમ જ તમે તમારા સેવક સાથે વાત કર્યા પછી પણ, હું તો સારો વક્તા નથી; હું તો બોલવે ધીમો છું અને બોલતાં અચકાઉં છું.” 11 પ્રભુએ તેને કહ્યું, “માણસનું મુખ કોણે બનાવ્યું છે? તેને મૂંગો કે બહેરો અથવા દેખતો કે આંધળો કોણ બનાવે છે? એમ કરનાર શું હું પ્રભુ નથી? 12 તો જા, હું તને બોલવામાં મદદ કરીશ અને તારે શું કહેવું તે તને શીખવીશ.” 13 પણ મોશેએ કહ્યું, “હે મારા પ્રભુ, એ માટે કૃપા કરી કોઈ બીજાને મોકલો.” 14 ત્યારે મોશે પર પ્રભુનો ક્રોધ ભભૂકી ઊઠયો. તેમણે કહ્યું, “શું લેવી આરોન તારો ભાઈ નથી? તે બોલવામાં ચપળ છે તે હું જાણું છું. હકીક્તમાં, અત્યારે તે તને મળવા આવી રહ્યો છે અને તને જોઈને તે પોતાના મનમાં ખુશ થશે. 15 તું તેની સાથે વાત કરીને તેણે શું કહેવું તે તેને શીખવજે. હું તને અને આરોનને બોલવામાં મદદ કરીશ, અને તમારે શું કરવું તે હું તમને શીખવીશ. 16 તે તારા વતી લોકો સાથે વાત કરશે, અને તે તારા મુખ જેવો બનશે. 17 હવે તારા હાથમાં આ લાકડી લે; કારણ, એના વડે તારે ચમત્કારો કરવાના છે.” મોશે ઇજિપ્તમાં પાછો આવે છે 18 મોશેએ તેના સસરા યિથ્રો પાસે જઈને તેને કહ્યું, “મને મારા ભાઈઓ પાસે ઇજિપ્તમાં પાછો જવા દો; જેથી હું જઈને જોઉં કે તેઓ હજી જીવે છે કે કેમ.” યિથ્રોએ મોશેને કહ્યું, “ભલે, શાંતિથી જા.” 19 મિદ્યાનમાં પ્રભુએ મોશેને કહ્યું, “ઇજિપ્ત પાછો જા; કારણ, જેઓ તને મારી નાખવા માગતા હતા તે બધા મૃત્યુ પામ્યા છે.” 20 તેથી પોતાની પત્ની અને પુત્રોને ગધેડા પર બેસાડીને મોશે ઇજિપ્ત પાછો જવા નીકળ્યો. મોશેએ પોતાના હાથમાં ઈશ્વરની લાકડી પણ લઈ લીધી. 21 પ્રભુએ મોશેને કહ્યું, “તું ઈજિપ્ત પાછો જાય ત્યારે મેં તને જે જે ચમત્કારો કરવાની શક્તિ આપી છે તે બધા ચમત્કારો ફેરો આગળ કરી બતાવજે. તો પણ હું ફેરોનું હૃદય હઠીલું બનાવીશ; જેથી તે લોકોને જવા દેશે નહિ. 22 ત્યારે તું ફેરોને કહેજે કે, પ્રભુ આ પ્રમાણે કહે છે: ‘ઇઝરાયલ મારો જયેષ્ઠ પુત્ર છે, 23 અને મેં તને મારા પુત્રને મારી સેવાભક્તિ કરવા જવા દેવા કહ્યું; પણ તેં તેને જવા દેવાનો ઇનકાર કર્યો છે. તેથી હું તારા જયેષ્ઠપુત્રને મારી નાખીશ.” મોશેના પુત્રની સુન્નત 24 મોશેએ રસ્તામાં એક સ્થળે મુકામ કર્યો. પ્રભુ મોશેને ત્યાં મળ્યા અને તે તેને મારી નાખવાના હતા. 25-26 તેથી તરત જ તેની પત્ની સિપ્પોરાએ ચકમકનો તીક્ષ્ણ પથ્થર લઈને પોતાના પુત્રની સુન્નત કરી અને તેની ચામડી મોશેના પગને અડકાડી. સુન્નતના વિધિને કારણે તે બોલી, “તમે તો મારે માટે રક્તના પતિ બન્યા છો.” તેથી ઈશ્વરે મોશેને જવા દીધો. 27 દરમ્યાનમાં, પ્રભુએ આરોનને કહ્યું, “તું મોશેને મળવા રણપ્રદેશમાં જા.” તેથી તે ગયો, અને ઈશ્વરના પર્વત આગળ તેને મળીને ચુંબન કર્યું. 28 પ્રભુએ મોશેને જે જે કહ્યું હતું અને તેને જે જે ચમત્કારો કરવાની આજ્ઞા આપી હતી તે બધું તેણે આરોનને કહી સંભળાવ્યું. 29 પછી મોશે અને આરોને જઈને ઇઝરાયલીઓના સર્વ આગેવાનોને એકઠા કર્યા. 30 પ્રભુએ મોશેને કહેલી સર્વ વાતો આરોને તેમને કહી સંભળાવી, તથા લોકો આગળ સર્વ ચમત્કારો કરી બતાવ્યા. 31 ત્યારે લોકોને વિશ્વાસ બેઠો. તેમણે સાંભળ્યું કે પ્રભુએ ઇઝરાયલી લોકોની મુલાકાત લીધી છે અને તેમનાં દુ:ખ જોયાં છે, ત્યારે તેમણે માથાં નમાવીને ઈશ્વરનું ભજન કર્યું. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide